ઑટિઝમ ને ડાઉન સિન્ડ્રૉમ ધરાવતાં યુવાનો ચલાવે છે જુહુનું આ હટકે કૅફે

Updated: Aug 23, 2019, 15:11 IST | કૅફે કલ્ચર-દિવ્યાશા દોશી | મુંબઈ

મનીલાના પઝલ કૅફે પરથી પ્રેરણા લઈને સાઇકોલૉજિસ્ટ ડૉ. સુષમા નાગરકર દ્વારા શરૂ થયેલા અર્પણ કૅફેમાં કિચનથી લઈને સર્વિંગ સુધીનું કામ ડિફરન્ટલી એબલ યુવાનો દ્વારા થાય છે. આ કૅફેનું ઇન્ટિરિયર તેમ જ અહીં સર્વ થતા નાસ્તાપાણી અને સર્વ કરનારાઓ પણ કંઈક વિશેષ છે

ઑટિઝમ ને ડાઉન સિન્ડ્રૉમ ધરાવતાં યુવાનો ચલાવે છે જુહુનું આ હટકે કૅફે
ઑટિઝમ ને ડાઉન સિન્ડ્રૉમ ધરાવતાં યુવાનો ચલાવે છે જુહુનું આ હટકે કૅફે

જુહુ તારા રોડ તરફ જતાં સાંતાક્રુઝ (વેસ્ટ)માં એક જમાનામાં લીડો ટૉકીઝ જાણીતી હતી. હજી કેટલાક લોકો લીડો ટૉકીઝ બસ-સ્ટૉપ તરીકે ઓળખે ખરા. આ બસ-સ્ટૉપની સામે જ એસએનડીટી મહિલા વિદ્યાપીઠનો ગેટ જોઈ શકાય છે. આ બસ-સ્ટૉપની પાછળ બૅન્કની બાજુમાં ટર્કોઇઝ એટલે કે ગ્રીનિશ બ્લુ રંગ તમારું ધ્યાન ખેંચે. એનો દેખાવ વિદેશી કૅફેની યાદ દેવડાવે. ટર્કોઇઝ રંગ આકર્ષક લાગવા સાથે શાંતિનો અનુભવ કરાવે એવો વિચાર કરતાં કાચ અને લાકડાનો દરવાજો ખોલીને અંદર દાખલ થઈએ ત્યાં તો સામેથી એક છોકરો સ્મિત સાથે અમારું સ્વાગત કરે છે, વેલકમ ટુ અર્પણ કૅફે. ઍપ્રન પર લગાવેલું નામ વંચાય છે - આનંદ. તે અમને દોરી જાય છે એક ખાલી ટેબલ તરફ.
કૅફેમાં વાતાવરણ શાંત છતાં અનોખું છે. સાદું છતાં ઍસ્થેટિક ઇન્ટીરિયર તમારું ધ્યાન ખેંચે. દીવાલ પર લખેલા લખાણ અને ફોટો ધ્યાનથી વાંચવા પડે, જોવા પડે. ટર્કોઇઝ રંગની સાથે પિન્ક રંગની પતરાની સાદી ખુરશીઓ રંગોને ખુશનુમા બનાવે છે. આનંદ દૂર અમારી સામે સ્મિત કરતો ઊભો રહે છે. ટેબલ પર નંબર લગાવેલા છે. ટેબલ પર અન્ય વસ્તુઓની સાથે પાણીનો નાનો જગ અને બે-ત્રણ ગ્લાસ રાખેલા જ છે. તમને જોઈએ એટલું પાણી તમે પી શકો. ન વેસ્ટેજ થાય કે ન તો તમારે પાણી માગવું પડે. તમને કૅફેમાં સેટલ થવાનો સમય મળે છે. અહીં ઑર્ડર આપવા તમારે કાઉન્ટર પર જવું પડે. મેનુ તમે બેસો કે તરત જ તમારી સામે સંવિત કે આનંદ આવીને મૂકી જાય. ૨૦૧૫માં યશ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વરા શરૂ થયેલી આ કૅફે મુંબઈ જ નહીં ભારતમાં એકમાત્ર અને અનોખી છે, કારણ કે આ કૅફેમાં કામ કરતી દરેક વ્યક્તિ વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો તેઓ માનસિક રીતે દિવ્યાંગ છે.
અર્પણ કૅફેના મેનુમાં લગભગ ત્રીસેક ખાણીપીણીનું લિસ્ટ જોવા મળે. વળી મેનુ ઘણી ક્રીએટિવ રીતે લખવામાં આવ્યું છે. જેમ કે રાસ્તેવાલા સાદા સૅન્ડવિચ, વિદેશી વડાપાંઉ, ઍરપોર્ટવાલા સ્પેશ્યલ સૅન્ડવિચ, સાઉથ વેસ્ટ સેવપૂરી, ફલાફલ નાચની રૅપ. આ ઉપરાંત ફ્રેશલી બેક્ડ બ્રાઉની, કપ કેક, જૂસ, લીંબુપાણી, આઇસ ટી, ગરમ ચા-કૉફી પણ ખરાં. નાચની રૅપ, પૉપ આઇ ડિલાઇટ ટોસ્ટ, સાઉથ વેસ્ટ સેવપૂરી અને ફિલ્ટર કૉફીનો ઑર્ડર આપ્યો; જે ખૂબ નમ્રતાપૂર્વક આનંદે લીધો અને પછી વાનગીઓને સલુકાઈથી લાવીને અમારા ટેબલ પર મૂકતાં બોલ્યો એન્જૉય ફૂડ. નાચણીના રોટલા પર ફલાફલ અને સાથે હમસ, મેયોનીઝ તેમ જ કૅબેજ, ઑલિવ, આલપેનો સૅલડથી સરસ રીતે સજાવ્યા હતા. પૉપ આઇ ડિલાઇટ ટોસ્ટમાં ચીઝ, મકાઈ અને પાલક બ્રાઉન બ્રેડ પર ટોસ્ટ કરીને બનાવ્યા હતા. નાચણી રૅપ ફલાફલનો સ્વાદ ખૂબ જ સરસ હતો. હેલ્ધી અને ગ્લુટન-ફ્રી તેમ જ વીગન વાનગી પણ ગણી શકાય. અહીં પિરસાતી દરેક વાનગી દેખાવમાં સરસ હોવા સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. અહીં મળતી કપકેક અને બ્રાઉનીનો સ્વાદ ખાઓ તો જાણો. પણ એ બધા ઉપરાંત અહીં કામ કરતાં છોકરા-છોકરીઓ તમારું મન જીતી લેશે. હા, ચા અને કૉફી અહીં પ્રી-મિક્સ હોય છે. જો એ તાજી બનાવીને આપી શકાય તો બસ સોને પે સુહાગા. જોકે શક્ય છે કે ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓની સાથે કામ કરવું સરળ હોવા છતાં સહેલું તો નથી જ હોતું. તેમની ક્ષમતાનો પડકાર અને બહારના વાતાવરણની ડિમાન્ડ પણ તેમના માટે પડકારરૂપ બની શકે છે. જોકે એ બન્નેને ઓવરકમ કરવામાં અર્પણ કૅફે સફળ રહી છે.

juhu hotel

કુક એરન ઑટિઝમ ધરાવે છે અને તેણે આ વાનગી તૈયાર કરી હતી. તેને જ્યારે પૂછ્યું કે આ વાનગીમાં શું નાખ્યું છે તો ખૂબ નમ્રતાથી આંખો નીચી રાખીને તેણે સામગ્રી જણાવી. ઑટિઝમ ધરાવનાર વ્યક્તિ આંખો ન પણ મેળવે કે વાત ન પણ કરે, પણ જવાબદારી ઉપાડી હોય એ કામ દિલ દઈને કરે. આ કૅફેની વાનગીમાં આ બધી ડિફરન્ટ્લી એબલ્ડ વ્યક્તિઓની નિર્દોષતાનો સ્વાદ પણ ઉમેરાયો હોવાનું અનુભવાય. તેઓ વાત કરે તો ખૂબ પ્રેમથી ઉમળકાભેર કરે. આર્શિતા મહાજન જે આ યશ ચૅરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી પણ છે તે જણાવે છે કે તેમને અમારે ટ્રેઇન કરવા પડે છે કે કસ્ટમર સાથે કઈ રીતે વર્તવું. ખરું કહું તો આ લોકોની સાથે કામ કરવું ખૂબ સરળ અને સહેલું છે. આ વ્યક્તિઓ કોઈને મૂલવે નહીં એટલે ખૂબ સરળ હોય.
 યશ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ અર્પણ કૅફેના મૅનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર સુષમા નાગરકર સાઇકોલૉજિસ્ટ છે. ડૉ. સુષમાની દીકરી આરતી પણ ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવે છે. મનીલામાં  જૉશ કોનોયને ઑટિઝમ હોવાને કારણે તેની માતાએ પુત્ર માટે પઝલ કૅફેની શરૂઆત કરી કે જેથી તે વ્યસ્ત રહી શકે અને કંઈક કામ પણ કરી શકે. તેમને આ અર્પણ કૅફેનો વિચાર મનીલામાં આવેલી આ પઝલ કૅફે જોઈને આવ્યો. સુષમાજી સાઇકોલૉજિસ્ટ હોવાને કારણે આવી વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તવું અને કઈ રીતે તેમની પાસે કામ કરાવવું એની ટ્રેઇનિંગ બીજા ટ્રસ્ટીઓ અને વૉલન્ટિયરને પણ આપી શકે છે. તેમની ઇચ્છા છે કે બીજાઓ પણ તેમના આ કામથી પ્રેરણા લઈને કૅફેની શરૂઆત કરે. અહીં કામ કરતી દરેક વ્યક્તિને તેમને જે કામ કરવાનું ગમે એનું ધ્યાન રાખીને કામની જવાબદારી સોંપાય છે. કોઈને શાક સમારવાનું ગમે તો કોઈને લસણ ફોલવું ન ગમે તો કોઈને પાલક ન ગમે તો વળી કોઈને લોકો સાથે જોડાવું ન ગમે. જોકે આર્શિતાનો અનુભવ કહે છે કે અહીં કામ કરવા આવ્યા બાદ ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવનાર વ્યક્તિઓ ધીમે-ધીમે બદલાઈ રહી છે. તેઓ એકબીજાના મિત્રો બન્યા છે અને તેમનું વૉટ્સઍપ ગ્રુપ પણ છે. રઈશ જે પહેલાં જરા પણ હસતો નહોતો તે હવે હસતો થયો છે અને નંદિનીને નેઇલ-પૉલિશ કરવી, વાળ રંગવા ગમે છે જે પહેલાં સ્પેશ્યલ સ્કૂલમાં નહોતી કરી શકતી.  
વાચકોની જાણ ખાતર ઑટિઝમ કે ડાઉન્સ સિન્ડ્રૉમ જેવી ડિસેબિલિટી ધરાવતાં બાળકો જ્યારે પુખ્ત વયે પહોંચે છે ત્યારે તેમને માટે કોઈ કામ કે ભવિષ્ય હોતું નથી એવું માની લેવામાં આવે છે. યશ ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી એમાં સૌપ્રથમ તેમણે ટિફિનસેવાની શરૂઆત કરી. પ્રી-બુકિંગ દ્વારા  આ ટિફિન આસપાસના વિસ્તારમાં પહોંચાડાય છે. ડૉ. સુષમા જણાવે છે કે કૅફે ભારતમાં શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે મુંબઈમાં સૌપ્રથમ એની શરૂઆત થઈ. ટિફિનસેવામાં સારો પ્રતિસાદ મળતાં એની આગળ જ જગ્યા મળતાં કૅફે શરૂ કરી. એ માટે ફન્ડ ઊભું કર્યું. જોકે આવો કન્સેપ્ટ લોકોને સમજાવવો
સહેલો નહોતો. હવે લોકો અહીં બર્થ-ડે પાર્ટી મનાવવા માટે પણ આવે છે. દિવાળી અને ક્રિસમસ માટે ચૉકલેટ
અને કેક્સના ઑર્ડર પણ લેવાય છે.

આ પણ જુઓઃ ઓનસ્ક્રીન સાસુૃ-વહુ 'તોરલ-મોંઘી'એ આ રીતે મનાવ્યું વેકેશન

અને હા, અહીં દરેક વાનગી વેજિટેરિયન છે. કેક પણ એગલેસ બનાવાય છે.
આ કૅફેમાં બે વ્યક્તિ જો પેટ ભરીને નાસ્તો કરે તો બિલની રકમ આપતાં હૈયું પણ ભરાય. અહીં દરેક વાનગી સોથી દોઢસો રૂપિયાની છે. આટલા સરસ કારણમાં સહભાગી બન્યાનો આનંદ કંઈ ઓછો નથી હોતો.  
divyashadoshi@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK