Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારી બોલવાની ઝડપ કે તમારી ચાલવાની રીતથી પણ તમારા પ્રાણ પ્રભાવિત થાય છે

તમારી બોલવાની ઝડપ કે તમારી ચાલવાની રીતથી પણ તમારા પ્રાણ પ્રભાવિત થાય છે

01 October, 2020 03:00 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારી બોલવાની ઝડપ કે તમારી ચાલવાની રીતથી પણ તમારા પ્રાણ પ્રભાવિત થાય છે

રોજ ચાલીસ મિનિટ વ્યાન મુદ્રાથી પણ વ્યાનનો પ્રવાહ સંતુલિત થશે.

રોજ ચાલીસ મિનિટ વ્યાન મુદ્રાથી પણ વ્યાનનો પ્રવાહ સંતુલિત થશે.


યસ, ખૂબ જ સૂક્ષ્મ સ્તરે પણ તમારી ઓવરઑલ લાઇફસ્ટાઇલની, તમારી પ્રત્યેક ઍક્શનની, રીઍક્શનની, વિચારોની અસર તમારી પ્રાણ ઊર્જા પર પડે છે. પાંચ પ્રાણવાયુનું અસંતુલન રોગોને નિમંત્રણ આપે છે એ આપણે ગયા ગુરુવારે જાણ્યું. આજે જાણીએ કે પાંચ મુખ્ય પ્રાણને સહાય કરતા ઉપપ્રાણ શું કામ કરે છે અને પાંચેય પ્રાણવાયુને સંતુલિત કરવા માટે સ્પેસિફિક રીતે શું કરી શકાય

આ ધરતીના કણ-કણમાં પ્રાણ ઊર્જા છે જેના વિના કોઈ જીવનું અસ્તિત્વ શક્ય જ નથી. ઇન ફૅક્ટ એક ઉપપ્રાણ એવો છે જે હૃદયના ધબકારા બંધ થઈ ગયા પછી પણ શરીરમાં અકબંધ હોય છે. આપણે સૌ પંચમહાભૂતો દ્વારા બન્યા છીએ તો સ્વાભાવિક છે કે પંચ પ્રાણમાં પણ પંચમહાભૂતમાંથી કોઈ એકાદ તત્ત્વ સમાયેલું હોવાનું. દરેક પ્રાણ એક તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે ઉદાન આકાશ તત્ત્વનું, પ્રાણ વાયુ તત્ત્વનું, સમાન અગ્નિ તત્ત્વનું, અપાન પૃથ્વી અને પાણી તત્ત્વનું અને વ્યાન આકાશ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચ તત્ત્વોમાંથી પ્રાણનું સર્જન થાય અને વર્ધન પણ થાય છે. ગયા ગુરુવારે આપણે પાંચ મુખ્ય પ્રાણવાયુની વ્યાખ્યા અને એની કાર્યપ્રણાલી ઉપરાંત પાંચ પ્રાણ અને પાંચ પ્રાણવાયુ કઈ રીતે ભિન્ન છે એ દિશામાં વાતો કરી. આ પાંચ પ્રકારના પ્રાણવાયુની વિશેષતાઓ સમજ્યા પછી એને કઈ રીતે પુષ્ટ કરી શકાય અથવા એમાં સંતુલન લાવવા શું કરવું જોઈએ એના પર આવીએ એ પહેલાં પાંચ ઉપપ્રાણ પર એક નજર કરીએ.
ઉપપ્રાણ શું હોય?
આયુર્વેદ અને યોગમાં પંચપ્રાણની વાત છે, પરંતુ આપણે તેને કન્સેપ્ટ કહીએ છીએ, કારણ કે નજરોથી એને જોઈ નથી શકાતા. જોકે આ કન્સેપ્ટ નથી પરંતુ વાસ્તવિકતા છે એમ આયુર્વેદ ફિઝિશ્યન, યોગ થેરપિસ્ટ કન્સલ્ટન્ટ, યોગ રિસર્ચર અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ રાજસ્થાનના પ્રોફેસર ડૉ. કાશીનાથ મેત્રી કહે છે. તેઓ ઉમેરે છે, ‘આયુર્વેદ માને છે કે આ શરીરનું સંચાલન એક વિશિષ્ટ ઊર્જાથી થાય છે જે ઊર્જા અથવા જીવનચેતના એટલે પ્રાણ. આ સંચાલનના પ્રકાર પ્રમાણે પ્રાણના પણ પ્રકાર પડ્યા. શરીરમાં સર્ક્યુલેશનનું કામ પંચ પ્રાણમાંથી વ્યાન પ્રાણ દ્વારા થાય છે. આધુનિક દૃષ્ટિકોણથી આ વાતને લઈએ તો સર્ક્યુલેશન પાછળ ફ્લુઇડ ડાઇનૅમિક્સ, કાર્ડિઍક ઍક્ટિવિટી અને નર્વ્સ ઍક્ટિવિટી જવાબદાર છે એમ કહેવું પડે. બન્નેમાં કોઈ ફોર્સ છે અને એ ફોર્સ એ જ પ્રાણ છે. આ ફોર્સ પર તમારા હલનચલનની, તમારી લાગણીઓની, તમારી ખાણીપીણીની, તમારા વિચારોની એમ બધાની જ અસર તમારા પાંચેય પ્રાણ અને ઉપપ્રાણ પર પડે છે. પ્રાણ ઍક્ટિવ ફિઝિયોલૉજિકલ ફંક્શન છે અને ઉપપ્રાણ ફિઝિયોલૉજિકલ ફંક્શનનું રીઍક્શન છે. પ્રત્યેક પ્રાણનો એક ઉપપ્રાણ છે અને એ જ્યારે પ્રાણ ઉત્તેજિત થાય ત્યારે જ સક્રિય થાય છે.’
કેટલાંક ખાસ સ્થાન પર મુખ્ય પાંચ પ્રાણ વિભાજિત થયેલા છે. ઉદાન પેટથી ઉપરની તરફ ગતિમાન છે, સમાન પાચન તંત્ર પર આધિપત્ય ધરાવે છે, વ્યાન સર્ક્યુલેટરી સિસ્ટમ પર રાજ કરે છે, પ્રાણ છાતી અને કંઠના અવયવો પર નિયંત્રણ ધરાવે છે અને અપાન નીચેની તરફ પ્રવાહિત છે અને શરીરના કચરાને એલિમિનેટ કરવાનું કામ કરે છે. આ પાંચેય પોતાનું કામ બરાબર કરી શકે એના માટે મદદનીશ ઉપપ્રાણ છે. ઇન ફૅક્ટ ઉપપ્રાણની સક્રિયતાથી પાંચેય પ્રાણની ઍક્ટિવિટી પર પણ નજર રાખી શકાય છે, જેને તમે પ્રાણોની હિલચાલના સંવાદાતા કહી શકો, જે કેટલાંક સિગ્નલ દ્વારા પ્રાણમાં ચાલતા વિક્ષેપને વ્યક્ત કરે છે. તેમ જ આપણા કન્ટ્રોલમાં ન હોય શરીરની એવી ક્રિયાઓ પર આ ઉપપ્રાણનું અધિપત્ય હોય છે. જેમ કે બગાસું આવવું, છીંક આવવી, આંખ ઝબકવી. ઉપપ્રાણ પર ડાયરેક્ટ કાબૂ પામવો મુશ્કેલ છે; પરંતુ જો મુખ્ય પાંચ પ્રાણોને હૅન્ડલ કરતાં શીખી જાઓ તો ધીમે-ધીમે ઉપપ્રાણની કાર્યપ્રણાલીમાં પણ આપણે બહેતર બનાવી શકીએ એમ છીએ. હવે જોઈએ કે કયા ઉપપ્રાણ છે અને એ શું કરે.
નાગ ઃ ઓડકાર અને હીચકી આ બન્ને નાગ નામના પ્રાણની કૃપા છે. તમારા માથાની તરફ કે ગરદનના હિસ્સામાં (ઉદાન), છાતીના ભાગમાં (પ્રાણ), પાચનમાં (સમાન) એમ આ ત્રણ
વાયુમાં કોઈ અનયુઝ્અલ મૂવમેન્ટ ઉદ્ભવે ત્યારે નાગ નામનો ઉપપ્રાણ સક્રિય થતો હોય છે.
કુર્મ ઃ તમારી આંખો ઝપકાવવાની જે ક્રિયા છે એ કુર્મ નામના પ્રાણને આભારી છે. ઉદાન પ્રાણનું સ્થાન છે એ જગ્યાએ કુર્મ પ્રાણ પણ છે જે મોટા ભાગે તમારી આંખોને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આંખ તમારા મનનું દર્પણ છે એટલે જો આંખ હેલ્ધી હોય તો મન પણ તંદુરસ્ત થઈ શકે છે. ત્રાટક ક્રિયા કુર્મની કાર્યક્ષમતા વધારે છે. એ જ રીતે જેનો કુર્મ પ્રાણ બરાબર કામ કરતો હોય એ લોકો ત્રાટક આરામથી કરી શકે છે.
ક્રીકલ ઃ છીંક આવવી અને ખાંસી એ બન્ને ક્રીકલ નામના પ્રાણની વિશેષતા છે. ખાસ કરીને જ્યાં પ્રાણવાયુનું સ્થાન છે એવા શ્વસનને લગતા પ્રૉબ્લેમમાં બ્લૉકેજિસને દૂર કરવામાં ક્રીકલ નિમિત્ત બને છે. તેમ જ ઉદાન નામના પ્રાણવાયુના કાર્યક્ષેત્રમાં ઉદ્ભવતા બ્લૉકેજિસને પણ એ દૂર કરે છે.
દેવદત્ત ઃ આ ઉપપ્રાણને કારણે તમને ભૂખ અને તરસ લાગે છે તેમ જ ઊંઘ લાવવા માટે પણ આ ઉપપ્રાણ જ જવાબદાર છે. થાક અને કંટાળા સાથે આ ઉપપ્રાણનો ઘનિષ્ઠ સંબંધ છે. તરસ અને ભૂખની લાગણીનું નિયમન કરે છે. ખૂબ થાક્યા પછી શરીરને રિલૅક્સ કરવામાં પણ આ પ્રાણની મહત્ત્વની ભૂમિકા છે.
ધનંજય ઃ હાર્ટના વાલ્વ્સને ખોલવા અને બંધ કરવાનું કામ ધનંજયનું છે. માણસ મૃત્યુ પામે એ પછી સૌથી છેલ્લે આ ધનંજય નામનો ઉપપ્રાણ શરીરમાંથી બહાર નીકળે છે. શરીરમાંથી પાંચેય પ્રાણ નીકળી જાય એ પછી જ શરીર ડીકમ્પોઝ થવાનું શરૂ થાય છે.




પાંચ મુખ્ય પ્રાણને કેવી રીતે કરશો બૅલૅન્સ?


પ્રાણવાયુ
તમારા મસ્તિષ્કથી લઈને હૃદયના ભાગમાં પ્રવાહિત આ પ્રાણ જો ઓવરઍક્ટિવ હોય તો બ્રેઇન ફંક્શન ફાસ્ટ થાય, કોઈક વાર ખૂબ ફાસ્ટ થાય તો રેસ્ટલેસ થઈ જાય. અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર થાય. આ સમયે વધુને વધુ રિલૅક્સ થવાની પ્રૅક્ટિસ કરવી જોઈએ. જેમ કે શવાસન, મંત્ર ચૅન્ટિંગ, યોગનિદ્રા, ભ્રામરી પ્રાણાયામ. જો આ પ્રાણ હાઇપોઍક્ટિવ એટલે કે ઓછું સક્રિય હોય તો વ્યક્તિ ડિપ્રેસ થઈ શકે, નિર્ણય ન લઈ શકે, એકાગ્રતા ઘટે. આવા સમયે ભસ્ત્રિકા, કપાલભાતિ, ઇન્વર્ટેડ આસન લાભકારી છે. છાતીના હિસ્સાને ઉઘાડ મળે એવાં આસનો કરવાથી પણ પ્રાણવાયુનો ફ્લો સુધરે છે. ઉષ્ટ્રાસન, ધનુરાસન, ભુજંગાસન, નટરાજાસન, સેતુબંધાસન જેવાં આસનો કરવાથી લાભ થશે.
રોજ ચાલીસ મિનિટ પ્રાણમુદ્રા કરવાથી પ્રાણવાયુ સંતુલિત થાય છે.
અપાનવાયુ
શરીરમાં એલિમિનેશનનું કામ કરતા અપાનવાયુની સક્રિયતા ઘટશે તો
કબજિયાત થશે, કન્સીવ
કરવામાં પ્રૉબ્લેમ થશે, ઇરેક્શનને
લગતા પ્રૉબ્લેમ થશે અને ઓવરઍક્ટિવ હશે તો સેક્સ્યુઅલ ડિઝાયર વધે, ડાયેરિયા થાય.
રિલૅક્સ કરનારા પૉશ્ચર અપાન
વાયુના પ્રવાહને સ્ટ્રૉન્ગ કરવા માટે ઉપયોગી છે. ફૉર્વર્ડ બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ પૉશ્ચર જેમ કે હસ્તપાદાસન, પશ્ચિમોત્તાનાસન, વક્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન વગેરે કરી શકાય.
નાડીશુદ્ધિ અને ભ્રામરી પ્રાણાયામ
કરી શકાય.
નૌલી, અશ્વિનીમુદ્રા, મૂલબંધ અને અગ્નિસાર આ ક્રિયાઓ પણ
મદદરૂપ થશે.
રોજ ચાલીસ મિનિટ અપાન મુદ્રા કરવાથી અપાન વાયુ સંતુલિત થાય છે.
સમાનવાયુ
સમાન અન્ડરઍક્ટિવ હોય તો નોશિયા, વૉમિટિંગ, અપચો, ગૅસ, લેથાર્જી જેવી સમસ્યા વધી શકે. અને ઓવરઍક્ટિવ હોય તો ભૂખ ખૂબ લાગવી, ઍસિડિટી થઈ શકે. ઓવરઍક્ટિવ હોય તેમણે કૂલિંગ પ્રાણાયામ, જઠર પરિવર્તન ક્રિયા, ડાબી નાસિકાથી શ્વાસ લેવો જેવી પ્રૅક્ટિસ કરવી જોઈએ અને સમાન બરાબર કામ ન કરતો હોય તેમણે શરીરમાં હીટ વધે અને પેટને પ્રભાવિત કરે એવાં આસનો કરવાં.
કપાલભાતિ, અગ્નિસાર અને ઉડ્ડિયાનબંધ આમાં મદદરૂપ થાય છે.
કોર મસલ્સ એટલે કે પેટના સ્નાયુઓને મજબૂતી આપે એવાં આસનો જેમ કે નૌકાસન, ઉત્થાનપાદાસન જેવાં આસનો તેમ જ ટ્વિસ્ટિંગ આપતાં વક્રાસન અને અર્ધમત્સ્યેન્દ્રાસન કરી શકાય.
રોજ ચાલીસ મિનિટ સમાન મુદ્રા કરવાથી સમાનવાયુ સંતુલિત થાય છે.
ઉદાનવાયુ
ઉદાનવાયુનો પ્રવાહ ઉપરની તરફ છે. એ જો ઓવરઍક્ટિવ થાય તો શ્વસન ઝડપી બને. શ્વાસને લગતી તકલીફો થાય અને ઉદાનવાયુ જો અન્ડરઍક્ટિવ હોય તો વધારે કફ જનરેટ થાય. શ્વાસ લેવામાં તકલીફ પડી શકે.
જલંધર બંધ સાથે એટલે કે હડપચીને છાતીથી સ્પર્શ કરાવીને શ્વાસને રોકી રાખો અને પછી ઉજ્જયી અથવા ભ્રામરી પ્રાણાયામ કરવાથી લાભ થશે.
ગરદન તરફ રક્તસંચાર વધારે એવાં આસનો જેમ કે સર્વાંગાસન, શીર્ષાસન, મત્સ્યાસન કરી શકાય. ચક્રાસન જેવાં બૅક બેન્ડિંગ આસનોથી પણ લાભ થશે.
રોજ ચાલીસ મિનિટ ઉદાન મુદ્રા કરવાથી ઉદાનવાયુ સંતુલિત થશે.
વ્યાનવાયુ
વ્યાનવાયુની વધુ સક્રિયતાથી
બ્લડ-પ્રેશર વધે, હાર્ટબીટ વધે, પાલ્પિટેશન થાય. એના માટે નાડીશુદ્ધિ પ્રાણાયામ, રિલૅક્સેશન પ્રૅક્ટિસ, સૂક્ષ્મ વ્યાયામ કરી શકાય.
વ્યાનવાયુ બરાબર કામ ન કરે ત્યારે ધબકારા ઘટી જશે, લો બીપી જેવી સમસ્યા ઉદ્ભવે એમાં ઇન્વર્ટેડ પૉશ્ચર મદદરૂપ થાય.
કુંભક એટલે શ્વાસ લીધા પછી શ્વાસને અંદર રોકી રાખવાના પ્રાણાયામની પ્રૅક્ટિસ ફાયદો આપશે.
જેમાં ગતિ હોય એવાં આસનોની સીક્વન્સ એટલે કે સૂર્ય નમસ્કાર વગેરે કરી શકાય.
રોજ ચાલીસ મિનિટ વ્યાન મુદ્રાથી પણ વ્યાનનો પ્રવાહ સંતુલિત થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 03:00 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK