તમારી ઇમ્યુનિટી તમારા હાથમાં

Updated: 14th October, 2020 15:39 IST | Ruchita Shah | Mumbai

જોકે આપણે એ વિવાદોમાં પડ્યા વિના સીધી જ વાત કરીએ કોરોના સામે ઇમ્યુનિટીને વધારવા આયુષ મિનિસ્ટ્રી અંતર્ગત થયેલાં સર્વેક્ષણોનાં તારણો અને ઇમ્યુનિટી સાથે સંકળાયેલી કેટલીક રોચક માહિતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અત્યારે તમારું રક્ષા કવચ તમારી પોતાની રોગપ્રતિકારક શક્તિ જ છે અને મજાની વાત એ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવી એ કંઈ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી બાબત નથી. ગયા અઠવાડિયે આયુષ મિનિસ્ટ્રી સાથે મળીને આપણા હેલ્થ મિનિસ્ટરે કોવિડ-19ને લગતો નૅશનલ હેલ્થ પ્રોટોકૉલ જાહેર કર્યો છે જેના પર ઇન્ડિયન મેડિકલ અસોસિએશને કેટલાક સવાલો પણ ઊભા કર્યા છે. જોકે આપણે એ વિવાદોમાં પડ્યા વિના સીધી જ વાત કરીએ કોરોના સામે ઇમ્યુનિટીને વધારવા આયુષ મિનિસ્ટ્રી અંતર્ગત થયેલાં સર્વેક્ષણોનાં તારણો અને ઇમ્યુનિટી સાથે સંકળાયેલી કેટલીક રોચક માહિતી વિશે

રોગનો પ્રતિકાર કરવાની શરીરની શક્તિ અથવા તો તમારા શરીરની મિલિટરી સિસ્ટમ એટલે તમારી ઇમ્યુનિટી. કોરોનાની વૅક્સિન જ્યાં સુધી નથી આવી ત્યાં સુધી તમારી રક્ષા તમારી ઇમ્યુનિટીથી વધારે કોઈ નહીં કરી શકે. બહારના એન્વાયર્નમેન્ટથી બચવા માસ્ક પહેરો અને અંદરના એન્વાયર્નમેન્ટનો માસ્ક એટલે તમારી ઇમ્યુનિટી. ઇમ્યુનિટી પર આપણી ઓવરઑલ જીવનશૈલીનો ખૂબ ઊંડો પ્રભાવ પડતો હોય છે. લોકોમાં બિહેવિયરલ ચેન્જ લાવવા માટે કોરોના કાળમાં જબરદસ્ત ઍક્ટિવ થયેલી અને મોટા પાયે રિસર્ચ અને અવેરનેસનું કામ કરી રહેલી આયુષ મિનિસ્ટ્રીએ ઑગસ્ટ મહિનામાં ‘આયુષ ફૉર ઇમ્યુનિટી’ કૅમ્પેનની શરૂઆત કરી હતી, જેમાં લોકોને ઇમ્યુનિટી વધારવાની ટિપ્સ આપવાથી લઈને પબ્લિકનું ઇન્વૉલ્વમેન્ટ વધારવા ક્વિઝ, બ્લૉગ્સ કૉમ્પિટિશન જેવા ઇનિશ્યેટિવ પણ લેવામાં આવ્યાં હતાં. એ જ કૅમ્પેનને એક ડગલું આગળ વધારવાનું કામ ગયા અઠવાડિયે હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધને કર્યું જેમાં ઇમ્યુનિટીને બૂસ્ટ કરતો અને કોવિડનાં જુદાં-જુદાં લક્ષણોને કન્ટ્રોલ કરતો કોવિડ માટેનો ‘નૅશનલ હેલ્થ પ્રોટોકૉલ’ જાહેર કર્યો છે. જોકે આપણી પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને ગ્લૉરિફાય કરતા આ હેલ્થ પ્રોટોકૉલથી ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના ડૉક્ટરોને પેટમાં દુખવા માંડ્યું અને તેમણે કેટલાક પાયાવિહોણા પ્રશ્નો દ્વારા હેલ્થ મિનિસ્ટરને સાણસામાં લેવાની કોશિશ કરી. ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના સદસ્યોનું માનવું છે કે આયુષના અગ્રણી નિષ્ણાતોએ સજેસ્ટ કરેલી દવાઓથી મળેલું હકારાત્મક પરિણામ એ માત્ર પ્લેસિબો ઇફેક્ટ છે. વેલ, આ વાત શું કામ પાયાવિહોણી લાગે છે એ માટે આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવેલા એક અભ્યાસ વિશે જાણીએ. કોવિડ સેન્ટરમાં કન્વર્ટ થયેલી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદમાં કુલ ૨૫૦ કોવિડ પૉઝિટિવ દરદીઓને ઍડ્મિટ કરાયા હતા. એમાંથી એક પણ દરદીની તબિયત વધુ બગડી નહીં, કોઈનું મૃત્યુ થયું નથી અને બધા જ રિકવર થઈને ઘરે પાછા ગયા એટલું જ નહીં; અહીં ઇલાજ કરી રહેલા હેલ્થ પ્રોફેશનલ્સને પણ કોઈ તકલીફ થઈ નથી. સો ટકા હકારાત્મક પરિણામ. હવે આને કેમ પ્લેસિબોનું નામ આપવું? ખેર, આ વિવાદમાં વધુ સમય બગાડ્યા વિના વાત કરીએ રોગપ્રતિકારક શક્તિની.

health
કોરોનાનો કેર શરૂ થયો ત્યારથી વડા પ્રધાન મોદીએ આયુષ મિનિસ્ટ્રી દ્વારા સજેસ્ટ કરાયેલા નુસખાઓને પ્રાધાન્ય આપવાની હાકલ કરી છે. આયુષ મિનિસ્ટર શ્રીપાદ નાઈકે આયુષની તમામ સિસ્ટમના કર્તાહર્તાઓને ફુલ ઍક્શનમાં આવી જવાનું ઇજન પણ આપી દીધું હતું. મોદી અને મંત્રીના આગ્રહનું પરિણામ એ આવ્યું કે આપણી દેશી ઉપચાર પદ્ધતિની અકસીરતાના કેટલાક નોંધનીય રિસર્ચ બેઝ્ડ પુરાવા પહેલી વાર દેશ સમક્ષ આવ્યા છે. આ સંદર્ભે આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા ‘મિડ-ડે’ને કહે છે, ‘ઇમ્યુનિટી કૅમ્પેન ચાલ્યું એનાથી લોકોમાં બિહેવિયરલ ચેન્જ આવ્યો છે એટલું જ નહીં, રીતસરના અભ્યાસ સાથે આ વખતે પુરાવા બેઝ્ડ વાતો થઈ રહી છે. કોઈ વ્યક્તિ નહીં, પણ સર્વેક્ષણોના આંકડા બોલે છે. આયુષ સંજીવની ઍપના માધ્યમથી લગભગ પચાસ લાખ લોકોનો ડેટા કલેક્ટ કરવાની અમારી ગણતરી હતી એના બદલે ૧ કરોડ ૪૭ લાખ લોકોનો ડેટા અમને મળ્યો જેમાં અમને જાણવા મળ્યું કે ૮૫ ટકા લોકો આયુષ મોડાલિટીનો ઉપયોગ કરે છે. એમાંથી પંદર હજાર લોકોએ પોતાને કોવિડ થયાનું પણ એમાં નોંધ્યું છે, જેમાંથી પરંપરાગત ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરનારા ૬૯ ટકા લોકો તો એસિમ્પ્ટમૅટિક રહ્યા હતાં. એનો ઉપયોગ નહોતા કરતા એવા ૬૬ ટકા લોકોને કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. આ સોશ્યલ સ્ટડીના આંકડા મહત્ત્વપૂર્ણ છે. આયુષ મિનિસ્ટ્રીએ લગભગ ૬૬ અભ્યાસો કર્યા છે. દેશભરના અગ્રણી વૈજ્ઞાનિકોની ટીમ અને રિસર્ચના પ્રોટોકૉલના આધારે ૧૧૦ લોકેશનમાં પાંચ લાખ લોકો પર અભ્યાસ ચાલુ છે. દિલ્હી પોલીસને આયુષ રક્ષા કિટ આપીને બે મહિના સુધી ફૉલોઅપ કરવામાં આવ્યું જેમાં પણ અમે મૉર્ટાલિટી રેટ અને ઇન્ફેક્શન રેશિયોમાં પ્રમાણ ઘટ્યાનું ઑબ્ઝર્વ કર્યું છે. ઢગલાબંધ હકારાત્મક પરિણામોના આધારે જ આયુષ સિસ્ટમને ફોકસ કરીને કોવિડ માટે નૅશનલ હેલ્થ પૉલિસીનું સર્જન થયું છે. હવે સેકન્ડ ફેઝમાં હોમિયોપથી, યુનાની, સિદ્ધા પર પણ આ દિશામાં વિસ્તારપૂર્વક અભ્યાસ શરૂ કર્યો છે.’

yoga
કોવિડનાં લક્ષણોમાં દેશી ઉપચાર પદ્ધતિઓ કઈ રીતે કામ કરે છે એમાં કરેલા નિરીક્ષણ વિશે વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘આ ગાઇડલાઇન્સ કોવિડને ક્યૉર કરે છે એવો દાવો અમે નથી કરતા, પરંતુ અમે જોયું છે કે આ માર્ગદર્શિકાનું બરાબર પાલન કરનારાઓમાં ઇન્ફેક્શન થવાની સંભાવના ઘટી જાય છે. ઇન્ફેક્શન હોય એમાંના મોટા ભાગના અસિમ્પ્ટમૅટિક હોય છે. સિમ્પ્ટમ્સ હોય તો એ વકરતાં નથી. તેમ જ હૉસ્પિટલાઇઝ્ડ હોય તો લગભગ એક અઠવાડિયામાં સાજા થઈને ઘરે જતા રહે છે. અધરવાઇઝ આપણે ત્યાં ઍવરેજ હૉસ્પિટલાઇઝેશન ટાઇમ અત્યારે ૧૩થી ૧૪ દિવસનો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ ધોવા જેવા નિયમો તો ફરજિયાતપણે પાળવાના જ છે. આ નિયમો પાળવાની સાથે આયુષે આપેલી કોવિડ માટેની ગાઇડલાઇન પ્રમાણે ચાલો તો આ પરિણામ આવે એવું અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે. અત્યાર સુધી અમે ક્લિનિકલ ટ્રાયલો કરી છે. આવનારા સમયમાં લૅબ ટ્રાયલ પણ શરૂ કરીશું જેમાં લૅબોરેટરીમાં આ પ્રત્યેક દવાની શરીરના ઇમ્યુન સેલ્સ, વાઇરસ વગેરે પર શું અસર થાય છે એનો અભ્યાસ કરવામાં આવશે. અત્યારે એટલું તો સો ટકા કહી શકાય કે આયુષની ગાઇડલાઇન પ્રમાણે ચાલવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમને અને કોવિડ મૅનેજમેન્ટમાં નોંધનીય રીતે હકારાત્મક લાભ થાય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કૉસ્ટ ઇફેક્ટિવ પણ છે. મોટા ભાગના દરેક પરિવાર માટે આ પદ્ધતિ પ્રમાણે બદલાવ લાવવાનું આર્થિક રીતે પણ પરવડી શકે એ સ્તર પર છે.’

હેલ્થ પ્રોટોકૉલમાં શું છે ખાસ?

કોવિડ માટે જાહેર થયેલા હેલ્થ પ્રોટોકૉલમાં કોરોના પૉઝિટિવ દરદીઓનાં લક્ષણો અને એની તીવ્રતા મુજબ જુદી-જુદી દવાઓ અને એના ડોઝ રેકમન્ડ કરવામાં આવ્યા છે. જેઓ હાઈ રિસ્ક પૉપ્યુલેશનમાં આવતા હોય, જે અસિમ્પ્ટમૅટિક હોય અને જેમને માઇલ્ડ સિમ્પ્ટમ્સ હોય તેઓ કોઈ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને દિવસમાં બે વાર ગિલોય ઘનવટી, ગિલોય અને પિપ્પાલી (લાંબા મરી)નો પાઉડર, અશ્વગંધાનો પાઉડર અને આયુષ ૬૪ લઈ શકે છે. કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ અશ્વગંધા, રસાયણ ચૂર્ણ અને ચ્યવનપ્રાશનું સેવન કરવાનું પ્રોટોકૉલમાં કહેવાયું છે. સાથે જ થોડાક સૂક્ષ્મ વ્યાયામ, ચેસ્ટ ઓપનિંગ આસનો અને પ્રાણાયામની પ્રૅક્ટિસ પણ આ પ્રોટોકૉલમાં સામેલ કરવામાં આવ્યાં છે.

ઇમ્યુનિટી વિશે તમને આ ખબર છે?

તમે અત્યારે જીવો છો એ તમારી ઇમ્યુન સિસ્ટમના પ્રતાપે જ. સતત પ્રત્યેક ક્ષણ તમારા શરીર પર જુદા-જુદા માઇક્રોબ્સનો અટૅક થતો રહે છે જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ તમને બચાવે છે. એટલે કે તમારી ઇમ્યુન સિસ્ટમ સતત કાર્યશીલ હોય છે.
આપણા શરીરમાં લગભગ પાંચેક લિટર જેટલું લોહી છે જેમાં રહેલા સફેદ રક્તકણ તમારા શરીરના સિક્યૉરિટી ગાર્ડ છે. લોહીના એક ટીપામાં લગભગ ૨૫,૦૦૦ કરતા વધુ વાઇટ બ્લડ સેલ્સ હોય છે.
સફેદ રક્તકણોની ઇન્ટેલિજન્સ વિશે જાણીને તો તમે સો ટકા ઓવારી જશો. દરઅસલ આ સફેદ રક્તકણ મુખ્ય બે પ્રકારના હોય છે. ફેગોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ.
ફેગોસાઇટ્સ તમારા શરીરમાં રોગ લાવી શકે અથવા પોતાના પ્રોટેક્શનના ભાગરૂપે ટૉક્સિન્સ ઉત્સર્જિત કરતા જીવાણુઓને ગળી જવાનું અથવા તો એને પેટમાં પધરાવવાનું કામ કરે. જોકે આ બૅક્ટેરિયાને ઓહિયા કર્યા પછી ફેગોસાઇટ્સ શરીરમાં અમુક પ્રકારના કેમિકલ છોડે જેના પર લિમ્ફોસાઇટ્સ ફોકસ કરે અને સમજે કે આ કયા પ્રકારનો બૅક્ટેરિયા, વાઇરસ અથવા માઇક્રોઑર્ગેનિઝમ હતો.
દરેક માઇક્રોઑર્ગેનિઝમ એક પ્રકારના ઍન્ટિજન સાથે હોય છે જેના મારણ માટે આપણા બહાદુર સૈનિક લિમ્ફોસાઇટ્સ ઍન્ટિબૉડીઝ બનાવે છે.
હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વિગત જાણી લો. આ લિમ્ફોસાઇટના પણ ત્રણ પ્રકાર છે. B સેલ્સ જે શરીરમાં પ્રવેશતાં હાનિકારક વાઇરસોનો ખાતમો બોલાવે છે, T સેલ્સ જેના પર વાઇરસે કબજો જમાવી દીધો હોય એવા શરીરના વિકૃત થઈ ગયેલા કોષો પર અટૅક કરે છે અને ત્રીજા નંબરે આવતા નૅચરલ કિલર્સ, જે કૅન્સરગ્રસ્ત થઈ ગયેલા શરીરના કોષોને નષ્ટ કરે છે.
લિમ્ફોસાઇટ એટલા ઇન્ટેલિજન્ટ છે કે તેઓ શરીરમાં આવતા વાઇરસ અને એના મારણરૂપી ઍન્ટિબૉડીઝનો ડેટાબેઝ બરાબર મેમરીમાં સ્ટોર કરીને રાખે છે. એટલે એક વાઇરસ જો ફરી શરીરમાં આવે તો તમને ખબર પણ ન પડે એ રીતે એણે બારોબાર તમારા વતી યુદ્ધ લડીને પેલા વાઇરસને ધૂળ ચાટતો કરી દીધો હોય.
તમારી અપૂરતી ઊંઘ શ્વેત રક્તકણોને ચિંતામાં મૂકી દે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
શરીરમાં તાવ આવવો અને સોજો ચડવો એ તમારા ભડવીર શ્વેત રક્તકણોએ જંગ શરૂ કરી દીધો છે એની નિશાની છે. એટલે કે હકીકતમાં તાવ અને સોજો આવવો એ સારી બાબત છે જે તમારી ઍક્ટિવ રોગપ્રતિકારક શક્તિનું પ્રતીક છે.
તમારાં વિચારો, લાગણીઓ, ભય, ચિંતા અને તમારી ઓવરઑલ મેન્ટલ સ્ટેટની ઇમ્યુન સિ‍સ્ટમ પર ઊંડી અસર થાય છે. જો તમે મનથી ખુશ, પ્રસન્ન અને ખડખડાટ હસતા હશો તો તમારા શ્વેત રક્તકણો પણ ઉત્સાહથી કામ કરશે, પરંતુ નકારાત્મક લાગણીઓ રોગપ્રતિકારક શક્તિ પર અવળી અસર કરે છે.

કોવિડના ઇન્ફેક્શનની સંભાવના ઘટાડવા ને
ઇમ્યુનિટી વધારવા આટલું રોજ કરવાનું છે

હૂંફાળા ગરમ પાણીમાં ચપટી હળદર અને મીઠું અથવા ત્રિફળા નાખીને દિવસમાં એકથી બે વાર કોગળા કરવાના.
બને એટલું ગરમ પાણી પીવાનું રાખો, જો એકલું હૂંફાળું પાણી ન ભાવે તો એમાં સહેજ વરિયાળી, ફુદીનો, આદું અથવા જીરુ નાખીને પણ પી શકાય, જે પાણીને એક ફ્લેવર આપશે.
દિવસમાં એક વાર તજ, સૂંઠ, કાળાં મરી અને તુલસીનો ઉકાળો પીવો. આની તાસીર ગરમ હોવાથી તમને ગરમ પડતો હોય તો એમાં ખડી સાકર નાખી શકાય.
રોજ એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ.
દિવસમાં એક વાર હળદરવાળુ ગરમ દૂધ પીવાનું.
ઘરની બહાર ગયા પછી પાછા આવો એટલે સ્નાન કરવાનું અને ગરમ પાણીમાં અજમો, ફુદીનો અથવા નીલગીરીનું તેલ નાખીને એકથી બે વાર દિવસમાં બાફ લેવાની.
નારિયેળનું તેલ, તલનું તેલ અથવા ગાયનું દેશી ઘી સહેજ આંગળી પર લઈને બન્ને નાસિકાની અંદર એનાથી મસાજ કરવાનો.
અત્યારના સમયમાં ગિલોય ઘનવટીનું દિવસમાં બે વાર સેવન કરી શકાય.
- પૂરતી ઊંઘ, ગરમ તાજું-સાત્ત્વિક ભોજન અને ત્રીસ મિનિટ આસન, પ્રાણાયામ અને અન્ય શારીરિક કસરત કરવાની.

First Published: 13th October, 2020 15:14 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK