દિવાળીના દિવસો છે, ક્યાંક-ક્યાંક ફટાકડાના ધુમાડાનો પ્રકોપ છે, કોરોનાનો આતંક અકબંધ છે, ઠંડી પડવાની હવે શરૂઆત થઈ છે અને એવામાં આજે વર્લ્ડ ન્યુમોનિયા ડે પણ છે. આટલા બધા સંયોગો વચ્ચે ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો અને સાથે લંગ્સની ઓવરઑલ હેલ્થ માટે યોગની વિવિધ ક્રિયાઓની અસર પર વધુ ઊંડાણપૂર્વક વાતો કરીએ...
શ્વસન શું છે? પ્રાણાયામની અને બ્રિધિંગ એક્સરસાઇઝની જુદી-જુદી ફેફસાંની સ્ટ્રેન્ગ્થ વધારે છે એ વિષય પર ભૂતકાળમાં આપણે વાત કરી ચૂક્યા છીએ, પરંતુ આ ફેફસાં કામ કેવી રીતે કરે છે? આંખોના પલકારામાં થતી શ્વસનક્રિયા આપણને જીવતા કેવી રીતે રાખે છે? ફેફસાંમાં વિક્ષેપ ક્યારે ઊભો થાય છે? કોરોના વાઇરસ ફેફસાંને કઈ રીતે ડૅમેજ કરે છે? ન્યુમોનિયા જેવા રોગ ફેફાસાંમાં શું બદલાવ લાવે છે અને એમાંથી યોગનાં કયાં આસનો અને પ્રાણાયામ હેલ્પ કરી શકે છે એ બધા જ પ્રશ્નોના જવાબ આજે તમને આ લેખમાં મળવાના છે.
ફેફસાંનું કામ
શરીરના પ્રત્યેક અવયવનું મહત્ત્વ અદકેરું છે અને દરેકને સંભાળની જરૂર હોય છે. જોકે અત્યારના બદલાઈ રહેલા પ્રદૂષણયુક્ત સમયમાં ફેફસાંનુ મહત્ત્વ નહીં સમજાય તો શરીરને રોગનું ઘર બનતાં નહીં અટકાવી શકાય. ફેફસાં તંદુરસ્ત હોય તો શ્વસનપ્રક્રિયા સારી રીતે થાય અને શ્વસનપ્રક્રિયા સારી રીતે થાય તો શરીરના પ્રત્યેક કોષો સુધી ઑક્સિજન ઉચિત પ્રમાણમાં મળી રહે. શરીરની તમામેતમામ ક્રિયાઓ વ્યવસ્થિત રીતે પાર પડે. અત્યારે ફેફસાંને જો હેલ્પ નહીં કરીઅે તો શ્વસન દ્વારા ફેફસાંમાં પહોંચી રહેલાં બિનજરૂરી તત્ત્વોની સામે લડવાની એની મર્યાદાને કારણે એને ડૅમેજ થતાં તથા એની કાર્યક્ષમતાને ઘટતાં રોકી નહીં શકીએ. ફેફસાં અેટલે અેક પ્રકારનો ફુગ્ગો. અેકમાત્ર શરીરનો અવયવ જે પાણીમાં તરે છે અને જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે ફુગ્ગાની જેમ ફુલાઈ શકે અેવા લચીલા હોય છે. હવે જ્યારે હવા નાસિકા વાટે ફિલ્ટર થઈને શ્વસનનળીથી બે ફેફસાંમાં ડિવાઇડ થાય પછી પ્રત્યેક ફેફસામાં અબજોની સંખ્યામાં આવેલી એલ્વીઓલી નામની નાની થેલીઓ સુધી પહોંચે. આ અેલ્વીઓલી આપણી શરીરની શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી લઈ જતી રક્તવાહિનીઓ સાથે પણ જોડાયેલી હોય. ગૅસ અેક્સચેન્જના પ્રોસેસ અહીં જ થાય. તમે જે હવા શ્વાસમાં ભરો છો અેમાં લગભગ ૨૧ ટકા ઑક્સિજન હોય છે જે અેલ્વીઓલી નામના ગૅસ અેક્સચેન્જ જંક્શનથી રક્તમાં ભળે અને લોહીનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ વાટે બહાર નીકળે. આ થઈ શ્વસનની સામાન્ય પ્રોસેસ. જોકે હવે આમાં વિઘ્ન ક્યારે આવે. ન્યુમોનિયા અથવા તો કોવિડને કારણે ફેફસાંમાં શું થાય જેથી આ પ્રોસેસમાં વિક્ષેપ ઊભો થાય એનો જવાબ બોરીવલીમાં પ્રૅક્ટિસ કરતા ચેસ્ટ-ફિઝિશ્યન ડૉ. પાર્થિવ શાહ કહે છે, ‘શરીરના રક્તકણોમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી કરવા ઉપરાંત આપણા હૉર્મોન્સ પર, બ્લડપ્રેશર પર અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કામ પણ જુદી-જુદી ઇન્ટેન્સિટી સાથે લંગ્સ કરે છે. જોકે ઘણી વાર કોઈ પણ કારણસર, ચાહે અે અેન્વાયર્નમેન્ટલ કારણ હોય કે ક્યારેક શરીરની ઇન્ટર્નલ સિસ્ટમની એરર હોય, પણ ફેફસાંમાં ઇન્ફેક્શન લાગવાનું શરૂ થાય. વાઇરસ અથવા બૅક્ટેરિયાને કારણે લંગ્સમાં સોજા આવવાનું શરૂ થાય. ફેફસાંની હવા ભરવાની ક્ષમતા અેનાથી ખોરવાય. એવી સ્થિતિને બૅક્ટેરિયલ ન્યુમોનિયા કહેવાય. ક્યારે હૉસ્પિટલમાં રહીને ત્યાંના વાતાવરણમાં રહેલા ઑર્ગેનિઝમથી પણ ઘણી વાર ન્યુમોનિયા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો ક્યારેક કોઈક ખાવાની વસ્તુ અન્નનળીને બદલે શ્વાસનળી વાટે ફેફસાંમાં પહોંચી જાય તો પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. ન્યુમોનિયાના આમ જુદા-જુદા પ્રકાર છે. જોકે લંગ્સમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ત્યારે શ્વસનક્રિયા ખોરવાય, ફેફસાંની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ ન થાય, ફેફસાં બરાબર ન હોય તો અંદરના ઑક્સિજન-કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલીની પ્રોસેસ પણ ખોરવાય. કોરોનામાં આ બાબત સૌથી વધારે જોવા મળી રહી છે. ઘણી વાર ફેફસાંની બહાર પાણી ભરાવાનું શરૂ થાય, ક્યારેક અેલ્વીઓલીની વૉલમાં પાણી ભરાય. આ બધી વસ્તુઓ થઈ શકે છે. પ્રદૂષિત હવા ફેફસાંમાં લેવાથી ફેફસાંને સૌથી વધુ નુકસાન થાય છે. બ્રિધિંગ એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ, ચેસ્ટ-ફિઝિયોથેરપી, બૅલૅન્સ લાઇફસ્ટાઇલ અને સૌથી વધુ મહત્ત્વનું પ્રદૂષિત હવાથી દૂર રહેવાની અત્યારના સમયે ફેફસાંને અમૃતબિંદુ પાવા જેવું છે.’
વ્યક્તિગત અનુભવ
અંધેરીમાં ચેસ્ટ-ફિઝિયોથેરપિસ્ટ તરીકે કામ કરતા ડૉ. સંદીપ ગોસ્વામીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં બ્રિધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામથી કોવિડ અને ન્યુમોનિયાને કારણે લંગ્સ-ઇન્ફેક્શનમાં ખાસ્સો ફરક જોયો છે. ડૉ. સંદીપ કહે છે, ‘બીજા બધા કેસ વિશે પછી કહીશ. પહેલાં મારા પેરન્ટ્સની જ વાત કરું છું. તેમને કોવિડ થયા પછી શ્વાસમાં થોડી તકલીફ પડી રહી હતી. અેમાં તેમને કેટલાંક જુદાં-જુદાં ડિવાઇસના માધ્યમથી શ્વાસ લેવડાવીને, જુદી-જુદી પોઝિશન પર સુવડાવીને લંગ્સમાં ઊભા થયેલા કંજેશનને દૂર કરવામાં મને ખૂબ મદદ મળી છે. લંગ્સના મસલ્સને પ્રાણાયામ અને બ્રિધિંગ એક્સરસાઇઝથી ખૂબ જ મદદ મળે છે. લંગ્સના ફાઇબ્રોસિસને દૂર કરવામાં એનાથી સહાય થાય છે. ફેફસાંની ક્ષમતા, એનો ઍન્ડ્યોરન્સ પાવર ૫૦ ટકા જેટલો વધે છે. કોવિડમાં આ પ્રકારની કસરતો કરનારા લોકો ૧૫ દિવસને બદલે અેનાથી અડધા સમયમાં જ ઘણા રિકવર થઈ ગયાનું મેં નોટિસ કર્યું છે. ફિઝિયોથેરપીમાં અમુક ઍડ્વાન્સ પ્રૅક્ટિસ હોય છે જેમાં અમે ટેપિંગ કરીને લંગ્સના ઉપરના લોબમાં ભરાયેલા કફને બહાર કાઢવાના પ્રયત્નો કરીએ છીએ. જે લોબમાં કંજેશન વધારે હોય એ લોબ પર ફોકસ કરીને શ્વાસ લેવડાવીએ. શ્વાસ અંદર ભરવાની ક્ષમતા વધારતાં અને શ્વાસ બહાર કાઢવામાં મદદ કરતાં અને એક્સેલેશન કૅપેસિટી વધારતાં મશીનો ખૂબ જ નજીવા દરે અવેલેબલ હોય છે.’
યોગ અને પ્રાણાયામ
સાઉથની એક યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ પ્રમાણે પ્રાણાયામ અને બ્રિધિંગ એક્સરસાઇઝથી ફેફસાંની વાઇટલ કૅપેસિટી વધે છે. કપાલભાતિ, અનુલોમવિલોમ, ભ્રામરી, ઓમ અને સૂર્યનમસ્કાર આટલી બાબતો બે મહિના સુધી લગભગ ૩૦ જણને રોજ કરાવવામાં આવી. એમાં રિસર્ચરોએ ઑબ્ઝર્વ કર્યું કે આ બધી જ પ્રાણાયામ અને યોગિક પ્રૅક્ટિસ દ્વારા સંશોધનમાં ભાગ લેનાર લોકોના પલ્મનરી ફંક્શનમાં નોંધનીય સુધારો થયો હતો.
ફિઝિયોથેરપીમાં અમુક પોશ્ચરનો ઉપયોગ કરીને ટેપિંગ અને બ્રિધિંગ દ્વારા લંગ્સના મસલ્સને ટોન કરવાની અને લંગ્સમાં થયેલા કંજેશનને દૂર કરવાના પ્રયત્નો થાય છે. એવી જ બાબતો યોગમાં હજારો વર્ષથી સમાવેલી છે. ચેસ્ટ ઓપનિંગના જેટલાં પણ આસનો છે જેમ કે ઉષ્ટ્રાસન, ભુજંગાસન, ધનુરાસન, મત્સ્યાસન વગેરેથી ફેફસાંની ક્ષમતા અને ડાયાફ્રામ મસલ્સ, ઇન્ટરકોસ્ટલ મસલ્સ એમ શ્વાસ લેવામાં અને છોડવામાં મદદરૂપ થતા જુદા-જુદા મસલ્સને પણ ટોન કરે છે, એનું લચીલાપણું વધારે છે, ત્યાં ઑક્સિજનેટે બ્લડ ફ્લો વધે છે જે ઓવરઑલ લંગ્સને બહેતર બનાવે છે. કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમવિલોમ પ્રાણાયામ, ભસ્ત્રીકા પ્રાણાયામ અને ઉજ્જયી પ્રાણાયામ આ ત્રણ બહુ જ મહત્ત્વના પ્રાણાયામ છે જે લંગ્સની હેલ્થ માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. અે સિવાય નેઝલ કેવિટીમાં ભેગા થયેલા અને લંગ્સની અંદર જમા થયેલા કફને ઓછો કરવા અને ધીમે-ધીમે એને લૂઝ કરીને બહાર કાઢવા માટે જલનેતિ અને વમન જેવી ક્રિયા પણ રેસ્પિરેટરી ડિસઑર્ડર ધરાવતા લોકોને થેરપીમાં કરાવવામાં આવે છે.
બધા જ કરી શકે છે લંગ્સ માટે બેસ્ટ ગણાતી આ બ્રિધિંગ અેક્સરસાઇઝ
સેક્શનલ, સેગમેન્ટલ, વિભાગીય અથવા ફુલ યોગિક બ્રિધિંગ અેમ જુદા-જુદા નામથી ઓળખાતી શ્વસનપ્રક્રિયામાં ફેફસાંના અેક-અેક હિસ્સાને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણા જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે લોબ (ભાગ) છે. મોટા ભાગના લોકો શ્વસન દરમ્યાન ફેફસાંના આ ત્રણેય લોબનો ઉપયોગ કરતા નથી. જોકે આ બ્રિધિંગમાં ફેફસાંના આ ત્રણેય હિસ્સાનો પણ ઉપયોગ થાય છે અને સાથે-સાથે અેની સાથે સંકળાયેલા સ્નાયુઓ પણ સક્રિય થાય છે. ઍબડોમિન અેટલે કે પેટનો ભાગ, થોરાસિક રીજન અેટલે છાતીથી પેટ સુધીનો ભાગ અને ક્લેવિક્યુલર અથવા ઉપલી છાતીનો હિસ્સો. જો જાગ્રતપણે પ્રયાસ થાય તો તમે સ્પેસિફિક રીજનથી શ્વસન કરી શકો છો. હવે સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈઅે.
સૌથી પહેલાં તમારો ડાબો હાથ પેટ પર અને જમણા હાથમાં ચીન્મયી મુદ્રા કરો. ટટ્ટાર બેસો અને ધીમે-ધીમે શ્વાસ લો. શ્વાસ લેતી વખતે તમારા પેટમાં ગતિ આવવી જોઈએ. તમે જ્યારે શ્વાસ લો ત્યારે પેટ બહાર આવશે અને શ્વાસ છોડશો ત્યારે પેટ અંદર જશે. ધીમે-ધીમે આ રીતે ૧૫થી ૨૦ વખત શ્વાસ લઈને પેટમાં થઈ રહેલી મૂવમેન્ટને મહેસૂસ કરો.
હવે તમારા ડાબા હાથને પેટની ઉપર તમારી પાંસળીઓ છે એ હિસ્સા પર મૂકો અને જમણા હાથને ચીન્મયી મુદ્રામાં રાખો. ફરી અેક વાર ટટ્ટાર બેસીને ૧૫થી ૨૦ વાર શ્વાસ લો અને તમારી પાંસળીના હિસ્સામાં થઈ રહેલી મૂવમેન્ટનું નિરીક્ષણ કરો. તમે જોશો કે જ્યારે તમે શ્વાસ અંદર ભરો છો ત્યારે એ હિસ્સો એક્સપાન્ડ થાય છે અને સાથે જ સહેજ ઉપર ઊંચકાય છે અને શ્વાસ છોડો છો ત્યારે કૉન્ટ્રૅક્ટ થાય છે.
હવે ત્રીજા રાઉન્ડમાં ડાબા હાથને અપર ચેસ્ટ પર મૂકો, છાતીના ઉપલા ભાગમાં. અને જમણો હાથ આદિ મુદ્રામાં તસવીરમાં દેખાય છે એ રીતે રાખો. હવે શ્વાસ છાતીના ઉપલા ભાગમાંથી જ લેવાનો અને છોડવાનો છે. આમાં આપમેળે તમારા શ્વાસ ટૂંકા થઈ જશે. શેલો બ્રિધિંગ થશે અને માત્ર ફેફસાંનો ઉપલો હિસ્સો જ ઉપયોગમાં આવશે.
છેલ્લે બન્ને હાથ નાભિ પાસે બ્રહ્મમુદ્રામાં રાખીને ફુલ યોગિક બ્રિધિંગ કરો. ફેફસાંના ત્રણેય હિસ્સાનો ઉપયોગ કરી રહ્યા છો અે રીતે ખૂબ ઝીણવટપૂર્વક શ્વાસ અંદર ગયા પછી પહેલાં પેટ, પછી છાતી અને પછી છાતીનો ઉપલો હિસ્સો હવાથી ભરાય છે અને શ્વાસ છોડતી વખતે પહેલાં ઉપલા હિસ્સામાંથી, પછી વચ્ચેના હિસ્સામાંથી અને છેલ્લે પેટમાંથી હવા બહાર જાય છે અેનું નિરીક્ષણ કરો. આ રીતે તમે એકસાથે ત્રણેય હિસ્સાનો ઉપયોગ શ્વસન માટે કરી રહ્યા છો. આ રીતે શ્વાસ લેવાથી શ્વસનની ખોટી રીતથી છુટકારો મળે છે, ચેતાતંતુઓ રિલૅક્સ થાય છે, ફેફસાંની ક્ષમતા વધે છે, મન શાંત થાય છે, શરીરને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળે છે, બ્લડપ્રેશરનું નિયમન થાય છે એમ અઢળક પ્રકારના લાભ છે.