Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દીકરો જાતીય સતામણીનો ભોગ બને ત્યારે....

દીકરો જાતીય સતામણીનો ભોગ બને ત્યારે....

11 October, 2019 03:57 PM IST | મુંબઈ
યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

દીકરો જાતીય સતામણીનો ભોગ બને ત્યારે....

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેઇલ ચાઇલ્ડનું સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ થાય ત્યારે ઍડ‍્જસ્ટમેન્ટ ડિસઑર્ડર, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર અથવા સ્કિઝોફ્રેનિયા જેવી જુદી જુદી સ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી છે. એમાંથી બાળકને બહાર કાઢવા સમયસર સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ અને પેરન્ટ્સની સપોર્ટ સિસ્ટમ મળવી ખૂબ જ જરૂરી છે.

ગયા અઠવાડિયે બોરીવલીમાં રહેતા ઓગણીસ વર્ષના ટિનેજર ક્રિશનું દવાની આડઅસર અને ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે મુંબઈની એક હૉસ્પિટલમાં મૃત્યુ થતાં એની આસપાસ રહેતા લોકોમાં ફરી ગણગણાટ શરૂ થઈ ગયો. અરર, પેરેન્ટ્સે ધ્યાન ન આપ્યું એમાં દીકરો ખોયો. બીચારા સાથે કેવું થયું નહીં? જેવી ચર્ચામાં આખું ગામ જોતરાયું. સમાજની નજરમાં એ ગાંડો થઈ ગયો હતો. મિત્રો દૂર રહેવા લાગ્યા હતા. સ્કૂલમાંથી પણ કાયમી ધોરણે છુટ્ટી થઈ ગઈ હતી. બસ, પપ્પાનો હાથ ઝાલી આખો દિવસ ફર્યા કરતો. આવું કેમ? શું ખરેખર એનું મગજ ચસકી ગયું હતું કે પછી એને કોઈ રોગ હતો? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા ૨૦૧૪માં અખબારોની હેડલાઇન બનેલી સત્ય ઘટના (નામ અને સ્થળ બદલવામાં આવ્યાં છે)ને ફરીથી વાંચવી પડશે.



કેસની વિગત અનુસાર બાર વર્ષનો ક્રિશ પોતાની બિલ્ડિંગમાં આવેલી કરિયાણાની દુકાને ઘરની ચીજવસ્તુ લેવા જતો. દેખાવમાં સોહામણો હોવાથી દુકાનદારની વિકૃત નજરમાં વસી ગયો. ચોકલેટની લાલચ આપી દુકાનદારે એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. બાળકનું લોહી ચાખી ગયેલા આદમખોરની જેમ દુકાનદાર લાગ જોઈ એને ગોદામમાં લઈ જતો અને પોતાની વાસના સંતોષતો. જો કોઈને વાત કરી છે તો તારી મમ્મી સાથે પણ આમ જ કરીશ. ધમકીથી ડરી ગયેલા ક્રિશે બે વર્ષ સુધી મોઢું બંધ રાખી આ યાતના સહન કરી. શારીરિક પીડા અને ત્રાસ વધતાં આખરે એણે પપ્પાને વાત કરી. એના પપ્પાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી અને વાત અખબાર સુધી પહોંચી.


પછી શરૂ થયો તબીબી તપાસ, સાયકિયાટ્રીસ્ટ ટ્રિટમેન્ટ અને અદાલતી કાર્યવાહીનો લાંબો દોર. ગુનેગાર તો જેલભેગો થઈ ગયો, પરંતુ ક્રિશના કૂમળા માનસપટ પરથી એ ઘટના ભૂંસાતી નહોતી. સાતેક વર્ષ સુધી ભયના ઓછાયા હેઠળ જીવી એણે જીવ ગુમાવ્યો. સ્કૂલમાં અભ્યાસ કરતાં કૂમળાં બાળકો સાથે છાશવારે આવી ઘટના બનતી હોય છે, જેમાંથી જૂજ ઘટનાઓ જ બહાર આવે છે; એ નરી વાસ્તવિકતા છે. સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલા મેલ ચાઇલ્ડના જીવનમાં કેવી ઊથલપાથલ થઈ શકે છે તેમ જ પેરેન્ટ્સના રોલ વિશે સાઇક્યાટ્રિસ્ટ એન્ડ સેક્સોલોજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા શું કહે છે એ જાણીએ.

શું થઈ શકે?      


મેઇલ ચાઇલ્ડનું સેક્સુઅલ હેરેસમેન્ટ થાય ત્યારે ચાર જુદી જુદી વસ્તુ થઈ શકે છે એમ જણાવતા ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘કોઈ કેસમાં એવું બને કે ચાઇલ્ડ થોડા દિવસ ડરેલો રહે, ઉદાસ અને અતડો રહે, રડ્યા કરે અને પછી નોર્મલ થઈ જાય. કોઈ બાળક હતાશામાં સરી જાય. સ્ટડી પર ફોકસ ન રાખી શકે. મનગમતી પ્રવૃતિમાંથી રસ ઊડી જાય. મારી સાથે આવું થયું એમાં મારો જ વાંક છે. હવે મને કોઈ બોલાવશે નહીં, ફ્રેન્ડ્સ નહીં બને, મમ્મી-પપ્પા પણ વઢ્યાં કરશે, એવા વિચારો સતત મગજમાં આવ્યા કરે એને એડજેસ્ટમેન્ટ ડિસઑર્ડર (ડિપ્રેશનનો પ્રકાર) કહેવાય. ત્રીજી વસ્તુ એ થઈ શકે કે બાળકના મનમાં એક્સ્ટ્રિમ લેવલનો ડર પેસી જાય. આવા બાળકને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑડર્ર (પીટીએસડી)ની સારવારની જરૂર પડે. આ રોગમાં પોતાની સાથે બનેલી ઘટનામાંથી એ જલદીથી બહાર ન નીકળી શકે. એની સાથે જે બન્યું હોય એ આંખ સામે દેખાયા કરે. રાતે ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. મારી સાથે ફરીથી આવું થશે તો એવા વિચારથી સતત ભયભીત રહ્યા કરે. જુદી જુદી શક્યતામાં સ્કિઝોફ્રેનિયા સૌથી ડેન્જરસ સ્થિતિ છે. સ્કિઝોફ્રેનિયા એવો માનસિક વિકાર છે જેમાં વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર ચાલી જાય છે. એની વિચારસરણી અને વર્તન એકદમ જ બદલાઈ જાય છે.’

સ્કિઝોફ્રેનિયા

સ્કિઝોફ્રેનિયાના કેસ બહુ ઓછા આવે છે પરંતુ એલર્ટ રહેવું જરૂરી છે, એમ જણાવતાં ડૉ. શ્યામ આગળ કહે છે, ‘આ રોગમાં તમારા સંતાનના મનમાં અને બૉડીમાં જબરજસ્ત ઊથલપાથલ જોવા મળે છે. એક તો લાંબા સમય સુધી સેક્સુઅલ હેરેસમેન્ટ થયું છે. બીજું, આ સમયગાળા દરમ્યાન બૉડીની અંદર ઉંમર અને સેક્સુઅલ રિલેશનશિપના કારણે હોર્મોનલ ચેન્જિસ પણ થયા છે. બાળક એના મગજમાં નોન-રિયલ ઇમેજ બનાવતો રહે છે. એને જુદા જુદા અવાજો સંભળાયા કરે જે વાસ્તવમાં છે જ નહીં. મારી સાથે એકસાથે ઘણાબધા લોકો સેક્સ કરી રહ્યા છે, જો હું નહીં માનું તો મને મારી નાખવામાં આવશે જેવા વિચારો સતત ચાલ્યા કરે. હોર્મોનલ ચેન્જિસના કારણે એવું બને કે એને પોતાને જ સેક્સ કરવાની ઇચ્છા જાગે. સેક્સુઅલ રિલેશનશિપ ઓપોઝિટ સેક્સ સાથે હોય એવી સમજ એનામાં ડેવલપ ન થાય. કારણ કે પ્રથમ અનુભવ એણે સેમ જેન્ડર સાથે કર્યો છે અને લાંબા સમય સુધી એના રિલેશન્સ અન્ય મેલ સાથે રહ્યા છે. મેન્ટલી તો ટોટલી ડિસ્ટર્બ થઈ જાય છે. સેમ જેન્ડર દ્વારા મોલેસ્ટેશનના કારણે આ રોગમાં બાળક ભવિષ્યમાં હોમોસેક્સુઆલિટી ટેન્ડન્સી તરફ આગળ વધી જાય એવી શક્યતા પણ રહેલી છે. હોમોસેક્સુઆલિટીના લીધે એચઆઈવી જેવા ખતરનાક રોગના ભરડામાં આવી જાય એવું બની શકે છે. સ્કિઝોફ્રેનિયાની સારવાર અતિશય લાંબી ચાલે છે, તેથી ધીરજ રાખવી પડે અને નિયમિતપણે ડૉક્ટરની મુલાકાત લેવી પડે છે.’

આડઅસર

સૌથી મહત્વની વાત, સાઇક્યાટ્રીસ્ટ ટ્રિટમેન્ટમાં કેટલીક દવાઓની મામૂલી આડઅસર થાય છે, પરંતુ જીવ ગુમાવવો પડે અથવા ફેફસાંમાં પાણી ભરાઈ જાય એટલી જોખમી આ દવાઓ હોતી નથી; એમ જણાવતા તેઓ કહે છે, ‘બાળકને દવાનો ડોઝ કેટલો આપવાનો છે અને એમાં ક્યારે ચેન્જિસ કરવાના છે, એની ડૉક્ટરને ખબર છે. બાળક ડિપ્રેશનમાં અને ભયભીત હોય ત્યારે ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય, તેથી સ્લીપિંગ પિલ્સ આપવી પડે છે. ઉંમર પ્રમાણે એનો ડોઝ સાવ જ ઓછો હોય છે. લાંબા સમય સુધી સ્લીપિંગ પિલ્સ લેવામાં આવે અને માત્રા વધારે હોય તો સાઇડ ઇફેક્ટ થાય. સ્ટ્રેસના કારણે ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે પરિણામે કેટલીક દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો મેમરી લોસ થઈ શકે છે. જોકે, નેવું ટકા કેસમાં સારવાર દરમ્યાન આપવામાં આવતી કોઈ પણ દવાઓની આડઅસર થતી નથી.’

પેરેન્ટ્સનો રોલ

કોઈ પણ બાળક સાથે આવી ઘટના ઘટે છે ત્યારે પેરેન્ટ્સની સપોર્ટ સિસ્ટમ સૌથી વધુ મહત્વની હોય છે. પેરેન્ટ્સનો રિસપોન્સ એને મેન્ટલ અને ફિઝિકલ સ્ટેટમાંથી બહાર લાવવામાં હેલ્પ કરે છે; એમ જણાવતાં ડૉ. શ્યામ કહે છે, ‘મોલેસ્ટેશનના કેસમાં સામાન્ય રીતે ગુનેગાર ધમકી આપતો હોય છે. ઘણા પેરેન્ટ્સ બાળક જરા અમથી ભૂલ કરે તોપણ એને વઢ્યા કરતા હોય છે અથવા એનો વાંક ન હોય તો પણ ઉધડો લઈ નાખે છે. તેં જ આમ કર્યું હશે, પેરેન્ટ્સનો આવો રિસ્પોન્સ હોય તો બાળક ધમકીથી ડરી જાય છે અને લાંબા સમય સુધી પેરેન્ટ્સને આ વિશે જણાવી શકતો નથી. તમારા સંતાન સાથે આવી ઘટના ન બને એ પહેલાં ધ્યાન રાખવાનું છે, પરંતુ જો બને તો બૉડી લેંગ્વેજ અને શબ્દોના માધ્યમથી એને જણાવો કે આમાં તારો કંઈ વાંક નથી. આ શબ્દો પ્રોટેક્શનનું કામ કરે છે તેમ જ આગળની સારવાર સરળ બને છે.’

આ પણ વાંચો : મેદસ્વિતા મારે એ પહેલાં ચેતી જાઓ

આટલી સાવધાની રાખો

તમારું સંતાન ચાર વર્ષનું થાય ત્યારથી જ એની દરેક વાતમાં તમારું રિએક્શન અને રિસપોન્સ બન્ને પૉઝિટીવ હોવા જોઈએ.

ઘણાના ઘરમાં નાનાં બાળકોને વારંવાર કિસ કરવાની સિસ્ટમ હોય છે. મહેમાનો પણ આમ કરતા હોય છે. આ પ્રકારની સિસ્ટમ ઉચિત નથી.

તમારા સંતાનને નાનપણમાં જ ગુડ ટચ અને બેડ ટચનું યોગ્ય રીતે નોલેજ આપો.

અંકલના ખોળામાં બેસાડવાની પ્રથા બંધ કરો.

સ્કૂલમાંથી આવ્યા બાદ એનું બિહેવિયર બદલાય તો સાવધ થઈ જાઓ.

તમારું સંતાન કોઈ વ્યક્તિથી અતડું રહેતું હોય તો એલર્ટ થઈ જાઓ. સામાજિક સંબંધોને સાચવવાની એને ફરજ ન પાડો.

સંતાનના બિહેવિયરને લઈને શંકા જાગે અને જરૂર પડે તો થેરપિસ્ટની સહાય લેવામાં જરાય સંકોચ ન કરો.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 03:57 PM IST | મુંબઈ | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK