Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કેટલા પેરન્ટ્સ સમજે છે હેલ્ધી ને નીરોગી વચ્ચેના તફાવતને?

કેટલા પેરન્ટ્સ સમજે છે હેલ્ધી ને નીરોગી વચ્ચેના તફાવતને?

05 July, 2019 12:51 PM IST |
યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

કેટલા પેરન્ટ્સ સમજે છે હેલ્ધી ને નીરોગી વચ્ચેના તફાવતને?

ચાઈલ્ડ ઑબેસિટી

ચાઈલ્ડ ઑબેસિટી


મુંબઈ જેવા મેટ્રોસિટીનાં ૨૭ ટકાથી વધુ બાળકો ઓબીસ અથવા ઓવરવેઇટ છે એવું તારણ નીકળ્યું છે. જંક ફૂડ અને બેઠાડુ જીવન આજની જનરેશનને મેદસ્વી નામના ભયંકર રોગનો શિકાર બનાવી રહી છે ત્યારે ચાઇલ્ડહૂડ ઓબેસિટીને કન્ટ્રોલમાં કરવા પેરન્ટ્સે શું કરવું જોઈએ એ વિશે આજે વાત કરીએ. 

હાઈ કૅલેરી પ્રોસેસ્ડ ફૂડ અને બેઠાડુ જીવનશૈલીને કારણે a ઓબેસિટીનો રોગ મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આવતાં ૧૦ વર્ષમાં ઓબેસિટી સિંગલ કિલર તરીકે ઊભરી આવશે, જેમાં ચાઇલ્ડહૂડ ઓબેસિટીનો દર ઘણો ઊંચો હશે. પશ્ચિમના દેશો ૮૦ના દાયકાથી ઓબેસીટી ભયંકર રોગને નાથવા ઝઝૂમી રહ્યા છે. હવે એશિયન દેશો પણ આ રોગના સપાટામાં આવી ગયા છે. છેલ્લા બે દાયકામાં ભારત અને ચીન સહિતના એશિયન દેશોના નાગરિકોમાં ઓબેસિટીના દરમાં ત્રણગણો વધારો થયો હોવાનું વૈશ્વિક તારણ નીકળ્યું છે.



ભારત જેવો વિકાશસીલ દેશ બેવડાં સ્વાસ્થ્ય ધોરણનો સામનો કરી રહ્યો છે. આપણા દેશમાં બાળકોમાં સ્થૂળતા અને કુપોષણ બન્ને ચિંતાનો વિષય છે. ઇન્ડિયન જર્નલ ઑફ એન્ડોક્રિનોલૉજી ઍન્ડ મેટાબોલિઝમના ડેટા અનુસાર ભારતમાં મેટ્રોસિટીમાં ૧૨થી ૧૮ વર્ષની ઉંમરનાં ૨૧.૪ ટકા બાળકો ઓબીસ અથવા ઓવરવેઇટ છે. બીએમસીના પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકાના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે સાઇકલ લઈને અથવા પગપાળા સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓની સરખામણીએ પ્રાઇવેટ વેહિકલમાં સ્કૂલ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે. ચાઇલ્ડહૂડ ઓબેસિટી શું છે તેમ જ સંતાનોને આ ભયંકર રોગથી બચાવવા પેરન્ટ્સે શું કરવું જોઈએ એ વિશે એક્સપર્ટ સાથે વાત કરીએ.


મારા અનુભવ અને હૅન્ડલ કરેલા કેસ પ્રમાણે મુંબઈમાં દસથી પંદર વર્ષની ઉંમરનાં ૨૭ ટકાથી વધુ બાળકો ઓબીસ છે એવો અભિપ્રાય આપતાં બૅરિયાટ્રિક સર્જ્યન સંજય બોરુડે કહે છે, ‘આ જ તો ઉંમર છે ખાવા-પીવાની. પેરન્ટ્સની આવી માનસિકતા ચાઇલ્ડહૂડ ઓબેસિટીનું મુખ્ય કારણ છે. પેરન્ટ્સની હેલ્ધી ચાઇલ્ડ વિશેની વ્યાખ્યા જ જુદી છે. તેમનું માનવું છે કે ગોળમટોળ દેખાતાં બાળકો હેલ્ધી કહેવાય. નાનપણમાં સંતાન મેદસ્વી હોય તો પણ તેમને ખાસ ચિંતા થતી નથી. યુવાનવયે વજન વધુ લાગશે તો જોઈ લઈશું એવો તેમનો જવાબ હોય છે. પેરન્ટ્સની બેદરકારી અને સંતાનને જે ખાવાનું મન થાય એ હાજર કરી દેવાની ટેવના લીધે નાનપણમાં જ સંતાનોનું વજન વધી જાય છે. આ ઉપરાંત રમત-ગમતના મેદાનનો અભાવ, અર્બન લાઇફસ્ટાઇલ અને સ્ટડી પ્રેશરને કારણે છેલ્લાં કેટલાંક વર્ષમાં મેદસ્વી બાળકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સ્પેશ્યલ કેસમાં જિનેટિક પ્રૉબ્લેમ પણ હોય છે.’

બાળકો પણ કૉપી પેસ્ટ કરે છે એમ જણાવતાં ડાયટિશ્યન ડેલનાઝ ચંદુવાડિયા કહે છે, ‘મૉડર્ન મમ્મીઓએ સંતાનોની હેલ્થ બગાડવાનું કામ કર્યું છે. તેઓ પોતે જ જંક ફૂડ ઑર્ડર કરે છે. આજકાલ ઘેરબેઠાં ઑનલાઇન બધું જ સહેલાઈથી મળવા લાગ્યું છે એથી ફટ દઈને બહારથી મગાવી લે. બાળકો તમને જોઈને જ શીખે છે. મમ્મીઓનો વધુપડતો પ્રેમ સંતાનના પેટ પર ભારે પડે છે. પોતાના સંતાનની થાળી તૈયાર કરતી વખતે દરેક મહિલા જરૂરિયાત કરતાં વધુ પીરસે છે. પ્લેટમાં આપ્યું છે એ ખતમ કરવાનું છે એવી ભલામણ આપે અને ન ખાય તો બીજી લાલચ આપીને પણ ખવડાવે. કોઈક દિવસ બાળક ન જમે તો દૂધ, મિલ્કશેક કે જૂસ બનાવીને પીવડાવશે. અરે આજે તેને નથી ખાવું તો કંઈ નહીં, પણ ન સમજે. ફૂડ સાથે બાળકનું પૉઝિટિવ રિલેશન છે કે નહીં એ જોવાની તસ્દી મમ્મીઓ લેતી નથી એથી સંતાનનું વજન વધી જાય છે.’


ચાઇલ્ડહૂડ ઓબેસિટીનું બીજું કારણ ટેક્નૉલૉજી છે એવો મત વ્યક્ત કરતાં ડેલનાઝ કહે છે, ‘આજે લગભગ બધાં જ બાળકો ટીવી જોતાં-જોતાં અથવા મોબાઇલમાં ગેમ રમતાં-રમતાં જમે છે. સ્ક્રીન સામે બેસીને ખાતી વખતે તમારું પેટ બ્રેઇનના સિગ્નલને સમજી શકતું નથી. પેટની કૅપેસિટી સમજ્યા વગર સતત ખાધા કરવાની ટેવ પડી જાય પછી કન્ટ્રોલ રહેતો નથી. મેં એવાં ઘણાં બાળકોને જોયાં છે જેમને પોતાને જ ખબર નથી હોતી કે કેટલું ખાવું છે. તેઓ બસ જે મળે પેટમાં પધરાવ્યા કરે છે અને પરિણામે નાનપણથી જ તેમનું વજન વધી જાય છે.’

ઓબેસિટીના ત્રણ પ્રકાર હોય છે; માઇલ્ડ (જરૂર કરતાં થોડું વધુ), મૉડરેટ (ઓવરવેઇટ) અને સિવિયર (સ્થૂળ) એવી માહિતી આપતાં ડૉ. સંજય કહે છે, ‘નાનાં બાળકોમાં વજનની ગણતરી બૉડી પર્સેન્ટાઇલમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ૧૦ વર્ષનું બાળક હોય અને ઊંચાઈ ચાર ફૂટ હોય તો વજન ૪૦ની આસપાસ હોવું જોઈએ. ૮૫થી ૯૫ પર્સેન્ટાઇલમાં આવતાં બાળકો પહેલા બે પ્રકારમાં આવે છે. આવા કેસમાં ડાયટ અને એક્સરસાઇઝની સહાયથી વજનને કન્ટ્રોલમાં કરી શકાય છે. ત્રીજા કેસમાં (માત્ર પાંચ ટકા) સર્જરીનો જ વિકલ્પ બચે છે. બે વર્ષ પહેલાં મારી પાસે ૧૪ વર્ષના બાળકનો કેસ આવ્યો હતો. ખોટી ફૂડ-હૅબિટ અને બેઠાડુ જીવન જીવતાં એનું વજન ૧૮૦ કિલો થઈ ગયું હતું. છાતીમાં દુખાવા સહિત અનેક તકલીફો ઊભી થતાં પેરન્ટ્સ તેને હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા. આવા કેસમાં સર્જરી કરવી જ પડે છે. સામાન્ય ઍનેસ્થેસિયા આપીને તેની લેપ્રોસ્કોપિક સ્લીવ ગૅસ્ટ્રેક્ટૉમી સર્જરી કરવામાં આવ્યા બાદ હાલમાં તે તંદુરસ્ત જીવન જીવે છે. ઓબીસ બાળકોમાં ડાયાબિટીઝ અને હાઈ બ્લડ-પ્રેશર જેવી ગંભીર બ‌ીમારી થવાની સંભાવના અનેકગણી વધુ હોય છે. હવે તો પાંચ વર્ષના બાળકમાં પણ ડાયાબિટીઝનાં લક્ષણો જોવા મળે છે.’

સર્જરીની અવસ્થા સુધી તમારું સંતાન પહોંચી જાય એ પહેલાં પેરન્ટ્સે સભાન થઈ જવું જોઈએ એમ જણાવતાં ડેલનાઝ કહે છે, ‘આપણે એવું સમજીએ છીએ કે ડાયટ-ચાર્ટ મોટા લોકો માટે હોય. બેશક, નાનાં બાળકો ડાયટ ફૉલો ન કરે અને પરાણે કરાવવું પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થવી ન જોઈએ. પહેલાં કહ્યું એમ, બાળકો મોટાને કૉપી પેસ્ટ કરે છે. પેરન્ટ્સ તેમના રોલમૉડલ હોય છે. મમ્મીની કરેક્ટ ફૂડ-હૅબિટ અને પપ્પાની સ્પોર્ટ્‍સ ઍક્ટિવિટીની સંતાન પર પૉઝિટિવ અસર થાય છે. પપ્પામાં સ્પોર્ટ્સ રમવાની હૉબી ડેવલપ થયેલી હોય તો લાભ થાય છે.

આ પણ વાંચો : વરસાદમાં સ્વસ્થ રહેવા રસોઈમાં આ દસ ચીજો અચૂક વાપરો

આહાર પદ્ધતિમાં પરિવર્તન લાવવાથી ખૂબ ફાયદો થશે. બ્રોકલી, બીટરૂટ, સ્ટીમ પમ્પકીન જેવા કલરફુલ ખાદ્ય પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. નાનાં બાળકોને દર બે કલાકે કંઈ ને કંઈ ખાવા જોઈએ. ઘડી ઘડી શું આપું? આ પ્રશ્ન મમ્મીને મૂંઝવે એટલે તે બિસ્કિટ, ફ્રેન્ચ ફ્રાઇઝ, મૅગી, વેફર્સ અને ભાખરવડી જેવા નાસ્તા આપ્યા કરે. સંતાનને ભૂખ લાગે ત્યારે યોગર્ટ, બટર મિલ્ક, ગ્રેન્યુલા અને સીઝનલ ફ્રૂટ્સના ઑપ્શન હાથવગા હોવા જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ કે જ્યાં સુધી બાળકને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવાનું આપવાની આવશ્યકતા નથી. દરેક બાળકની જરૂરિયાત જુદી હોય છે એથી જરૂર જણાય તો નિષ્ણાતનું માર્ગદર્શન લઈ શકાય. તમારું સંતાન ચાઇલ્ડહૂડ ઓબેસિટીનો શિકાર ન બને એ માટે ગર્ભાવસ્થા દરમ્યાન જ તમારી ફૂટ-હૅબિટ ચેન્જ કરો. બ્રેસ્ટ ફીડિંગના સમયથી સંતાનમાં ઓબેસિટી નામના રોગનો પાયો નખાઈ જાય છે એ વાતને ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 12:51 PM IST | | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK