દમણ: ગુજરાતનું ગોવા

Published: 24th December, 2020 15:56 IST | Alpa Nirmal | Mumbai

મુંબઈથી સાવ ઢૂંકડું એવા દમણમાં ગોવા જેવી ઝાકઝમાળ નથી પણ અહીંના બીચની સુંદરતા અને સ્થાનિક લોકોનું ભોળપણ સહેલાણીઓને દમણ પ્રત્યે ખેંચે છે

આમ તો દમણ યુનિયન ટેરિટરી છે, પરંતુ ત્રણેય બાજુ ગુજરાતની બૉર્ડરથી સંકળાયેલો આ સંઘ પ્રદેશ પ્યૉર ગુજરાતી ટાઉન છે. આપણે ઇતિહાસમાં ભણ્યા છીએ જ કે આશરે સાડાચારસો વર્ષ પહેલાં દરિયાકાંઠે આવેલા આ ટાઉન પર પોર્ટુગલોએ થાણું સ્થાપ્યું. યુરોપ સાથે વેપાર વાણિજ્ય માટે સાનુકૂળ રહે આથી પોર્ટુગીઝોએ દરિયાઈ પટ્ટી દમણ સાથે દીવ અને ગોવામાં પણ ધામા નાખ્યા. પછી તો ભારતમાં અંગ્રેજો આવ્યા અને આપણો દેશ એનો ગુલામ બની ગયો, પણ આ ત્રણેય શહેર પોર્ટુગીઝોના તાબા હેઠળ રહ્યા. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારેય આ સ્થળો પોર્ટુગલના કબજા હેઠળ જ હતાં. એ છેક ૧૯૬૧ની ૧૯ ડિસેમ્બરે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરાઈ અને આ પ્રદેશો સ્વતંત્ર થયા. ઑલમોસ્ટ સાડાચારસો વરસના વિદેશી આધિપત્યને કારણે ફક્ત ૪૩ સ્ક્વેર મીટરનું દમણ અત્યારે પણ કોઈ પોર્ટુગીઝ ગામડું જેવું ભાસે છે.

વેલ, આગળ કહ્યું એમ અરબી સમુદ્રના કિનારે વસેલું દેશની આ સ્મૉલેસ્ટ યુનિયન ટેરિટરી ગુજરાતના વલસાડ જિલ્લાથી ઘેરાયેલી છે એટલે મુંબઈ-અમદાવાદ હાઇવે કે રેલવે લાઇન દ્વારા અહીં પહોંચવું સાવ ઈઝી છે. ભૌગોલિક રીતે બે ભાગમાં નાની દમણ અને મોટી દમણમાં વહેંચાયેલા આ ટાઇની ટાઉનને દમણગંગા નદી સેપરેટ કરે છે. નાની દમણમાં અનેક હોટેલ તથા રેસ્ટોરાં તેમ જ ઔદ્યોગિક એકમો છે ત્યારે મોટી દમણ ટૂરિસ્ટ કૉમ્પ્લેક્સ છે. અહીં પ્રશાસનિક ભવન ઉપરાંત ફેમસ ચર્ચ, પ્રાચીન પોર્ટુગીઝ સ્થાપત્યો, ઉદ્યાનો, કૅફે, હોટેલ વગેરે ટૂરિસ્ટને આકર્ષે એવા અવનવા આયામો છે. પોર્ટુગીઝ થાણું હોવાથી અહીં અનેક ચર્ચ હતાં અને હજીયે છે જેમાંનું સૌથી પ્રસિદ્ધ કૅથિડ્રલ બોલ જિઝસ મોહનીય છે. ઈ. સ. ૧૬૦૩માં નિર્માણ પામેલા આ ચર્ચની દીવાલો પર આર્કષક ચિત્રકામ કરાયું છે જેમાં જિઝસનું જીવન ચરિત્ર આલેખાયેલું છે. તો લાકડામાં સુંદર કારીગીરીથી ઓપતા ચર્ચના દરવાજા, બારી-બારસાખ મેસ્મેરાઇઝ કરે છે. ચર્ચની આજુબાજુનું સંકુલ તેમ જ શાંત બૅકગ્રાઉન્ડ તમને ગોવામાં હોવાની ફીલિંગ આપે છે.

નાની દમણમાં આવેલો સેન્ટ જેરોમ ફોર્ટ થોડો ઘવાયો છે, થોડો લડખડાયો છે; પરંતુ પડછંદ દીવાલો અને મજબૂત ખંડેર દમણના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. સન ૧૬૧૪થી ૧૬૨૭નાં ૧૩ વર્ષના ગાળામાં નિર્મિત આ કિલ્લો મોગલોનાં આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે બનાવાયો હતો. અહીંથી નજીકમાં જ વહેતી નાની નટખટ નદી બારમાસી નથી તોય વહાલી લાગે એવી છે. હવે એક મસ્ત મજાની વાત કરીએ તો ઓલો જે જૂનો કિલ્લો છેને એમાં અંદરના વિસ્તારમાં એક કબ્રસ્તાન છે અને એક સ્કૂલ પણ છે અને નવાઈની વાત એ છે કે કબ્રસ્તાનની આજુબાજુયે જતાં આપણી રૂહ ફફડે પણ અહીંની સ્કૂલમાં બાળકો મોજથી ભણે છે.

ગોવાની સરખામણીએ દમણ સાવ ટપકું માત્ર છે. એટલે અહીં ગોવા જેટલા બીચ નથી પણ અહીંના દેવકા બીચ અને જામપોર બીચ ગોવાના ડોનાપૉલા અને વાગાતોર બીચથી કમ પણ નથી. એમાંય દેવકા બીચ તો માશાઅલ્લાહ! સોનેરી રેતી પર દરિયાઈ પાણીથી પગ પખાળતાં- પખાળતાં ચાલો કે બીચ પર આળોટતાં-આળોટતાં સૂર્યાસ્તની લીલા માણો, કોઈ તમને કલાકો સુધી ડિસ્ટર્બ નહીં કરે એની ગૅરન્ટી અમારી. રહેવા માટે આ જ વિસ્તારમાં અનેક નાના-મોટા રિસૉર્ટ્સ, હોટેલ્સ, ગેસ્ટહાઉસ છે તો ખાવા-પીવા માટે ચાની ટપરીથી લઈ ચટાકેદાર ભોજન પીરસતી રેસ્ટોરાંઓ પણ.

દમણનું બીજું ટ્રમ્પ કાર્ડ એટલે નાની દમણથી દક્ષિણે આવેલો જામપોર બીચ. ઓહ, અહીં તો અરબી સમુદ્રએ અનોખું રૂપ ધારણ કર્યું છે જાણે. મુંબઈની ચોપાટીમાંયે આ જ સમુદ્ર છે. દહાણુ અને બોરડીમાં પણ એ જ મહાસાગર પણ. દમણ આવતાં જ એનું એવું રૂપ નિખરે છે કે તમે આ ઉશનસના પ્રેમમાં નમકીન-નમકીન થઈ જાઓ છો.

દમણનું અન્ય એક અચરજભર્યું પાસું કહું? જનરલી, દરિયાઈ પટ્ટી પર નારિયેળીનું પ્રમાણ વધુ હોય પણ અહીં તાડનાં વૃક્ષો વધુ છે. એ જ રીતે આખુંય દમણ અનેક નની-મોટી આંબાવાડીઓથી હર્યું-ભર્યું છે. આથી જ આ શહેર કર્કવૃત્તની નજીક હોવા છતાં ઉનાળામાં બહુ તપતું નથી. બીજું મોટું જમા પાસું એ છે કે અહીં ગોવા જેવી ઝાકઝમાળ નથી, સ્થાનિક લોકો સંતોષી અને સરળ છે એટલે અહીંના વાતાવરણમાં સુકૂનભરી શાંતિ છે. શહેરોના ધમાલભર્યા જીવનમાં શ્વસતા કાળા માથાના માનવીને આવી સુકૂનભરી શાંતિનો થોડો સહવાસ પણ  રક્તકણોમાં વધારો કરી દે એ  વાત ચોક્કસ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK