Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતરવેલિયાં તો ખાધાં હશે... પણ ગુજરાતમાં ક્યાંના ફેમસ છે એ જાણો છો?

પતરવેલિયાં તો ખાધાં હશે... પણ ગુજરાતમાં ક્યાંના ફેમસ છે એ જાણો છો?

14 December, 2020 07:43 PM IST | Mumbai
Pooja Sangani

પતરવેલિયાં તો ખાધાં હશે... પણ ગુજરાતમાં ક્યાંના ફેમસ છે એ જાણો છો?

બોરિયાવી સિવાય પાતરાં ક્યાં-ક્યાં મળે એની ચર્ચા કરીએ

બોરિયાવી સિવાય પાતરાં ક્યાં-ક્યાં મળે એની ચર્ચા કરીએ


આણંદ જિલ્લાના બોરિયાવી ગામ પાસે ખૂબ મોટા પાયે અળવીનાં પાનની ખેતી થાય છે અને એ વિસ્તારમાં ફરતા હો તો હારબંધ પાતરાંના ખૂમચા જોવા મળી જશે. અહીંથી તમે વઘારેલા, તળેલા કે ઇવન માત્ર બાફેલા રોલ્સ પણ લઈ શકો છો

હમણાં ટીવી પર ચૅનલો આગળ-પાછળ કરતાં એક રસપ્રદ સમાચાર જોવા મળ્યા. સામાન્ય રીતે દૂરદર્શનના સમાચાર જોતી નથી, પરંતુ આ સમાચારમાં પાતરાંની ખેતી કરતા એક ખેડૂત વિશે વાત કરી હતી અને  જેમ-જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો તેમ-તેમ જાણવા મળ્યું કે ગુજરાતની પાણીથી સંપન્ન હરિત ભૂમિ એવા ચરોતર વિસ્તારમાં આણંદ જિલ્લાના બોરિયાવી ગામની આસપાસ ખેડૂતો પાતરાંની ખેતી કરે છે અને એ જ ખેતીનાં પાતરાં સીધા જ પોતાની ફરસાણની દુકાનો કે રોડ સાઇડ ખૂમચા પર વેચે છે. વધુ તપાસ કરતાં માલુમ પડ્યું કે ખેડા જિલ્લાના નડિયાદ અને આણંદના બોરિયાવી વચ્ચે તમે જાવ તો ઠેર-ઠેર પાતરાંની લારીઓ અને ખૂમચાઓ જોવા મળે છે. તો ચાલો આજે આપણે પાતરાંની વાત કરીએ અને બોરિયાવી સિવાય પાતરાં ક્યાં-ક્યાં મળે એની ચર્ચા કરીએ.
અનેક નામ 
ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનતું ફેમસ ફરસાણ છે. ગુજરાતમાં પાતરાંની લોકપ્રિયતા ખમણ જેટલી જ છે. મહારાષ્ટ્રના નંદુરબારનાં પાતરાંની ખૂબ લોકપ્રિયતા છે. ત્યાંનાં પાતરાંમાં મીઠાશ ઓછી હોય છે અને એ તળેલાં અને ક્રિસ્પી હોય છે. પાતરાં અળવીનાં પાંદડાંમાંથી બનતી વાનગી છે. પશ્ચિમ ભારતમાં અળવીનાં પાંદડાંમાંથી પાતરોડે, પતરાડે કે પતરાદા નામની પાતરાં જેવી વાનગી બને છે. મહારાષ્ટ્રમાં અળવીનાં પાનને અળૂ કહે છે અને પાતરાંને ‘અળૂચી વડી’ કહે છે. મહારાષ્ટ્રમાં અળૂનાં પાનનું શાક પણ બનાવાય છે, જેને અળૂચા ફદફદ કહે છે.
ગુજરાતમાં પાતરાંને પતરવેલિયાં પણ કહે છે. સિંધીઓ આને ‘કચાલુ’ કહે છે. આ ઉપરાંત ગુજરાતમાં પાતરાંની અનેક વાનગીઓ પણ બને છે, જેમ કે તૂરિયા-પાતરાંનું શાક, દહીંપાતરાં, પાતરાંનાં ભજિયાં, રસપાતરાં પણ ઘણા ફેમસ છે.
પાતરાંની રાજધાની બોરિયાવી
બોરિયાવી ગામ અને એની આસપાસની નાસ્તાની દુકાનોમાં ફરો તો પાતરાં કૅપ્ટનની ભૂમિકામાં હોય છે. ત્યાં માત્ર પાતરાં સર્વ કરતી અનેક દુકાનો છે. ત્યાં તળેલાં અને વઘારેલાં બન્ને પ્રકારનાં પાતરાં મળતાં હોય છે. પાતરાં તો ટેસ્ટફુલ હોય છે જ, પણ એની સાથે મળતી વઘારેલી છાશ જેવી ચટણી ખાવ તો મોઢાનો ટેસ્ટ મગજની મેમરીમાં ફિટ થઈ જાય. બોરિયાવીમાં ગ્રાહક આવે એટલે તાજાં વઘારેલાં ગરમાગરમ પાતરાં સર્વ થાય છે. વઘાર્યાં વગરનાં કાચાં પાતરાંના રોલ ઘરે લઈ જવા પણ મળે. ખાસ કરીને તળેલાં પાતરાંનો ત્યાં એક ચાહક વર્ગ છે. એટલે લોકપ્રિયતાના માપદંડ પ્રમાણે કહીએ તો બોરિયાવીને પાતરાંની રાજધાની કહી શકાય, પણ અમદાવાદમાં તળેલાં પાતરાં ક્યાંય જોવા મળતાં નથી. નડિયાદ, ઉત્તરસંડા, નરસંડા, વડતાલ, બોરિયાવી, ઝોળ, વિદ્યાનગરના હાઇવે પર ‘પતરવેલી’ લખેલાં બોર્ડ ઠેર-ઠેર જોવા મળે. એમાં પણ બોરિયાવીનો રસ્તો શરૂ થાય ત્યારે તો પાતરાં બજાર હોય એવી રીતે એકહરોળમાં બે-ત્રણ દુકાનોનો સમૂહ જોવા મળે. અહીંનાં પાતરાંની ખાસિયત એ છે કે એ ખૂબ સૉફ્ટ હોય છે. મોઢામાં મુકો અને ઓગળી જાય, ચાવવાની તકલીફ ન લેવી પડે. 
દક્ષિણ ગુજરાતમાં સૂકાં પાતરાં 
બોરિયાવી બાદ જો ગુજરાતમાં પાતરાં વખણાતાં હોય તો એ દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી અને બારડોલી છે. ત્યાં સૂકાં પાતરાંનાં પૅકેટ ખૂબ વેચાય છે. અમુક પાતરાં ક્રિસ્પી અને અમુક તો દાંત સાચવીને બાઇટ લેવા પડે એવા મસાલેદાર કડક હોય છે.
લીલાછમ્મ પાનને પાણીમાં ધોઈને કોરા કરો ત્યારે ગજબનો નિખાર આવે, પછી જાણે પીઠી ચોળતા હોઈએ એવી રીતે ચણાના લોટનું ખીરું પ્રેમથી ચોપડાય. ખીરામાં આંબલીનું પાણી અને પસંદગી મુજબના મસાલા હોય અને પછી જે પાતરાં તૈયાર થાય એની તો મોજ જ અલગ છે. બાફેલાં, વઘારેલાં કે તળેલાં ત્રણેયનો અદ્ભુત સ્વાદ આવે અને ગોંડલમાં રસપાતરાં બહુ સરસ મળે, પરંતુ બારડોલીનાં પાતરાંની વાત કંઈક ઓર છે. અહીં પાતરાં નમકીન સ્વરૂપમાં પૅકેટમાં મળે અને દિવસો સુધી સચવાઈને રહે છે. એકદમ કડક અને મસાલેદાર હોય છે. 
તીખો ધમધમાટ વઘાર
હવે તો અમદાવાદની ફરસાણની દુકાનમાં આ પાતરાંનાં પૅકેટ મળતાં થઈ ગયાં છે. સુરતમાં પાતરાં ખાવાની મજા કંઈક ઓર જ છે. અહીં મોટા ભાગે તીખા તમતમતા ધમધમાટ વઘારેલાં મળે છે. સુરતી પાતરાંની ખાસિયત એ હોય છે કે એમાં તજ અને લવિંગનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ કરવા પાછળનું કારણ એ છે કે પાતરાં ખાધાં પછી એ ભારે ન પડે અને ઝડપથી પચી જાય. આ ઉપરાંત ખેડા જિલ્લા પાસે આવેલા વસો ગામનાં પાતરાં પણ ખૂબ વખણાય છે, જે દેશી રીતે સૂકા ઘાસ પર બાફેલાં અને પછી લસણ, સૂકાં લાલ મરચાં અને મસાલાવાળા વાઘરેલાં અને ઉપરથી લીંબુ મૂકી પીરસાય છે.
રાજકોટના ઘણા ડાઇનિંગ હૉલમાં રસપાતરાં મળે છે. રસપાતરાંની ખાસિયત એ છે કે એ વઘારેલાં જ હોય છે, પરંતુ એમાં વઘારતી વખતે આંબોળિયાની ચટણી નાખી દેવામાં આવે છે એટલે એમાં ટેસ્ટ અલગ જ લેવલનો થઈ જાય છે. એના ચણાના લોટના ખીરામાં લીંબુ કે આંબલીની ખટાશ હોય એટલે ખાટાં-મીઠાં રસપાતરાં મસ્ત લાગે. 
અમદાવાદમાં ક્યાં મળે?
અમદાવાદના ખાડિયામાં શ્રીરામ ખમણવાળાને ત્યાં સુપર સૉફ્ટ પાતરાં મળે છે, જે નાયલોન ખમણ જોડે ખાવાની ખૂબ મજા આવે. આ ઉપરાંત સુરતી ટેસ્ટનાં પાતરાં ગાંધી રોડ, દેરાસરની સામે આવેલા રાધે ખમણની દુકાનમાં ખાવાની મજા આવે. એવી જ રીતે મણિનગરમાં લિજ્જત ખમણનાં પાતરાં પણ સારાં હોય છે. દાસ ખમણનાં પાત્રાનો પણ એક અલગ ચાહક વર્ગ છે. બીજી રસપ્રદ વાત અમદાવાદની એ છે કે મેઘાણીનગર અને વેજલપુર જેવા વિસ્તારમાં બાફેલાં પાતરાં મળે છે જે લારીવાળા તેમની પાસેથી લાવી વઘારીને વેચતાં હોય છે. નડિયાદમાં બટાટાનું મસાલાવાળું સ્ટફિંગ ભરેલાં પાતરાંનાં ભજિયાં મળે છે, ઉત્તર ગુજરાતમાં ચણાના લોટમાં પાતરાંનાં પાન બોળીને તળેલાં પાતરાંનાં ભજિયાં મળે છે. 
sanganipooja25679@gmail.com



સૉફ્ટ અને મોંમાં ઓગળી જાય એવા રસપાતરાં કેવી રીતે બનાવવા?


એક વાસણમાં બે વાટકી ચણાના લોટમાં ૧ નાની ચમચી બૅકિંગ સોડા, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણા-જીરું, ૧ ચમચી હળદર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી તેલ, બે ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાવો. હવે પાંચ નંગ મોટાં અળવીનાં પાન લેવા. એને ધોઈને નસો કાઢી લેવી, પછી એની પાછળની બાજુ ચણાના લોટનું મિશ્રણ લગાવવું. એના પર બીજું પાન મૂકી મિશ્રણ પાથરવું. ગૅસ પર સ્ટીમર ગરમ કરવા મૂકવું. પાનના ગોળ રોલ વાળી લેવા. સ્ટીમરની વરાળમાં ૧૦ મિનિટ બાફી લેવા. ઠંડા થાય એટલે ટુકડા કરી લેવા. હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું. એમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરવો. એમાં સ્ટીમ કરેલાં પાનના ટુકડા ઉમેરી મીઠું, ખાંડ અને તલ નાખી હલવો. હવે એક વાટકી ખજૂર અને અડધી વાટકી આંબલી ઉકાળીને ગાળી લો. એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ખજૂર-આંબલીનો રસ એમાં ઉમેરો. એમાં ૧/૪ વાટકી ગોળ અને ૧/૨ વાટકી પાણી નાખો. રસ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. એમાં લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું અને શેકેલું જીરું પાઉડર ઉમેરી હલાવો. એમાં એક નાની ચમચી સૂકા ધાણા અને વરિયાળી નાખી મિક્સ કરો. ગૅસ બંધ કરી દો. પાતરાંને ડીશમાં કાઢી ઉપર ખજૂર-આમલીનો રસ ઉમેરી પીરસો. તૈયાર છે રસપાતરાં.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2020 07:43 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK