Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાવધાન! ચોમાસામાં બીજા રોગોનો સામનો પણ કરવાનો છે

સાવધાન! ચોમાસામાં બીજા રોગોનો સામનો પણ કરવાનો છે

23 June, 2020 08:14 PM IST | Mumbai
Arpana Shirish

સાવધાન! ચોમાસામાં બીજા રોગોનો સામનો પણ કરવાનો છે

સાવધાન! ચોમાસામાં બીજા રોગોનો સામનો પણ કરવાનો છે


ડર કહો કે બીજું કાંઈ, પણ હાલમાં દરેક વ્યક્તિ ફક્ત કોરાના વાઇરસથી પોતાને અને પોતાના પરિવારને કઈ રીતે બચાવી શકાય એ જ વિચારવામાં અને એ માટેનાં જરૂરી પગલાં લેવામાં વ્યસ્ત છે. કોરોના છે એનો અર્થ એ નહીં કે બાકીની બીમારીઓ રજા પર છે. ખાસ કરીને મુંબઈમાં ચોમાસું બેસે એટલે મચ્છરને લીધે તેમ જ પાણીના ભરાવાને કારણે થતા રોગો પગપેસારો કરે છે. આ વર્ષે આરોગ્ય વિભાગ કોરોના કન્ટ્રોલ કરવામાં વ્યસ્ત છે ત્યારે બીજા રોગોને પોતાના ઘર સુધી પ્રવેશવા જ ન દઈએ તો? કઈ રીતે આ મૉન્સૂનમાં પોતાને સેફ રાખવું એ જાણી લો.

મચ્છરથી ઉદ્‍ભવતા રોગ



મુંબઈમાં વરસાદ એટલે ઠેર-ઠેર પાણીનાં તળાવ અને આ ગંદા પાણીનો ભરાવો એટલે મચ્છરો માટે બ્રીડિંગ પૉઇન્ટ. આ મૉન્સૂન પોતાની સાથે મલેરિયા, ડેન્ગી, ચિકનગુનિયા જેવા અનેક રોગો લઈને આવે છે. આ વિશે જણાવતાં ગ્લોબલ હૉસ્પિટલનાં જનરલ ફિઝિશ્યન ડૉ. મંજુષા અગ્રવાલ કહે છે, ‘મુંબઈમાં ઑલરેડી મલેરિયાનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને કોવિડ-19 સાથે એનું નિદાન કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. એનાં બે કારણો છે; એક તો એ કે મલેરિયામાં પણ હાઇગ્રેડ ફીવર જ પહેલું લક્ષણ છે. એ સિવાય કોરોનાના ડરને કારણે આજે લોકો હૉસ્પિટલ કે ક્લિનિકમાં જવાનું ટાળી રહ્યા છે. વળી મલેરિયાનું નિદાન બ્લડ-ટેસ્ટ સિવાય ન થઈ શકે અને દરદીઓ કોરોનાના ડરથી બ્લડ-ટેસ્ટ કરાવવા માટે તૈયાર જ નથી થઈ રહ્યા. આને માટે જ આ વર્ષે થોડી તકેદારી વધુ લેવી પડશે અને જો તાવ આવે તો એને જરાય ઇગ્નોર નથી કરવાનો.’


મલેરિયા સિવાય ચોમાસામાં ડેન્ગી, ચિકનગુનિયા જેવા વાઇરલ ફિવરના પ્રમાણમાં પણ વધારો જોવા મળે છે. મલેરિયાની ટ્રીટમેન્ટ સ્પેસિફિક હોય છે, જ્યારે ડેન્ગી તેમ જ ચિકનગુનિયા જેવાં તાવનાં લક્ષણો અનુસાર સારવાર કરવામાં આવે છે. આ રોગો એવા છે જેની સારવારમાં મોડું થતાં એ જીવલેણ નીવડી શકે છે. વળી કોઈ વૅક્સિન ન હોવાને લીધે પ્રિવેન્શન એક જ પર્યાય રહે છે.

કઈ રીતે લેશો કાળજી?


મચ્છરથી થતા રોગોથી બચવું હોય તો ઘરની બારી પર મચ્છરદાની બેસાડી દો.

મસ્કિટો રેપેલન્ટ અને કોઇલનો વપરાશ કરો.

શરીરને પૂરું ઢાંકે એવાં કપડાં પહેરો.

ઘરની આજુબાજુ, છોડનાં કૂંડાંમાં પાણી જમા ન થવા દો.

પાણી ભરવાનાં પાત્રો નિયમિત સાફ રાખો.

પાણી ઢાંકીને રાખો.

પાણીથી થતા રોગો

મુંબઈમાં મૉન્સૂન દરમ્યાન દૂષિત પાણીનો ભરાવો સામાન્ય રીતે બધે જ હોય છે અને એમાં ચાલવાને લીધે કે એ પાણીના સંપર્કમાં આવવાને લીધે હેપેટાઇટિસ-એ, કૉલેરા, ટાઇફૉઇડ, લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગ થવાની શક્યતા વધે છે. આ વિશે જણાવતાં ડૉ. મંજુષા કહે છે, ‘વરસાદમાં ચાલવાને કારણે દર વર્ષે મુંબઈમાં અનેક લોકો લેપ્ટોસ્પાયરોસિસનો ભોગ બને છે. જેનાથી બચવા માટે પાણી ભરાયેલું હોય એવી જગ્યાએ ચાલવાનું શક્યતઃ ટાળવું. એ સિવાય ટાઇફૉઇડ, ગૅસ્ટ્રો, પેટનું ઇન્ફેક્શન ન થાય એ માટે ચોમાસામાં બહાર મળતાં ખુલ્લાં ફળો, જૂસ અથવા કોઈ પણ એવી ચીજ જે રાંઘેલી ન હોય એ ન ખાવી. જોકે લૉકડાઉનને કારણે હોટેલ્સ અને લારીઓ બંધ છે એટલે આ વર્ષે આ રિસ્ક ઘટી ગયું છે, પણ તોય સાવધાની તો લેવાની જ. એ સિવાય ટાઇફૉઇડ અને હેપેટાયટિસની ઍડલ્ટ્સ માટેની વૅક્સિન પણ લઈ શકાય. પોતાના ડૉક્ટરની સલાહ લઈને આ વૅક્સિન લઈ શકાય.’

કઈ રીતે લેશો કાળજી?

રસોઈ કરતાં પહેલાં તેમ જ જમતાં પહેલાં હાથ ધુઓ.

પાણી ઉકાળેલું અથવા ફિલ્ટર્ડ જ પીવું.

બહારનું ખાવાનું ટાળવું અને એમાંયે કાચું તો જરાય ન ખાવું.

ટાઇફૉઇડ અને હેપેટાઇટિસ-‘એ’ની વૅક્સિન ડૉક્ટરની સલાહથી લો.

ફંગલ સ્કિન ઇન્ફેક્શન

ભીનું અને ભેજવાળું વાતાવરણ ચામડી પર અને ખાસ કરીને પગ પર ફંગલ-ઇન્ફેક્શન પેદા કરે છે એટલે વરસાદનું પાણી નખમાં ભરાઈ ન રહે એની ખાતરી રાખો. નખ ટૂંકા રાખો અને બહારથી આવ્યા બાદ પગને ગરમ પાણીથી ધોઈ લો. ફંગલ-ઇન્ફેક્શન ચેપી હોય છે એટલે જો ઘરમાં એકને થાય તો શક્ય છે કે બધાને એનો ચેપ લાગે માટે ઍન્ટિ-ફંગલ ક્રીમનો ઉપયોગ કરી એની સારવાર કરવી. 

જાતનિદાન અને સેલ્ફ ટ્રીટમેન્ટ હવે બસ!

આજે મોટા ભાગના લોકો કોરરોનાના ઇન્ફેક્શનના ડરે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું ટાળી રહ્યા છે અને ઓવર ધ કાઉન્ટર દવાઓ કે ઘરેલુ ઉપચાર કરતા રહે છે, જેમાં ક્યારેક પરિસ્થિતિ હાથ બહાર જતી રહે છે. આ વિશે ડૉ. મંજુષા કહે છે, ‘પહેલાં વાઇરલ ફિવર માટે કોઈ દવા લીધા વિના જ ત્રણ દિવસમાં તબિયત સારી થઈ જતી, કારણ કે ખબર હતી કે એ વાઇરલ ફિવર જ છે કે પછી શરદી થાય તોયે વરસાદમાં ભીંજાવાને લીધે જ એ થઈ છે એટલે કોઈ ઉકાળો કે ઓવર ધ કાઉન્ટર દવા લઈને એ જતી રહેતી, પણ આ વર્ષે પરિસ્થિતિ જુદી છે. તાવ આવવા માંડે તો એ શાને કારણે આવે છે એનું નિદાન સૌથી પહેલાં કરી લેવાનું છે. જો હાઈ ગ્રેડ ફિવર હોય તો તરત ડૉક્ટર પાસે જવું અથવા શક્ય હોય તો વર્ચ્યુઅલી વિડિયો-કૉલથી સલાહ લેવી, પણ તાવને ઇગ્નોર કરવાની ભૂલ આ વર્ષે તો નથી જ કરવાની. વધુમાં કોવિડ માટે કાઢો બનાવીને પીવાની પ્રાઇમ મિનિસ્ટરજીની અપીલ પછી લોકો એ વધુ પ્રમાણમાં પી રહ્યા છે. કાઢો ગરમ પડે અને એને લીધે હાઇપર ઍસિડિટી, મોઢામાં ચાંદાં પડવાં, શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જેવું વગેરે ફરિયાદ લઈને પણ લોકો આવી રહ્યા છે માટે ઘરેલુ ઉપચાર કરો, પણ એની સાઇડ-ઇફેક્ટનો ઇલાજ કરાવવો પડે એટલી હદે નહીં.’

ચોમાસામાં આવતા મુખ્ય પાંચ રોગ એટલે કે મલેરિયા, ડેન્ગી, ટાઇફૉઇડ, લેપ્ટોસ્પાયરોસિસ અને જોન્ડિસનું મુખ્ય લક્ષણ હાઈ ગ્રેડ ફીવર છે અને આજની તારીખમાં દરેક ફીવરને સસ્પેક્ટેડ કોવિડ-19 ફિવર તરીકે જોવામાં આવે છે જેને કારણે આ વર્ષે નૉન-કોવિડ મૉન્સૂન ડિસીઝનું નિદાન કરવામાં વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે અને માટે જ લોકોએ બને ત્યાં સુધી આ રોગોથી દૂર રહી શકાય એ રીતે પોતાની કૅર કરવી.

- ડૉ. મંજુષા અગ્રવાલ, જનરલ ફિઝિશ્યન

બીએમસીએ પણ ઇશ્યુ કરી છે ઍડ્વાઇઝરી

મૉન્સૂન રિલેટેડ ડિસીઝથી લડવા માટે આ વર્ષે બીએમસીએ પૂરતી તૈયારી નથી કરી એવું કેટલાક ડૉક્ટરોએ કહ્યા બાદ પાલિકામાંથી આ બાબતે એક ઍડ્વાઇઝરી ઇશ્યુ કરવામાં આવી છે, જેમાં તેમણે ખાતરી આપી છે કે તેઓ ચોમાસામાં થનારા આ રોગનો સામનો કરવા માટે ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે કરવા જેવી બનતી તૈયારીઓ કરી રહ્યા છે. આ સિવાય બીએમસીએ તાવની ફરિયાદ સાથે આવતા દરેક દરદીની ડેન્ગી, મલેરિયા, ટાઇફૉઇડ તેમ જ કોવિડ-19ની ટેસ્ટ કરવામાં આવે એવી પણ હૉસ્પિટલોને સલાહ આપી છે. વધુમાં ઍડ્વાઇઝરીમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને જો તાવ આવતો હોય તો તેણે આગામી ૭ દિવસ સુધી બાકીનાં લક્ષણો પ્રત્યે ધ્યાન આપવું અને ફિવર સાથે જો જૉઇન્ટ પેઇન, રૅશિસ, કફ, શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી, અતિસાર, ગળામાં સોજા કે કમળાનાં લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને ડૉક્ટરની સલાહ લેવી.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 08:14 PM IST | Mumbai | Arpana Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK