તમે બહુ પાતળા છો? તો એમાં હરખાવાની જરૂર નથી

Published: Jan 21, 2020, 14:25 IST | Varsha Chitaliya | Mumbai

રિસર્ચ કહે છે કે જરૂરિયાત કરતાં ઓછું વજન હોવું એ પણ આવનારી બીમારીનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે. એકવડો બાંધો ધરાવતી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર રહેતી હોય છે પરિણામે તેમને પણ અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે

સ્થૂળતા દરેક રોગનું મૂળ છે. પ્રાપ્ત આંકડા અનુસાર હાલમાં વિશ્વમાં દર દસ વ્યક્તિએ છ વ્યક્તિ ઓબીસ છે. એક તરફ અનેક લોકો વજન ઘટાડવા મહેનત કરી રહ્યા છે, જુદી-જુદી ડાયટ ફૉલો કરે છે તો બીજી બાજુ એવા પણ ઘણા છે જેઓ બિનઆરોગ્યપ્રદ આહાર લે છે અને શારીરિક વ્યાયામ પણ કરતા નથી તેમ છતાં પાતળા રહે છે. આવા લોકોને જોઈને ઈર્ષ્યા થાય. નિષ્ણાતોનું કહેવું છે કે એમાં ઈર્ષ્યા કરવા જેવું કે હરખાવા જેવું કંઈ નથી. વિશ્વની ચાર પાતળી વ્યક્તિઓમાંથી એક અત્યંત દુર્બળ હોય છે. માત્ર મેદસ્વિતા જ નહીં, દુર્બળતા પણ અનેક રોગોનું મૂળ છે. જરૂરિયાત કરતાં ઓછું વજન હોવાને ભવિષ્યમાં થનારા રોગોનું પ્રાથમિક લક્ષણ માનવું.

ખોટી માન્યતા

ઘણી વાર આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે ફલાણી વ્યક્તિને છ મહિના સુધી ઘીના પીપડામાં પૂરી રાખો તોય વજન નહીં વધે. વજન વધારવાના નવા-નવા નુસખા અજમાવ્યા છતાં તેમનું વજન વધતું નથી. આવું કેમ? કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસરોએ એકવડો બાંધો ધરાવતા લોકોના ડીએનએના નમૂના એકત્ર કરી કેટલાંક રિસર્ચ કર્યા બાદ તારણ નીકળ્યું છે કે દુર્બળતા અથવા ખૂબ જ ઓછું વજન હોવું આનુવંશિક છે. ગમેતેટલું ખાય તેમનું વજન વધતું નથી. જોકે પાતળા હોવાના લીધે તેઓ સ્વસ્થ હશે એવું માની લેવાની ભૂલ ન કરવી. સંશોધકોના મતે તેઓ અનેક પ્રકારના રોગથી પીડાય છે. અભ્યાસ કહે છે કે સિંગલ બૉડી ધરાવતી વ્યક્તિ ખોટી માન્યતાના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર રહેતી હોય છે.

આ રોગોની શક્યતા

પાતળા કે જાડા હોવું એના કરતાં સ્વસ્થ હોવું વધુ જરૂરી છે. આપણે ત્યાં જ નહીં, આખી દુનિયામાં બે પ્રકારનો ગાડરિયો પ્રવાહ જોવા મળે છે. વજન વધુ છે તો એક્સરસાઇઝ કરો, ભૂખમરો વેઠો અને પાતળા છો તો ખાઈપીને બિન્દાસ રહો. અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે પાતળા હોવાનાં કેટલાંક નકારાત્મક કારણો હોઈ શકે છે. આ સંદર્ભે વાત કરતાં નાલાસોપારાના જનરલ ફિઝિશિયન ડૉ. પંકજ માંડલિયા કહે છે, ‘પાતળા હોવું અને કુપોષિત હોવું બન્ને જુદી બાબત છે. આપણા દેશમાં કુપોષિતોની સંખ્યા ઘણી ઊંચી છે. કુપોષણ તો ચોક્કસ એક પ્રકારનો રોગ જ છે જે નાબૂદ થવો જોઈએ. હમણાં-હમણાં પાતળા લોકોમાં કૉલેસ્ટરોલની બીમારી બહુ જોવા મળે છે એનું કારણ છે જન્ક ફૂડ. કંઈ પણ ખાઓ વજન વધવાનું નથી એવી ખબર હોય એટલે તમે બેફામ ખાઓ છો. પરિણામે શરીરમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્ત્વો જતાં નથી. મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે પાતળા લોકોમાં વિટામિન્સ અને મિનરલ્સની ઊણપ વધુ જોવા મળે છે. દૂબળી વ્યક્તિના માંદા પડવાનું મુખ્ય કારણ ફૂડ હૅબિટ છે.’

જરૂરિયાત કરતાં ઓછું વજન ધરાવતા ભારતીયોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધુ હોવાનું નોંધવામાં આવ્યું છે એમ જણાવતાં એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘પાતળા અથવા ખૂબ જ દુર્બળ લોકોમાં ટાઇપ-૧ LADA (લેટન્ટ ઑટોઇમ્યુન ડાયાબિટીઝ ઑફ ઍડલ્ટહુડ)નું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ડાયાબિટીઝના કુલ પેશન્ટમાંથી દસ ટકા જેટલા આ પ્રકારની બીમારી ધરાવે છે. વાસ્તવમાં આપણે જેમને પાતળા અને તંદુરસ્ત સમજીએ છીએ એવા અનેક પેશન્ટના શરીરમાં ફૅટ્સની માત્રા ઘણી વધારે હોય છે. ખાસ કરીને પેટની આસપાસના ભાગમાં ચરબીનો ભરાવો જોવા મળે છે જે ખરાબ સ્વાસ્થ્ય તરફ નિર્દેશ કરે છે. પેટનો ઘેરાવો જેટલો વધુ, બીમાર થવાની શક્યતા એટલી વધારે. ભવિષ્યમાં તેમને અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીઝ ઉપરાંત ટીબી, આર્થ્રાઇટિસ અને પેટને લગતી બીમારી મોસ્ટ કૉમન છે. આ સિવાય હૉર્મોનલ ડેફિશ્યન્સીની શક્યતા રહેલી છે.’

thin-01

રોગપ્રતિકારક શક્તિ

પાતળા લોકોમાં રોગ સામે લડવાની ક્ષમતા ઓછી હોય છે એવા ઘણા કેસ-સ્ટડી સામે આવ્યા છે. આ સંદર્ભે માહિતી આપતાં ડૉ. પંકજ કહે છે, ‘પાતળા લોકોમાં માંદગી આવે છે, પણ એનો પ્રતિકાર નથી કરી શકતા એવું સ્પષ્ટપણે કહી ન શકાય. આવા કોઈ સાયન્ટિફિક પુરાવા સામે આવ્યા નથી. રોગ સામે લડવાની ક્ષમતા વ્યક્તિની ઇમ્યુનિટી પર આધાર રાખે છે. આપણે જોઈએ છીએ કે આર્થિક રીતે નીચલા વર્ગનાં બાળકો માટીમાં કે ગટરની આસપાસ રમતાં હોય છે. હાઇજીનને તેઓ બિલકુલ ફૉલો કરતાં નથી છતાં વારંવાર માંદાં નથી પડતાં. બીજી બાજુ એવાય છે જેમને આજે એક છીંક આવે તો બીજા દિવસે ફ્લુ થઈ જાય. જોકે સ્વચ્છતા અને કાળજી તો જરૂરી છે. પાતળા લોકો પડે-આખડે તો હાડકાં ભાંગવાની સંભાવના છે. સામાન્ય બાંધો ધરાવતા લોકોની તુલનામાં પાતળા લોકોમાં વિટામિન ડીની ઊણપ વધુ હોય. હાડકાં નબળાં હોવાથી અહીં તેઓ લડી શકતા નથી અને રિકવરીને પણ ખાસ્સો સમય લાગે છે.’

પર્સનાલિટી કૉમ્પ્લેક્સ

દુર્બળતાનાં મલ્ટિપલ કારણો હોઈ શકે જેમાં જિનેટિક મુખ્ય કારણ હોય છે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘આનુવંશિક રોગો તેમ જ હૉર્મોન અસંતુલન દુર્બળતાનું મુખ્ય લક્ષણ કહી શકાય. વારસાગત લક્ષણોમાં ફૂડ હૅબિટ ચેન્જ કરવાથી પણ તેમના વજનમાં કંઈ ખાસ ફરક પડતો નથી, પરંતુ બીમાર પડવાની શક્યતા ઘટી જાય છે.’

પાતળા લોકોમાં પર્સનાલિટી કૉમ્પ્લેક્સ જોવા મ‍ળે છે એવી માહિતી આપતાં ડૉ. પંકજ કહે છે, ‘શરીરમાં કંઈ હોય જ નહીં એવા લોકો પોતાના દેખાવને લઈને સંકોચ અનુભવતા હોય છે. હેલ્ધી અને આકર્ષક ફિગર ધરાવતી વ્યક્તિને જોઈને તેઓ સ્ટ્રેસ ફીલ કરે છે. કૉમ્પ્લેક્સના લીધે તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. કૉન્ફિડન્સ લેવલમાં ફરક પડવાથી પર્ફોર્મન્સ પર અસર થાય છે. આજના સ્પર્ધાત્મક માહોલમાં દેખાવમાં સાવ જ પાતળા હોવાનો આ સૌથી મોટો નેગેટિવ પૉઇન્ટ કહી શકાય.’

વજન કેમ વધારવું?

વેઇટ-ગેઇન અથવા વેઇટલૉસ બન્નેમાં માત્ર ને માત્ર ડાયટ અને એક્સરસાઇઝ પર ફોકસ હોવું જોઈએ, પરંતુ અહીં કેટલીક ભૂલો થાય છે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘સ્લિમ બૉડી ધરાવતા લોકોએ વેઇટ-ગેઇન કરવું હોય ત્યારે હેલ્ધી ડાયટ લેવાની સાથે ફૅટ્સ અને મસલ્સનો રેશિયો જાળવી રાખવો પડે. ઘણા લોકો વજન વધારવા આડેધડ ખાધાખાધ કરે છે. તેમને લાગે છે કે ઘીવાળો, તળેલો ખોરાક ખાવાથી વજન ફટાફટ વધશે. ચીઝ અને બટરથી લસલસતું અનહેલ્ધી ફૂડ ખાવામાં પણ તેમને વાંધો નથી લાગતો. આમ કરવાથી શરીરમાં ફૅટ્સ વધે છે મસલ્સ ડેવલપ થતાં નથી. વજન વધારવાની ખોટી રીતના કારણે તેઓ માંદા પડે છે. જોકે આ બાબત વજન ઘટાડવા માગતા લોકોને પણ એટલી જ લાગુ પડે છે. મસલ્સ વધે અને ફૅટ્સ ઓછી જાય એવો આહાર જ હેલ્ધી રહેવામાં હેલ્પ કરે છે.’

પાતળા લોકોએ વજન વધારવા ફૂડ હૅબિટને મૉડિફાઇડ કરવી પડે એમ સમજાવતાં ડૉ. પંકજ કહે છે, ‘સ્ટ્રેસ, ફિયર, ફ્ર્સ્ટ્રેશન જેવાં કારણોસર શરીર દૂબળું હોય તો આહાર પદ્ધતિ બદલવાથી લાભ થાય છે. ન્યુટ્રિશન વૅલ્યુ વધારે હોય એવો ખોરાક જેમ-જેમ પેટમાં જાય મસલ્સ ગ્રો થવા માંડે. દૂબળી વ્યક્તિએ આકર્ષક અને નિરોગી શરીર માટે લાઇફ-સ્ટાઇલ મૉડિફિકેશનને સર્વાધિક પ્રાધાન્ય આપવું જોઈએ.’ 

પાતળા લોકોને પણ સામાન્ય લોકોની જેમ હેલ્ધી રહેવા માટે ડાયટની સાથે એક્સરસાઇઝની જરૂર પડે છે. તેમના માટે કાર્ડિયો અને રનિંગ બેસ્ટ છે. સ્પૉટ રનિંગ જેવી એક્સરસાઇઝથી તેમની છાતી પહોળી થાય છે તેમ જ કમર અને સાથળના ભાગને ફાયદો થાય છે. શરીરના આ અવયવો મજબૂત બનતાં બાંધો વ્યવસ્થિત દેખાય છે અને ઓવરઑલ લુકમાં ખાસ્સો ફરક પડશે.

હેલ્ધી અને આકર્ષક ફિગર ધરાવતી વ્યક્તિની તુલનામાં તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. પરિણામે પર્ફોર્મન્સ પર અસર પડે છે. આ કૉમ્પ્લેક્સમાંથી બહાર આવવા લાઇફ-સ્ટાઇલ મૉડિફિકેશન પર ભાર મૂકવો જોઈએ  

- ડૉ. પંકજ માંડલિયા, જનરલ ફિઝિશ્યન

આવશ્યકતા કરતાં ઓછું વજન ધરાવતા લોકોમાં ડાયાબિટીઝ, ટીબી, આર્થ્રાઇટિસ અને પેટને લગતી બીમારી મોસ્ટ કૉમન છે. આ સિવાય હૉર્મોનલ ડેફિશ્યન્સીની શક્યતા રહેલી છે

- ડૉ. પ્રદીપ ગાડગે, એન્ડોક્રાઈનોલૉજિસ્ટ 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK