ઑફિસ એવી જ્યાં ઘર હોય

Published: 21st October, 2011 17:58 IST

ઑફિસ જો ઘરની પાસે હોય કે ઘરમાં જ હોય તો એ એક ડ્રીમ જૉબ મળ્યા જેવી ફીલિંગ હશે, પણ ઘરેથી કામ કરવા માટે તમારે તમારા સમયને ઘર અને ઑફિસ વચ્ચે વહેંચવો પડશે અને એ પણ એ રીતે કે ઘરનું કામ થાય અને ઑફિસના કામને પણ અસર ન થાય. આ આસાન કામ નથી.

 

(સેલ્ફ ગ્રૂમિંગ)

ઊલટાનું ઑફિસમાં તમારે ઘરની ચિંતા છોડી દેવાની હોય છે, પણ અહીં બન્ને કામ એકસાથે પાર પાડવાનાં હોય છે. તો આ જ ટેન્શનને મજેદાર બનાવવા માટેની કેટલીક ટિપ્સ જોઈએ.

કામ માટે જગ્યા ફાળવો

આ કદાચ ઘરના એક ખૂણામાં પડી રહેલી ડેસ્ક નહીં હોય, કારણ કે તમારે ઘરમાં કામ કરવા માટે પણ કોઈ જગ્યા નક્કી કરવી પડશે. જો શક્ય હોય તો એક જુદો રૂમ કે પાર્ટિશનવાળો એરિયા બનાવો જ્યાં ફક્ત તમે તમારા કામના ઇશ્યુ જ પાર પાડશો. ધ્યાનમાં રાખો કે આ એરિયામાં કામની ફાઇલો અને બીજાં જરૂરી સાધનો સિવાય કંઈ રાખવામાં ન આવે. અહીં ઘરની કોઈ પર્સનલ ચીજો ન રાખવી.

ડિસ્ટ્રેક્શન અવૉઇડ કરો

ઘરમાં કામ કરવાના હો ત્યારે ફૅમિલી મેમ્બર્સને ચોખ્ખું કહી દો કે તમે કામ કરતા હો ત્યારે ફોન કે દરવાજાની ડોરબેલ પર ધ્યાન નહીં આપો. કામની જગ્યા જ્યાં હોય ત્યાંથી ટીવી પણ દૂર રાખો, કારણ કે જો ટીવી નજરની સામે હશે તો ફેવરિટ શોના ટાઇમિંગમાં પોતાને કન્ટ્રોલ નહીં કરી શકો.

ઑફિસ જાઓ

તમારે ઘરમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો પણ પ્રોફેશનલી કામ કરતા હો એવી ફીલિંગ રાખો. જો શક્ય હોય તો ઘરના ટી-શર્ટ અને શૉર્ટ્સના અવતારમાંથી પણ થોડા બહાર આવો અને સારાં કપડાં પહેરીને કામ કરવા બેસો. આનાથી તમારામાં કામ કરવાનો ઑફિસવાળો ઍટિટ્યુડ આવશે અને ટોટલ આઉટપુટ પણ સારું લાવવામાં મદદરૂપ થશે.

નિયમોનું પાલન

ઘરે જ છું એટલે આ પછી કરી લઈશ, થોડું વૉક કરી લઉં, થોડું ટીવી જોઈ લઉં વગેરે બહાનાંઓ ઘરે પણ ન કાઢો. જે સમયે કામ કરવા બેઠા હો ત્યારે એટલું કામ કરીને જ ઊભા થાઓ. હું વહેલું લંચ લઈશ અને પછી એક નાની ઝપકીવાળો ઍટિટ્યુડ અહીં નહીં ચાલે. કામની ડેડલાઇન નજીક આવી ગઈ હોય કે એને પહોંચી વળવાનું હોય ત્યારે એવું પણ બને કે તમારે તમારું ઘરનું એકાદ કામ પડતું મૂકવું પડે.

શેડ્યુલ બનાવો

તમારા હોમવર્ક માટે શેડ્યુલ બનાવો. દિવસની શરૂઆત અને અંત રેગ્યુલર ટાઇમિંગથી જ કરો. કૉફી અને લંચબ્રેક તેમ જ ઘરનાં બીજાં કામો ક્યારે ઊઠીને કરવાં એ માટે સમય પહેલેથી જ ફિક્સ કરો. આ રીતે તમને પણ ખબર પડશે કે કયા સમયે તમે ઑફિસનું કામ કરી રહ્યા છો અને ફૅમિલીને પણ જાણકારી રહેશે કે તમે તેમના માટે ક્યારે હાજર રહેશો તેમ જ ઘરના કામને ક્યારે સમય આપી શકશો.

હાર્ડવેર સારું હોવું જોઈએ

ઘરેથી કામ કરવા માટે તમારે કમ્પ્યુટર, ઇન્ટરનેટ કનેક્શન, ફોનલાઇન વગેરેની સુવિધા રાખવી પડશે. એટલે હાર્ડવેરના સર્વિસિંગ, ઇન્ટરનેટની કનેક્ટિવિટી વગેરે રિપેર કરતા લોકોને પણ નેટવર્કમાં રાખવા પડશે; કારણ કે ક્યારેક અચાનક વચ્ચેથી કામ કામ અટકી પડે ત્યારે આ બધા જ લોકોની જરૂર પડશે. નહીં તો તમે કામ પૂરું નહીં કરી શકો.

ઓવરલોડ ન લો

તમે ઘરેથી કામ કરો છો ત્યારે તમારા પર વધુ જવાબદારીઓ આવશે એટલે તમારી ઑફિસના સાથીઓ કે તમારા કામ સાથે સંકળાયેલા બીજા લોકોને અપડેટ રાખો, જેથી ક્યારેક જો તમે કામ ન કરી શકવાના હો કે ડેડલાઇનને ન પહોંચી વળવાના હો તો તેમને એની જાણકારી રહે. ઘરનું કામ બધું જ જાતે કરવાનું પોતાને માથે ન લો. વર્ક ફ્રોમ હોમનો મતલબ ઘરેથી કામ કરવાનો છે, ઘરનું કામ જ કર્યા કરવાનો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK