રાત્રિભોજન નહીં કરવાના સામાન્ય નિયમથી શરૂ થઈ વજન ઘટાડવાની અદ્ભુત યાત્રા

Published: Jul 21, 2020, 14:21 IST | Ruchita Shah | Mumbai

બે વર્ષના ગાળામાં માત્ર થોડીક સભાનતા અને નિયમિતતા સાથેના ભોજન અને કસરતથી ૪૦ કિલો વજન ઘટાડ્યું છે પ્રભાદેવીમાં રહેતા પ્રદીપ ગાંગજી નંદુએ

પ્રદીપ ગાંગજી નંદુ
પ્રદીપ ગાંગજી નંદુ

પ્રભાદેવીમાં રહેતા ૩૩ વર્ષના પ્રદીપ ગાંગજી નંદુએ બે વર્ષના ગાળામાં માત્ર થોડીક સભાનતા અને નિયમિતતા સાથેના ભોજન અને કસરતથી ૪૦ કિલો વજન ઘટાડ્યું છે. ભૂતકાળમાં ઘણી વાર પ્રયત્નો કરીને પડતા મૂક્યા પણ છેલ્લા પ્રયત્નોમાં એવું શું બન્યું કે બાજી જીતી ગયા એ જાણીએ તેમની જ પાસેથી

પ્રદીપ ગાંગજી નંદુ. ઉંમર ૩૩ વર્ષ. એથ્નિકવેઅર મૅન્યુફૅક્ચરિંગનું દાદરમાં કામ છે. ઘર અને દુકાન નજીક છે એટલે એવી કોઈ હાડમારીભરી જિંદગી હવે નથી. જોકે આજથી બે વર્ષ પહેલાં હાડમારી હોય કે ન હોય જીવવાનું તો મોજથી જ એવી માન્યતા તેમની હતી. બીજું, તેમના માટે મોજની વ્યાખ્યા એટલે બહારનું ખાવાનું, જે ભાવે એ ખાવાનું, જેટલું ભાવે એટલું ખાવાનું. કોઈ માપ નહીં, કોઈ ભેદભાવ નહીં. વર્ષોથી આ જ મેથડથી જીવવાને કારણે વજન લગભગ ૧૨૪ કિલો સુધી પહોંચી ગયું હતું. ક્યારેક મનમાં થતું કે ચાલો થોડું ઓછું કરીએ અને બે-ચાર દિવસ ડાયટિશ્યને દેખાડેલા રસ્તે ચાલવાનું અને પાછા હતા ત્યાંના ત્યાં. પરિસ્થિતિ એવી કે તેમને લાગવા માંડેલું કે ભાઈ વજન ઘટાડવાનું આપણું કામ નહીં અને એનાથી તેઓ ખુશ પણ હતા. જોકે એ દરમ્યાન એવું કંઈક થયું કે વજન ઘટાડવાનું કામ સરળ લાગવા માંડ્યું. એ શું હતું અને પછી યાત્રા કેવી રીતે આગળ વધી એ જાણીએ તેમના જ શબ્દોમાં.

ચૌવિહાર તો કરું

નાનપણમાં હૉસ્ટેલમાં રહેતો હતો ત્યારે પણ મારું વજન હેવી હતું.

મમ્મી-પપ્પા કચ્છમાં હતાં. અહીં એકલો હતો એટલે શરૂઆતમાં ખાવાપીવાનાં ઠેકાણાં

નહોતાં એટલે વજનમાં વધઘટ ચાલતી. જોકે લગ્ન પછી મારું વજન સતત વધતું ગયું. હેવી વેઇટ છતાં પણ મને સ્ફુર્તિ ખૂબ સારી હતી એટલે ક્યારેય વજન આડે નહોતું આવ્યું પણ ધીમે-ધીમે ઘૂંટણમાં દુખાવો શરૂ થયો હતો. ડાબા પગમાં ઑપરેશન થયેલું ત્યારે ડૉક્ટરે કહેલું કે વજન નહીં ઘટાડો તો આગળ જઈને તકલીફો વધશે. જોકે મને એવું કંઈ ખાસ લાગતું નહોતું.

મારું પ્રભાદેવીમાં મેન્સ ઍન્ડ બૉય્સના એથ્નિકવેઅરનું કામ છે. મારી દુકાનની નજીકમાં જ વેપારી મિત્રો ચૌવિહારના સમયે ચૌવિહાર કરવા બેસી જતા. મને નવાઈ લાગતી કે આ લોકોને કેમ ફાવતું હશે. તેમનું તો ઘર પણ દૂર એટલે ટિફિન આવે. મનમાં થયું કે હું ચૌવિહાર તો કરું. ચૌવિહાર એટલે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું. બસ એમ કરીને ચૌવિહાર શરૂ કર્યા. લગભગ સાતેક મહિનામાં મને મારામાં જોરદાર ચેન્જ દેખાવાનું શરૂ થયું. હું મોડો ઊઠવાવાળો માણસ આપમેળે વહેલો ઊઠતો થઈ ગયો. પેટ એકદમ હળવુંફૂલ લાગે. એકદમ ફ્રેશનેસ લાગે. વજન થોડા પ્રમાણમાં ઓછું થયું. આ મારા માટે વજન ઘટાડવાની દિશામાં પહેલું મોટિવેશન હતું. માત્ર ચૌવિહારથી આ પરિણામ આવે તો થોડુંક ખાવાપીવામાં વધુ ધ્યાન આપું તો કેવો ચમત્કાર થાય. સાચું કહું? આ પહેલી વાર હતું જ્યારે મને લાગ્યું હતું કે હા, હું ધારું તો વજન ઘટાડી શકું છું.

માત્ર સૂર્યાસ્ત પહેલાં જમવાથી આવો ફાયદો થશે એની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

બદલાઈ જીવનશૈલી

વહેલો ઊઠતો થયો એટલે સૌથી પહેલું કામ યોગ ક્લાસમાં જવાનું શરૂ કર્યું. એમાં ૬૦ વર્ષના યુવાન મિત્ર રમણભાઈ મળ્યા. મારાં યોગ ટીચર મમતા શેટ્ટી, રમણભાઈ અને હું. અમારા ત્રણેયનું સરસ ગ્રુપ બની ગયું. સાથે યોગ કરીએ, કસરત કરીએ. ડાયટમાં પણ એની સાથે ચેન્જ આવવો શરૂ થયો. એક સમયે નવ-સાડાનવે ઊઠનારો હું સાડાપાંચ વાગ્યે ઊઠતો થઈ ગયો. યોગની સાથે સવારે વહેલા ઊઠીને ગાર્ડનમાં જઈને કસરત કરવાનું, ચાલવાનું, સાઇક્લિંગ કરવાનું, મિત્રો સાથે જુહુ પર જઈને ટર્ફ ક્રિકેટ રમવાનું શરૂ થયું. ભર વરસાદમાં પણ હું ગાર્ડનમાં જઈને એકલો એક્સરસાઇઝ કરતો. સૂર્યનમસ્કાર હું સારા પ્રમાણમાં કરતો હતો. સવારે ઊઠીને પસીનો નીકળે એવી એક્સરસાઇઝ લગભગ કલાક કરતો. હું માનું છું કે તમે પાણીથી નહાઓ એ પહેલાં પસીનાથી નહાઓ એ શરીરને ડિટૉક્સિફાય કરવા માટે જરૂરી છે. અહીં કહું કે હવે પછી જે બદલાવ આવ્યા એમાં ક્યાંય મારે મારી જાતને મારવી નથી પડી. મારાથી સહજ થઈ રહ્યું હતું. ઘઉં બંધ કર્યા. સવારની ચા બંધ કરી. તળેલી વસ્તુઓ, ફરસાણ, મીઠાઈઓ અને બહારની જન્ક ફૂડની આઇટમો બંધ કરી. સવારે નાસ્તામાં સ્પ્રાઉટ, સૂપ, ડ્રાયફ્રૂટ્સ, વેજિટેબલ પૌંઆ ખાતો. બપોરે જમવામાં મલ્ટિગ્રેન રોટલી અને શાકભાજી, દાળ, સૅલડ વગેરે ખાતો. સાંજે એકદમ હલકો ખોરાક લેતો. ક્યારેક માત્ર ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, ચણા-મમરા જેવું પૂરતું થઈ પડતું. પાણી આખો દિવસ નવશેકું અને બેસીને જ પીતો. જમતા સમયે ટીવી નહીં જોવાનું. જમ્યા પછી વજ્રાસન દસ મિનિટ કરવાનું. હર છોટા બદલાવ બડી કામયાબી કા હિસ્સા હોતા હૈ. આ વાત મનમાં બરાબર ઠસી ગઈ હતી. વજન ૧૨૪માંથી ૮૪ કિલો અને કમરનો ઘેરાવો ૪૮માંથી ૩૨ ઇંચ થયો એનું શ્રેય આ નાના-નાના બદલાવોને જ જાય છે.

હું મૅરથૉનમાં પણ ચાલું છું. ડાબા ઘૂંટણમાં સર્જરી થઈ હોવાથી દોડી નથી શકતો, પરંતુ એકવીસ કિલોમીટરની મૅરથૉન મેં વગર પાણી પીધે માત્ર વૉકિંગ કરીને પૂરી કરી છે. પાંચથી દસ કિલોમીટરની વૉકિંગ મૅરથૉન તો લગભગ પંદરેક કરી હશે. હું યોગની શુદ્ધિક્રિયા, વમન, બસ્તી વગેરે પણ મારા ટીચરની નિગરાણીમાં કરતો હતો. હવે હું વજન ઘટાડીશ એને લઈને શ્યૉર હતો ત્યારે કેટલાક લોકો મારા પર હસતા પણ હતા.

ઘણાનો સપોર્ટ

કેટલાક લોકો મારા પર હસતા પણ હતા. જોકે મારી પત્ની છાયા અને દીકરા સૌમ્યનો બહુ મોટો સપોર્ટ રહ્યો. મારા ખાવાપીવાનું ધ્યાન પત્ની રાખતી અને ક્યારેક કસરત માટે ન ગયો હોઉં તો મને યાદ અપાવે. તો દીકરો પણ મારી સાથે આવે, તમે આજે એક્સરસાઇઝ કરી કે નહીં એવું મને પૂછે અને મારે તેને રિપોર્ટ આપવો પણ પડે. હું માનું છું કે માતાપિતાના આશીર્વાદ વિના આ દુનિયામાં કંઈ જ શક્ય નથી. ઈશ્વરની કૃપા અને મા-બાપના આશીર્વાદ હોય અને પરિવાર અને મિત્રોનો સપોર્ટ હોય તો બધું જ શક્ય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK