Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમળાંના મસાલા ભાત કે રાયતું બનાવ્યું છે?

આમળાંના મસાલા ભાત કે રાયતું બનાવ્યું છે?

30 November, 2020 03:51 PM IST | Mumbai
Pooja Sangani

આમળાંના મસાલા ભાત કે રાયતું બનાવ્યું છે?

આમળાંના મસાલા ભાત કે રાયતું બનાવ્યું છે?


જેમ ઉનાળામાં કેરીનું મહત્ત્વ અને ફાયદો છે એવી જ રીતે શિયાળામાં આમળાંની મોજ છે. નાનકડાં એવાં લીંબુની સાઇઝનાં આમળાં સ્વાદમાં ખાટાં અને તુરાશ પડતાં હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે એ સૌથી વધારે ફાયદાકારક છે. શિયાળો આવતાં જ ઠેર-ઠેર આમળાંનો રસ કાઢનાર ખૂમચાવાળા જોવા મળે છે. લોકો અહીંથી જથ્થામાં રસ કઢાવી સ્ટોર કરતા હોય છે જેથી સીઝન દરમ્યાન રોજ આમળાંનો રસ પી શકે અને જૂસ કાઢવાની મહેનત ઓછી પડે. શિયાળો આવતાં જ મને મારી બાળપણની યાદો તાજી થઈ જાય છે. મારી મમ્મી હળદર-મીઠાવાળાં આમળાં બનાવતી જે હું સ્કૂલમાં ચાલુ ક્લાસમાં ખાતી અને મોજ કરતી. હવે તો ગળ્યાં અને ખારાં આમળાંની સુકવણી કરીને મુખવાસમાં ખવાય છે. કહેવાય છે કે આમળાંને વરસાદની ઋતુમાં ગોળ સાથે, ઠંડીમાં ઘી સાથે અને ગરમીમાં મધ સાથે લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમળાં કઈ-કઈ રીતે બનાવીને રાખી શકાય એની રેસિપી આપણે કેટલાક હોમ-શેફ્સ પાસેથી જાણીએ...

કેસર ચ્યવનપ્રાશ, મેઘના સડેકર, વડોદરા 



સૌપ્રથમ પાંચ નંગ તજ સ્ટિક, ૩ નંગ તમાલપત્ર, ૧૨ નંગ આખાં મરી, ૧૨ નંગ લવિંગ, ૫ નંગ એલચી, ૪ ચમચી સીતોપલાદી પાઉડર, અટધું જાયફળ,૩ ચમચી સૂંઠ પાઉડર લઈને મિક્સરમાં પાઉડર બનાવી લો. મિક્સ ડ્રાયફ્રૂટ ((કાજુ,  બદામ, પિસ્તાં)નો દરદરો પાઉડર બનાવી લો. હવે એક કિલો ફ્રેશ આમળાંને બાફી એના ઠળિયા કાઢી ચારણી વડે એનો પલ્પ કાઢી લો. એક મોટા વાસણમાં એક બોલ ઘી ગરમ કરવા મૂકો. એમાં આમળાંનો પલ્પ ઉમેરી સતત હલાવો. એમાં કેસરના તાંતણા ઉમેરો. એમાં મસાલાનો પાઉડર, ડ્રાયફ્રૂટ પાઉડર અને જેટલો આમળાંનો પલ્પ હોય એટલો ગોળ અથવા ખડી સાકર ઉમેરો અને સતત હલાવો. મિશ્રણ ઘટ થાય એટલે ગૅસ બંધ કરીને ઠંડું કરવા મૂકો. પછી બરણીમાં ભરીને સ્ટોર કરી લો અને રોજ સવારે એક ચમચી ચ્યવનપ્રાશ લઈને શરીરને તરોતાજા રાખો.


આમળાંનાં અથાણાં:

અલ્પા પટેલ, વડોદરા


ગાર્લિક આમળાં આચાર:

૫૦૦ ગ્રામ બાફેલાં આમળાંને ઠંડાં કરી, બીજ કાઢી એની ચિપ્સ કરો અને કપડાંની મદદથી કોરા કરી લો. હવે એક કડાઈમાં અડધી ચમચી સૂકી મેથીના દાણા, એક ચમચી રાઈ, વરિયાળી, સૂકા ધાણાને અધકચરા શેકી લો અને ઠંડું કરી દરદરું મિક્સરમાં વાટી લો. હવે એક તપેલીમાં મધ્યમ તાપે ૨૫૦ ગ્રામ સરસિયાનું તેલ (અથવા પસંદગીના શુદ્ધ તેલ)ને ગરમ કરો, ગરમ થાય એટલે ૨૫૦ ગ્રામ લસણ ઉમેરી સાંતળો. થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ગૅસ બંધ કરી દો. એમાં મસાલાનો પાઉડર, આમળાંની ચિપ્સ, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી લાલ મરચું પાઉડર તથા અડધી ચમચી હળદર પાઉડર અને એક ચમચી હિંગ ઉમેરને બધું બરાબર હળવા હાથે ભેળવો. એક અઠવાડિયા સુધી એને સ્વચ્છ કાચની બરણીમાં સ્ટોર કરી દો.

આમળાં મસાલા ભાત અને આમળાંનું રાયતું

માનસી જુનારકર, અમદાવાદ

બાફેલાં આમળાંના ટુકડા અથવા આમળાંનું છીણ અથવા આમળાંના બારીક સમારેલા ટુકડા કોઈ પણ રીતે લઈ શકો છો. હું બાફેલાં આમળાંના ટુકડા જેનાં બીજ કાઢી સમારી એમાં લીલાં મરચાં, આદું અને તાજી કોથમીરને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવવું અને પછી આ પેસ્ટને થોડું તેલ મૂકી એમાં રાઈ, ચણાદાળ, એક સૂકું લાલ મરચું અને સિંગ નાખીને આ પેસ્ટ ઉમેરી વઘારીને એમાં બાફેલો ભાત સાથે અન્ય રસોડાના મસાલા, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે આમળાં ભાત.

આમળાંનું રાયતું: સૌપ્રથમ મિક્સર જારમાં ચાર નંગ આમળાં, પા કપ તાજું નારિયેળ, બે લીલાં મરચાં અને મીઠું સ્વાદ મુજબ લઈને વાટી લેવું. પછી દહીંને સરખું વલોવી લેવું. એમાં આ આમળાંવાળું મિક્સચર ઉમેરવું. મીઠું સ્વાદ મુજબ ચકાસી ઉમેરવું. એમાં એક છીણેલી કાકડી ઉમેરીને સરખું હલાવવું. હવે વઘાર માટે એક ચમચી તેલ મૂકી રાઈ, સિંગના દાણા, લીંબડો અને હિંગનો વઘાર કરી રાયતામાં ઉમેરવો અને કોથમીરથી ગાર્નિશ કરવું. 

આમળાંના લાડુ અને આમળાં જામ

૫૦૦ ગ્રામ આમળાંને કુકરમાં બે સીટી મારીને બાફી લેવાં. ઠંડાં થાય એટલે ઠળિયા કાઢીને મિકક્સીમાં વાટીને પેસ્ટ તૈયાર કરવી. એક કડાઈમાં પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકવું. એમાં આમળાંની પેસ્ટ ઉમેરવી અને મધ્યમ તાપે એને શેકવું. પેસ્ટ એકદમ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. આશરે ૧૫ મિનિટ જેવું થશે. જેટલી આમળાની પેસ્ટ હોય એટલા પ્રમાણમાં ગોળનો પાઉડર લઈને ઉમેરવો. આ મિશ્રણને સતત હલાવતા રહેવું. એમાં અડધી ચમચી હળદર ઉમેરવી. આ મિશ્રણ પહેલાં પાતળું થશે અને પછી ઘટ થશે. ગોળ નાખ્યા બાદ પાંચથી સાત મિનિટ સતત હલાવતા રહેવું. એક ચમચી ઘી અને મનપસંદ ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ અને બદામના ટુકડા અને એલચી પાઉડર ઉમેરવો. બધું મિક્સ કરી ગૅસ બંધ કરી દેવો. મિશ્રણ ૭૦ ટકા જેટલું ઠંડું પડે એટલે હાથની હથેળીમાં ઘી લગાડી લાડવા વાળી લેવા અને આ લાડવા નારિયેળના બૂરા અથવા છીણમાં રગદોળી લેવા અને ઍરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવા. 

સ્વાતિ શાહ, અમદાવાદ

આમળાંનું જામ

 ૫૦૦ ગ્રામ આમળાંને બાફીને ક્રશ કરેલા પલ્પને ગાળી એમાં ૪૦૦ ગ્રામ દળેલી ખાંડ, એક ચમચી વાટેલી એલચી અને એક ચમચી અધકચરું વાટેલું તજ ઉમેરી ઘટ થાય ત્યાં સુધી ગૅસ પર રાખો. ત્યાર બાદ એને નીચે ઉતારી સહેજ લીલો કલર ઉમેરી બૉટલમાં ભરી સ્ટોર કરી લો. આ જામમાં કેસર અથવા કેસરી રંગ પણ ઉમેરી શકાય છે. આ જામને આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે ખાઈ શકાય.

આ રીતે પણ આમળાં લઈ શકાય

૧. આમળાંનું ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિન્ક

૨૦૦ ગ્રામ હળદર, ૫૦ ગ્રામ આંબા હળદર, ૫૦ ગ્રામ આદું અને ૧ કિલો આમળાંને મિક્સીમાં પીસી પેસ્ટ બનાવી લેવી અને ગરણીથી ગાળી લેવી. આ પલ્પને એક કાચની બરણીમાં ભરી રેફ્રિજરેટ કરી લેવું. જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં સંચળ, મરી પાઉડર અને બે ચમચી આમળાંનો પલ્પ ઉમેરી પી શકાય છે.

૨. આમળાંનું શાક

૫૦૦ ગ્રામ આમળાંના ટુકડાને ૪–૫ મિનિટ સુધી પાણીમાં બાફીને નિતારી લો. ઠળિયા કાઢી એના જાડા ટુકડા કરી લો. તેલ મૂકી એમાં હિંગ, રાઈ અને જીરું ઉમેરી આમળાંને સાંતળો. હળદર, મીઠું અને સહેજ ખાંડ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ મસાલો ચડવા દો અને પછી ગૅસ બંધ કરી લો. તમે રોટલી કે ભાખરી સાથે આ શાકનો સ્વાદ માણી શકો છો.

૩. આમળાંની નમકીન ચટણી

અડધો કપ આમળાંના પલ્પમાં કોથમીર, લીલાં મરચાંના ટુકડા, ધાણાજીરું, આદુંનો રસ, મીઠું ઉમેરી ક્રશ કરીને આમળાંની ચટણી બનાવવામાં આવે છે. આ ચટણી બે–ત્રણ દિવસ સુધી ખાઈ શકાય. 

૪. આમળા ની ગળી ચટણી

એક કપ ઠળિયા વિનાના બાફેલા ખજૂર માં બે મોટી ચમચી બાફેલા આમળા નો પલ્પ, અડધો કપ ગોળ, અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી જીરુ પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષી માં વાટી પેસ્ટ બનાવી ડિપ ફ્રીઝ માં સ્ટોર કરી મૂકી શકો છો. જ્યારે ઉપયોગ માં લેવી હોઈ ત્યારે સહેજ પાણી ઉમેરી આછી પાતળી થાય એમ રાખી કોઈ પણ જાત ના ફરસાણ સાથે માણી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 03:51 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK