શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપશો કે શરીરમાં આવેલાં સાત ચક્રો પર?

Published: Jul 16, 2020, 21:27 IST | Ruchita Shah | Mumbai

ગયા ગુરુવારે આપણે ધ્યાનની પ્રક્રિયાના બેઝિક્સ જાણ્યા. આજે ધ્યાન સુધી પહોંચવાનો માર્ગ શું છે, કેટલા પ્રકારે ધ્યાન તરફ આગળ વધી શકાય છે, ધ્યાનમાં સરળતાથી સ્થિરતા મેળવવા માટે શું કરવું જોઈએ એ બધી જ બાબતો પર વાત કરીએ

ધ્યાનમાં સરળતાથી સ્થિરતા મેળવવો
ધ્યાનમાં સરળતાથી સ્થિરતા મેળવવો

વૈશ્વિક સ્તરે મેડિટેશનની ચર્ચા ખૂબ થાય છે. કૉર્પોરેટ હાઉસિસમાં મેડિટેશનને ખૂબ મહત્ત્વ મળ્યું છે. પરંતુ ખરેખર ધ્યાન છે શું? મેડિટેશનને કરવું કઈ રીતે અથવા તો મેડિટેશન ખરેખર કંઈક કરવાની વસ્તુ છે એ દિશામાં હજી પણ ઘણુંબધું અજ્ઞાન વ્યાપેલું છે. ગયા ગુરુવારે આપણે આ જ બાબતો પરથી મેડિટેશનમાં વૈશ્વિક સ્તરે નામના મેળવનારા કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. આર. એસ. ભોગલ સાથે વાતો કરી હતી. એ સમયે તેમણે એક વાત વારંવાર કહી હતી કે હકીકતમાં મેડિટેશન કરવાનું ન હોય, એ તો થઈ જાય. તો પછી કરવાનું શું? એનો જવાબ છે ધારણા. તમારા ચિત્ત, મનને કોઈ એક બાબત પર એકાગ્ર કરવાની પ્રક્રિયા એટલે ધારણા. ડૉ. ભોગલ કહે છે, ‘ભલે આખી દુનિયા કહે કે અમે તમને મેડિટેશન કરાવીએ પણ કોઈ વ્યક્તિ બીજી વ્યકિતને મેડિટેશન કરાવી શકે જ નહીં. તમે અગર કરાવી શકો તો ધારણા કરાવી શકો. એ પછીની યાત્રા તેણે પોતે પાર કરવાની છે. ધ્યાન કરવાનું ન હોય, એ થઈ જાય. જેમ-જેમ તમારી એકાગ્રતા દૃઢ થતી જાય એ પછી ધીમે-ધીમે જાત પ્રત્યેની તમારી સજગતા વધતી જાય. સત્ય પરથી પડદો ઊઠતો જાય અને એક અનોખી મજા આવવા માંડે. આ મજા શું છે એ તમે કહી ન શકો, પણ બસ મજા આવે. જેમ તમે મંદિરમાં જાઓ અને ભગવાનનાં દર્શન કરો તો કોઈક સંવેદન તમારી અંદર થાય છે. ક્યારેક ઈશ્વરનાં દર્શન કરતી વખતે સહજ રીતે આંખો બંધ થઈ જાય છે અને છતાં તમને મજા આવતી હોય છે. એ શું કામ આવે છે? અથવા મજા આવે છે ત્યારે શું આવે છે એનું વર્ણન તમે કરી શકો છો? ના. મોટા ભાગના લોકો કહેશે, ના, બસ બહુ મજા આવી અથવા શાંતિ લાગી અથવા મન ખુશ થઈ ગયું. ધ્યાનનું પણ એવું જ છે. તમને મજા આવશે. ધ્યાન એ આઉટકમ છે, પરિણામ છે. આ ધ્યાન સુધી પહોંચવા માટે પહેલાં મનને અમુક રીતે ટ્રેઇન કરવું પડે એ ટ્રેઇનિંગ, એ પ્રોસેસ ધારણા છે.’
અત્યારે ધ્યાનની જે પણ વિધિઓ દુનિયાભરમાં પ્રચલિત છે એ બધી જ વિજ્ઞાન ભૈરવ નામના ગ્રંથમાંથી આવેલી છે. ડૉ. ભોગલ કહે છે, ‘શ્વસન સાથે સંકળાયેલી લગભગ ૧૧૨ જેટલી ટેક્નિક ભગવાન શિવે આ ગ્રંથમાં આપેલી છે. અત્યારે આપણે જે પણ ટેક્નિક, જેના પણ નામ સાથે સંકળાયેલી ધારણા અથવા મેડિટેશનની ટેક્નિક વિશે સાંભળીએ છીએ એ આ ગ્રંથમાં આપેલી પદ્ધતિનું સરળ વર્ઝન અથવા મૉડિફાઇડ વર્ઝન છે. ધ્યાનમાં પ્રવેશ મેળવવા માટે સૌથી પહેલાં તો ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર નીકળવું જરૂરી છે. અત્યારે હું કઠોપનિષદનો એક શ્લોક વાંચી રહ્યો હતો. બીજા અધ્યાયના ચોથા વલ્લીનો પહેલો શ્લોક આ જ વાત કરે છે કે આપણે આપણી ઇન્દ્રિયોને જ પોતાની જાત માની બેઠા છીએ. જોકે જ્યારે વિવેકબુદ્ધિ આવે ત્યારે ઇન્દ્રિયોને બહારથી અંદરની તરફ વાળીએ છીએ. ધારણા માટે આપણને કૉન્સન્ટ્રેશનની જરૂર છે. પણ કૉન્સન્ટ્રેશન આવે કેવી રીતે? તો એ માટે પહેલાં શ્વોસોચ્છ્વાસ પર ધ્યાન આપીને ભાવ ઉત્પન્ન કરો, પછી પ્રત્યાહાર કરો અને પછી ધ્યાન સુધી પહોંચવા માટે ધારણા કરો. સાદી ભાષામાં પહેલાં અંદરના વિશ્વ પ્રત્યે સંવેદના કેળવો, પછી સ્વાદિષ્ટ ભોજનની, ગમે તે જોવાની, સુંવાળો સ્પર્શ મેળવવાની, મધુર સાંભળવાની વગેરે જેવી ઇન્દ્રિયોની દોડ છે એના પર બ્રેક મારીને એને અંદરની તરફ લઈ જાઓ; કારણ કે તમારી સેન્સિસ જો બહાર ભાગતી રહેશે તો તમે અંદરની યાત્રામાં સ્થિર થઈ જ નથી શકવાના. એ પછી એકાગ્રતાનો અભ્યાસ શરૂ થાય, જે તમને ધ્યાન સુધી લઈ જાય.’
બની શકે પહેલી વાર આ શબ્દો સાંભળતા હો તો તમને કન્ફયુઝન થઈ શકે. અત્યારે શબ્દો પર વધુ વિવરણ કરવાને બદલે સીધા વિધિ પર આવીએ. અહીં ડૉ. આર. એસ. ભોગલ દ્વારા તમારી જાતને અંદરની યાત્રા માટે તૈયાર કરવા માટે પહેલા પ્રિપેરેટરી પ્રૅક્ટિસ આપી છે જે પૂર્વભૂમિકાનું કામ કરશે. એ પછી ધ્યાનની ત્રણ પદ્ધતિ આપી છે, જેમાંથી તમે તમને માફક આવે એ પદ્ધતિને ફૉલો કરી શકો છો.

શ્વસન સાથે થઈએ ધ્યાનમાં લીન

ઇન્દ્રિયોને અંદરની તરફ વાળ્યા પછી હવે મનને વધુ ફોકસ કરવાની દિશામાં આગળ વધીએ.
ઊંડો શ્વાસ લો અને ધીમે-ધીમે મહેસૂસ કરો કે એ શ્વાસ તમારા મૂલાધાર ચક્ર તરફ ગતિ કરી રહ્યો છે. તમારી જનનેન્દ્રિય અને ગુદાદ્વારના વચ્ચેના ભાગમાં મૂલાધાર ચક્ર આવેલું છે. અહીંથી એ જ લાઇનમાં શ્વાસ પાછો ઉપરની તરફથી પસાર થઈને તમારા મસ્તકના ઉપરના ભાગ સુધી જઈ રહ્યો છે. તમારાં સાતેય ચક્ર પર તમારા પ્રત્યેક શ્વાસ અને ઉચ્છવાસની ગતિ થઈ રહી છે. દરેક ચક્રને પાર કરતાં-કરતાં સહસ્ત્રાર ચક્રથી બાર અંગુલી ઉપર આવેલા વ્યાપિની ચક્ર સુધી એ શ્વાસની યાત્રા તમે મહેસૂસ કરી રહ્યા છો. વધુને વધુ આ બાબતમાં એકાગ્રતા કેળવવાના પ્રયાસ કરો અને ધીમે-ધીમે મનમાં આવતા બદલાવો અને ફેરફારોને મહેસૂસ કરો.

સાત ચક્રના બીજમંત્રોથી
શરૂ કરીએ ધ્યાનની યાત્રા

જેમ શ્વાસ સાત ચક્રોને પાર કરી શકે એમ હવે શરીરના એક-એક ચક્ર સાથે સંકળાયેલા મંત્રોનું મનમાં સ્મરણ કરતા જાઓ અને ધીમે-ધીમે ધ્યાનને ઉપરની તરફ લાવતા જાઓ.
જનનેન્દ્રિય અને ગુદાદ્વારના વચ્ચેના ભાગમાં આવેલા મૂળાધાર ચક્ર પર એકાગ્ર થઈને મનમાં લં... મંત્રનું મનમાં ઉચ્ચારણ કરો. પાંચ-સાત વાર આ કરશો એટલે એનો પ્રભાવ ઉપરના ભાગ સુધી પહોંચશે.
હવે ધ્યાનને સ્વાધિષ્ઠાન ચક્ર પર લઈ આવો. આ ચક્ર તમારી જનનેન્દ્રિયના મૂળભાગમાં આવેલું છે. અહીં ધ્યાન કેન્દ્રિત કર્યા પછી વં બીજમંત્રનું મનમાં ઉચ્ચારણ કરો. એનો નાદ અને પ્રભાવ ઉપરની તરફ લઈ જાઓ.
હવે તમારું ધ્યાન મણિપૂર ચક્ર પર લઈ જવાનું છે. નાભિ અથવા નાભિથી સહેજ જ નીચેના ભાગમાં આ ચક્રનું સ્થાન છે. અહીં તમારે રં... બીજમંત્રનું મનમાં ઉચ્ચારણ કરવાનું છે.
હવે ધીમે-ધીમે ધ્યાન હૃદય ચક્ર પર એટલે કે અનાહત ચક્ર પર લઈ જાઓ. છાતીના મધ્ય ભાગમાં સહેજ ડાબી બાજું આ ચક્રનું સ્થાન છે. અહીં યં...નું પાંચથી સાત વાર મનમાં ઉચ્ચારણ કરો અને એની અનુભૂતિને ઉપર સુધી જવા દો.
હવે હજી ઉપરની તરફ આવેલા કંઠના મધ્ય ભાગમાં વિશુદ્ધિ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને હં... નું ઉચ્ચારણ કરીને એનાં સ્પંદનોને ઝીણવટપૂર્વક ઉપરની દિશામાં મહેસૂસ કરો.
હવે તમારું સંપૂર્ણ ધ્યાન આજ્ઞાચક્ર એટલે કે તમારી આઇબ્રોની વચ્ચે જરા ઉપરના ભાગમાં આવેલા હિસ્સામાં કેન્દ્રિત કરીને ૐ અથવા ક્ષં. આ બેમાંથી કોઈ એક બીજમંત્રનું ઉચ્ચારણ કરીને એની ઇફેક્ટને મહેસૂસ કરો.
ધીમે-ધીમે ધ્યાનને મસ્તિષ્કના સૌથી ઉપલા ભાગમાં, ક્રાઉનના મધ્ય ભાગમાં કેન્દ્રિત કરીને મનમાં ઓમનું સ્મરણ કરો અને એનાં સ્પંદનોની અસર મહેસૂસ કરો.
પ્રત્યેક મંત્ર બોલતી વખતે એની પાછળ લાંબો નકાર જેવો ધ્વનિ આવશે. જેટલી સૂક્ષ્મતા સાથે આ ક્રિયા કરશો એટલી વધુ સહેલાઈથી મનની સ્થિરતા આવશે અને અંદરની યાત્રા શરૂ કરવામાં આસાની થશે.

આ છે પહેલું સ્ટેપ
ધ્યાનની પ્રક્રિયા માટે એક જગ્યાએ પલાંઠી વાળીને બેસી જાઓ. ધ્યાન રહે, ટટ્ટાર બેસવાનું છે. ધારો કે જમીન પર બેસવામાં અગવડ પડતી હોય તો ખુરશી પર પણ બેસી શકો. જોકે કરોડરજ્જુ સહજ રીતે સીધી રાખવાની છે.
ઘણી વાર આપમેળે આપણી હડપચી નીચેની તરફ ઝૂકી જતી હોય છે. મોબાઇલના અતિ ઉપયોગને કારણે આ બાબત વધુ સામાન્ય બની છે. અહીં જોકે તમારે સજાગ રહીને તમારી હડપચીને તટસ્થ અથવા સહેજ ઉપરની તરફ ઝૂકેલી રાખવાની છે.
હાથને તમારી સાથળ પર રિલૅક્સ પોઝિશનમાં રાખવાના છે. શરીરમાં ખેંચાણ ન હોય એ રીતે એને હળવું રાખવાનું છે.
હવે આંખોની પાંપણોને જરાક ખુલ્લી રહે એ રીતે બંધ કરવાની છે. ધીમે-ધીમે સંપૂર્ણ આંખો આપમેળે જ બંધ થઈ જશે.
હવે શરૂઆત ધીમે-ધીમે તમારા શ્વાસોચ્છ્વાસની ગતિ પર ધ્યાન આપીને કરવાની છે. શ્વાસ પર ધ્યાન આપો અને સહજ રીતે એનો સ્વીકાર કરો. તમારે માત્ર શ્વાસનું નિરીક્ષણ કરવાનું છે, એને ફાસ્ટ કે સ્લો કરવાના નથી. તમારે જાતે એનામાં કોઈ બદલાવ લાવવાનો પ્રયાસ કરવાનો નથી. માત્ર નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરો. શ્વાસોની ગતિ પર નિરીક્ષણ કરો. લગભગ આઠથી દસ શ્વાસને ઑબ્ઝર્વ કર્યા પછી હવે આગળના સ્ટેપ પર આગળ વધીએ.
બીજો તબક્કો
મેડિટેશન સ્થિરતાની પ્રક્રિયા છે જેમાં તમારું ચંચળ મન સૌથી પહેલાં વિલન બનીને તમને પજવશે. જાતજાતના વિચારો આપશે. કંટાળો આવશે. બોર થવાશે. મન ઇન્દ્રિયો દ્વારા ભાગશે, આંખો ખોલાવશે, કાનને કંઈક આજુબાજુ ચાલી રહેલા સાઉન્ડ તરફ દોડાવશે. અહીં અટકવાનું છે. શ્વસનનું નિરીક્ષણ કરીને આપણે શરીરની સંવેદનાઓ સાથે તો કનેક્ટ થઈ ગયા. ઇન્દ્રિયોને અંદરની તરફ વાળવાની છે. એના માટે મહર્ષિ પતંજલિએ પ્રત્યાહાર નામનું પાંચમું અંગ અષ્ટાંગ યોગમાં આપ્યું છે. એના માટે શાસ્ત્રોમાં પાંચ જગ્યાએ ધ્યાનને કેન્દ્રિત કરવાની
પ્રોસેસ છે.
સૌથી પહેલાં તમારા નાકના અગ્રભાગથી સજાગ થઈ જાઓ. પાંચથી આઠ શ્વાસ લેતી વખતે સંપૂર્ણ અવેરનેસ આ અગ્રભાગમાં હોય. શ્વાસ લેતી વખતે નાસિકાના અગ્રભાગમાં શું થાય છે, શ્વાસ છોડતી વખતે શું થાય છે એ મહેસૂસ કરો. શ્વાસ લેતી સમયે હવાના સ્પર્શનો અનુભવ કરો. આ ક્રિયા તમારી ઘ્રાણેન્દ્રિય પરની ગુલામીમાંથી તમને મુક્ત કરશે. એ જ રીતે આગળ તમારી અવેરનેસ જીભના અગ્રભાગમાં આ જ રીતે લઈ જાઓ અને ડીપલી, સૂક્ષ્મતાપૂર્વક શ્વાસની ગતિ સાથે જીભના અગ્રભાગમાં અનુભવાતાં સ્પંદનો મહેસૂસ કરો. પાંચથી સાત શ્વાસ આ રીતે લેવાના છે. આ ભાગની અવેરનેસ તમારી સ્વાદેન્દ્રિયને કાબૂમાં લઈ આવશે. એ પછી તમારી અવેરનેસ તમારી નાની જિહવા મોંની અંદર
એક ઉપરની તરફથી લટકી રહેલો જીવ જેવો હિસ્સો છે એના પર લઈ જાઓ. આ જ રીતે શ્વાસ પર ધ્યાન આપવાનું છે. આ ક્રિયા તમારી આંખોના રેસ્ટલેસને દૂર કરશે. સતત નવું
જોવાની આંખની જીદને કાબૂમાં લઈ આવશે. એ પછી જીભના મૂળ ભાગમાં, જ્યાંથી તમારી જિહવાની શરૂઆત થાય છે ત્યાં જાગૃતિને લઈ
આવો. શ્વાસ લેતા સમયે અને છોડતા સમયે અહીં આવતા બદલાવો પર
ધ્યાન આપો. મધુર સાંભળવાની ઇન્દ્રિયની ગુલામીમાંથી છુટકારો મળશે અને તમે શ્રવણેન્દ્રિય અંદરની તરફ સહજતાથી વળી શકશે. છેલ્લે તમારી જીભના મધ્ય ભાગમાં પાંચ-સાત શ્વાસ લેતી અને છોડતી વખતે થતા અનુભવોને મહેસૂસ કરો. આ ક્રિયા તમારી સ્પર્શેન્દ્રિય પ્રત્યેની નિર્ભરતા ઓછી કરશે.
ટૂંકમાં નાસિકાનો અગ્રભાગ, જીભનો અગ્રભાગ, નાની જિહવા, જીભનું મૂળ અને જીભનો મધ્યભાગ એમ પાંચ હિસ્સા પર થતાં સંવેદનોને
શ્વાસ-ઉચ્છવાસ દરમ્યાન ફીલ કરશો તો બહારની તરફ દોડ્યા કરતી
તમારી ઇન્દ્રિયોને અંદરની તરફ વાળવી સરળ થઈ જશે. મન પહેલાં કરતાં વધુ સ્થિર થયું હશે અને એક વસ્તુ પર ટકાવવું સરળ બનશે. હવે મેડિટેશન તરફ જવા માટે તમે સજ્જ થઈ ગયા છો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK