Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહુડી તીર્થની નજીક આવેલા લોદરા ગામનાં ખમણ કેમ થયાં છે પ્રખ્યાત?

મહુડી તીર્થની નજીક આવેલા લોદરા ગામનાં ખમણ કેમ થયાં છે પ્રખ્યાત?

24 August, 2020 11:22 PM IST | Mumbai
Pooja Sangani

મહુડી તીર્થની નજીક આવેલા લોદરા ગામનાં ખમણ કેમ થયાં છે પ્રખ્યાત?

ખમણમાં એક અનોખી મીઠાશ હોય છે. મહુડી આવતા-જતા ભાવિક ભક્તો તેમ જ અહીંથી પસાર થતા રાહદારીઓ અહીં ખમણ લેવા આવવાનું ચૂકતા નથી

ખમણમાં એક અનોખી મીઠાશ હોય છે. મહુડી આવતા-જતા ભાવિક ભક્તો તેમ જ અહીંથી પસાર થતા રાહદારીઓ અહીં ખમણ લેવા આવવાનું ચૂકતા નથી


વાટી દાળનાં ખમણ જેવો સ્વાદ અને પાણી વિનાના નાયલૉન ખમણ જેવી સૉફ્ટનેસનું અદ્ભુત કૉમ્બિનેશન લોદરાના હસમુખના ખમણમાં છે. અહીંની ખાસ રેસિપી માત્ર તેમના પરિવારજનો સિવાય ક્યાંય બહાર ન જાય એની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે.

સુરતનાં જ ખમણ પ્રખ્યાત છે અને ખમણના કારણે પણ સુરત જાણીતું એ વાત તો સૌ જાણે છે, પરંતુ એક નાનકડી ખમણની દુકાનના કારણે ગામનું નામ ગુજરાતના નકશા ઉપર અંકિત થઈ ગયું હોય એવી એક જગ્યાની આજે વાત કરીશું. ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં જૈન સમુદાયના ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરજીનું પવિત્ર મંદિર આવેલું છે એ મહુડી તીર્થધામનું નામ તો કોણે નહીં જાણ્યું હોય, પરંતુ ગાંધીનગરથી મહુડી જવાના રસ્તે પંદરેક કિલોમીટર પહેલાં લોદરા ગામ આવે છે અને જે લોકો મહુડી જાય છે તેઓ લોદરાનાં ખમણનો સ્વાદ અચૂક માણે છે. તો ચાલો વાત કરીએ લોદરાનાં ખમણની.
ખમણની દુકાન પ્રખ્યાત થઈ એ પહેલાં જો તમે લોદરા નામ ગૂગલમાં સર્ચ કર્યું હોય તો તમને એકાદ-બે રિઝલ્ટ મળત કે જે સ્ટાન્ડર્ડ ફૉર્મેટમાં ગામનો નકશો કે એની ભૂગોળ બતાવે. પરંતુ હાલમાં જો તમે આ ગામનું નામ સર્ચ એન્જિનમાં કે યુટ્યુબમાં નાખો તો ખમણ જ ખમણ જોવા મળે. તો એવું તો શું છે લોદરાનાં ખમણમાં કે આખું ગામ પ્રખ્યાત થઈ ગયું ? તો એની પાછળની વાત છે ‘હસમુખ ખમણ’ નામની ૧૯૬૦ની સાલ કરતાં પણ જૂના જમાનાની લાગે એ ઢબની દુકાનની. એક કરોડની કાર લઈને આવનાર ધનિકથી લઈને એક રસ્તે જતા અદના માનવીને પણ ભાવે એવો સ્વાદ અને પોસાય એવો ભાવ.
લોદરા ગામમાં પ્રવેશ કરીને એક ચોક્કસ ગલીમાં પ્રવેશ કરો પછી તમારે કોઈને પૂછવું ન પડે કે ખમણની દુકાન ક્યાં છે, કારણ કે ખમણ અને એના વઘારની ખુશ્બૂ જ તમને દુકાન તરફ દોરી જાય છે. ગોકુળિયા ગામની પરિકલ્પના કરી હોય એવા જ એક નાનકડા પરંતુ ઠીક-ઠીક સમૃદ્ધ ગામની સાંકડી ગલીઓમાં હસમુખ ખમણની દુકાન આવેલી છે. દુકાન પાસે જાઓ એટલે એક પહોળા વાસણમાં ચાર ઇંચ ઊંચાં, જાળીદાર, ચોસલાં કરેલા ઘાટા પીળા રંગનાં ખમણ પર મોટા-મોટા રાઈના દાણા અને તેલમાં કડક તળાઈને પણ લીલાછમ રહેલાં મરચાં શોભતાં હોય છે. એટલે પહેલી નજરે જ જોઈને મોઢામાં પાણી આવી જાય છે.
તમને તો ખબર હશે જ કે ખમણ બે જાતનાં હોય છે. એક વાટી દાળનાં ખમણ કે જે ચણાની દાળને આખી રાત પલાળીને પછી એને પીસીને આથો લાવીને તૈયાર કરાય છે. નાના એકથી દોઢ ઇંચનાં ચોસલાં પાડીને ખાવામાં આવે છે જે સ્વાદમાં અફલાતૂન હોય છે પરંતુ કોરાં અને કડક લાગે છે. એની સાથે કઢી કે લીલી ચટણી હોય તો જ આરોગવાની મજા આવે છે. આખા સુરતમાં આ જ ખમણ મળે.
જ્યારે બીજા નાયલૉન ખમણ કે જેને સુરતીઓ અમદાવાદી ખમણ કહે છે જે ચણાના લોટ કે બેસનમાંથી બને છે. આખી રાત દાળ પલાળીને કલાકો સુધીની તૈયારની કોઈ ઝંઝટ આવા ખમણમાં હોતી નથી. ચણાના લોટમાં પાણી અને ખાવાનો સોડા નાખીને બનાવવાની પ્રક્રિયા હોય છે અને એને બાફી લેવામાં આવે એટલે ત્રણથી ચાર ઇંચ જેટલાં ફૂલે છે અને જાળી તો એવી સરસ પડે અને એવાં પોચાં હોય કે તમને લાગે કે હમણાં આ ખમણનું ચોસલું હાથમાંથી પડી જશે. એને બાફી લીધા બાદ ખાંડના પાણી અને તેલનો મિક્સ વધાર થાય છે અને એટલાં સોફ્ટ હોય છે કે એની સાથે ચટણી ખાવાની જરૂર જ નથી. ઘણા લોકોને ફરિયાદ રહે છે કે નાયલૉન ખમણમાં પાણીનો ભાગ વધુ હોય છે. એને સ્પંજની જેમ નિચોવો તો પાણીની ધાર થાય.  
ખમણની બે જાત વિશે ઉપરોકત બે ફકરા એટલા માટે લખ્યા કે જો એ ન સમજાવ્યું હોત તો હસમુખનાં ખમણ કેવાં હોય છે એનો અંદાજ નહીં આવે. કહેવાનો મતલબ એટલો કે વાટીદાળના સ્વાદ જેવા અને નાયલૉન ખમણ જેવાં સૉફ્ટ પરંતુ પાણી વગરનાં અદ્ભુત પ્રકાર ખમણ હસમુખભાઈ અને તેમનો પરિવાર બનાવે છે. સંપૂર્ણપણે પરિવારનો બિઝનેસ છે અને ખમણ બનાવવાની પ્રક્રિયામાં કોઈ જ બહારની વ્યક્તિ સામેલ થઈ શકતી નથી. અરે પ્રતિબંધિત છે એમ કહીએ તો ચાલે. ખમણની સાથે ઝીણી ભૂસુ સેવ, મરચાં અને સમારેલી ડુંગળી આપવામાં આવે છે અને દુકાન પાસે ભીડ ન થાય એ માટે દુકાનની સામે જ એક ખડકી જેવી બીજી દુકાન છે ત્યાં પાટિયાં ગોઠવી દીધાં છે. ત્યાં જઈને જ ખમણ ખાવાનાં. હા, ફરજિયાત. ગામના લોકોને સાંકડી ગલીઓમાં આવવા-જવાની તકલીફ ન પડે એ ખાસ જોવામાં આવે છે.  
લગભગ ૭૦ વર્ષ જૂનો આ દુકાનનો ઇતિહાસ છે, પરંતુ ન જાણે કેમ છેલ્લાં પાંચ-દસ વર્ષમાં આ ખમણનું નામ ભારે પ્રખ્યાત થઈ ગયું છે. કોઈ પણ ધંધો લોકપ્રિય થયો એ જાણવું હોય તો એનાં ઘણાં પરિબળો હોય, પરંતુ જો સૌથી ઊડીને આંખે વળગે એવું પરિબળ હોય તો એ છે એની નકલ કરનારા વધી જવા. હા, એક દુકાન પ્રખ્યાત થાય એટલે એના નામ સાથે કે ભળતા નામ અને નિશાન સાથે અનેક દુકાનો ખૂલી જતી હોય છે. એવી જ રીતે હસમુખ ખમણનું થયું છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ઓરિજિનલ હસમુખ ખમણની દુકાન લોદરા ખાતે આવેલી છે એટલે લોદરાનાં ખમણ નામ ચાલી ગયું છે, પરંતુ જો તમારે અસલ માલ ખાવો હોય તો ‘લોદરાના હસમુખનાં ખમણ’ એમ બોલશો તો જ સાચા ગણાશો.



food
લોદરાનાં ખમણનું લોકોને કેવું ઘેલું લાગ્યું છે એની વાત કરું તો અમદાવાદથી ગાંધીનગર જાઓ તો લીલોતરી વચ્ચે લગભગ દર બે કિલોમીટરે એક મારુતિ વૅન કે ખૂમચો તાણીને લોકો બેઠા હોય અને બોર્ડ મારેલું હોય કે લોદરાનાં ખમણ. પરંતુ આ દુકાનના માલિકોના કહેવા મુજબ તેઓ કોઈને માલ આપતા નથી. તેમની પહેલી દુકાન ગામમાં અને બીજી માણસા નગરમાં આવેલી છે. હવે તો અમદાવાદમાં પણ બેત્રણ દુકાનો ખૂલી ગઈ છે, પરંતુ અસલી છે કે નકલી રામ જાણે. આ ઉપરાંત અહીંનાં પાતરાં પણ ખૂબ વખણાય છે. પતરવેલિયાનાં પાનમાં ચણાના લોટનું આંબલીના પાણીમાં જાડું ખીરું બનાવીને પાથરીને વાટા તૈયાર કરાય છે અને પછી મોટા-મોટા વાટા ગોળાકાર કાપીને વઘારીને પીરસાય છે. ત્યારે એનો સ્વાદ પણ અદ્ભુત આવે છે.


food
દુકાનના ઇતિહાસની વાત કરું તો પહેલાં એ ‘પભલીનાં ખમણ’ તરીકે ગામમાં ઓળખતી હતી કે જે દુકાનના મૂળ માલિક અને મોભી હસમુખભાઈનાં ફોઈબા થાય. તેમનું નામ પ્રભાબહેન પણ લોકો પ્રેમથી આ નામથી બોલાવતા. તેમણે આ દુકાન શરૂ કરેલી અને તેમને કોઈ સંતાન નહીં હોવાથી ખમણની બનાવટ હસમુખભાઈના પરિવારને શીખવી હતી. આજે હસમુખભાઈ અને તેમના બે ભાઈઓ, તેમનાંય સંતાનો, પુત્રવધૂઓ બધાં જ આ ધંધામાં છે અને માણસા ખાતે આવેલા તેમના રસોડામાં પરિવારના સભ્યો સિવાય કોઈને પ્રવેશ નિષેધ છે. પરિવારના તમામ સભ્યોએ કામ વહેંચી લીધું છે અને તેમનો પ્રેમ છે કે ખમણમાં એક અનોખી મીઠાશ હોય છે. મહુડી આવતા-જતા ભાવિક ભક્તો તેમ જ અહીંથી પસાર થતા રાહદારીઓ અહીં ખમણ લેવા આવવાનું ચૂકતા નથી અને જો તમે પણ જાઓ તો એક વાર સ્વાદ ચાખજો અને મને ઈ-મેઇલ કરજો કે કેવાં લાગ્યાં. તો ચાલો મિત્રો અવનવી ફૂડની વાતો સાથે દર સોમવારે મળતા રહીશું અને તમે કરતા રહો મારી સાથે ખાઈપીને મોજ.
sanganipooja25679@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 11:22 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK