બાળકોને અપાતા સુવર્ણ પ્રાશન સંસ્કાર શું છે?

Published: 19th February, 2021 12:46 IST | Bhakti D Desai | Mumbai

આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સ્વર્ણ પ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સ્વર્ણ પ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?

શું તમને ક્યારેય વિચાર આવે છે કે પેઢી દર પેઢી આપણાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ, પાચનશક્તિ આ બધું નબળું કેમ થતું જાય છે? હવેનાં બાળકો મીઠાઈ, શિયાળાના વિવિધ પાક આ બધું તેમના ઘરના વડીલોની તુલનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાઈ શકે છે. આનું મુખ્ય કારણ વિચારીએ તો આધુનિક ઉપચારોની ઘેલછામાં આપણે આપણા પારંપરિક ખજાના સમાન વેદોમાં લખેલા સંસ્કાર અને ઇલાજને ક્યાંક વીસરી ગયા છીએ. આજની યુવા પેઢી તેમના ઘરના વડીલોને પોતાના ઘરમાં જન્મેલા નાના બાળકને જન્મ પછી અમુક મહિનાઓ સુધી કોઈ પણ ચાટણ કે ઘૂંટી ચટાડવાની પરવાનગી નથી આપતી, પણ આયુર્વેદમાં ઉલ્લેખાયેલા સોળ સંસ્કારમાંથી એક છે જાતકર્મ સંસ્કાર, જેમાં બાળક જન્મે કે તરત સુવર્ણ પ્રાશન અથવા સ્વર્ણ પ્રાશન કરાવવાની રીત બતાવી છે. હાલમાં આયુર્વેદ ડૉક્ટર્સને ત્યાં દર મહિને પુષ્ય નક્ષત્રમાં ૦થી ૧૬ વર્ષની ઉંમરનાં બાળકોને આના ડોઝ આપવામાં આવે છે. આજે જાણીએ સુવર્ણ પ્રાશન છે શું અને બાળકોને એ લેવાથી શું ફાયદાઓ થાય છે.

શું છે સ્વર્ણ પ્રાશન?

મુલુંડમાં રહેતા આયુર્વેદ ડૉક્ટર તરીકે વ્યાપક અનુભવ ધરાવતાં ડૉ. માનસી પૂજારા સુવર્ણ પ્રાશન શું છે એની માહિતી આપતાં કહે છે, ‘સુવર્ણ પ્રાશનનો અર્થ છે સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. કાશ્યપ સંહિતામાં એનો ઉલ્લેખ છે. સુવર્ણ પ્રાશન, સ્વર્ણ પ્રાશન અથવા મેડિકેટેડ સ્વર્ણયુક્ત ડ્રૉપ્સ અથવા સુવર્ણબિંદુ પ્રાશન કે આયુર્વેદિક ઇમ્યુનાઇઝેશન નામથી આ ઓળખાય છે. આપણે ત્યાં પરંપરાગત રીતે પહેલાં ઘરમાં નાનું બાળક જન્મતું ત્યારે ઘરમાં જે સોનું હોય એને થોડા પાણીમાં ભીનું કરી પથ્થર પર ઘસી અસમાન માત્રામાં મધ અને ઘી ભેળવી બાળકને સુવર્ણ પ્રાશન ચટાડવાનો રિવાજ હતો. આમાં મધ અને ઘી શરીરમાં સોનાની અસર ઝડપી અને વધુ સારી બનાવનાર ઉત્પ્રેરકની ભૂમિકા ભજવે છે. જન્મ પછી લગભગ ચાર દિવસ આ દરરોજ ચટાડવામાં આવતું અને પછી મહિનામાં એક વાર આ અપાતું. આશરે છેલ્લાં પાંચેક વર્ષોથી આ મહત્ત્વની ઔષધીની શરૂઆત અમે ફરી કરી છે. આ સંસ્કાર બાલ્યાવસ્થામાં થાય છે. ચરક ને સુશ્રુત મુજબ બાલ્યાવસ્થાનો સમય જન્મથી ૧૬ વર્ષની ઉંમર સુધીનો દર્શાવ્યો છે. જન્મથી લઈને ૧૬ વર્ષ સુધી બાળકને સતત દર મહિને પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનનાં ડ્રૉપ્સ આયુર્વેદિક ડૉક્ટરને ત્યાં અપાવવાં જોઈએ. આ ઔષધી ૧૬ વર્ષની નીચે કોઈ પણ ઉંમરે શરૂ કરી શકાય છે. જો આમાં કોઈક મહિનામાં આ ઔષધી લેવાનું ભુલાઈ જાય તો કોઈ નુકસાન નથી થતું. સુવર્ણ પ્રાશનની માત્રા બાળકની ઉંમર વધે એમ વધતી જાય છે.’

એના લાભ શું?

સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રમાં જ કેમ અપાય છે અને આનાથી બાળકને શું લાભ થાય છે એનો જવાબ આપતાં ડૉ. માનસી કહે છે, ‘જો કોઈ દવા તમારે મહિનામાં એક જ વાર લેવાની હોય તો આયુર્વેદ મુજબ દવા લેવા માટેનું સૌથી સારું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. આખા મહિનામાં આ એક એવો દિવસ છે જ્યારે પર્યાવરણ સૌથી વધારે શુદ્ધ હોય છે. આ દિવસે વ્યક્તિનું બળ, તેમનો અગ્નિ વ્યવસ્થિત હોય છે. આખા દિવસમાં આ નક્ષત્રનો નિશ્ચિત સમય હોય છે, જે પંચાંગમાંથી કે આયુર્વેદિક ડૉક્ટર પાસેથી મળી રહે છે. આ સંસ્કાર બાળકના હૃદય માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે અને હવે વર્ષોથી લોકો આ નથી કરતા. આયુર્વેદ એમ માને છે કે લોકોમાં હૃદયના વિકારો વધવાનું એક મુખ્ય કારણ આ સંસ્કારનો વિસાર થયો હોવાનું છે. આના અનેક લાભ છે. અમુક આયુર્વેદિક ડૉક્ટર્સ જે બાળકોને લાંબા સમયથી આ દવા આપી રહ્યા છે તેમણે એક ચાર્ટ બનાવ્યો છે અને તેમનું નિરીક્ષણ છે કે તે બાળકને કોઈ પણ ઋતુ બદલાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ નથી, વાઇરલ ઇન્ફેક્શન નથી થયાં, વારેઘડીએ તેઓ માંદાં નથી પડતાં અને રોગપ્રતિકારક શક્તિ વધી છે. નાનપણથી જ્યારે કોઈ બાળક સુવર્ણ પ્રાશન લે છે તો તેના મગજના વિકાસમાં ખૂબ લાભ થાય છે. બાળકના દરેક વિકાસમાં આની ખૂબ સારી અસર છે. આપણા શરીરમાં લોહ, ચાંદી, સ્વર્ણ અને તાંબું આ દરેક ધાતુની જરૂર હોય છે. સોનાથી હૃદય સ્વસ્થ બને છે. આનાથી બાળકનો વર્ણ પણ વ્યવસ્થિત થાય છે. સ્વર્ણ પ્રાશન બળવર્ધક, બુદ્ધિવર્ધક, અગ્નિવર્ધક, મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. જો જન્મથી છ મહિના સુધી બાળકને આ આપવામાં આવે તો છ મહિના પછી એ બાળમાનસ જે સાંભળે એ જલદીથી ગ્રહણ કરી શકે છે. આનાથી સમજાય છે કે તેની સ્મરણશક્તિ સારી થઈ છે. આનો એક લાભ બાલગ્રહમાં પણ થાય છે. ઘણી વાર બાળક રડ્યા કરે છે અને લોકો માને છે કે તે નજરાઈ ગયું છે. આયુર્વેદમાં આને બાલગ્રહ કહે છે. આ ઔષધિથી આવા ગ્રહદોષ દૂર થાય છે. નબળાં બાળકો હોય કે સ્વસ્થ, સુવર્ણ પ્રાશન દરેક બાળક માટે લાભદાયી છે.’

બાળકો આને પચાવવા સક્ષમ છે?

આજનાં બાળકો આ ચાટણને પચાવવા સક્ષમ છે કે નહીં એની માહિતી આપતાં તેઓ કહે છે, ‘આજની યુવા પેઢી વડીલોની તુલનામાં ઓછો સ્વાસ્થ્યવર્ધક આહાર લે છે. હવે લોકો પહેલાં જેટલી મીઠાઈ, ઘી, ભારે વસાણાંવાળી વસ્તુઓ પચાવી નથી શકતા અને તેથી તેમનાં બાળકોની પાચનશક્તિ તેમનાથી ઓછી હોય એ સ્વાભાવિક છે. તેથી જ આયુર્વેદમાં બતાવેલી સુવર્ણ પ્રાશનની માત્રા કરતાં ઓછી માત્રા હવેના નવજાત બાળકને આપીએ છીએ. તેઓ આને પચાવી શકે છે, કારણ કે તેનો અગ્નિ ત્યારે જ પ્રદીપ્ત થઈ રહ્યો હોય છે અને માતાનું દૂધ મળતાં શિશુને ત્રણેક દિવસ લાગી જાય છે અને એ સમયે મધ અને ઘી બાળકને પોષણ પણ આપે છે.’

સુવર્ણ પ્રાશન બાળકને આયુર્વેદ વૈદરાજની નિગરાનીમાં જ આપવું

લોકોએ આ ઇલાજ ઘરે ન કરવો જોઈએ અને આની આડઅસર ન હોવા છતાં શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે સવિસ્તર સમજાવતાં ડૉ. માનસી કહે છે, ‘આ ઇલાજ પહેલાં ઘરે-ઘરે થતો હતો, પણ હવે બાળકોની પાચનશક્તિ ઓછી થઈ ગઈ છે. જો આપણા હાથમાં વિષાણુ હોય તો તેમને તરત ઇન્ફેક્શન લાગી જાય છે. સોનું શુદ્ધ ન હોય તો પણ બાળક માંદું પડી શકે. તેથી આજનાં બાળકો માટે આ ઇલાજ ઘરે ન કરવો જોઈએ. આયુર્વેદમાં સુવર્ણ પ્રાશનની માત્રા વધારે લખી છે અને આનું નિશ્ચિત માપ છે. સોનાની માત્રા જો વધારે થઈ જાય તો બાળકને ત્રાસ થઈ શકે. નવું જન્મેલું બાળક નબળું છે કે સ્વસ્થ એ તપાસીને જ આયુર્વેદ નિષ્ણાત સુવર્ણ પ્રાશનની માત્રા નક્કી કરે છે. આમાં હવે સોનાની ભસ્મ વપરાય છે અને અમે આયુર્વેદના જાણકાર છીએ તેથી ભેળસેળ વગરની શુદ્ધ સુવર્ણ ભસ્મ ક્યાંથી મેળવવી એ જાણીએ છીએ. અમુક જ જગ્યાએ પ્રમાણભૂત પદ્ધતિથી સુવર્ણ ભસ્મ બનાવવામાં આવે છે. દરેક બાળકની પાચનશક્તિ અલગ હોય છે. આને ધ્યાનમાં રાખી આ ડ્રૉપ્સની માત્રા ઓછી-વત્તી કરવી પડે છે. બાળક પર આની અસર કેવી થઈ રહી છે એનું અમે ધ્યાન રાખીએ છીએ. જો આને આયુર્વેદિક ડૉક્ટરને ત્યાં જ આપવામાં આવે તો આડઅસર થવાનો પ્રશ્ન નથી આવતો, પણ જો આ ઉપચાર ઘરે કોઈ કરે અને સુવર્ણ પ્રાશનની અયોગ્ય માત્રા અપાઈ જાય તો બની શકે કે આડઅસર થાય. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધા વગર આ ઉપચાર ઘરે ન કરવો જોઈએ.’
કોરોનાકાળમાં આપણે આયુર્વેદને કારણે નીરોગી રહી શક્યા અને હવે તો આપણે માનવું જ રહ્યું કે ભારત પાસે આયુર્વેદ જેવું ૨૪ કૅરેટનું શુદ્ધ સોનું છે તો આ સોનાનો લાભ બાળકોને આપી આપણા બાળધનને આપણે સ્વાસ્થ્ય અર્પવું જોઈએ.

કોઈ દવા તમારે મહિનામાં એક જ વાર લેવાની હોય તો આયુર્વેદ મુજબ દવા લેવા માટેનું સૌથી સારું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. આખા મહિનામાં આ એક એવો દિવસ છે જ્યારે પર્યાવરણ સૌથી વધારે શુદ્ધ હોય છે. આ દિવસે વ્યક્તિનું બળ, તેનો અગ્નિ વ્યવસ્થિત હોય છે. આખા દિવસમાં આ નક્ષત્રનો નિશ્ચિત સમય હોય છે. આ સંસ્કાર બાળકના હૃદય માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે
- ડૉ. માનસી પૂજારા, આયુર્વેદ નિષ્ણાત

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK