ઘરમાં સ્લિપર્સ પહેરવાં કેમ જરૂરી?

Published: 12th January, 2021 16:36 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સ્ત્રીઓને રસોડામાં દિવસના અમુક કલાક દરરોજ સતત ઊભા રહેવાનું થાય છે. ભીના પગે ઘરમાં કામ કરવાથી લાદીની ઠંડકને કારણે પગમાં કળતર, એડીનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગરે થઈ શકે છે. ઘરમાં પગરખાં પહેરવાની આદત કેળવવાથી આ સમસ્યાઓ ઘટી શકે છે.

શિયાળામાં માત્ર હવા જ નહીં, ઘરની દીવાલો અને લાદી પણ ઠંડી થઈ જતી હોય છે. વહેલી સવારે જો ખુલ્લા પગે સીધા પગ નીચે મૂકો તો ક્યારેક તો ઠંડીનો એવો ચમકારો શરીરમાંથી પસાર થઈ જાય કે ન પૂછો વાત. મોટા ભાગે આપણને લાદી પરની ઠંડકથી ખ્યાલ આવે છે કે હવે ઠંડી પડવા લાગી છે. હવે તો ઘરમાં એમ જ સ્લિપર્સ પહેરીને ફરવાનું ચલણ વધ્યું છે, પણ જે સ્ત્રીઓ સામાન્ય રીતે ઘરમાં સ્લિપર્સ નથી પહેરતી તેણે પણ ઍટ લીસ્ટ શિયાળામાં તો સ્લિપર્સ પહેરવાનું શરૂ કરી જ દેવું જોઈએ. સ્ત્રીઓનો સ્વભાવ કરકસરવાળો હોય છે તેથી ઘરમાં પહેરવાનાં સ્લિપર્સ કાં તો સસ્તામાં મળે એ પસંદ કરી લે છે કાં પછી બહુ આરામ લાગે એવાં અને ફૅન્સી દેખાય એવાં સ્લિપર્સ ખરીદે છે. ‍પણ શું તમે જાણો છો કે ઘરમાં પહેરવાનાં સ્લિપર્સ સ્ત્રીઓના આરોગ્યમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે? ઘરમાં પહેરવાનાં ફુટવેરની આદત શું માત્ર શિયાળા સુધી જ સીમિત રાખવી જોઈએ? આવાં સ્લિપરની પસંદગીમાં કેવી કાળજી લેવી જોઈએ આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવીએ નિષ્ણાત પાસેથી.

ઘાટકોપરમાં રહેતાં ઑર્થોપેડિક સ્પાઇન સ્પેશ્યલિસ્ટ ડૉ. સમીર રૂપારેલ આ વિષય પર ઊંડાણથી માહિતી આપતાં કહે છે, ‘આજકાલની સ્ત્રીઓમાં કમરનો દુખાવો, પગમાં દુખવું અને કોઈ વાર સોજા આવવા આ બધી ફરિયાદો પણ સામાન્ય થતી જાય છે. જ્યારે સ્ત્રીઓ ઘરમાં સતત ઊભી રહે છે અને પછી અમુક સમયાંતરે બેસે છે ત્યારે જ તેના પગની પાનીને આરામ મળે છે, પણ જો પગમાં યોગ્ય પ્રકારનાં સ્લિપર્સ પહેર્યાં હશે તો આ થાકમાં જરૂર રાહત જણાશે. હું એક આગ્રહ રાખું છું કે સ્ત્રીઓએ નાની ઉંમરથી જ ઘરમાં યોગ્ય સ્લિપર્સ પહેરવાની આદત કેળવી લેવી જોઈએ. યોગ્યનો અર્થ કોઈ મોટી અને મોંઘી બ્રૅન્ડનાં સ્લિપર પહેરવાથી જ રાહત મળે છે એ ધારણા ખોટી છે. યોગ્ય સ્લિપર એટલે કે તમારા પગને, પાનીને અને થોડે અંશે ચાલવામાં હળવાશ અનુભવાય એવાં સ્લિપર્સ.’

પહેલાં તો જરૂર નહોતી

યસ, પહેલાંના જમાનામાં તો કોઈ ઘરમાં સ્લિપર પહેરતું નહોતું, હવે વળી કેમ જરૂર પડવા લાગી? આવો સવાલ થવો સ્વાભાવિક છે. જોકે પહેલાંની સરખામણીએ આજની સ્થિતિ વિશે સમજાવતાં ડૉ. સમીર આગળ કહે છે, ‘પહેલાં બેઠાં રસોડાં હતાં તેથી સ્ત્રીઓને ઊઠ-બેસ કરવી પડતી. આનાથી ગોઠણને પૂરતો વ્યાયામ મળતો અને રસોઈ બનાવતી વખતે સતત ઊભા રહેવાનો વારો ન આવતો. આ સિવાય લોકોના ઘરમાં હવે માર્બલ, ગ્રેનાઇટનો વધુ ઉપયોગ થાય છે. આ લાદીઓ સખત હોય છે અને ખૂબ ઠંડી થઈ જાય છે તેથી પગથી ઠંડક લાગીને શરદી, ઉધરસ ન થાય એ માટે પણ સ્ત્રીઓએ શિયાળામાં તો સ્લિપર્સ પહેરવાં જ જોઈએ. આ સિવાય હજી એક કારણ એ છે કે હવે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાઓ, એમાં પણ એ રસ્તાઓમાં ખાડા, એના ઊંચા-નીચા સ્તર અને એવામાં સ્ત્રીઓ બહાર હિલવાળાં ફૅન્સી ફુટવેર પહેરે છે; જેને કારણે પહેલાં જ પગને અને કમરને ઘણી હાનિ પહોંચી હોય છે તેથી કમ-સે-કમ ઘરમાં પહેરવાનાં સ્લિપર્સ પગને આરામ આપે એવાં હોય તો તેમને ઘણી રાહત અનુભવાય છે.’

સ્લિપર્સ કેવાં હોવાં જોઈએ?

બજારમાં વિવિધ પ્રકારનાં અને પૅટર્નનાં સ્લિપર્સ મળે છે તો કોને માટે કઈ પૅટર્ન યોગ્ય છે એ કેવી રીતે ઓળખવી એનો જવાબ આપતાં ડૉ. સમીર કહે છે, ‘સૌથી પહેલાં તો એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે રબરનાં સ્લિપર્સ ખરીદવાં નહીં. સ્લિપર્સનું વજન પગ પર ન આવવું જોઈએ. સ્લિપરમાં હિલ્સ ક્યારેય ન હોવી જોઈએ. ઘરમાં પહેરવાનાં સ્લિપર્સ હિલ્સ પરથી ઊંચાં ન હોવાં જોઈએ. સાથે જ ખૂબ નરમ ગાદીવાળાં અને એકદમ કડક ન

 

 

હોવાં જોઈએ. બેસ્ટ પૅટર્ન એટલે આગળથી પહોળાં અને વ્યવસ્થિત પૅડેડ સ્લિપર્સ. વેલ-પૅડેડ સ્લિપર્સ પગને યોગ્ય આરામ આપે છે. આગળ હંમેશાં પગને માટે પૂરતી જગ્યા હોવી જોઈએ તેથી આગળથી એ પહોળાં હોય એનું ધ્યાન રાખવું. પગને સ્લિપર્સની અંદર જરાય સંકડાશ ન લાગવી જોઈએ. ઘણી વાર આગળથી સાંકડાં સ્લિપર્સ કે ફુટવેરને કારણે પગમાં ડંખ પડવા, પગ વધારે દુખવા આવી સમસ્યા ઉદ્ભવે છે. પગમાં જો સ્લિપર્સ કે શૂઝને કારણે તકલીફ થાય તો ગોઠણ, કમર આ બધામાં દુખાવો થવો પણ સ્વાભાવિક છે. એટલે જ મારો ખાસ આગ્રહ છે કે તમે ઘરમાં પહેરવાનાં સ્લિપર્સની પસંદગી વખતે કોઈ કચાશ, કંજૂસી, કરકસર અને સમાધાન ન કરતાં પગના આરામ તરફ વધુ ધ્યાન આપી પગમાં જે ઉત્તમ રાહત આપે એવાં જ સ્લિપર ખરીદો.’

કેવી સમસ્યામાં સ્લિપર્સ ફરજિયાત?

પગની કેવી સમસ્યામાં સ્લિપર્સ ફરજિયાત પહેરવાની સલાહ તેઓ આપે છે એ વિશે ડૉ. સમીર કહે છે, ‘જે સ્ત્રીઓ એવા વ્યવસાયમાં હોય છે જ્યાં તેમણે સતત ઊભાં રહેવાનું હોય જેમ કે જ્વેલર્સમાં અથવા અન્ય કોઈ પણ શોરૂમમાં કામ કરતી મહિલાઓને. આવી પરિસ્થિતિમાં મોટે ભાગે તેમના પગ પર સોજા હોય છે. પાછું ઘરમાં આવીને પણ તેમણે કામ કરવું પડે છે, જે વધુ ત્રાસદાયી બને છે તો તેમણે નિયમિત આવીને ગરમ મીઠાના પાણીમાં પગ બોળી પગનાં તળિયાંની કસરત કરી ઘરનાં સ્લિપર્સ પહેરવાં જ જોઈએ. આનાથી તેમને લાભ થશે. જો એક પગમાં ખૂબ વધારે સોજો અને બીજામાં ઓછો અથવા નહીંવત હોય અને એક જ માપનાં સ્લિપર સોજાવાળા પગમાં નાનાં પડે તો એક સાઇઝ મોટાં સ્લિપર્સ ખરીદવાં અને જ્યાં સોજો નથી એમાં ઇનસોલ નાખી વાપરવાં. અન્યથા બે નાના-મોટા માપના સ્લિપરની જોડી ખરીદવી. સોજાવાળા પગને રાહત આપવી ખૂબ જરૂરી હોય છે. જેમના પગ સપાટ હોય છે, તેમણે આર્ચવાળાં સ્લિપર્સ બનાવડાવવાં જોઈએ. જેમના પગનો અંગૂઠો આગળ કે પાછળની બાજુએ વળેલો હોય તેમના માટે ઘરમાં સ્લિપર્સ પહેરવાં આવશ્યક છે. ડાયાબિટીઝને કારણે ઘણી વાર દરદીઓના પગ સુન્ન થઈ જાય છે. આવી સમસ્યામાં મહિલાઓને કામ કરતી વખતે ઉતાવળમાં ઘરની અંદર ચાલતી વખતે કંઈ વાગી ન જાય એ માટે ઘરમાં પણ આરામદાયી બૂટ અથવા આગળથી પગ આખાં ઢંકાય એવાં સ્લિપર્સ પહેરવાં જોઈએ.’

સ્લિપર્સ કેટલા સમયાંતરે નવાં લેવાં જોઈએ?

સ્લિપર્સ ન તૂટે તો નવાં કેટલા સમય પછી લેવાં જોઈએ એ વિશે તેઓ કહે છે, ‘ઘરનાં સ્લિપર્સ બે-ત્રણ વર્ષ ટકે છે અને તૂટતાં નથી, પણ એના પૅડની અસર છ જ મહિનામાં નીકળી જાય છે તેથી છ મહિના પછી નવાં સ્લિપર્સ લેવાં જોઈએ. ઘરનાં સ્લિપર્સ ધોઈ શકાય એવાં હોય તો જેમને ખૂબ પરસેવો થતો હોય તેમણે અઠવાડિયે એક વાર અને અન્ય લોકોએ સામાન્ય રીતે પંદર દિવસે એક વાર સ્લિપર ધોવાં જ જોઈએ. ઘરનાં સ્લિપર્સનો ઉપયોગ બહાર જવા માટે ન કરવો, કારણ કે એનાથી બૅક્ટેરિયા કે ઇન્ફેકશનને ઘરમાં સ્થાન મળશે અને બાથરૂમ માટે પણ અલગ સ્લિપર્સ રાખવાં.’

ઘરમાં પહેરવાનાં સ્લિપર્સ સ્ત્રીઓ માટે આડકતરી રીતે પગના, એડીના, ગોઠણના, કમરના અને કરોડરજ્જુના નાના-મોટા દુખાવાનો સરળ, દવા વગરનો અને નૉન-ઇન્વેઝિવ ઇલાજ છે. પગ દુખતા હોય તો પણ સ્લિપરમાં અનુભવાતી હળવાશને કારણે ઘરમાં આવ્યા પછી સ્ત્રીઓને ઊભા રહેવાની શક્તિ મળે છે તો હવે શિયાળામાં જ નહીં, આખું વર્ષ સ્લિપર્સ પહેરો અને સ્વસ્થ રહો. 

ન પહેરો તો શું થાય?

‘ઘણીવાર જે સ્ત્રીઓ ઘરમાં ક્યારેય સ્લિપર્સ નથી પહેરતી તેમને પગની એડીથી અંગૂઠાને જોડનાર જે હાડકું હોય છે તેના પર સોજો આવે છે અને દુ:ખાવો થઇ જાય છે. આને પ્લાન્ટર ફેશ્યાઈટીસ કહે છે, જેની ફરિયાદ સામાન્ય છે અને હિલ સ્પર એટલે કોઈ વાર હાડકું વધવા જેવી મુશ્કેલી પણ ઉદ્ભવી શકે છે. ઘરમાં નિયમિત સ્લિપર્સ પહેરવાથી આવી સમસ્યાઓ મહદ અંશે ટાળી શકાય છે.’

- ડૉ. સમીર રૂપારેલ, ઑર્થોપેડિક સ્પાઇન સ્પેશ્યલિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK