ચ્યવનપ્રાશ બારેમાસ

Published: Sep 18, 2020, 15:44 IST | Varsha Chitalia | Mumbai

કોરોનામાંથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દરદીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકૉલમાં દવાઓ ઉપરાંત યોગ અને ચ્યવનપ્રાશનું સેવન કરવાની ભલામણ કરવામાં આવી છે.

શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે છે.
શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે છે.

અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ કે આમળામાંથી બનતી આયુર્વેદની આ દવાનું સેવન શિયાળામાં જ થાય, પરંતુ હાલમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દરદીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકૉલમાં
દવાઓ ઉપરાંત યોગ અને ચ્યવનપ્રાશનું સેવન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ આયુર્વેદિક ઔષધિ આપણા શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે એવું તારણ નીકળતાં એનો વપરાશ વધ્યો છે. કોરોનાકાળમાં અનેક લોકો ઘરે ચ્યવનપ્રાશ બનાવવા લાગ્યા છે ત્યારે એના આરોગ્યપ્રદ ગુણો વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ

ભારતમાં એક તરફ કોરોનાના નવા કેસો સતત વધી રહ્યાં છે તો બીજી તરફ સાજા થયેલા અનેક દરદીઓમાં ફરીથી કોવિડનાં લક્ષણોએ દેખા દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગત રવિવારે કોરોનામાંથી સ્વસ્થ થયેલા દરદીઓ માટે પહેલી વાર વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં ચ્યવનપ્રાશ, આયુષ દવાઓ અને યોગ આસનો જેવી વૈકલ્પિક ચિકિત્સા પર ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દરદીઓમાં શારીરિક નબળાઈ, ગળામાં ખારાશ, ખાંસી-કફ, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો ચાલુ રહેવાની સંભાવના હોવાથી સકારાત્મક અભિગમ જરૂરી છે. ખાસ કરીને પહેલેથી અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા કોવિડ પેશન્ટને રિકવરીમાં સમય લાગી શકે છે. હૉસ્પિટલમાં ફૉલોઅપ વિઝિટ અને એલોપથી દવાઓ ઉપરાંત આવા દરદીઓને સવારમાં ગરમ પાણી અથવા દૂધ સાથે ચ્યવનપ્રાશનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાની સારવારમાં ચ્યવનપ્રાશ અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ સમજી લો.

બારેમાસ લેવાય


સામાન્ય રીતે શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે છે. જોકે કોરોનાની એન્ટ્રી બાદ ભારતમાં ચ્યવનપ્રાશના વેચાણમાં ચાળીસ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ-મે મહિનામાં કોરોનાની શરૂઆતથી જ લોકો ચ્યવનપ્રાશનું સેવન કરવા લાગ્યા છે. હવે તો આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઇનમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો શું ચ્યવનપ્રાશ બારે મહિના લઈ શકાય? આ સંદર્ભે વાત કરતાં વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘જુદા-જુદા રોગોની ઉત્પત્તિની સાથે જ આયુર્વેદનો વ્યાપ વધ્યો છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે શક્તિવર્ધક ઔષધિ લેવાની સાચી ઋતુ શિયાળો છે. ચ્યવનપ્રાશ બળવર્ધક ઔષધિ છે. ઠંડીમાં પાચનશક્તિમાં સુધારો થતાં સહેલાઈથી પચી જાય છે. એમાં નાખવામાં આવેલી વિવિધ જડીબુટ્ટીઓના કારણે વિશેષ ગુણકારી છે. શરદી-ખાંસીના સંક્રમણ સામે રક્ષણ આપતું હોવાથી કોરોનાનાં લક્ષણોમાં ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવી છે. ઇમ્યુનિટી વધારવા માટે કેટલીક તકેદારી સાથે બારે મહિના સેવન કરવામાં વાંધો નથી.’
ચ્યવનપ્રાશ વિશે વધુ માહિતી આપતાં આયુર્વેદ મેડિસિન એક્સપર્ટ ડૉ. નિખિતા શેરે કહે છે, ‘આયુર્વેદમાં એનો ઉપયોગ રસાયણ ચિકિત્સા તરીકે થાય છે. આપણા શરીરમાં રક્ત, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર સહિતની રસાયણના રૂપમાં મળી
આ‍વતી સપ્ત ધાતુના નરિશમેન્ટ માટે ચ્યવનપ્રાશ ખાવાની ભલામણ કરવામાં આવી છે. વૃદ્ધ અને શારીરિક અશક્તિ ધરાવતા ચ્યવન ઋષિને વિવિધ જડીબુટ્ટી વડે તૈયાર કરવામાં આવેલી આ ઔષધિથી નવયૌવન પ્રાપ્ત થયું હતું. ચ્યવનપ્રાશનો મૂળ હેતુ બૉડીને
રિજુવિનેટ કરવા માટે છે. આ ઔષધિમાં શ્વસનતંત્રમાં સુધારો કરવાનો ગુણ હોવાથી કોરોનાનાં લક્ષણોમાં અસરકારક સાબિત થઈ છે. સામાન્ય રીતે ઠંડીમાં અસ્થમા, કફ અને શ્વસનને લગતા રોગો માથું ઊંચકે છે તેથી આપણે શિયાળામાં ખાઈએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એનું બારેમાસ સેવન કરી શકાય છે. ચ્યવનપ્રાશના સેવનને ઋતુ સાથે કોઈ નિસબત નથી.’

શુદ્ધતાની ચકાસણી


આયુષ મંત્રાલય ભારતની પરંપરાગત આયુર્વેદ ચિકિત્સાને ફૉલો કરે છે. વૈશ્વિક મહામારીમાં એમનાં સૂચનો ઉપયોગી નીવડ્યાં છે. કાઢાની જેમ ચ્યવનપ્રાશ પણ લોકો ઘરમાં બનાવવા લાગ્યા છે. ઘરમાં બનાવેલા ચ્યવનપ્રાશની શુદ્ધતા વિશે વાત કરતાં ડૉ. નિખિતા કહે છે, ‘ચ્યવનપ્રાશ બનાવવાની ચોક્કસ પદ્ધતિ છે. ઘરમાં બનાવવું સરળ નથી. એમાં હરડે, ગોખરું, પીપરી, તલ, અરડૂસી, આમળા, ઘી, મધ વગેરે મળી ૩૬થી વધુ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં વિવિધ દ્રવ્યોને ઉકાળી ક્વાથ બનાવવામાં આવે છે. આમળાને ઘી અને મધમાં શેકી પાક તૈયાર થાય. ઘી છૂટું પડે પછી એમાં ઉકાળો નાખી આમળાને બાફવાનાં હોય. ઉપરથી તમાલપત્ર, તજ, લવિંગનો ડ્રાય પાઉડર ઉમેરવામાં આવે. પ્રમાણસર મિસરી નાખવાની હોય. આ આખી પ્રોસેસ અઘરી છે. ખાસ કરીને જીવક નામની ઔષધિ સહેલાઈથી મળતી નથી. દરેક હર્બની શુદ્ધતાની ચકાસણી કરવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ છે. ચ્યવનપ્રાશને ઘરમાં બનાવવા કરતાં તૈયાર મળે છે એ જ લેવું. બજારમાં મળતા ચ્યવનપ્રાશમાં તમામ સામગ્રી ઉમેરવામાં આવી છે કે નહીં એ કહી ન શકાય પણ એની માત્રા પર ભરોસો મૂકી શકાય.’
ઉપરોક્ત વાત સાથે સહમત થતાં વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આયુર્વેદના સ્વાસ્થ્યવર્ધક ફાયદા વિશે સભાનતા વધતાં લગભગ તમામ પ્રકારનાં ઓસડિયાં બજારમાં મળી રહે છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે કાંકડાશિંગી, ત્રિફળા, ગળો, ઘટ્કચૂરો, નાગરમોથ, એલચીદાણા, કાળી દ્રાક્ષ, પોખરમૂળ જેવી કેટકેટલી ઔષધિ જોઈએ. એમાં વપરાતી મુખ્ય ઔષધિ જીવક ક્યાંય મળતી નથી. કદાચ ચ્યવનપ્રાશ બનાવતી કંપનીઓ પણ એનો ઉપયોગ નહીં કરતી હોય. દરેક ઔષધિ એકબીજાની સહાયક બની શરીરમાં કામ કરે છે. કોઈ એક ઔષધિની ઍલર્જી થવાની સંભાવના હોય તો અન્ય ઔષધિ એનું મારણ બને છે. તેથી તમામ પ્રકારનાં ઓસડિયાં ઉમેરવાં જરૂરી છે. જોકે ગ્રંથોમાં એનો વિકલ્પ જણાવવામાં આવ્યો છે. કેટલીક દુર્લભ ઔષધિ ન મળે તો એની જગ્યાએ કઈ વાપરવી એની જાણકારી આપવામાં આવી છે. આ ન મળે તો આ વાપરવાની છે એનું જ્ઞાન હોવું જોઈએ. બધી ઔષધિને પ્રમાણસર નાખી પદ્ધતિસર બનાવવામાં આવેલું ચ્યવનપ્રાશ સહેજ કડવું હોય છે. ઘરમાં કડવાશ ઓછી વાપરવામાં આવે છે. ઘણાના ઘરમાં ચ્યવનપ્રાશ નહીં પણ આમળાનો મુરબ્બો ખાતા હોય એવું લાગે છે. જોકે એ પણ નુકસાનકારક તો નથી. જો તમારે ચ્યવનપ્રાશના ગુણોનો સંપૂર્ણ લાભ જોઈતો હોય તો એને બનાવવાની પદ્ધતિને યોગ્ય રીતે અનુસરવી અન્યથા તૈયાર મળે છે એનું સેવન કરવું.’
રોગનાશક ઔષધિ
ચ્યવનપ્રાશનું સેવન અનેક રોગોમાં ફાયદેમંદ છે એમ જણાવતાં વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘નિયમિતપણે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. પેટની તકલીફમાં ખડી સાકર અને આમળાનું સંયોજન લાભકારી છે. થાક, શારીરિક નબળાઈમાં ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. સ્વસ્થ વ્યક્તિ એકથી બે તોલા એટલે કે ૧૦થી ૨૦ ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરી શકે છે. ગળ્યા રસને ધ્યાનમાં રાખી ડાયાબિટીઝના દરદીઓએ ચ્યવનપ્રાશનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. એની કોઈ આડઅસર નથી પણ વ્યક્તિની પ્રકૃતિ અને બળાબળ પ્રમાણે સેવન કરવાથી વિશેષ લાભ થાય છે. અત્યારે બધા આડેધડ દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે એ રીત ખોટી છે. જાતે વૈદ ન બનવાની ભલામણ છે.’
ચ્યવનપ્રાશમાં ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છે. મૂળ એની શોધ યૌવનને ટકાવી રાખવા માટે જ થઈ હતી. ડૉ. નિખિતા શેરે કહે છે, ‘શરીરમાં યુવાની ત્યારે ટકે જ્યારે તમે રોગોને નાથવા સક્ષમ હો. વર્તમાન માહોલમાં રોગો સામે લડવાનું છે. શરીરની સપ્ત ધાતુઓને યોગ્ય પોષણ મળતાં પાચનક્રિયા ઝડપી બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઇમ્યુનિટી બૂસ્ટર ઉપરાંત ત્વચા અને વાળની સુંદરતામાં વધારો થાય છે. ચ્યવનપ્રાશના સેવનથી તમારી સ્મરણશક્તિ સુધરે છે. તમારી પાચનશક્તિ સારી હોય અને પહેલેથી શિયાળામાં લેતા હો તો અત્યારે રોજ સવારે ખાલી પેટે બે ચમચી લેવું. જો નવી શરૂઆત કરવાની હોય તો અડધી ચમચીથી કરવી. નાનાં બાળકો અને વડીલો માટે એક ચમચી બસ છે. ચ્યવનપ્રાશનું સેવન કર્યા બાદ ઉપરથી હૂંફાળું પાણી પીવું. એક કલાક બાદ નાસ્તો કરવો.’
ચ્યવનપ્રાશ ખાંસી, શરદી, ફેફસાના રોગોમાં તેમ જ ઇમ્યુનિટી વધારવામાં અસરકારક છે તેથી એનું સેવન કરવું જોઈએ. વૈશ્વિક મહામારી સામે લડવા આયુર્વેદને ફૉલો કરવાની સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાથી ચમત્કારિક ફાયદા મળે છે.

નિયમિતપણે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. પેટની તકલીફમાં ખડી સાકર અને આમળાનું સંયોજન લાભકારી છે. થાક, શારીરિક નબળાઈમાં ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. સ્વસ્થ વ્યક્તિ એકથી બે તોલા એટલે કે ૧૦થી ૨૦ ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરી શકે છે. જોકે ગળ્યા રસને ધ્યાનમાં રાખી ડાયાબિટીઝના દરદીઓએ ચ્યવનપ્રાશનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ચ્યવનપ્રાશમાં અનેક પ્રકારની ઔષધિ હોય છે જે દરેકને માફક ન આવે. એની કોઈ આડઅસર નથી પણ વ્યક્તિની પ્રકૃતિ અને બળાબળ પ્રમાણે સેવન કરવાથી વિશેષ લાભ થાય છે.
- પ્રબોધ ગોસ્વામી, વૈદરાજ

આપણા શરીરમાં સપ્ત ધાતુના નરિશમેન્ટ માટે ચ્યવનપ્રાશ ખાવાની ભલામણ કરવામાં આવી છે. ચ્યવનપ્રાશનો મૂળ હેતુ બૉડીને રિજુવિનેટ કરવા માટે છે. આ ઔષધિમાં શ્વસનતંત્રમાં સુધારો કરવાનો ગુણ હોવાથી કોરોનાનાં લક્ષણોમાં અસરકારક સાબિત થઈ છે. સામાન્ય રીતે ઠંડીમાં અસ્થમા, કફ અને શ્વસનને લગતા રોગો માથું ઊંચકે છે તેથી આપણે શિયાળામાં ખાઈએ છીએ, પરંતુ વર્તમાન માહોલમાં ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે એનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. પાચનશક્તિ સારી હોય એવી વ્યક્તિ રોજ સવારે ખાલી પેટે બે ચમચી ચ્વયનપ્રાશનું સેવન કરી શકે છે. બાકીના લોકોએ અડધી ચમચીથી શરૂઆત કરવી.
- ડૉ. નિખિતા શેરે, આયુર્વેદ
મેડિસિન એક્સપર્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK