Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેમ કોરોનાથી બચવા ચ્યવનપ્રાશ ખાવાનું કહેવામાં આવે છે?

કેમ કોરોનાથી બચવા ચ્યવનપ્રાશ ખાવાનું કહેવામાં આવે છે?

18 December, 2020 11:49 AM IST | Mumbai
Bhakti D Desai

કેમ કોરોનાથી બચવા ચ્યવનપ્રાશ ખાવાનું કહેવામાં આવે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આયુષ વિભાગ દ્વારા અપાયેલી ગાઇડલાઇનમાં આ વખતે ભરઉનાળા અને ચોમાસામાં પણ ચ્યવનપ્રાશ ખાવાની હિમાયત કરવામાં આવી હતી. તાજેતરમાં ભારતની કુમાઉ અને અલમોડા યુનિવર્સિટીના નિષ્ણાતોએ આયુર્વેદના આ ખાસ સંયોજન પર અભ્યાસ કરીને તારવ્યું છે કે એમાં ૪૧ ઘટકો એવા છે જે કોરોના અને એના જેવા વાઇરસ સામે શરીરને લડવાની ક્ષમતા આપી શકે છે. પ્રાચીનકાળથી વપરાતી આ ઔષધિમાં કેવાં દ્રવ્યો છે અને એના શું ગુણ છે એ વિશે આજે આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણીએ

શિયાળો આવે એટલે ચ્યવનપ્રાશની યાદ આવ્યા વગર ન રહે. કોવિડ-19ને કારણે વર્ષ ૨૦૨૦માં લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે. આપણે જાણીએ છીએ કે શિયાળામાં બળવર્ધક રસાયણોનું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે. તેથી જ અનેક ઔષધિઓનો જેમાં સમાવેશ છે એવા ચ્યવનપ્રાશનું સેવન આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. તાજેતરમાં ભારતની અલમોડા અને કુમાઉ યુનિવર્સિટીમાં ચ્યવનપ્રાશ પર એક અભ્યાસ થયો છે, જેના મુજબ ચ્યવનપ્રાશમાં ૪૧ ઘટકો એવા છે જે કોરોના અને એના જેવા અન્ય વાઇરસ સામે લડવામાં કારગર છે. આ અભ્યાસના તારણ મુજબ આમાંથી ૪૧ ઘટકો એવા છે, જે કોરોના વાઇરસની પ્રજનન ક્રિયાને રોકી શકે છે. તો જાણીએ નિષ્ણાત પાસેથી ચ્યવનપ્રાશમાં વપરાતા દસ મહત્ત્વપૂર્ણ ઘટકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ભૂમિકા અને ચ્યવનપ્રાશના સેવનનું મહત્ત્વ. 



૨૫ વર્ષથી આયુર્વેદાચાર્ય તરીકે પ્રૅક્ટિસ કરતા ઘાટકોપરના ડૉ. પ્રીતિ લોખંડે કહે છે, ‘સૌપ્રથમ તો ચ્યવનપ્રાશને બનાવવાની રીત પર ધ્યાન આપીએ તો એમાં રહેલા ગુણોને સમજવું સહેલું થઈ જશે. ચ્યવનપ્રાશ બનાવવા ઔષધિઓનો કાઢો બનાવાય છે અને એમાં જ આમળાં ઉકાળવામાં આવે છે. આ દવાઓમાં જ આમળાં બફાય છે અને પછી આમળાંનાં બી કાઢીને એને ગાળીને ઘી અને તેલના મિશ્રણમાં આમળાંને કચરીને આ કાઢામાં જ ચાસણી બનાવવામાં આવે છે અને પછી આ આખું મિશ્રણ ઠંડું થાય પછી જ મધ, વંશલોચન, તજ, નાગકેસર, લીંડીપીપર, એલચી, તજ, તમાલપત્ર આ બધું નાખવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર, નવચૈતન્ય નિર્માણ કરવાવાળા, ફેફસામાંથી કફની સંચેતીને બહાર કાઢી શ્વસન સંસ્થાને બળ પ્રદાન કરનાર ઔષધિઓનો સમાવેશ થાય છે.’


વિવિધ ઔષધિઓના ગુણ

આની ઔષધિઓનું ચાર જૂથમાં વિભાજન કરી શકાય : ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી જૂથ, બ્રૉન્કોડાયલેટર જૂથ, બળવર્ધક અને ઍન્ટિઑક્સિડન્ટ તથા ઍન્ટિ-એજિંગ જૂથ.


દશમૂળ : આ એક ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી જૂથમાં આવનાર ઔષધિઓ છે, જેનાથી સંક્રમણના કારણે થયેલા ઇન્ફલેમેશનને અથવા સોજાને ઓછું કરે છે. ઔષધિઓના જે કાઢામાં ચ્યવનપ્રાશને ઉકાળવામાં આવે છે એમાં દશમૂળનો સમાવેશ થાય છે. દશમૂળમાં દસ વનસ્પતિઓનાં મૂળો હોય છે જે વાયુ અને કફને મારે છે. આનાથી ઍલર્જી પણ ઓછી થાય છે. ખાંસી અને અસ્થમા ઓછા કરવાના ગુણ આ ઔષધિ ધરાવે છે. આયુર્વેદમાં ખાંસી શેના કારણે છે એનું મૂળ શોધી એની સારવાર થાય છે જેમ કે પિત્તને કારણે, વાયુને કારણે કે કફને કારણે. આ ઔષધિથી વાયુ અને કફને કારણે થયેલી ખાંસીમાં રાહત મળે છે.

અરડૂસો, કાંકડાસિંગી, લીંડીપીપર, કચોરા, પુષ્કરમૂળ : આ બધી બ્રૉન્કોડાયલેટર જૂથની ઔષધિઓ છે. જમા થયેલા કફનું શમન કામ કરનાર અને ફેફસાં પર કામ કરનાર ઔષધિઓનું આ જૂથ છે. આ બધી ઔષધિઓ સાંકડા શ્વસન માર્ગને થોડો પહોળો કરે છે જેથી શ્વાસ લેવામાં રાહત અનુભવાય છે. હાલમાં કોવિડના દરદીઓને આ સમસ્યા અનુભવાઈ રહી છે, જેને માટે આ બધી ઔષધિઓ ખૂબ લાભદાયી છે. તેથી તેમણે ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. આ સિવાય અસ્થમાના દરદીઓને પણ શ્વાસ લેવામાં આનાથી રાહત અનુભવાય છે. આ ઔષધિઓનું જૂથ શ્વસનસંસ્થામાં કફનું શમન કરે છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.

અરડૂસો : આ ઔષધિ કફનો નાશ કરે છે. એક એક્સ્પેક્યોરન્ટ તરીકે એટલે કે જમા થયેલા કફને બહાર કાઢનાર દવાની જેમ કામ કરે છે.

લીંડીપીપર અથવા પીપલી : જેમ ચ્યવનપ્રાશ, આમળાં આ રસાયણ છે તેમ જ પીપલી પણ એક રસાયણ છે. રસ અને અયન આ બે શબ્દથી રસાયણ બને છે. અયન એટલે માર્ગ. આ બધા ધાતુઓ પર આ કામ કરે છે અને શરીરના અવયવોને બળ આપે છે. માંદગી પછી ફરીથી બળ મેળવવા માટે આ ઉત્તમ ઔષધિ છે. આનાથી ભૂખ વધે છે. આ શ્વસનતંત્રનું ટૉનિક છે.

ગળો : આનાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધે છે. કોવિડના દરદીઓને ગળો ઘન આપવામાં આવે છે અને કોવિડ આવ્યા પછી આની માંગ ખૂબ વધી ગઈ છે. ચ્યવનપ્રાશમાં ગળો વપરાય છે. તાવ માટે આ ઉત્તમ દવા છે.

શતાવરી, અશ્વગંધા, ગોખરું, જીવંતીઃ આ બધી ઔષધિઓ અશક્તિ આવવી, થાક લાગવો, શરીરમાંથી તાકાત ઓછી થઈ જવી આવી ફરિયાદને દૂર કરનાર ગુણો ધરાવે છે. આ દરેક  જડીબુટ્ટીનો બળ પ્રદાન કરનાર જૂથની ઔષધિઓમાં સમાવેશ થાય છે. કોવિડ પછીની અશક્તિને દૂર કરવામાં આ કારગર દવાઓ છે. શતાવરી એક ટૉનિક તરીકે કામ કરે છે. અશ્વગંધા એક ઍન્ટિ-સ્ટ્રેસ ઔષધિ છે. જીવનશૈલી સાથે સંકળાયેલા હાલના અનેક રોગનું મૂળ, તનાવને નાશ કરવાની આમાં ક્ષમતા રહેલી છે. કોવિડના દરદીઓમાં પણ તનાવનું પ્રમાણ વધારે જોવામાં આવે છે અને કોવિડની ટેસ્ટથી લઈને સાજા થાય ત્યાં સુધી મગજ પર તેમને સ્ટ્રેસ હોય છે. આવી સમસ્યા માટે ચ્યવનપ્રાશમાં રહેી અશ્વગંધા ખૂબ કારગર ઔષધિ સાબિત થાય છે.   

પુનર્નવા : ચ્યવનપ્રાશમાં રહેલી આ ઔષધિ એના નામ મુજબ પુન: નવું નિર્માણ કરનાર ગુણ ધરાવે છે એટલે જ શરીરમાં નવચૈતન્ય પ્રદાન કરે છે, એક નવી ઊર્જા અર્પે છે.

વિદારીકંદ : આ ઔષધિ તાકાત આપે છે. આમાં બળ આપનાર ગુણ છે.  દૈનિક જીવનમાં જે થાક લાગે છે કે સ્નાયુઓમાં પીડા અનુભવાય છે એમાં લાભ થાય છે.

અષ્ટવર્ગની ઔષધિઓ : ઍન્ટિઑક્સિડન્ટ અને ઍન્ટિ-એજિંગના ગુણો ધરાવનાર આ જૂથ છે. જ્યારે આવી દવાઓનું જૂથ એકસાથે ઉપયોગમાં લેવાય છે ત્યારે એની અસર વધુ સારી થતી હોય છે આવું એક રિસર્ચમાં સાબિત થયું છે.

ઘી, તેલ અને મધ : આ બધાં એક યોગવાહી તરીકે કામ કરે છે. આનો અર્થ એ છે કે ચ્યવનપ્રાશમાં વપરાયેલી દરેક ઔષધિ શક્તિ વધારીને શરીરમાં જલદીથી કામ કરવામાં મદદ કરે છે. આના પોતાના ગુણો તો હોય જ છે, પણ એ બીજાના ગુણોને પણ વધારી દે છે અને શરીરમાં ઔષધિઓને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે.

સૌથી ઇમ્પોર્ટન્ટ છે આમળાં :  આમળાં વિટામિન સીથી ભરપૂર છે અને વિટામિન સીની ભૂમિકા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મહત્ત્વની છે. આમળાંની ખાસિયત એ છે કે આમાં રહેલું વિટામિન સી આમળાંને ગરમ કરીએ, બાફિએ કે ઉકાળીએ, સૂકવીએ તોય અકબંધ રહે છે. આમળાં બધા રોગોનો નાશ કરે છે. આનો ઉપયોગ ઍલર્જી મટાડવામાં પણ થાય છે. જ્યાં પણ સ્ટ્રેસ અને જીવનશૈલીમાં કોઈ સમસ્યા આવે ત્યાં વિટામિન સી ઓછું થાય છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આમળાંથી આ કમી દૂર થાય છે. આમળાંનો મોટો ગુણ છે કે પેશીઓનું નુકસાન અટકાવે છે અને એનું રક્ષણ કરે છે. ડૉ. પ્રીતિ આગળ સમજાવતાં કહે છે, ‘આ બધાનો વિચાર કરીએ તો સમજાય છે કે ચ્યવનપ્રાશ અનેક ગુણોનો ભંડાર છે. હીનબલ વ્યક્તિ એટલે જેમનામાં બળ ઓછું થઈ જાય છે તેના માટે આ રસાયન ઉત્તમ છે. ફક્ત આની માત્રા અગ્નિબલ અનુસાર હોવી જોઈએ એટલે કે પાચનશક્તિને અનુસરીને જ  ચ્યવનપ્રાશની માત્રા નક્કી કરવી જોઈએ.’

કેટલું અને ક્યારે સેવન કરવું?

આ એક રસાયન દ્રવ્ય છે તેથી આયુર્વેદમાં સવારે ઊઠતાંની સાથે ખાલી પેટે જ લેવું જોઈએ. આયુર્વેદમાં આને અવલેહ કલ્પમાં ગણવામાં આવે છે. આને ચાટીને ખાવું જોઈએ. આ મીઠાશયુક્ત છે તેથી પચવામાં ભારી હોય છે. સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિ, જેમને કોઈ વિકાર ન હોય અને પાચનશક્તિ સારી હોય તે દસ ગ્રામ એટલે કે એક ચમચી ભરીને ચ્યવનપ્રાશ લઈ શકે છે. નબળી પાચનશક્તિવાળાએ શરૂઆત અત્યંત ઓછી માત્રાથી કરવી જોઈએ, કારણ કે આ રસાયનનું પાચન વ્યવસ્થિત થાય તો જ આમાં રહેલી દરેક ઔષધિના ગુણ શરીરને મળી શકે છે અને એનાથી લાભ થાય છે. અવલેહ જૅમ કરતાં પાતળું હોય છે જેને ચાટીને ખાવું જોઈએ. આને દૂધ સાથે ન લેવું જોઈએ, પણ ચાટણ લીધાના થોડા સમય પછી હૂંફાળું દૂધ પી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2020 11:49 AM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK