Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પિત્તળનાં વાસણ વાપરવાં હોય તો કલાઈ કરવી કેમ જરૂરી છે?

પિત્તળનાં વાસણ વાપરવાં હોય તો કલાઈ કરવી કેમ જરૂરી છે?

06 October, 2020 05:36 PM IST |
Bhakti Desai

પિત્તળનાં વાસણ વાપરવાં હોય તો કલાઈ કરવી કેમ જરૂરી છે?

પિત્તળનાં વાસણ વાપરવાં હોય તો કલાઈ કરવી કેમ જરૂરી છે?


રસોઈમાં વપરાતાં તાંબા-પિત્તળનાં વાસણોનું સ્થાન પહેલાં ઍલ્યુમિનિયમ અને પછી સ્ટીલે લઈ લીધું હતું. જોકે હવેની પેઢી ફરીથી ધીમી આંચ પર પકવવા માટે પિત્તળનો ઉપયોગ કરવા તરફ વળી રહી છે. એને કારણે આ લૉકડાઉનમાં પણ કલાઈ કરનારાઓ ક્યારેક જોવા મળી જાય છે. આજે નિષ્ણાત પાસેથી જાણીએ ઍલ્યુમનિયમની સરખામણીએ પિત્તળનો ઉપયોગ શા માટે લાભકારી છે...

શું તમને યાદ છે એ બેઠાં પ્લૅટફૉર્મવાળાં રસોડાં જેમાં રસોઈ કરવા માટે સોનાની જેમ ચમકતાં વાસણો વપરાતાં હતાં? બહારથી પીળાં અને અંદરથી ચાંદી જેવાં ચમકતાં આ વાસણો પિત્તળનાં રહેતાં. ભારતમાં સદીઓથી વિવિધ ધાતુનાં વાસણોનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો આ ધાતુઓમાં ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા પણ રહેલી છે, તેથી જ આયુર્વેદના ઇલાજમાં વિવિધ ધાતુઓને ભસ્મમાં વાપરવામાં આવે છે. આપણા શરીરમાં સોના, ચાંદી, જસત, લોહ તત્ત્વ આ બધાંની જરૂર હોય જ છે.
આજથી આશરે પચાસ વર્ષ પહેલાંની જો વાત કરીએ તો સ્ટીલ, ઍલ્યુમિનિયમ, કાચ, પ્લાસ્ટિક આ બધાનું સ્થાન હજી રસોડામાં મોટા પ્રમાણમાં નહોતું અને કદાચ તેથી જ લોકો કેટલાંય વર્ષો સુધી સ્વસ્થ જીવન જીવતા હતા‍. એ સમયે પરિવારો મોટા હતા અને રસોઈ પણ વધારે પ્રમાણમાં બનતી હોવાથી કડાઈ, તપેલાઓ, થાળીઓ, ગ્લાસ આ બધું મોટા કદવાળું રહેતું હતું. એ સમયે વપરાતી મોટી પિત્તળની થાળીઓ માટે તો કદાચ આજનાં નાનાં-નાનાં રસોડાંમાં જગ્યા પણ નહીં હોય!
ઝટપટ રસોઈ માટે ઍલ્યુમિનિયમ
થોડાં વર્ષોથી સમયના અભાવને કારણે અમુક વ્યંજનો બનાવતી વખતે એ બળી ન જાય અને જલદી બની જાય એ માટે ઍલ્યુમિનિયમનાં વાસણોનો ઉપયોગ થવા લાગ્યો હતો, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નહોતો. ઍલ્યુમિનિયમનો એક ગુણધર્મ એ છે કે આ ધાતુ ગરમીની ઉત્તમ વાહક છે જેને અંગ્રેજીમાં ‘ગુડ કન્ડકટર ઑફ હીટ’ કહે છે અને એ અન્ય ધાતુઓનાં વાસણો કરતાં ઘણું સસ્તું છે, પણ એમાં રસોઈ બનાવવાથી સ્વાસ્થ્ય પર થતી આડઅસર વિશે થોડાઘણા અંશે હવેની યુવા પેઢી જાગૃત થઈ રહી છે. સાથે જ એક વાતની ખુશી છે કે આ ભણેલો યુવા વર્ગ તેમના વડીલોની જીવનશૈલીને હવે અનુસરવા પણ લાગ્યો છે. આજનાં બાળકો અને યુવાઓ સ્વખુશીથી જૂની ભારતીય પરંપરાવાળી જીવનશૈલીને અમલમાં મૂકી રહ્યાં છે. આજના લોકોની વિચારધારામાં આવતો આ બદલાવ હવે રસોડાનાં વાસણ પરથી પણ જોઈ શકાય છે. હવે લોકો પિત્તળનાં વાસણો, લોખંડનું લોયું આ બધું વાપરતા થયા છે.
ઍલ્યુમિનિયમ કેમ ન વાપરવું?
રાંધવા માટે, પીરસવા માટે, ફૂડ સાચવવા માટે કે જમવા માટે ઍલ્યુમિનિયમનો ઉપયોગ ઠીક નથી. એની આડઅસરો જણાવતાં ડૉ. પ્રસાદ કહે છે, ‘ઍલ્યુમિનિયમ રસોઈ બનાવવા માટે ભલે કુકરના કે કઢાઈના સ્વરૂપમાં ઘરે-ઘરે વપરાતું હોય, પણ આ માત્ર જલદી રસોઈ બનાવવાનું એક સાધન છે; કારણ કે એમાંથી ગરમી જલદી પસાર થઈ શકે છે, પણ એક ધ્યાન દોરવા જેવી વાત એ છે કે ઍલ્યુમિનિયમ અન્ન સાથે તરત જ ભળી જાય છે. એમાંય લીલી ભાજીઓ અને આમ્લ અન્ન પદાર્થોમાં ઍલ્યુમિનિયમને શોષવાની ક્ષમતા વધારે પ્રમાણમાં હોય છે. એવું મનાય છે કે ઍલ્યુમિનિયમના વધુપડતા ઉપયોગથી ઑલ્ઝાઇમર્સ અને કિડનીની બીમારી થઈ શકે છે. આ વાતને સાબિત કરવા કોઈ પુરાવાઓ નથી છતાં આ ધાતુનો ઉપયોગ ગૅસ પર વધારે ઉષ્ણતા આપીને બનાવવામાં આવતાં વ્યંજનો માટે અને આમાં લીંબુ, ટમેટાં જેવા ખાટા પદાર્થોના ઉપયોગ વાળી રસોઈ માટે ન કરવો જોઈએ. ઍલ્યુમિનિયમનાં વાસણોને રસોઈમાં વાપરવાં સ્વાસ્થ્યવર્ધક
પસંદગી નથી.’
ગાયબ થઈ ગયેલા કલઈવાળા ફરી દેખાય છે
જે સમયે પિત્તળનાં વાસણોનો ખૂબ ઉપયોગ થતો હતો ત્યારે મુંબઈમાં રેંકડી પર કલાઈનો સામાન લઈને કલાઈવાળા આવતા હતા અને આ વાસણોને અંદરથી ચાંદી જેવી ચમક આપતાં હતાં. ઘણાં વર્ષોથી આ કલઈવાળાઓ જાણે ગાયબ થઈ ગયા હતા, પણ છેલ્લા થોડા સમયથી આ દૃશ્ય ફરી પાછું દેખાવા લાગ્યું છે. હવે લોકો પાસે પહેલાં જેટલી મોટી સંખ્યામાં વાસણ નથી, પણ કદાચ માળિયે ચડાવેલાં અમુક તપેલાં, કડાઈ અને લોયાં તો જોવા મળે જ છે.
પિત્તળ વાપરવાના ફાયદા અઢળક છે
પિત્તળનાં વાસણમાં રસોઈ કરવાથી કઈ રીતે લાભ થાય છે એની માહિતી આપતાં બાવીસ વર્ષોનો વ્યાપક અનુભવ ધરાવતા ગોરેગામના આયુર્વેદ-નિષ્ણાત ડૉ. પ્રસાદ વૈદ્ય ઓવરઑલ પિત્તળનાં વાસણોનો રાંધવા તેમ જ કિચનમાં થતો ઉપયોગ કેટલો હેલ્ધી છે અને કઈ બાબતોમાં ઉત્તમ છે એ વિશે સમજાવતાં પહેલાં પિત્તળ શામાંથી બને છે એની સ્પષ્ટતા કરતાં કહે છે, ‘સામાન્ય રીતે પિત્તળ એટલે કે અંગ્રેજીમાં બ્રાસ
તરીકે ઓળખાતી આ ધાતુ બે ધાતુઓનું મિશ્રણ છે. બે ભાગ તાંબું અને એક ભાગ જસત એમાં હોય છે. આ સંયોજનને કારણે પિત્તળને રસોઈ બનાવવા માટે ઉત્તમ ધાતુ માનવામાં આવે છે. આયુર્વેદમાં પિત્તળના વપરાશની સલાહ કૃમિ ઉપદ્રવ માટે આપવામાં આવે છે.’



કલાઈ કેમ કરવી જોઈએ?


પિત્તળનાં વાસણને કલાઈ કરીને જ કેમ વાપરવામાં આવે છે એના જવાબમાં ડૉ. પ્રસાદ કહે છે, ‘જો પિત્તળનાં વાસણને કલાઈ કર્યા વગર વાપરવામાં આવે તો એમાં રહેલું લોખંડ આહારમાં રહેલાં આમ્લ સાથે સીધું ભળે છે અને એ ખાવા યોગ્ય નથી રહેતું. આવું ન થાય એ માટે કલાઈ દ્વારા આ વાસણોની અંદરની તરફ ટિનનું એક આવરણ કરવામાં આવે છે, આનાથી ટિનના ગુણો પણ અન્નમાં ભળે છે અને વધુ ફાયદો થાય છે.’

એના લાભો કંઈક આ મુજબ છે


utensils

પિત્તળનાં વાસણોનો ઉપયોગ ત્વચા અને આંખના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. આ મિશ્ર સંયોજનવાળી ધાતુ ખૂબ ઉષ્ણ અથવા ખૂબ શીત પ્રકારની નથી તેથી એમાં બનાવવામાં આવતા અન્નથી આપણને લાભ થાય છે.

પિત્તળનાં વાસણમાં નિયમિત રીતે રસોઈ બનાવવાથી લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. આમાં બનાવેલી રસોઈ સારી રીતે પચી જાય છે અને ભૂખ પણ વ્યવસ્થિત લાગે છે. આને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

પિત્તળનો મોટો લાભ એ છે કે આમાં બનાવેલા ભોજનમાંથી કૉપર અને જસત આ બન્ને ધાતુ મળી રહે છે.

ફક્ત ખૂબ લાંબા સમય માટે અને વધુ ઉષ્ણતાવાળાં વ્યંજનોને આમાં બનાવવાનું ટાળવું જોઈએ.

જેમ આપણે માટલામાં પાણી ભરીએ છીએ એ જ રીતે જો ધાતુમાં પાણી ભરવું હોય તો સ્ટીલના બદલે પિત્તળનાં વાસણોનો પાણી ભરવા થતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આમાં રાખેલું પાણી પીવાથી શરીરમાં પિત્ત નિયંત્રણમાં રહે છે, શીતળતા મળી રહે છે અને આંખ માટે પણ ઉત્તમ છે. પહેલાંના જમાનાની જેમ પિત્તળની થાળીઓમાં જમવાથી ખૂબ લાભ થાય છે.

માટી સૌથી ઉત્તમ ધાતુનાં વાસણો તો લાભદાયી છે, પણ સૌથી વધુ સુરક્ષિત પર્યાય માટીનાં વાસણો છે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 05:36 PM IST | | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK