ઍક્ટિવ અને ફિટ દેખાતા પુરુષોમાં પણ શા માટે હાર્ટ-અટૅક આવે છે?

Published: 11th January, 2021 15:16 IST | Varsha Chitaliya | Mumbai

આવો જાણીએ નિષ્ણાત પાસેથી કે દેખીતી રીતે બધી જ કાળજી રાખ્યા પછી પણ મિડલ-એજમાં હાર્ટની સમસ્યા થવાના કારણો અને નિવારણો શું હોય

હાર્ટ-અટૅક આવ્યા પછી રીકવર થઈને આવ્યા બાદ જિમમાં એક્સરસાઇઝ કરી રહેલો રેમો ડિસોઝા
હાર્ટ-અટૅક આવ્યા પછી રીકવર થઈને આવ્યા બાદ જિમમાં એક્સરસાઇઝ કરી રહેલો રેમો ડિસોઝા

તાજેતરમાં સૌરવ ગાંગુલીને હાર્ટ-અટૅક આવ્યો, એ પહેલાં કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસોઝાને પણ હાર્ટ-અટૅક આવેલો. આ બે કિસ્સાઓને કારણે અનેક લોકો પૂછી રહ્યા છે કે ફિટનેસ અને ડાયટ પ્રત્યે સભાનતા ધરાવતી ફોર્ટીઝમાં હોય એવી મિડલ-એજેડ વ્યક્તિને હુમલો કઈ રીતે આવી શકે? બન્ને જણને એક્સરસાઇઝ કરવાની આસપાસના સમયમાં જ તકલીફ થયેલી એને કારણે એ સવાલ પણ ખડો થાય કે કસરત કરવાનું શું જોખમી છે? આવો જાણીએ નિષ્ણાત પાસેથી કે દેખીતી રીતે બધી જ કાળજી રાખ્યા પછી પણ મિડલ-એજમાં હાર્ટની સમસ્યા થવાના કારણો અને નિવારણો શું હોય

નવા વર્ષના બીજા જ દિવસે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને હાર્ટ-અટૅક આવ્યો હતો. જિમમાં વર્કઆઉટ બાદ તેને આંખે અંધારાં આવી ગયાં હતાં અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૪૮ વર્ષની ઉંમરે ગાંગુલીના હૃદયની ધમનીમાં બ્લૉકેજ જણાતાં ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડિસેમ્બર મહિનામાં બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને પણ હૃદયનો હુમલો આવ્યો હતો. માત્ર ૪૬ વર્ષની ઉંમરે તેના હૃદયમાં બ્લૉકેજ હતાં અને ઍન્જિયોગ્રાફીમાંથી પસાર થવું પડ્યું હતું.

આધુનિક યુગમાં આખા વિશ્વના લોકોના આરોગ્ય પર દૃષ્ટિ નાખીએ તો કાર્ડિયો વૅસ્ક્યુલર ડિસીઝના દરદીઓની સંખ્યા સૌથી વધારે છે. હૃદયને તંદુરસ્ત રાખવામાં સૌથી મોટો રોલ કસરતનો હોય છે. એક્સરસાઇઝ કરવાથી હૃદયના હુમલાનું જોખમ ઘટે છે એવું સાયન્ટિફિક રિસર્ચ કહે છે ત્યારે ફિટનેસ પ્રત્યે સભાનતા, જીવનમાં નિયમિતતા જાળવવી અને ડાયટ કન્ટ્રોલને સર્વાધિક પ્રાથમિકતા આપનારા ગાંગુલી અને રેમોને જીવનની અડધી સદી પૂર્ણ કરતાં પહેલાં જ હૃદયનો હુમલો આવવો એ ગંભીર રીતે વિચારવા જેવી બાબત છે. આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું.

ફિટનેસ વર્સસ જિનેટિક

‘હું મૅરથૉન દોડી શકું એવો ફિટ છું, મને હાર્ટ-અટૅક ન આવે’ એવા કોઈ ભ્રમમાં કોઈએ રાચવું ન જોઈએ એમ જણાવતાં મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કુલકર્ણી કહે છે, ‘એક્સરસાઇઝ અને ડાયટને ફૉલો કરતા હોઈએ એનો અર્થ એ નથી કે ક્યારેય હાર્ટ-અટૅક ન આવે. હૃદયની ધમનીઓમાં બ્લૉકેજ અને હુમલો આવવાનાં અનેક કારણો હોય છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરતા લોકોની લાઇફસ્ટાઇલ કેવી છે એ વિશે પૂરતી જાણકારી મેળવ્યા વગર કમેન્ટ્સ ન કરી શકાય. જિનેટિક કારણોસર નાની વયમાં હાર્ટ-અટૅક આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. ઘરમાં કોઈને બ્લૉકેજની બીમારી હોય તો ગમે એટલી કાળજી રાખો, સમસ્યા ઉદ્ભવે છે. ફૅમિલી હિસ્ટરી ધરાવતી વ્યક્તિ ફિટનેસ પ્રત્યે સભાન રહે તો બની શકે કે ચાળીસ વર્ષે આવનારો હુમલો પચાસ વર્ષે આવે, પરંતુ ચાન્સિસ ઝીરો ન થઈ જાય. વિજ્ઞાન હજી એટલું આગળ નથી વધ્યું કે અનુવંશિક રોગોને મૉડિફાઇ કરી શકે.’

ખરાબ લાઇફસ્ટાઇલ

જિનેટિક સમસ્યા ઉપરાંત બ્લડની અંદર નૉર્મલ કૉલેસ્ટરોલના પ્રોડક્શનને લીધે બ્લૉકેજ આવે છે. ડૉ. કુલકર્ણી કહે છે, ‘કેટલાક કેસમાં ડાયટમાં ધ્યાન આપવા છતાં બ્લડમાં કૉલેસ્ટરોલ લેવલ વધતું હોય એની જાણ થાય ત્યાં સુધી મોડું થઈ જાય છે. અન્ય કારણોમાં સ્લીપિંગ પેટર્ન, આલ્કોહૉલની ટેવ, લિવરની તકલીફ, ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ છે. જિમમાં જઈને હેવી એક્સરસાઇઝ કરતા હોય, રનિંગ અને સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટીમાં ભાગ લેતા હોય અને ડાયટ ચાર્ટને ફૉલો કરતા હોય એવા લોકોને જોઈને થાય કે તેઓ કેટલા હેલ્થ કૉન્શિયસ છે. તેમની અંગત સમસ્યાઓ, સ્ટ્રેસ લેવલ અને વ્યસનની ટેવની આપણને ખબર હોતી નથી. ક્યાંક કોઈ બાબત ટ્રિગર થઈ જાય છે. હકીકત તો એ છે કે એક્સરસાઇઝ અને ડાયટ આપણી લાઇફસ્ટાઇલનો હિસ્સો હોવાં જોઈએ. કોઈને હુમલો આવ્યો એટલે બંધ ન કરાય. એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ એક્સરસાઇઝ કરવાથી હુમલાનું જોખમ ચોક્કસ ઓછું થાય છે અથવા એનો સમય લંબાઈ જાય છે.’

અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજીના અભ્યાસ અનુસાર છેલ્લા એક દસકામાં પચાસ વર્ષથી ઓછી વયના લોકોને હૃદયનો હુમલો આવ્યો હોય એવા કેસમાં બે ટકા જેટલો વધારો નોંધાયો છે. મોટા ભાગના કેસમાં નાની વયે હુમલાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ જ હતી. આ સંદર્ભે વાત કરતાં ચેમ્બુરની ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નારાયણ ગડકર કહે છે, ‘આજે બધાને કરીઅર માટે દોડવું છે, ઊંઘ બરાબર લેવી નથી, ખાવાનો સમય નિશ્ચિત નથી, જન્ક ફૂડની ટેવ છે તો એની શરીર પર વિપરીત અસર થવાની જ છે. કહેવત છેને કે ડુંગરા દૂરથી રળિયામણા. પૈસો, પ્રસિદ્ધિ અને મસ્ત મજાની લાઇફ જોઈને આપણને થાય કે આમને જીવનમાં જલસા છે. વાસ્તવિક જીવનમાં તેઓ કેટલું સ્ટ્રેસ લઈને ફરે છે એ આપણે જાણતાં નથી. તમે હેલ્થ કૉન્શિયસ છો એવું બતાવવા માટે એક્સરસાઇઝ અને ડાયટ ફૉલો કરો અને આખો દિવસ સ્ટ્રેસ લઈને ફરો તો

હાર્ટ-અટૅક આવી શકે છે. તમારી હૅપિનેસ અને ઇમેજ દુનિયાના દૃષ્ટિકોણથી જોડાયેલી ન હોવી જોઈએ. પોતાની હૅપિનેસને તમારી લાઇફમાં ટોચનું સ્થાન આપશો તો હૃદયને નુકસાન થવાની શક્યતા ઓછી છે.’

શરીરનું એન્જિન

જીવનમાં બે વસ્તુ હોય છે. એક, તમારી દૃષ્ટિએ સાચું શું છે અને બીજું, ખરેખર સાચું શું છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ તો હાર્ટ-અટૅક નહીં આવે એવું વિચારીને કસરત નથી કરવાની. આ કામ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે કરવાનું છે. ડૉ. ગડકર કહે છે, ‘હૃદયનો હુમલો આવશે એવા ભયથી વ્યસન છોડવું એ ઉપાય નથી. હુમલો આવશે કે નહીં એ પછીની વાત છે, આલ્કોહૉલ ન લેવું એ સારી હૅબિટ છે જેને દરેક વ્યક્તિએ જીવનમાં ગ્રહણ કરવાની છે. રસ્તા પર ગાડી લઈને નીકળો છો ત્યારે સીટબેલ્ટ બાંધી રાખો, સ્પીડને કન્ટ્રોલમાં રાખો તોય અકસ્માત થાય છે. હૃદયના હુમલાનું એવું જ છે. ગમે એટલું ધ્યાન રાખો, ક્યાંક ટ્રિગર થઈ જાય છે. ગાડી બગડે તો ઠીક થઈ શકે છે, એન્જિન ખરાબ થાય તો સ્ક્રૅપમાં આપવી પડે. જીવનની ગાડીનું પણ કંઈક આવું જ છે. હૃદય નામના એન્જિનની કાળજી માટે તમારા હાથમાં છે એટલું તો કરો. એક્સરસાઇઝ અને ડાયટના માધ્યમથી ધ્યાન રાખ્યું હશે તો માઇલ્ડ અટૅક આવશે અને રિકવરી ફાસ્ટ થશે. ડૅમેજ ઓછું થતાં ફરીથી સામાન્ય જીવન જીવી શકશો. દુનિયામાં લાખો લોકો એક્સરસાઇઝ કરે છે. હજારોમાંથી એક વ્યક્તિને અટૅક આવે છે એના કારણે બાકીના લોકો કસરત બંધ નથી કરતા, કારણ કે એ જ રાઇટ લાઇફસ્ટાઇલ છે.’

એક્સરસાઇઝ અને ડાયટને ફૉલો કરતાં હોઈએ એનો અર્થ એ નથી કે ક્યારેય હાર્ટ-અટૅક ન આવે. હૃદયની ધમનીઓમાં બ્લૉકેજ અને હુમલો આવવાનાં અનેક કારણો હોય છે. જિનેટિક કારણોસર નાની વયમાં હાર્ટ-અટૅક આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. જિનેટિક ઉપરાંત  અન્ય કારણોમાં કૉલેસ્ટરોલ, સ્લીપિંગ પૅટર્ન, વ્યસને, લિવરની તકલીફ, ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ છે

- ડૉ. પ્રવીણ કુલકર્ણી, કાર્ડિયોલૉજિસ્ટ

જીવનમાં બે વસ્તુ હોય છે. એક, તમારી દૃષ્ટિએ સાચું શું છે અને બીજું, ખરેખર સાચું શું છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ તો હાર્ટ-અટૅક નહીં આવે એવું વિચારીને નહીં, આ કામ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે છે એટલે કરો. એક્સરસાઇઝ અને ડાયટના માધ્યમથી ધ્યાન રાખ્યું હશે તો અટૅકની તીવ્રતા ઓછી હશે અને રિકવરી ફાસ્ટ થશે.

- ડૉ. નારાયણ ગડકર, કાર્ડિયોલૉજિસ્ટ

આટલી તકેદારી જરૂર રાખો

હૃદયમાં બ્લૉકેજ છે કે નહીં એની લાંબા સમય સુધી જાણ થતી નથી, પરંતુ જિનેટિક સમસ્યા હોય તો ૩૦ વર્ષની વય બાદ દર છ

મહિને શુગર, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલનો રિપોર્ટ કરાવી લેવો. જિનેટિક સમસ્યા ન હોય એવી વ્યક્તિએ ચાળીસ વર્ષની ઉંમર બાદ તપાસ કરાવવી

વર્ષોથી એક્સરસાઇઝ કરતા હો અને હવે ક્ષમતા ઘટવા લાગે, એક્સરસાઇઝ બાદ છાતીમાં ક્ષણિક દુખાવો થતો હોય એવો અનુભવ થાય તો હૃદયની તપાસ કરાવી લેવી જોઈએ.

યુવાનીમાં હેવી વર્કઆઉટ કર્યું હોય, પરંતુ હવે બ્રીધિંગમાં પ્રૉબ્લેમ થતો કે હાંફ ચડતી હોય તો વર્કઆઉટમાં તાત્કાલિક ચેન્જિસ લાવવા જોઈએ.

કસરત કરતી વખતે ચક્કર જેવું લાગે તો તાબડતોબ અટકી જાઓ અને હાજર વ્યક્તિની મદદ લો.

ઘણાનું માનવું છે કે હૃદયનો હુમલો આવ્યો એટલે હવે કસરત ન કરાય. તબીબી વિજ્ઞાન હૃદયના પમ્પિંગની ક્ષમતા, ડૅમેજ કેટલું થયું છે, અટૅક આવ્યા પછી કેટલી જલદી ડૉક્ટર પાસે ગયા છો વગેરે બાબતોની તપાસ કરી હળવી એક્સરસાઇઝ સૂચવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK