Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારા મનને કોણ નડે છે?

તમારા મનને કોણ નડે છે?

13 February, 2020 05:07 PM IST | Mumbai Desk
Ruchita Shah | ruchita@mid-day.com

તમારા મનને કોણ નડે છે?

તમારા મનને કોણ નડે છે?


નડતરો વિના જીવન શક્ય નથી. કોઈકને જીવનમાં ગ્રહો નડે છે, કોઈકને માણસો નડે છે તો કોઈકને પોતાની આદતો નડે છે. કોઈને નડવું નહીં એવું માનનારા લોકો પણ બીજાને નડવામાં પાછું વળીને નથી જોતા. યોગના ભીષ્મપિતામહ મહર્ષિ પતંજલિએ પણ યોગસાધનામાં નડતર બની શકે એવાં નવ પરિબળોની ચર્ચા કરી છે. આ નવ અંતરાયો માત્ર યોગની યાત્રામાં નહીં પણ જીવનના કોઈ પણ ધ્યેયને પામવામાં અડચણ પેદા કરનારાં તત્ત્વો છે. પતંજલિ કહે છે કે જો યોગમાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં આ નડતરોને દૂર કરો. આજે જાણીએ કે આ નવ અંતરાયો કયા છે અને એને કેમ દૂર કરી શકાય.

મહર્ષિ પંતજલિ યોગસૂત્રના પહેલા અધ્યાયના ૩૦મા સૂત્રમાં અંતરાયોની ચર્ચા કરે છે એમ જણાવીને વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર અને સંસ્કૃતના ગહન અભ્યાસુ રુદ્રાક્ષ સાક્રીકર કહે છે, ‘યોગનો એકમાત્ર ધ્યેય છે ચિત્તને એકાગ્ર કરવું, મગજમાં પ્રત્યેક ક્ષણે બદલાતા સેંકડો વિચારોને અટકાવીને કોઈ એક બાબત પર એને સ્થિર કરવું. માઇન્ડની સ્થિરતામાં જે બાધક બને એ અંતરાય. યોગમાં એ બધું જ કરવાનું છે જે તમારા માઇન્ડને એકાગ્રતા તરફ લઈ જાય. હા, એ વાત સાચી છે કે નાનામાં નાનું કોઈ પણ કાર્ય કરવા માટે જો માઇન્ડ ફોકસ્ડ હશે તો એ કુશળતાપૂર્વક થશે. નવ અંતરાય એમ થવા નહીં દે. એટલે મહર્ષિ પહેલાં નવ અંતરાય કયા એનું લિસ્ટ આપે છે. પહેલાં તમે એ જાણો કે પ્રૉબ્લેમ શું છે અને પછી આગળનાં સૂત્રોમાં એનું સોલ્યુશન પણ આપે છે.’



પ્રો. રુદ્રાક્ષ સાક્રીકરના શબ્દોમાં આગળ જાણીએ નવ અંતરાયો વિશે વિગતવાર


1 વ્યાધિ : જ્યારે શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય, પીડા હોય કે ડિસકમ્ફર્ટ હોય અને માઇન્ડ એને કારણે ડિસ્ટર્બ રહે, એકાગ્ર ન બને. જોકે વ્યાધિ દરેક વાર દરેક વ્યક્તિ માટે અંતરાય નથી હોતો. તમારા પર જો કામનું પ્રેશર હોય અને તમે જમવાનું સ્કિપ કર્યું હોય પણ તમે તમારા કામમાં એટલા ગળાડૂબ હો કે તમને ભૂખની પીડા થતી હોય તો પણ માઇન્ડ એના પર ધ્યાન ન આપે. આ સમયે વ્યાધિ છે, પણ એ પીડતી નથી. રામકૃષ્ણ પરમહંસને કૅન્સરની પીડા હોવા છતાં તેમનું માઇન્ડ એનાથી વિચલિત નહોતું થતું તો વ્યાધિ તેમના માટે અંતરાય નહોતો.
2 સ્ત્યાન : સ્ત્યાન એટલે બોરડમનો ભાવ. કોઈ કારણ નથી છતાં તમને કામ નથી કરવું. કંટાળો આવે છે કહીને પડતું મૂકવું એ પણ એક નડતર છે. શું કામ નથી કરવું? તો જવાબ આવે કે કંટાળો આવે છે અથવા ઇચ્છા નથી અને શું કામ કંટાળો આવે છે તો એનો કોઈ જવાબ ન હોય. આ સ્થિતિ પણ લક્ષ્યસિદ્ધિ માટે અડચણ સમાન છે અને એને ટાળવી જોઈએ.
3 સંશય : શંકા હોય. કોઈ પણ કાર્યની સફળતા માટે તમે જે કરી રહ્યા છો એમાં તમે એકરૂપ થાઓ એ જરૂરી હોય છે. એ એકરૂપતા ત્યારે જ આવે જ્યારે તમે જે કરી રહ્યા છો એમાં તમારી પૂરેપૂરી શ્રદ્ધા હોય. પણ જો શંકા કે દ્વિધા હોય તો પત્યું. કાં તો તમે એ કાર્ય પૂરું જ નહીં કરો, કારણ કે તમને પોતાને જ એમાં સંશય છે અથવા તો અધકચરું પૂરું થશે. કોઈ પણ ક્ષેત્રમાં લક્ષ્યપ્રાપ્તિ ત્યારે જ શક્ય છે જ્યારે શંકા નામનું નડતર ન હોય.
4 પ્રમાદ : પ્રમાદ એટલે જાગતા સૂઈ જવું. સામાન્ય રીતે સંસ્કૃતમાં પ્રમાદનો શબ્દાર્થ ભૂલ એવો થાય છે, પરંતુ અહીં પ્રમાદને સત્ય જાણતા હોવા છતાં એમાં અકર્મણ્ય રહેવું, નિષ્ક્રિય રહેવું એ અવસ્થા. તમને સત્ય શું છે, કરવા જેવું શું છે, ન કરવા જેવું શું છે એ બધી જ ખબર જરૂર છે; પરંતુ તમે એ મુજબ કંઈ કરતા નથી એ પ્રમાદ અવસ્થા કહેવાય છે અને પ્રમાદી વ્યક્તિ નિશ્ચિત ધ્યેયને પામી નથી શકતી.
5 આળસ : આળસ એટલે શારીરિક અને માનસિક લેથર્જી. થાક લાગ્યો છે અને નથી કરવું. સ્ત્યાન અને આળસમાં ફરક એટલો છે કે આળસમાં કારણ છે, પણ સ્ત્યાનમાં કારણ નથી. તમે ત્રણ દિવસથી ખૂબ દોડાદોડ કરી છે એટલે હવે તમને કંઈ પણ કરવાની ઇચ્છા નથી થતી એ આળસ છે. આળસમાં તમસ ગુણનું આધિપત્ય હોય છે. આપણા શરીરમાં સત્ત્વ, રજસ અને તમસની માત્રા દિવસના જુદા-જુદા સમયે વધ-ઘટ કરે છે. તમસ વધે ત્યારે આળસ આવે, પણ સ્ત્યાનમાં એવું નથી હોતું.
6 અવિરતિ : તમે ચિત્તને એકાગ્ર કરવાની કોશિશ કરી રહ્યા છો અને એ દરમ્યાન તમને અચાનક યાદ આવે કે અરે મેં આ વખતનું લાઇટ બિલ નથી ભર્યું અથવા એક વાર ટીવી ચાલુ કરીને જોઈ લઉં કે દિલ્હીના ઇલેક્શનનું પરિણામ શું આવ્યું. દુનિયાની ભૌતિક બાબતો પ્રત્યેનો આપણો વધુપડતો ઝુકાવ ચિત્તની એકાગ્રતામાં નડતર બનીને ઊભો રહ્યા કરે એ અવિરતિ કહેવાય.
7 ભ્રાંતિદર્શન : ખયાલી પુલાવ શબ્દ સાંભળ્યો છે? પોતાની કલ્પનાના મહેલોમાં રાચ્યા કરવું અને થોડું કાર્ય કર્યા પછી ખોટી ભ્રમણાઓને સત્ય માનીને સાધનાને અટકાવી દેવી અથવા હાથમાં લીધેલાં કાર્યને પડતાં મૂકવાં એ પણ લક્ષ્યપ્રાપ્તિમાં અડચણ જ છે. જીવનમાં આગળ વધવું હોય તો મનને મુંગેરીલાલનાં સપનાંઓથી દૂર રાખીને વાસ્તવિકતા સાથે એને જોડેલું રાખવું અત્યંત જરૂરી છે.
8 અલબ્ધભૂમિકત્વ : એવું ક્યારેય બન્યું છે કે તમે કોઈ કાર્ય માટે તમારું તન-મન-ધન બધું જ સમર્પિત કરી દીધું હોય અને એમાં સફળતા માટે તમે લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા હોય છતાં તમને એમાં કોઈ પરિણામ ન મળે એટલે તમે નિરાશ થઈને પડતું મૂકો અને ધારી લો કે હમસે ના હો પાએગા? એ અવસ્થાને કહેવાય અલબ્ધભૂમિકત્વ. કોઈ પણ કારણોસર મહેનત અને પૂરા પ્રયત્નો પછી પણ પરિણામ ન આવે એ સ્થિતિ પણ નડતર સમાન છે.
9 અનવસ્થિતત્ત્વ : ખૂબ પ્રયત્નો કર્યા પછી ધારો કે તમે કોઈ એક અવસ્થા સુધી પહોંચી ગયા પણ ત્યાં ટકી ન શક્યા. સફળતાની નાનકડી ઝલક મળી ન મળી અને તમે પાછા ટૉપ ફ્લોર પરથી ગબડી પડ્યા એ સ્થિતિ એટલે અનવસ્થિતત્ત્વ. સાધનામાં સ્થિરતા ન આવે તો પણ સાધકનું ધૈર્ય ખૂટી જાય અને તે પ્રયત્નો છોડી દે એને પણ પતંજલિ અંતરાય ગણાવે છે. આ નવ અંતરાય ઉપરાંત અન્ય ચાર સહભૂવ એટલે કે આ અંતરાયને કારણે જન્મતી ચાર સ્થિતિની ચર્ચા પણ આગળનાં સૂત્રોમાં થાય છે જેમાં દુઃખ, દોર્મનસ્ય, અંગમેજયત્વ અને શ્વાસ-પ્રશ્વાસનો સમાવેશ થાય છે.

કેવી રીતે દૂર કરશો અંતરાયોને? 
નડતરો છે તો એને દૂર કરવાનો ઉપાય પણ છે એ વિશે યોગ અને ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રો. રુદ્રાક્ષ સાક્રીકર કહે છે, ‘મહર્ષિ પતંજલિ સાઇકોલૉજિસ્ટના પણ સાઇકોલૉજિસ્ટ હતા એ તેમના એકેક સૂત્રમાં સ્પષ્ટ થશે. ચિત્તની એકાગ્રતા લાવવાનો આપણો ધ્યેય છે. જો તમે કોઈ સ્પેસિફિક ઑબ્જેક્ટ સાથે માઇન્ડને કૉન્સન્ટ્રેટ નથી કરી શકતા તો એક કામ કરો, તમારા મનગમતા ઑબ્જેક્ટથી શરૂઆત કરો. જેમાં તમારું માઇન્ડ ઓછામાં ઓછું વિચલિત થાય એનાથી શરૂઆત કરો. ધારો કે કોઈને ભણવાનાં પુસ્તક આપો તો તેનું મન ન ચોંટે પણ વાર્તાનું પુસ્તક આપો તો તે ભૂખ, તરસ, ઊંઘ બધું જ ભૂલી જાય. તો વાર્તાના પુસ્તકથી શરૂઆત કરો. આપણો ગોલ છે ગમે તે રીતે માઇન્ડને કોઈ એક દિશામાં સ્થિર કરવું. એ દિશા મહત્ત્વની નથી, પણ સ્થિરતા મહત્ત્વની છે. એક વાર તમે માઇન્ડને સ્ટેબલ અને એકાગ્ર રાખવાની આદત કેળવી લીધી પછી તમે ઇચ્છશો એ દિશામાં સ્થિર કરી શકાશે. એટલે ૩૯મા સૂત્રમાં તેઓ કહે છે, ‘યથાભિમત્ધ્યાનાદ્વા.’ એટલે કે તમને જે માફક આવે એના પર ધ્યાન કરો. પછી આગળના જ સૂત્રમાં એના પરિણામની સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, ‘પરમાણુ પરમ-મહત્ત્વ-અન્ત અસ્ય વશીકાર.’ એટલે કે માઇન્ડને કૉન્સન્ટ્રેશનની આદત પડી ગયા પછી તમે એને નાનકડા પરમાણુથી લઈને મોટામાં મોટા પદાર્થ પર ફોકસ કરાવડાવી શકશો.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 05:07 PM IST | Mumbai Desk | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK