હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ

Published: 14th July, 2020 19:53 IST | Varsha Chitaliya | Mumbai

શું શ્વેત રંગ જ સુંદરતાનો એકમાત્ર પર્યાય હોઈ શકે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સરેરાશ ભારતીય મહિલાઓની ત્વચાનો રંગ ઘઉંવર્ણ અથવા શ્યામ છે, પણ બધી મહિલાઓને ગોરી બનવું છે. ત્વચાનો રંગ શ્વેત હોય એ સ્ત્રી સુંદર ગણાય એવો વણલખ્યો નિયમ બની જતાં તેમ જ ગોરી યુવતી લગ્ન માટે યુવકોની ફર્સ્ટ ચૉઇસ હોવાથી ટીનેજમાં પ્રવેશતાં જ છોકરીઓ સૌંદર્ય પ્રસાધન તરીકે ફેરનેસ ક્રીમ વાપરતી થઈ જાય છે, જેમાં ફેર ઍન્ડ લવલી ટૉપ પર છે. મલ્ટિનૅશનલ કન્ઝ્‍યુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલિવર એની લગભગ ૫૦ વર્ષ જૂની મોસ્ટ પૉપ્યુલર પ્રોડક્ટના નામમાંથી હવે ફેર શબ્દ હટાવીને ક્રીમને નવેસરથી બજારમાં મૂકવાની છે. શું શ્વેત રંગ જ સુંદરતાનો એકમાત્ર પર્યાય હોઈ શકે? આજે જાણીએ શ્યામવર્ણી યુવતીઓ શું કહે છે અને જીવનસાથીની પસંદગીમાં વર્ણ કેટલો મહત્ત્વનો એ વિશે યુવકો શું કહે છે

સમયની સાથે બ્યુટિફુલની વ્યાખ્યા બદલાઈ છે:પલક શાહ, અંધેરી

બ્યુટી પ્રોડક્ટસ બનાવતી કંપનીઓ કેમ ફેર સ્કિનને જ પ્રમોટ કરે છે. શું ડાર્ક સ્કિન ધરાવતી યુવતીઓ બ્યુટિફુલ નથી હોતી? સામો પ્રશ્ન કરતાં બાવીસ વર્ષની પલક શાહ કહે છે, ‘વાઇટ સિવાય પણ દુનિયામાં ઘણા કલર છે. અત્યાર સુધી ડાર્ક સ્કિનને અવૉઇડ કરવામાં આવતી હતી એની પાછળ આવી બ્રૅન્ડનો બહુ મોટો હાથ છે. વહુ તો રૂપાળી જ હોવી જોઈએ એવી સામાજિક માનસિકતા છોકરીઓને ડરાવે છે. આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે સ્કૂલમાં બધા મને કાળી કહીને ચીડવતા હતા એથી મેં પણ ફેરનેસ ક્રીમ ટ્રાય કરી હતી. ફાયદો દેખાયો નહીં એટલે બંધ કરી દીધી. એ પછી ક્યારેય સ્કિન કલરથી અણગમો થયો નથી. મને લાગે છે કે આજની જનરેશનને બ્લૅક બ્યુટી અટ્રૅક્ટ કરે છે. મૉડલિંગ જેવા ગ્લૅમરસ ફીલ્ડમાં ઘણી ડાર્ક ગર્લ્સ છે. યુવાનોને તેમની આગળ-પાછળ ફરતા જોયા છે. જોકે લાઇફ-પાર્ટનર તરીકે રૂપાળી છોકરીને પસંદ કરનારા યુવાનોની સંખ્યા આજે પણ વધુ છે. આ બાબતમાં જોઈએ એવો બદલાવ આવ્યો નથી. ફોટોમાં યુવતી રૂપાળી લાગે તો જોવા જાય એવું બનતું હોય છે. આવું માઇન્ડસેટ ધરાવતા યુવાનોની ફર્સ્ટ ચૉઇસ હું કદાચ નહીં હોઉં. મારો તો સિમ્પલ ફન્ડા છે કે ટૅલન્ટ અને ઇનર બ્યુટી પસંદ હોય તો ઠીક છે, નહીં તો ઇટ્સ ઓકે.’

સ્કિન નહીં, ડ્રેસિંગ-સ્ટાઇલ અટ્રૅક્ટ કરે છે: રાજ શાહ, ઘાટકોપર

આજના જનરેશનની ડિમાન્ડ જુદી છે. છોકરો હોય કે છોકરી, બન્નેને કમ્ફર્ટેબિલિટી જોઈએ છે. ૩૦ વર્ષના રાજ શાહનું કહેવુ છે, ‘જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય અને કમ્ફર્ટ ફીલ થાય એવી ગર્લ્સ ગમે. સ્કિન કલર નેક્સ્ટ ચૉઇસ છે. લાઇફ-પાર્ટનરની પસંદગી કરતી વખતે એજ્યુકેશન, નેચર અને ફૅમિલી બૉન્ડિંગ વિશે વિચારવાનું હોય છે. ઘણી વાર રૂપાળી યુવતીઓ તેના પહેરવેશને કારણે જોવી ન ગમે અને સારું ડ્રેસિંગ-સેન્સ ધરાવતી બ્લૅક બ્યુટી અટ્રૅક્ટ કરે એવું બની શકે. પહેલાંના સમયમાં વહુ રૂપાળી હોવી જોઈએ એવી માન્યતા હતી. સમયની સાથે આ ગૅપ ભરાતો જાય છે. જોકે મિસમૅચ જેવું પણ સાવ ન ચાલે. કોઈ છોકરાની સ્કિન ડોનલ્ડ ટ્રમ્પ જેવી ગોરી હોય તેને તમે કાળી છોકરી સાથે પરણવાનું કહો તો બ્લૅક ઍન્ડ વાઇટ જોડી લાગે. તમારા પોતાના સ્કિન કલર સાથે ૧૯-૨૦નો તફાવત હોય ત્યાં સુધી વાંધો આવતો નથી. રહી ફેરનેસ ક્રીમની વાત તો બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ દરેક ગર્લ્સની પર્સનલ ચૉઇસ છે. કુદરતે આપેલો ત્વચાનો રંગ કોઈ ક્રીમથી બદલાતો નથી, પણ જો એમ કરવાથી સૅટિસ્ફેક્શન અને ખુશી મળતી હોય તો વાપરવામાં વાંધો નથી. ઘણી વાર બ્યુટી પ્રોડક્ટ્સ કૉન્ફિડન્ટ બિલ્ડ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે.’

સ્કિન કલરને નહીં, ઇનર બ્યુટીને શોધું છું: પ્રતીક ટોલિયા, ડોમ્બિવલી

આઉટર અપીરન્સ જેટલું જ અટ્રૅક્શન ઇનર બ્યુટીનું છે. મારા મતે આ વાત બૉય્સ કરતાં ગર્લ્સને સમજવાની છે એવો અભિપ્રાય આપતાં ૨૫ વર્ષનો પ્રતીક ટોલિયા કહે છે, ‘ફેરનેસ ક્રીમ વાપરવા પાછળ ગર્લ્સનો હેતુ સ્પષ્ટ હોતો નથી. તેમને સોસાયટીના વ્યુથી સ્કિનને અપગ્રેડ કરવી છે કે સુંદરતાને નિખારવું છે એ જાતે નક્કી કરવાનું છે. બ્યુટિફુલ દેખાવા માટે સ્કિન કલરને અપગ્રેડ કરવાની આવશ્યકતા નથી. બ્લૅક બ્યુટીને જો સારી રીતે રજૂ કરવામાં આવે તો એ અટ્રૅક્ટ કરી શકે છે. આપણા સમાજમાં આજે પણ ૯૫ ટકા યુવકો લાઇફ-પાર્ટનર તરીકે ગોરી છોકરી પસંદ કરે છે એ વાત ૧૦૦ ટકા સાચી છે અને એટલે જ ગર્લ્સ આવી પ્રોડક્ટ્સ પાછળ દોડે છે. જો તેઓ પોતે આ વિચારધારામાંથી બહાર નીકળીને આગળ વધશે તો સામાજિક દૃષ્ટિકોણ બદલાશે. આઉટર અને ઇનર અપીરન્સ બે જુદો વિષય છે. તમે જેટલા લોકોને પૂછશો એટલા પાસે અલગ જવાબ મળવાના છે. મારી અંગત વાત કરું તો સ્કિન કલર કરતાં એજ્યુકેટેડ, ઇન્ડિપેન્ડન્ટ અને પ્રેઝન્ટેબલ ગર્લ વધુ ગમે. ઘણી છોકરીઓ રૂપાળી નથી હોતી, પરંતુ તેમનાં ફિગર્સ અને ફેસકટ સરસ હોય છે. એકબીજાને ઓળખવા પર્સનલી એક્સપ્લોર કર્યા પછી રિલેશનશિપમાં આગળ વધવું છે એ બાબત ક્લિયર હોય તો સ્કિન કલરથી કોઈ ફરક પડતો નથી.’

ડસ્કી સ્કિને મને મિસ મૃદંગનો ખિતાબ અપાવ્યો: કાજલ મહેતા, ભાઈંદર

ડસ્કી સ્કિન ટોન ધરાવતી ૨૦ વર્ષની કાજલ મહેતા કુદરતે આપેલા ત્વચાના રંગને વરદાન માને છે. તેને એટલી કૉમ્પ્લીમેન્ટ્સ મળે છે કે રૂપાળી છોકરીઓને ઈર્ષ્યા થાય. આ વર્ષના જાન્યુઆરીમાં યોજાયેલી ઇન્ટર કૉલેજ કૉમ્પિટિશનમાં તેણે મિસ મૃદંગ, ૨૦૨૦નું ટાઇટલ મેળવ્યું છે. કાજલ કહે છે, ‘મારા પેરન્ટ્સે નાનપણમાં શીખવ્યું હતું કે આપણાથી નીચેના લોકોને જોઈએ તો કોઈ વસ્તુનો અભાવ ન લાગે. તેમણે જીવનના જે પાઠ ભણાવ્યા એને મેં બ્યુટીના કન્સેપ્ટથી સ્વીકાર્યું છે. હું એવું વિચારું છું કે દુનિયામાં મારા કરતાં ડાર્ક સ્કિન ધરાવતી હજારો છોકરીઓ છે. ભગવાને આપણને દિવ્યાંગ નથી બનાવ્યા એ પણ તેમની મહેરબાની છે. જોકે ભૂતકાળમાં એકાદ એવા અનુભવ થયા છે જ્યારે ગોરી છોકરીઓને ઇવેન્ટ્સમાં આગળ કરવામાં આવી હોય. આ અનુભવમાંથી બોધપાઠ લઈને મારી ટૅલન્ટને પ્રમોટ કરી છે. કૉમ્પિટિશનના એક રાઉન્ડમાં બોલી કે સાંભળી ન શકતા લોકોને સમજાય એ રીતે રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું હતું અને દરેક સવાલના એવા જવાબ આપ્યા હતા કે બધી રૂપાળી છોકરીઓ પાછળ રહી ગઈ. મને લાગે છે કે ફેરનેસ ક્રીમનો ક્રેઝ ૧૫-૧૬ વર્ષની ઉંમરમાં વધુ હોય છે. એ ઉંમરમાં શ્યામવર્ણી જ નહીં, નૅચરલ ફેર સ્કિન હોય એવી છોકરીઓ પણ હજી વધુ ગોરી થવા ક્રીમ લગાવતી હોય છે. મૅચ્યોર્ડ થયા પછી આવો મોહ રહેતો નથી.’

રૂપાળું બાળક જન્મે એ માટે લોકો સલાહ આપતા: જિનલ ધારેક, કાંદિવલી

સહેજ ભીનો વાન ધરાવતી ૩૧ વર્ષની જિનલને તેના હસબન્ડે પહેલી વારમાં જ પસંદ કરી લીધી હતી. જોકે સાસરિયાંઓને એક વાર વિચાર આવ્યો હતો ખરો કે છોકરી રૂપાળી નથી.‘ મિયાં-બીવી રાજી તો ક્યા કરેગા કાજી’ જેવો તાલ થયો હતો. જિનલ કહે છે, ‘તેમને હું પસંદ પડી ગઈ એટલે સ્કિન કલર સાઇડ પર રહી ગયો. બધાને મારા બીજા ગુણો અને હસમુખો સ્વભાવ આકર્ષી ગયો. જોકે અહીં ધી એન્ડ નહોતો આવ્યો. હું પ્રેગ્નન્ટ થઈ ત્યારે ઘણા લોકોએ સલાહ આપી કે રોજ નાળિયેર-પાણી પીજે, બાળક રૂપાળું જન્મશે. માતા સંતરાનો જૂસ અને કાચું દૂધ પીએ તો સંતાન ગોરું જન્મે. ગાયનેક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કેરળની પ્રજા દરરોજ નાળિયેર-પાણી પીએ છે અને તેમનાં બાળકો કાળાં જ જન્મે છે. પછી તો હસવું આવ્યું. મારી દીકરીનો રંગ મારા જેવો છે ને ઘરમાં બધાની વહાલી છે. વાસ્તવમાં યુવતીઓ આવી સલાહ અને ડરને લીધે ફેરનેસ ક્રીમ વાપરે છે. સ્કિનને હેલ્ધી રાખવા સારી ક્વૉલિટીની પ્રોડક્ટ્સ ચોક્કસ વાપરી શકાય, પણ કલર ચેન્જ કરવાના પ્રયાસ ન કરાય. લગ્ન નહીં થાય એવો ડર મને ક્યારેય લાગ્યો નહોતો. જેને મારું રૂપ ગમશે તે હા પાડશે અને ગોરી જોઈતી હશે તો તેને બીજી ઘણી મળી રહેશે એ બાબતે હું ક્લિયર હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK