યોગમાં ઑક્સિજનને બદલે કાર્બન ડાયૉક્સાઇડથી ફાયદો કરાવી આપે એવી કઈ ક્રિયા છે?

Published: May 28, 2020, 21:34 IST | Ruchita Shah | Mumbai

એનું નામ છે કુંભક. એટલે કે શ્વાસને રોકવો. કુંભકને જ પ્રાણાયામ કહેવાયું છે. શ્વાસ રોકવાના ઘણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો છે; પરંતુ તમારી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખ્યા પછી જ કુંભક કરવું જોઈએ

કુંભક શબ્દ કુંભ એટલે કે ઘડા પરથી આવ્યો છે. શરીરને ઘડાની ઉપમા આપીને શ્વાસને રોકવાની ક્રિયા થાય એ પ્રાણાયામ.
કુંભક શબ્દ કુંભ એટલે કે ઘડા પરથી આવ્યો છે. શરીરને ઘડાની ઉપમા આપીને શ્વાસને રોકવાની ક્રિયા થાય એ પ્રાણાયામ.

સ્પેનના ૩૪ વર્ષના ઍલેક્સ વેન્ડ્રેલ નામના યુવકે ૨૦૧૬માં એક ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો. શેનો ખબર છે? ૨૪ મિનિટ અને ત્રણ સેકન્ડ સુધી પોતાનો શ્વાસ રોકવાનો. સામાન્ય માણસ ત્રીસ સેકન્ડથી લઈને બે મિનિટ સુધી પોતાના શ્વાસને રોકી શકતો હોય છે. યોગશાસ્ત્રમાં શ્વાસ રોકવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. હઠયોગ પ્રદીપિકા નામના એક ગ્રંથમાં કહ્યું છે, ‘જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણવાયુ છે ત્યાં સુધી જીવન છે, વાયુ શરીરમાંથી બહાર ગયો એટલે મૃત્યુ સમજજો. એટલે જ પ્રાણવાયુનું નિયમન કરો. એને રીટેન કરો. રોકો.’ પ્રાણાયામનો શાબ્દિક અર્થ પણ આ જ સમજાવે છે. પ્રાણાયામ એટલે કે શ્વાસનો આયામ, એક્સપાન્શન, વિસ્તાર કરવો. વિસ્તાર કેવી રીતે થાય? શ્વાસ ભરીને એને રોકી રાખવો અથવા શ્વાસ બહાર કાઢીને એને રોકી રાખવો એ શ્વસનક્રિયાનું એક્સપાન્શન છે. શરીરમાં રહેલા પ્રાણવાયુનો વિસ્તાર વધારવો એ જ પ્રાણાયામ છે. પ્રાચીન પુસ્તકોમાં એટલે જ પ્રાણાયામને કુંભક તરીકે ઓળખાવ્યા છે. કુંભક શબ્દ કુંભ એટલે કે ઘડા પરથી આવ્યો છે. શરીરને ઘડાની ઉપમા આપીને શ્વાસને રોકવાની ક્રિયા થાય એ પ્રાણાયામ. 

જનરલી લોકો એવું માને છે કે જ્યારે તમે ડીપ બ્રીધિંગ કરો એટલે તમારા શરીરમાં ઑક્સિજનનું લેવલ વધે અને તમને ફાયદો થાય. બીજી એક માન્યતા એ પણ છે કે કાર્બન ડાયૉક્સાઇડ સંપૂર્ણ રીતે શરીર માટે હાનિકારક છે. આ વાતમાં તથ્ય નથી. આ દિશામાં બહોળો અનુભવ ધરાવતા, પ્રાણાયામ એક્સપર્ટ ડૉ. સંદીપ ડોંગરે કહે છે, ‘જ્યારે તમે શ્વાસ રોકો છો ત્યારે તમારા શરીરમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે. આ કાર્બન ડાયૉક્સાઇડ પણ તમારા શરીરના સ્મૂધ ફંક્શનિંગ માટે જરૂરી છે. શ્વાસ રોક્યા પછી લગભગ બેથી ત્રણ મિનિટ સુધી બૉડીના ઑક્સિજન લેવલમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ કાર્બન ડાયૉક્સાઇડની માત્રા વધવાથી આપણને થોડીક જ સેકન્ડ્સમાં ફરી શ્વાસ લેવાની અર્જ જાગે છે. આપણને સફોકેશન થવા માંડે છે. જોકે માઇલ્ડ માત્રામાં કાર્બનનું પ્રમાણ તમારા બ્રેઇન માટે સૂધિંગ ઇફેક્ટ આપનારું હોય છે. મગજને શાંત કરે છે. તમારા હૃદય અને રક્તવાહિનીઓના તંત્રને શાંત કરે છે. હવે મગજ શાંત થાય, હૃદય રિલૅક્સ્ડ હોય તો નૅચરલી આખા શરીરમાં એ રિલૅક્સેશનની અસર પડશે. બ્રેથ-રિટેન્શન આપણા શરીરની પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને ઍક્ટિવ કરે છે જે તમને રેસ્ટ મોડમાં લઈ જાય છે. એટલે કે તમારા શરીરને આરામદાયી સ્થિતિમાં લઈ જાય છે. કુંભક કરવાથી મગજ મેડિટેશનના ફેઝ પર પહોંચી જાય છે. સામાન્ય રીતે સિમ્પલ બ્રીધિંગમાં ૭૯.૯ ટકા નાઇટ્રોજન, ૨૦ ટકા ઑક્સિજન, પાંચ ટકા કાર્બન અને બીજા ગૅસ તમે લેતા હો છો. વીસ ટકામાંથી પણ પંદર ટકા ઑક્સિજન પાછો ઉચ્છ્વાસમાં બહાર કાઢી લો છો. ટૂંકમાં શરીરને ઑક્સિજનની માત્રા પણ લિમિટેડ પ્રમાણમાં જ જરૂરી છે.’
યોગના સ્કૉલર્સ માને છે કે જેટલું કુંભક વધે એટલા પ્રાણાયામ સારા થાય અને એટલા એના લાભ પણ વધારે મળે. ડૉ. સંદીપ કહે છે, ‘આપણાં શાસ્ત્રોમાં તમારા જીવનની અવધિ તમારા શ્વાસ પર નિર્ભર કરે છે એવું કહેવાય છે. જ્યારે તમારા શ્વાસ લાંબા હોય અને વધુ સમય કુંભક કરતા હો તો એ તમારા જીવનનાં વર્ષો વધારી દે છે. ફિઝિયોલૉજિકલી ઑક્સિજનની એફિશિયન્સી વધારવા માટે એટલે કે તમારા શરીરમાં પ્રત્યેક કોષ સુધી ઑક્સિજન પહોંચે અને ઍબ્સૉર્બ થાય એ માટે પણ થોડીક માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડની જરૂરિયાત હોય છે. સામાન્ય રીતે ઝડપી બ્રીધિંગને કારણે આ કાર્બન શરીરને મળી નથી શકતો, પણ જ્યારે તમે કુંભક એટલે કે શ્વાસ રોકવાની પ્રક્રિયા કરો છો ત્યારે એ શરીરને જોઈતી માત્રામાં મળી જાય છે. વધુપડતો ઑક્સિજન પણ શરીર માટે જોખમી છે.’

કુંભકને કારણે શરીરમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે, એ કઈ રીતે હેલ્પ કરે છે એ જોઈએ

કાર્બન ડાયૉક્સાઇડ તમારા બ્રેઇનના કોષોનું પ્રોટેક્શન કરે છે.
કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ તમારા શરીરની નર્વસ સિસ્ટમને શાંત કરે છે, ડિપ્રેશન, ચિંતા અને ઍપિલેપ્સીનાં લક્ષણોમાં પણ એ રાહત આપે છે.
કાર્બન ડાયૉક્સાઇડ તમારા શરીરમાં ચડેલા સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
હાડકાને જોઈતાં પોષકતત્ત્વો પૂરાં પાડીને તમારાં હાડકાંઓને મજબૂત બનાવે છે.
થોડુંક નવાઈ લાગે એવું છે, પરંતુ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ તમારા નાકમાં અને સાઇનસિસમાં રહેલા કન્જેશનને દૂર કરે છે.
પાચનપ્રક્રિયામાં સુધારો લાવે છે. પેટમાં રહેલા હાઇડ્રોક્લોરિક ઍસિડને ઉત્તેજિત કરે છે. પાચન સુધારે છે તેમ જ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
શરીરમાં એનર્જી ફ્લો વધારે છે.
તમારા ચહેરાનો ગ્લો વધારે છે.
કુંભકને કારણે તમારાં ફેફસાંની ક્ષમતા વધે છે એટલે તમારા શ્વાસોચ્છ્વાસ વધુ ઊંડા અને લાંબા થઈ જાય છે.
રેસ્પિરેટરી સિસ્ટમને ક્લીન કરવાનું કામ કરે છે.
શરીરની રક્તવાહિનીઓ પરનું દબાણ ઓછું કરે છે.

કુંભકની શરૂઆત કરો
આ પ્રૅક્ટિસથી

સ્ક્વેર બ્રીધિંગ અથવા તો બૉક્સ બ્રીધિંગ નામની એક ટેક્નિક છે જે કુંભકના શરૂઆત કરનારાઓ માટે બેસ્ટ મનાય છે. કપાલભાતિ ક્રિયા પણ શરીરને કુંભક માટે તૈયાર કરે છે. સ્ક્વેર બ્રીધિંગમાં શ્વાસ અંદર લેવામાં જેટલો સમય લાગે એટલો જ સમય અંદર શ્વાસને રોકી રાખવો અને એટલા જ સમયથી એ શ્વાસને બહાર કાઢવો, બહાર કાઢ્યા પછી પણ એટલી વાર માટે પાછો શ્વાસ રોકીને ફરી શ્વાસ અંદર ભરવો. જેમ કે તમે શ્વાસ અંદર ભરતી વખતે એક, બે, ત્રણ, ચાર એમ ચાર નંબર ગણ્યા, હવે એ જ સ્પીડથી શ્વાસ રોકી રાખવા માટે પણ એકથી ચાર ગણો. એવું જ શ્વાસ બહાર કાઢવા માટે અને બહાર કાઢ્યા પછી રોકી રાખવા માટે કરવાનું. એટલે ૪ ઃ ૪ઃ ૪ઃ ૪ આ રેશિયો બનશે. શ્વાસ લેવાનો, રોકવાનો, છોડવાનો અને છોડ્યા પછી રોકવાનો સમય સરખો રહેશે.
-ડૉ. સંદીપ ડોંગરે

કોણે ન કરવું?
હાર્ટના પેશન્ટ હોય, હાઈ બ્લડ-પ્રેશર હોય, અસ્થમાના દરદીઓ હોય એવા લોકોએ ખૂબ ધીમે-ધીમે કુંભકમાં આગળ વધવું. શ્વાસ રોકવા માટે તેમની હેલ્થ કન્ડિશન યોગ્ય છે કે નહીં એ માટે એક વાર કોઈ અનુભવી શિક્ષક અને મેડિકલ પ્રૅક્ટિશનરની સલાહ લઈને જ આગળ વધવું. શ્વાસ રોકતી વખતે જાત પર બળજબરી ન કરવી. કુંભક હંમેશાં કોઈ આસનમાં બેસેલી અવસ્થામાં જ કરવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK