ઉત્તર ગુજરાતનાં ગામોમાં નવરાત્રિ અને દિવાળીમાં ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ચારથી પાંચ ફુટની ઊંચાઈના તેમ જ કલરિંગ કાગળથી ડેકોરેશન કરેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવી એક અલૌકિક લહાવો છે..
‘હે માને પાંચ તે ગરબા મનગમતા મારી સૈયરુ રે...’
ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં નવરાત્રિ અને દિવાળી દરમ્યાન જ્યારે ગાયકના અષાઢી કંઠમાંથી આ ગરબો ગવાતો હોય ત્યારે ગામની મહિલાઓ અને યુવતીઓ માથે ચારથી પાંચ ફુટના સુશોભિત કરેલા ફૂલના ગરબા મૂકીને ઢોલના તાલે ગરબે ઘૂમતી હોય છે ત્યારે શક્તિની ભક્તિનો અનોખો નજારો જોવા મળે છે.
હા, આ ફૂલના ગરબા છે. નવરાત્રિ અને દિવાળી દરમ્યાન ફૂલના ગરબા ઘણી જગ્યાએ યોજાય છે. માનેલી બાધા–માનતા માતાજીના આશીર્વાદથી પૂરી થતાં ફૂલના ગરબા કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં ગામોમાં ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. ફૂલોના ગરબા એ બાધાના ગરબા છે. ગામમાં ઘણાખરાએ વર્ષ દરમ્યાન માનતા રાખી હોય અને એ પૂરી થતાં પોતાની રીતે અથવા તો ઘણાં ગામોમાં જુદા-જુદા સમાજો દ્વારા ફૂલના પરંપરાગત ગરબાનું આયોજન થાય છે.
ફૂલોના ગરબા કેવા હોય છે, કેવી રીતે બને છે ફૂલના ગરબા એની વાત કરતાં ઉત્તર ગુજરાતમાં આવેલા વસાઈ (ડાભલા)માં રહેતા અને ગામમાં પાટીદાર સમાજ દ્વારા થતા ફૂલના ગરબાના આયોજનમાં ભાગ લેતા કેશુભાઈ પટેલ ‘મિડ ડે’ને કહે છે, ‘ખેતી સારી થાય, લગ્ન થાય, વિઝા મળી જાય એ સહિતની બાધાઓ ઘણા રાખતા હોય છે અને માતાજીને પ્રાર્થના કરતા હોય છે કે કામ થઈ જશે તો ગરબો કાઢીશ. માતાજીના આશીર્વાદથી બાધા પૂરી થતા ફૂલના ગરબા કરે છે. અમારા ગામમાં અંદાજે ૫૦ જેટલા ફૂલના ગરબા નીકળે છે. દિવાળીના દિવસે ફૂલના ગરબા રમાય છે. આ ફૂલના ગરબા લાકડાં કે વાંસની પટ્ટીઓમાંથી બને છે. લગભગ ચારથી પાંચ ફુટનો ઘેરાવો અને ચારથી સાડા પાંચ ફુટ જેટલી ઊંચાઈ આ ગરબાની હોય છે. લાકડાં કે વાંસની પટ્ટીઓ ગરબાની ટોચ પર ભેગી થાય છે એટલે પૉઇન્ટ જેવું બને છે. આ ફૂલના ગરબાને પેઇન્ટિંગ કરીને તેમ જ કલરિંગ કાગળથી કે જેને ફૂલ કહેવાય છે એનાથી ગરબાને ડેકોરેશન કરે છે. અવનવી રીતે ફૂલોના ગરબાની સજાવટ કરવામાં આવે છે. આ ફૂલના ગરબામાં નીચેની સાઇડે ગરબી મૂકવામાં આવે છે અને ગરબીમાં દીવો કરવામાં આવે છે. ફૂલના ગરબાનું વજન લગભગ ૧૦ કિલો જેટલુ થતું હશે. આ ફૂલનો ગરબો માથે મૂકીને બહેનો ગરબે ઘૂમે છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે. ઘણી વખત ભાઈઓ પણ ફૂલનો ગરબો માથે મૂકીને ગરબે ઘૂમે છે. બહેનો લગભગ અડધો–પોણો કલાક સુધી માથે ફૂલનો ગરબો મૂકીને ગરબે ઘૂમે છે. પછી બીજી બહેનો ગરબો માથે લઈને ગરબે ઘૂમે છે. બહેનો ગરબે ઘૂમતી હોય ત્યારે ગરબીમાં ઘી પૂરવા માટે યુવાનોની ટીમ હોય છે.’
ફૂલના ગરબાનું વજન ખાસ્સું હોવા છતાં પણ એ ગરબા માથે મૂકીને ગામની મહિલાઓ– યુવતીઓ ગરબે ઘૂમતી હોય છે ત્યારે જાણે કે સાક્ષાત શક્તિનાં દર્શનનો અહેસાસ થયાનું લાગે છે. લાકડાની પટ્ટીઓથી બનાવેલા ચારથી પાંચ ફુટની ઊંચાઈના અને કાગળના ફૂલોથી ડેકોરેશન કરેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકીને એમાં દીવો કરીને આ ફૂલોનો ગરબો માથે લઈને મહિલાઓ–યુવતીઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવી એક અલૌકિક લહાવો છે. તમે નવરાત્રિ કે દિવાળીમાં ઉત્તર ગુજરાત તરફ જાઓ તો આ લહાવો ચૂકતા નહીં.
કેશુભાઈ પટેલને મેં જ દગો આપ્યો એની પીડા મેં ભોગવી
2nd March, 2021 10:39 ISTગુજરાતમાં ૨૦૨૨માં ક્રાન્તિ લાવવાનાં સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે
27th February, 2021 11:26 ISTગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર
24th February, 2021 10:31 ISTભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ જોશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
23rd February, 2021 12:21 IST