જ્યારે ભોજન પોષક નહીં પણ પૉઇઝનસ બને

Published: Nov 04, 2019, 17:38 IST | Varsha Chitaliya | Mumbai

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે ખોરાકજન્ય રોગોના કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. આપણા દેશમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુમાંથી ૧૫.૭૩ ટકામાં મૃત્યુનું કારણ ફૂડ પૉઇઝનિંગ હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે ખોરાકજન્ય રોગોના કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. આપણા દેશમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુમાંથી ૧૫.૭૩ ટકામાં મૃત્યુનું કારણ ફૂડ પૉઇઝનિંગ હોય છે, એવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે ત્યારે ખોરાક કઈ રીતે જીવલેણ બની શકે, એનાં લક્ષણો શું એ તેમ જ ઉપાય વિશે જાણી લો.

ફૂડ પૉઇઝનિંગના કારણે મહારાષ્ટ્રના પુણેમાં પંદર લોકોને અસર, ત્રણની હાલત ગંભીર. મુંબઈ નજીક એક સરકારી સ્કૂલમાં ઝેરી નાસ્તો ખાવાથી બે વિદ્યાર્થીનાં મોત. ખોરાકમાં ભેળસેળના લીધે થાણેમાં વીસ જણને ઝાડા-ઊલટીની ફરિયાદ, હૉસ્પિટલમાં દાખલ કરાયા. - આ પ્રકારના સમાચાર રોજરોજ અખબારમાં વાંચવા મળે છે. ઈન્ટરનેટ પર પણ અમુક પ્રકારના પૅકેજ્ડ ફૂડ ખાવાથી ફલાણા યુવકે જીવ ગુમાવ્યો જેવા મેસેજ અને વીડિયો ફરતા હોય છે. જોકે સોશિયલ મીડિયાના મેસેજ ફેક હોઈ શકે, પરંતુ આપણા દેશમાં ખોરાકમાં ભેળસેળ નવાઈ નથી, એટલું તો ચોક્કસ છે.

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે ખોરાક અને પાણીજન્ય રોગો વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી જાહેર આરોગ્ય સમસ્યા છે. દર વર્ષે અંદાજે છ કરોડ લોકો ઝેરી ખોરાકના કારણે બીમાર પડે છે. એમાંથી ચાર કરોડથી વધુ લોકો જીવ ગુમાવે છે. રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. આપણા દેશમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુના અંદાજે ૧૫.૭૩ ટકામાં મૃત્યુનું કારણ ફૂડ પૉઇઝનિંગ હોય છે. ઝેરી ખોરાક ખાવાથી માંદા પડવાનો આંકડો પચાસ લાખ જેટલો ઊંચો હોવાનું જાણવા મળ્યું છે. ૨૦૦૮થી ૨૦૧૭ના ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઇડીએસપી)ના ડેટા અનુસાર ફૂડ પૉઇઝનિંગ સૌથી ઝડપથી પ્રસરી રહેલી બીમારી બનતી જાય છે.

ઉપરોક્ત રિપોર્ટ સંદર્ભે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. રુચિત પટેલ કહે છે, ‘આ રિપોર્ટની ઍક્યુરસી વિશે સ્પષ્ટપણે કહી ન શકાય, પરંતુ પેટના રોગો કોમન થઈ ગયા છે. આપણા વડીલો કહેતા કે જેનું પેટ બગડે એનો દિવસ બગડે. મોટા ભાગના રોગો પેટથી શરૂ થાય છે. આ દિશામાં ઘણાં રિસર્ચ થયાં છે. સાયન્સે પેટને બ્રેઇન સાથે સરખાવ્યું છે. જેમ મગજ તમને ઇન્ડિકેટ કરે છે, એ જ રીતે પેટ તમને આવનારા રોગો તરફ નિર્દેશ કરે છે. જે દિવસે પેટમાં ગડબડ થાય, એ દિવસે તમારું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. કોઈ કામમાં મન લાગતું નથી, મૂડ હોતો નથી. વાસ્તવમાં પેટ જ આપણું બ્રેઇન છે. પેટ આંતરડાંમાં પ્રસરતા સારા-ખરાબ બેક્ટેરિયાને કન્ટ્રૉલ કરે છે. તેથી એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. પેટની કાળજી એટલે શુદ્ધ, સાત્ત્વિક અને સારી ગુણવત્તાવાળો પૌષ્ટિક આહાર.’

પોઇઝનિંગનો સ્રોત શું?

શાકાહારી લોકોના ફૂડ પૉઇઝનિંગના સોર્સ લિમિટેડ છે. આજકાલ ઘણી વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે પણ કાચા અનાજમાં ભેળસેળ અને ફૂડ પૉઇઝનિંગને કંઈ લાગતુંવળગતું નથી. રાંધેલો ખોરાક પેટમાં ગયા પછી તકલીફ ઊભી થાય એને ફૂડ પૉઇઝનિંગ કહેવાય, એમ જણાવતાં ડૉ. રુચિત કહે છે, ‘પેટમાં દુખતું હોય કે ઝાડા-ઊલટી થઈ ગયાં હોય ત્યારે આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ખાવામાં કંઈ આવી ગયું હશે. ફૂડબોર્ન ડિસીઝનું મુખ્ય કારણ છે અનહાઇજેનિક ફૂડ. રાંધતી વખતે બેદરકારી, ઓપન પ્લેસ પર મૂકેલા ખાદ્યપદાર્થ, લાંબા સમય સુધી સ્ટોરેજ કરવામાં આવેલા ખાદ્યપદાર્થ, બગડેલા દૂધમાંથી બનાવવામાં આવેલા પનીર અને અન્ય દૂધની બનાવટની ચીજવસ્તુઓ આરોગવાથી ફૂડ પૉઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે. બહારનું ખાવાથી જ પેટ બગડે એવું નથી, ઘરની રસોઈમાં પણ જો કાળજી લેવામાં ન આવે તો પેટ બગડી શકે છે.’

રોગનાં લક્ષણો

ઊલટી અને ડાયેરિયા ફૂડ પૉઇઝનિંગનાં સામાન્ય લક્ષણો છે, એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘કોઈ વસ્તુ ખાધા પછી દિવસમાં છથી વધુ વખત મોશન આવે અથવા ઊલટી થાય તો ઝેરી ખોરાકની અસર છે. પેટમાં સખત દુખાવો અને ઝાડા-ઊલટીની સાથે એકસો એક ડિગ્રી તાવ હોય તો એલર્ટ થઈ જવું. યાદ રાખો, ઝેરી ખોરાકની અસરથી યુરીનનો રંગ પીળો થઈ જાય છે. કેટલાંક કેસમાં ઊલટીમાં બ્લડ પણ નીકળે છે. મોટી ઉંમરના લોકોનું ગળું સૂકાવા લાગે છે. નાનાં બાળકો અને વડીલોમાં ડિહાઈડ્રેશનનું મુખ્ય કારણ બગડી ગયેલો આહાર છે. આ ઉપરાંત ટાઇફોઇડ તેમ જ હિપેટાઇટિસ-એ અને ઈ (કમળો) કોમન ફૂડબોર્ન ડિઝીઝ છે.’

સારવાર

પેટમાં દુખતું હોય કે બે-ત્રણ વાર મોશન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી, એમ જણાવતાં ડૉ. રુચિત કહે છે, ‘ખાધા પછી સારું ન લાગતું હોય તો એક દિવસ પેટને આરામ આપવો અથવા એકાદ દિવસ ખીચડી જેવો હળવો ખોરાક લેવો. પાણી ખૂબ પીવું. માઇલ્ડ ફૂડ પૉઇઝનિંગ હશે તો ફૂડની પેટર્ન ચેન્જ કરવાથી મટી જશે, પરંતુ આગળ જણાવ્યું એમ જો દિવસમાં ઘણીબધી વાર ઝાડા-ઊલટી થાય અને મોઢામાંથી લોહી પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો. આવા કેસમાં તાત્કાલિક સારવાર થવી જોઈએ. ઝેરી ખોરાકની વધુ અસર થઈ હોય તો હૉસ્પિટલમાં દાખલ થવું પડે અને સારવાર લાંબી ચાલે. તમારી થાળીમાં પીરસાતી રસોઈ સ્વચ્છ હાથે બનેલી હોવી જોઈએ તેમ જ હાથ સ્વચ્છ કરીને એને ખાવી જોઈએ. આટલું ધ્યાન રાખો તો ફૂડ પૉઇઝનિંગના ચાન્સિસ અડધા થઈ જાય.’

આટલું કરો

કોઈ પણ વસ્તુ હાથ ધોયા વગર ખાવી એટલે પેટ બગાડવું. હાઇજીનનું ખાસ ધ્યાન રાખો, એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘ગૃહિણીએ રસોઈ બનાવતાં પહેલાં હાથ ધોવા જોઈએ. શાકભાજીને સરખી રીતે વહેતાં પાણીમાં ધોવા જોઈએ. શાકભાજી માટીમાં ઊગે છે. જો સરખી રીતે ધોવામાં ન આવે તો માટી વાટે વોર્મ્સ પેટમાં જાય છે. પરિણામે, ફૂડ પૉઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે ફ્રૂટ્સને પણ સરખી રીતે ધોઈને ખાવાં જોઈએ. કોઈ પણ ખાદ્યપદાર્થને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાના હોય તો ટેમ્પરેચર ચાર ડિગ્રીથી નીચે હોવું જોઈએ. એ જ રીતે ફ્રિજમાં રાખેલા આહારને રી-હિટ કરીને જ ખાવા જોઈએ. રી-હિટમાં પણ વાનગીની જરૂરિયાત પ્રમાણે ટેમ્પરેચર સેટ કરવું. તમારી થાળીમાં પીરસાતી રસોઈ સ્વચ્છ હાથે બનેલી હોવી જોઈએ તેમ જ હાથ સ્વચ્છ કરીને એને ખાવી જોઈએ. આટલું ધ્યાન રાખવાથી પણ ફૂડ પૉઇઝનિંગના ચાન્સિસ અડધા થઈ જાય.’

ચાઇનીઝ ફૂડ

ચીનની પ્રોડક્ટ્સ જ નહીં, ફૂડ પણ જોખમી છે. WHOના રિપોર્ટ અનુસાર ચીનમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુમાંથી અંદાજે ૩૧ ટકા લોકો (ચાર્ટ પર ચીન પ્રથમ ક્રમાંકે છે) ફૂડ પૉઈઝનિંગના કારણે મૃત્યુ પામે છે અને એમાં દર વર્ષે ૨૪ ટકાનો વધારો થઈ રહ્યો છે. આ આંકડો જાણ્યા બાદ ચાઇનીઝ વાનગીના શોખીનોએ વહેલીતકે જાગી જવાની જરૂર છે. રેસ્ટૉરાંમાં મળતાં ચાઇનીઝ ફૂડમાં સોડિયમ, કોર્ન સ્ટાર્ચ, ફૂડ કલર્સ અને મેંદાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે હાયપરટેન્શન, ઑબેસિટી અને હૃદય સંબંધિત રોગો તરફ દોરી જાય છે. ઇન્ટરનેશનલ ગાઇડલાઇન મુજબ એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં એક ચમચીથી વધુ મીઠું ન ખાવું જોઈએ. ચાઇનીઝ વાનગીઓ આ માર્ગદર્શિકા સાથે મૅચ થતી નથી. બીજું, તેઓ પોર્ક ફેટ્સ (ડુક્કરની ચરબી)નો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ફૂડ પૉઇઝનિંગનું કારણ બની શકે છે. જોકે, સોડિયમનું પ્રમાણ ઓછું હોય એવી ચોખા અને ઘણાંબધાં વેજિટેબલ્સમાંથી બનાવવામાં આવેલી પરંપરાગત ચાઇનીઝ વાનગીઓ આરોગ્યપ્રદ હોય છે, પરંતુ રેસ્ટોરન્ટમાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવતું નથી.

આ પણ વાંચો : ફેફસાંને કેવી રીતે કરશો ડિટૉક્સિફાય?

ખોરાકજન્ય રોગો

ખોરાકજન્ય રોગો જાહેર આરોગ્ય સમસ્યા છે. ખોરાકમાં ભેળસેળથી નાગરિકોના જીવ તો જોખમમાં મૂકાય જ છે, દેશના અર્થતંત્રને પણ માઠી અસર થાય છે. વર્લ્ડ બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા ગયા વર્ષના આંકડા મુજબ ફૂડ પૉઇઝનિંગથી ભારતને પ્રતિ વર્ષ ૧,૭૮,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર ખમવો પડે છે, જે ભારતની જીડીપીના ૦.૫ ટકાની નજીક છે. વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ કહે છે કે નાગરિકોના સ્વાસ્થ્યની સલામતી તેમ જ સરકારી તિજોરીનો ભાર હળવો કરવા કેન્દ્ર સરકારે આ દિશામાં નક્કર પગલાં લેવાની આવશ્યકતા છે. જો એમ નહીં થાય તો આગામી એક દસકામાં ભારતની દર નવ વ્યક્તિમાંથી એક ખોરાકજન્ય રોગોથી પ્રભાવિત હશે અને દેશના અર્થતંત્રમાં એની નિર્ણાયક ભૂમિકા રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK