Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ક્યારે કસરત ન કરવી?

31 October, 2012 06:29 AM IST |

ક્યારે કસરત ન કરવી?

ક્યારે કસરત ન કરવી?






મોટા ભાગે લોકોને કસરત કરવી અને એ માટે ખાસ સમય ફાળવીને જિમમાં જવું નથી ગમતું. એટલે જ લોકો કસરત ન કરવાનાં બહાનાં ખૂબ શોધતા હોય છે. જોકે કસરત કરવી ખૂબ સારું ગણાય છે એટલે ઘણી વાર ન થઈ શકે એમ હોવા છતાં પરાણે કસરત કરે જ છે. આજે આપણે જોઈશું એવા કેટલાક સંજોગો જેમાં કસરત કરવાથી ફાયદા નહીં પણ નુકસાન થાય છે.


જો કસરતના બેસ્ટ ફાયદા મેળવવા હોય તો ક્યારે કસરત ન કરવી એ પણ જાણી લેવું જરૂરી છે.


૧. તાવ

બૉડી-ટેમ્પરેચર નૉર્મલ કરતાં વધારે હોય એ સ્થિતિ સૂચવે છે કે શરીરમાં કંઈક ગરબડ છે અને શ્વેતકણો એ ગરબડ સાથે લડી રહ્યા છે. તાવ આવવો એ બૉડીમાં યુદ્ધની પરિસ્થિતિ બતાવે છે. આ સ્થિતિને થાળે પાડવા માટે શરીરને યોગ્ય આરામ અને દવા આપવી જરૂરી છે. એ છતાં તાવવાળા શરીરને કસરત કરાવવામાં આવે તો એનાથી ટેમ્પરેચર વધે છે. તાવ વધે છે અને શરીરની અંદર ચાલી રહેલી ગરબડ વધુ વકરે છે.

થાકને કારણે કે અન્ય કોઈ પણ ઇન્ફેક્શનને કારણે તાવ આવતો હોય તો હળવી કે હેવી કોઈ પણ પ્રકારની કસરત ન કરાય.

૨. કફ અને ફેફસાંનું ઇન્ફેક્શન

અતિશય કફ જામી ગયો હોય, ખાંસી ખાતી વખતે છાતીમાં કફ ખખડતો હોય અને બહાર નીકળી શકતો ન હોય ત્યારે પણ જિમમાં જઈને હેવી એક્સરસાઇઝ કરવાનું ટાળવું. કાર્ડિયોવૅસ્કયુલર કે વેઇટટ્રેઇનિંગ જેવી કસરતો ન કરવી. હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકાય. કફ જામી ગયો હોય ત્યારે ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવાની શક્યતાઓ વધારે હોય છે. કફને કારણે ફેફસાંની ક્ષમતા અવરોધાતી હોય છે. એવા સમયે શ્વાસ ઝડપી બને એવી કસરત કરવાથી રેસ્પિરેટરી પ્રૉબ્લેમ્સ થવાની શક્યતા રહે છે.

૩. ઊબકા, ઊલટી કે ડાયેરિયા

પાચનશક્તિમાં ગરબડ થવાને કારણે જુલાબ થઈ ગયા હોય કે ઊલટીઓ થતી હોય ત્યારે પણ કસરત ન કરાય. ઊલટી મટ્યાં પછી માત્ર ઊબકા આવતા હોય ત્યારે પણ વેઇટલિફ્ટિંગ અથવા તો જેમાં હાર્ટરેટ વધે એવી એક્સરસાઇઝ ન કરાય. ઘણી વાર ઊબકા-ઊલટીને કારણે અન્નનળીમાં ઉપર ચડી આવેલું પાણી કે ખોરાકના કણો ફેફસાંની નળીમાં ભરાઈ જતાં અચાનક બ્લૉકેજ થઈ જાય એવું બની શકે છે.

૪. ઈજા થઈ હોય ત્યારે

હાથ કે પગના સાંધામાં મૂઢમાર વાગ્યો હોય કે પછી લોહી નીકળીને મોટો ઘા પડ્યો હોય ત્યારે પણ જિમમાં જઈને હેવી વર્કઆઉટ કરવાનું ટાળવું હિતાવહ છે. મૂઢમારમાં જે-તે સ્નાયુઓ અને સાંધાઓમાં સોજો આવી જાય છે એ બતાવે છે કે એ જગ્યાનું હલનચલન વારંવાર કરવું નહીં. જો સોજો અને લાલાશ પડતા અવયવને વધુ હલાવવામાં આવે તો સોજો વધે છે અને સાંધામાં વધુ નુકસાન થાય એવું બને. જો ટાંકા લેવા પડે એવો જખમ થયો હોય તો પણ હેવી એક્સરસાઇઝ ન કરવી.

૫. પગના સાંધામાં દુખાવો


ઘૂંટણ, ઘૂંટી કે થાપાના સાંધામાં સોય ભોંકાય એવો દુખાવો થતો હોય તો એ વખતે વધુ કસરત કરવાનું ટાળવું. બની શકે કે ઘણી વાર સાંધાનું હાડકું ઘસાતું હોય અથવા તો ત્યાંનું ફ્લુઇડ ઘટી ગયું હોવાથી ઘર્ષણ વધી ગયું હોય. આવા સંજોગોને નજરઅંદાજ કરીને કસરત કરવાનું ચાલુ રાખવામાં આવે તો એને કારણે ઘૂંટણ કે થાપાના જૉઇન્ટ્સને બહુ મોટું નુકસાન થઈ શકે છે.

૬. ખૂબ જ થાકી ગયા હો

સ્ટ્રેસફુલ લાઇફને બૅલેન્સ્ડ બનાવવા માટે કસરત ખૂબ આવશ્યક છે, પરંતુ જ્યારે અતિશય થાકીને ઠૂસ થઈ ગયા હો ત્યારે કસરત કરવાનો આગ્રહ રાખો તો એ નુકસાનકારક છે. આખા દિવસમાં ૧૭ કલાક કામ કરીને થાકી ગયા હો પછી જિમમાં જઈને વર્કઆઉટ કરો તો એનાથી બૉડીને કોઈ જ ફાયદો નથી થતો, બલકે નુકસાન થાય છે. શરીર જ્યારે ફ્રી અને થકાન વિનાનું હોય ત્યારે જ કસરત કરવાથી ફાયદો થાય છે, નહીંતર સ્નાયુઓ વધુ થાકે છે અને વધુ સ્ટ્રેસ ફીલ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK