Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > છેલ્લે તમે તમારા ટાબરિયાનું આઈ ચૅક-અપ ક્યારે કરાવેલું?

છેલ્લે તમે તમારા ટાબરિયાનું આઈ ચૅક-અપ ક્યારે કરાવેલું?

20 December, 2019 02:51 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

છેલ્લે તમે તમારા ટાબરિયાનું આઈ ચૅક-અપ ક્યારે કરાવેલું?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ટીવી જોવામાં, વાંચવામાં કે કમ્પ્યુટર પર કામ કરવામાં અગવડ ન અનુભવીએ ત્યાં સુધી આપણે એવું જ માનીએ છીએ કે દૃષ્ટિમાં કોઈ ખામી નથી. આંખની તંદુરસ્તીને અવગણવાનો આ સૌથી

સરળ રસ્તો છે. આપણા દેશમાં આંખની તપાસમાં આળસ કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. માત્ર પોતાની જ નહીં સંતાનોની આંખોની તપાસમાં પણ પેરન્ટ્સ આળસ બતાવે છે એવો રિપોર્ટ સામે આવ્યો છે.



વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અહેવાલ અનુસાર ભારતના ૬૮ ટકા પેરન્ટ્સ પોતાનાં ૧૨ વર્ષથી નાની ઉંમરનાં સંતાનોની આંખોની નિયમિત ચકાસણીને ગંભીરતાથી લેતા નથી. આપણા દેશમાં માયોપિયાના દર વર્ષે અંદાજે એક કરોડ કેસ સામે આવે છે એમાંથી પચીસથી ત્રીસ ટકા કેસ બાળકોના હોય છે. માયોપિયા અસરગ્રસ્ત બાળકોની સંખ્યામાં ભયજનક વૃદ્ધિ થઈ રહી હોવાનું સામે આવ્યું છે.


ઉપરોક્ત સ્ટડી સાથે સહમત થતાં જસલોક હૉસ્પિટલના ઑપ્થેલ્મોલૉ‍જિસ્ટ ડૉ. જાહ‍્નવી મહેતા કહે છે, ‘નાનાં બાળકોની આંખોની તપાસ માટે જે સભાનતા અન્ય દેશોમાં જોવા મળે છે એવી આપણે ત્યાં જોવા મળતી નથી. વાસ્તવમાં બાળકોની આંખોનું સ્ક્રીનિંગ નાનપણમાં જ થવું જોઈએ. જન્મ વખતે કોઈ ખામી હોય એવા કેસને જુદી રીતે ટ્રીટ કરવો પડે. બાળકની આંખો નૉર્મલ હોય તો પણ ત્રણ વર્ષની ઉંમર પહેલાં એક વાર ચેકઅપ કરાવી લેવું જોઈએ. ત્રીસ ટકા કેસમાં ચશ્માંના નંબર બહુ નાની વયથી જ હોય છે. આપણને મોડી ખબર પડે છે. જો આંખમાં કોઈ નાની-મોટી તકલીફ જણાય તો સારવાર કરાવી શકાય. દૃષ્ટિ સહેજ પણ નબળી હોય તો દર ત્રણ મહિને એક વાર તપાસ થવી જોઈએ અન્યથા વર્ષમાં એક વાર ચકાસણી કરાવો તો ચાલે.’

સિગ્નિફાઇ ઇન્ડિયા દ્વારા ભારતનાં દસ મહાનગરમાં કરવામાં આવેલા એક સર્વેનો અહેવાલ કહે છે કે આંખની ઍલર્જી, ખરાબ દૃષ્ટિ અને માયોપિક વિઝન બાળકોમાં જોવા મળતાં સામાન્ય લક્ષણો છે. મેટ્રો સિટીના પેરન્ટ્સ પોતાનાં ૧૨ વર્ષથી નીચેની વયનાં સંતાનોને ૧૪ કલાક કૃત્રિમ પ્રકાશમાં રાખવાની ભૂલ કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં રહેતાં બાળકો સૂર્યપ્રકાશથી વંચિત રહે છે તેમ જ સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે તેથી તેમની દૃષ્ટિની ચકાસણીને અવગણવી ન જોઈએ એવું નિષ્ણાતો ભાર દઈને કહે છે. નબળી દૃષ્ટિના કારણે તેમની શૈક્ષણિક કારકિર્દી અને રોજિંદા જીવન પર અસર થાય છે. આ ઉપરાંત હવાના પ્રદૂષણના કારણે પણ બાળકોની આંખો નબળી પડી રહી છે એવું તારણ નીકળ્યું છે.     


આ સંદર્ભે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ડૉ. જાહ‍્નવી કહે છે, ‘બાળકોમાં માયોપિયા, હાઇપરોપિયા અને ઍમ્બ્લિયોપિયા કૉમન કન્ડિશન છે. માયોપિયામાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે જ્યારે દૂરના ઑબ્જેક્ટ જોવામાં તકલીફ પડે છે. પ્રકાશનાં કિરણો રેટિનાની અંદર આઇબૉલ પર કેન્દ્રિત થવાની જગ્યાએ સીધાં સામે પડે ત્યારે દૂરની વસ્તુ ઝાંખી દેખાય છે. એનાથી ઊલટું હાઇપરોપિયામાં દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જ્યારે નજીકની વસ્તુ ફોકસમાં આવતી નથી. સાદી ભાષામાં કહીએ તો માયોપિયા એટલે ચશ્માંના નંબર માઇનસમાં હોવા અને હાઇપરોપિયા એટલે કે ચશ્માંના નંબર પ્લસમાં હોવા. સ્કૂલ ગોઇંગ કિડ્સમાં રિફ્રેક્ટિંગ એરર મુખ્ય સમસ્યા છે.’

 આ બન્ને કન્ડિશન ઉપરાંત બાળકોમાં ઍમ્બ્લિયોપિયાનાં લક્ષણો સામાન્ય છે. આ કન્ડિશનમાં બહારથી તમારી આંખો સ્વસ્થ હોય એવો આભાસ થાય છે, પરંતુ કોઈ પણ વસ્તુને સ્પષ્ટપણે જોવાની ક્ષમતા હોતી નથી. આ પરિસ્થિતિ કોઈ રોગના કારણે અથવા વારસાગત હોઈ શકે છે. ઍમ્બ્લિયોપિયા મોટા ભાગે જિનેટિક હોય છે એમ જણાવતાં ડૉ. જાહ‍્નવી કહે છે, ‘આ ડિસઑર્ડર ખૂબ જ નાનપણથી જોવા મળે છે. એમાં મોટા ભાગે એક આંખ અસરગ્રસ્ત હોય છે. એને ત્રાંસી આંખ અથવા લેઝી આઇ કહી શકાય. ત્રાંસી આંખના લીધે નૉર્મલ વિઝ્યુઆલિટીમાં ઍક્યુરસી જોવા મળતી નથી. કેટલાક કેસમાં ચશ્માં પહેર્યા બાદ પણ પ્રારંભમાં જોવામાં તકલીફ થાય છે. જિનેટિક પ્રૉબ્લેમ હોય ત્યારે આંખની સાઇઝની સાથે સમસ્યા વધે છે. ચશ્માંના નંબરમાં વધ-ઘટ થયા કરે છે. કેટલાક સંજોગોમાં સર્જરી કરાવવાની જરૂર પડી શકે છે. આ ત્રણ કન્ડિશન ઉપરાંત નાનાં બાળકોમાં ગ્લુકોમા અને આઇ-કૅન્સરની શક્યતા રહેલી છે. ભારતમાં દર એક હજાર કેસમાંથી એક કેસ આંખના કૅન્સરનો હોય છે. દૃષ્ટિને લગતી તમામ ખામી દૂર કરી શકાતી નથી. જોકે સમયસર નિદાન થાય તો એને સર્જરી સુધી વાત પહોંચતી નથી.’

સૂર્યપ્રકાશને દૃષ્ટિ સાથે કંઈ લાગતુવળગતું નથી પણ આઉટડોર ઍક્ટિવિટીને અવગણવાથી બાળકોની આંખો નબળી પડે છે એ સાચું છે એવો અભિપ્રાય આપતાં ડૉ. જાહ‍્નવી ઉમેરે છે, ‘આઉટડોર ગેમ્સ માટે તમારા સંતાનોને મોટિવેટ કરતાં રહો. ઘરમાં બેઠાં બેઠાં તેઓ ટીવી કે કમ્પ્યુટરની સ્ક્રીન સામે રહે છે. જુદી-જુદી ઍક્ટિવિટીથી તેમની દૃષ્ટિ તેજ થાય છે. રહી વાત પૉલ્યુશનની તો એના લીધે આંખોને ખાસ નુકસાન થતું નથી. સમયાંતરે બાળકોની આંખનું એક્ઝામિનેશન થવું જોઈએ એટલી જાગરૂકતા એજ્યુકેટેડ પેરન્ટ્સે દાખવવી જોઈએ.’

દરેકે કરવી જોઇએ સરળ એક્સરસાઇઝ

પામિંગ : પામિંગ કરવા માટે એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ. ત્યાર બાદ બન્ને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસો. હથેળી ગરમ થાય એટલે હળવાશથી એને આંખો પર મૂકો. આમ કરવાથી આંખની ગરમી બહાર નીકળે છે. પ્રયોગ કરતી વખતે આંખ બંધ રાખો. આ એક્સરસાઇઝ જ્યારે સમય મળે ત્યારે દિવસમાં આઠ-દસ વખત કરો.

બ્લિન્કિંગ : આરામદાયક મુદ્રામાં એક જગ્યાએ બેસી દસથી બાર વખત ફટાફટ આંખો પટપટાવો. ત્યાર બાદ વીસ સેકન્ડ માટે આંખોને આરામ આપી ફરીથી આ પ્રયોગ કરો. દિવસમાં દસેક વાર આંખો પટપટાવવાથી આરામ મળશે.

ઝૂમિંગ : આપણે જે રીતે ફોટો અથવા ઇમેજને ઝૂમ કરીને (મોટો કરીને) જોઈએ છીએ એ જ રીતે આ એક્સરસાઇઝ કરવાની છે. ટેબલ પર કોઈ ઑબ્જેક્ટ મૂકી સામેની સાઇડ પાંચેક ફુટ દૂર ઊભા રહો. ઑબ્જેક્ટ પર દૃષ્ટિને સ્થિર કરો. ધીમે-ધીમે નજીક આવતાં જાઓ. ફરી દૂર જાઓ. પાંચથી સાત વાર રિપીટ કરો.

શિફ્ટિંગ : આમાં તમારા આઇબૉલ્સને એક દિશામાંથી બીજી દિશામાં ફેરવ્યા કરવાનું છે. પહેલાં જમણી પછી ડાબી બાજુ આઇબૉલ્સને ફેરવો. ત્યાર બાદ પહેલાં ડાબી બાજુ અને પછી જમણી બાજુ આઇબૉલ્સને ફેરવો. બન્ને બાજુ વારાફરતી આઇબૉલ્સને ફેરવ્યા કરવાથી આંખના સ્નાયુઓ વધુ સક્રિય બનશે તેમ જ બ્લડ-સર્ક્યુલેશનથી આંખો સ્વસ્થ થશે.

નોંધ : ઉપરોક્ત એક્સરસાઇઝ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે ફાયદાકરાક છે. નાનાં બાળકોને શરૂઆતથી કરાવશો તો તેમની દૃષ્ટિમાં ઝડપી સુધારો જોવા મળશે.

આટલી કાળજી લો

આંખમાં ગુલાબજળ છાંટવું, ઠંડા દૂધનાં ટીપાં નાખવાં, કાજળ આંજવું, શાહી લગાવવી જેવી જૂની પ્રથાઓને અનુસરવાનું બંધ કરો.

ઘણા લોકો નળ નીચે આંખો ખુલ્લી રાખી પાણી છાંટ્યા કરે છે. આમ કરવાથી કોઈ લાભ થતો નથી.

આંખના ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવેલાં આઇડ્રૉપ્સનો ઉપયોગ કરો. દરેકની આંખ માટે એકસરખાં આઇડ્રૉપ્સ નથી હોતાં એ ધ્યાનમાં રાખો.

આંખમાં ધૂળ-રજકણ કે જીવજંતુ પડે ત્યારે હળવેથી ઠંડા પાણી વડે આંખો ધોઈ લો. ત્યાર બાદ પણ લાલાશ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.

કાતર, છરી, ક્લિપ્સ જેવી ધારદાર વસ્તુ બાળકના હાથમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખો.

રાતના સમયે બાળકોને મોબાઇલ પર ગેમ્સ રમવાની અથવા ટીવી જોવાની પરમિશન ન આપો. ટીવી જોતાં જ હોય તો ટાઇમ લિમિટ બનાવો તેમ જ રૂમની લાઇટ ચાલુ રાખો જેથી આંખ પર સ્ટ્રેસ ઓછું પડે.

વીક-એન્ડ અને વેકેશન દરમ્યાન ખુલ્લા ઘાસ પર અથવા બગીચામાં આઉટડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરો.

લેઝી આઇ માટે વિઝન થેરપી અને એક્સરસાઇઝ પ્રોગ્રામ ઘણા કામ લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2019 02:51 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK