Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગરમી-ઠંડી-વરસાદવાળી મિક્સ-મસાલા ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું?

ગરમી-ઠંડી-વરસાદવાળી મિક્સ-મસાલા ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું?

11 November, 2019 02:29 PM IST | New Delhi
Sejal Patel | sejal@mid-day.com

ગરમી-ઠંડી-વરસાદવાળી મિક્સ-મસાલા ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


દેવદિવાળી વખતે પણ આટલો વરસાદ પડે એવું મુંબઈમાં ભાગ્યે જ બન્યું છે. આબોહવાનો આવો બદલાવ માત્ર મુંબઈમાં જ નહીં, સમગ્ર ભારત પર પડ્યો છે. વરસાદ મોડો આવ્યો અને આવ્યા પછી ખમૈયા કરવાનું જાણે નામ જ નથી લેતો. એને કારણે ત્રણેય ઋતુ એક જ સમયે ચાલતી હોય એવો આભાસ થાય છે. કમોસમી વરસાદે જેમ ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું છે એમ એ અજાણપણે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં તો દરેક તહેવારની ઊજવણીમાં જે-તે ઋતુની આગવી વિશેષતાઓ રહી છે, જોકે એમાં હવે બદલાવ લાવવો પડશે એવું લાગી રહ્યું છે. 

ઋતુઓની ગરબડ
ભારતીય ઋતુચક્ર અને એના હિસાબે પૌરાણિક કાળથી ચાલી આવતી ઋતુચર્યા વિશે સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘સામાન્ય રીતે આપણે ત્યાં છ ઋતુઓ હોય છે. બે ઋતુ ઠંડીની સીઝનની, બે ઉનાળાની અને બે ચોમાસાની. આયુર્વેદમાં આ છએ ઋતુમાં કેવો ખોરાક લેવો અને કેવી રીતે રહેવું એનું વિસ્તૃત વર્ણન છે. એનું કારણ એ છે કે આ છ ઋતુ દરમ્યાન વાતાવરણમાં અને શરીરમાં રહેલા ત્રણેય દોષોમાં ઊથલપાથલ થાય છે. ભોજન અને જીવનશૈલી દ્વારા તમે એ ત્રણેય દોષોને સંતુલિત રાખી શકો છો. બીજું, જેમ છ ઋતુઓ છે એમ છએ ઋતુઓના જોડાણનો સમય પણ બહુ ક્રિટિકલ કહેવાય છે. ખાસ કરીને ઠંડકમાંથી ગરમીમાં, ગરમીમાંથી વર્ષામાં અને વર્ષામાંથી ફરી ઠંડક લાવતી ઋતુઓને જોડતા કાળને ઋતુસંધિકાળ કહે છે. આયુર્વેદમાં દરેક સંધિકાળ વખતે સ્વસ્થ રહેવાની ગાઇડલાઇન પણ આપેલી છે. સંધિકાળ મોટા ભાગે બે ઋતુઓનો જ હોય. એક જાય અને બીજી આવે. જોકે હાલમાં વર્ષા, શરદ અને ગ્રીષ્મ એમ ત્રણેય ઋતુઓ જેવું વાતાવરણ બની રહ્યું છે. એને વિષમ ઋતુ કહેવાય. વિષમ ઋતુ પણ કંઈ આ પહેલીવારની નથી. આયુર્વેદમાં આવી વિષમ ઋતુ માટે પણ નિશ્ચિત ચર્યા સૂચવવામાં આવી છે.’
એક જ દિવસમાં ત્રણ ઋતુ
એક જ દિવસમાં જુદા-જુદા સમયે વર્ષા, શરદ અને ગ્રીષ્મ એમ ત્રણેય સીઝનનાં લક્ષણો દેખા દેતા હોય ત્યારે આહાર-વિહાર કેવો રાખવો એ થોડુંક ટ્રિકી થઈ જાય છે. સવારે મસ્ત ખુશનુમા ઠંડક હોય, બપોર પડતાં જ ઉકળાટ અને ગરમી સહી ન શકાય એવી હોય અને સાંજ પડતાં માવઠું આવી જાય. રાતે પણ એટલો વરસાદ પડ્યો હોય કે એની ઠંડક વહેલી સવાર સુધી વર્તાય. આવી વિષમ ઋતુમાં શું કરવું જોઈએ એની સમજણ આપતા ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આ સીઝનમાં સ્વાસ્થ્યની જાળવણી માટે ત્રણેય ઋતુની પરેજી પાળવી જરૂરી છે. મતલબ કે ત્રણેય ઋતુમાં જે ચીજો વર્જ્ય માનવામાં આવી છે એ તમામ ધ્યાનમાં રાખવું. જેમ કે વર્ષા ઋતુ હોય તો પાણીમાં પલળવું નહીં, પલળ્યા હો તો ઝડપથી કોરા થઈ જવું. લીલા પાનવાળી શાકભાજી ઓછી ખાવી અને બને ત્યાં સુધી મગ અને કઠોળ વધુ લેવાં. ગરમ કરેલી ન હોય એવી સાદી કાચી ચીજો ન ખાવી. શરદ ઋતુ પિત્ત અને કફની વિકૃતિ લાવનારો ગણાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ શરદ ઋતુમાં માંદો નથી પડતો એનું સ્વાસ્થ્ય સારું હોય છે. આ સીઝનમાં સૌથી વધુ ઇન્ફેક્શન્સ ફેલાય છે. આ ઋતુમાં બરફવાળી ચીજો વર્જ્ય છે. ડાયરેક્ટ પવન મોં-કાન અને નાક પર પડવા દેવો નહીં. ડીપ ફ્રાઇડ, માવાની મીઠાઈઓ અને પચવામાં ભારે એવી મેંદા-ખાંડવાળી ચીજો ન ખાવી. એ જ રીતે ગ્રીષ્મમાં વધેલા તાપથી બચવું. ડાયરેક્ટ આકરો તડકો ન લેવો. લૂ ન લાગે એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર તેમ જ ડિહાઇડ્રેશન ન થાય એ માટે ગોળનું પાણી, કોકમ-વરિયાળીનું શરબત લેવું જોઈએ. ઉનાળામાં કડવાણી પણ લેવી જરૂરી છે. તીખું, તળેલું, અથાણું, પાપડ અને અપચો કરે એવી ભારે ચીજો ન લેવી જોઈએ. આ થઈ ત્રણ અલગ-અલગ ઋતુની પરેજી. હવે જ્યારે એક જ દિવસમાં ત્રણેય ઋતુઓનું મિશ્રણ થતું હોય ત્યારે પહેલાં કહ્યું એમ જે ચીજો નથી કરવાની એનું ખાસ ધ્યાન રાખવાનું. અમુક ઋતુમાં જે ચીજો ખાવી જોઈએ એવું કહેવાય છે એમાં પણ તમે કયા સમય-કાળમાં ખાઓ છો એનું ધ્યાન રાખવું. વિષમ ઋતુમાં સ્વસ્થ રહેવું હોય તો આહાર, વિહાર અને મનોવ્યાપાર ત્રણેયમાં કાળજી મસ્ટ છે.’
વિષમ ઋતુના રોગો
જ્યારે મોસમ કન્ફ્યુઝ હોય ત્યારે અચાનક બદલાતા તાપ-ટાઢ અને વરસાદને કારણે બૉડી પણ કન્ફ્યુઝ થઈ જાય છે. બહારના તાપમાન સાથે બૉડીનું આંતરિક તાપમાન જાળવી રાખવાની જદ્દોજહદમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે એમ સમજાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આ સીઝનમાં સૌથી વધુ ઇન્ફેકશન લાગે છે. માખી-મચ્છરના વ્યાપને કારણે મલેરિયા અને ડેન્ગી જેવી તકલીફો હોય. રોગ પ્રતિકારકશક્તિ સહેજ નબળી પડે તો ફ્લુ, શરદી, ખાંસી અને ફેફસાંમાં કફ ભરાવાની તકલીફો થાય. એમાં પાછું પૉલ્યુશન ભળ્યું છે એને કારણે ઍલર્જિક રીઍક્શન્સ પણ થઈ શકે છે. પાચનક્ષમતા નબળી પડવાને કારણે ઝાડા, ઊલટી, ગૅસ્ટ્રો અને ડિસેન્ટ્રી જેવી તકલીફો આસાનીથી થઈ જઈ શકે છે.’
આ સીઝન એવી છે કે એમાં સહેજ ગફલત રાખો તો શરદી-કફ, તાવ, ફ્લુ અને ઇન્ફેક્શન્સ તરત જ થઈ જાય છે.



ક્યા કરે, ક્યા ના કરે?
આ સીઝનમાં સૌથી પહેલાં તો રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવવી જોઈએ. એ માટે સવારે ઊઠીને નવશેકું ગરમ પાણી અને ચપટીક હિંગ જેટલી સૂંઠ નાખીને લેવી જોઈએ.
નાકમાં રાતે સૂતી વખતે તેલ કે ગાયના ઘીનું ઊંજણ પૂરવું. દિવસ દરમ્યાન પણ એક-બે વાર તેલ-ઘીવાળી આંગળી અંદર ફેરવી લેવી. તલનું તેલ, કોપરેલ તેલ, ગાયનું ઘી કંઈ પણ ચાલે. જો તમે અણુ તેલ, પંચેન્દ્રિયવર્ધક તેલ, પંચગવ્ય ઘૃત જેવી ઔષધીય સ્નિગ્ધતા વાપરશો તો વિશેષ લાભ થશે. અણુતેલ નાકમાં ઊંજવાથી છીંકો આવીને નાકનો પૅસેજ સાફ થઈ જાય છે.
ડિટૉક્સિફિકેશન આ સીઝનમાં મસ્ટ છે. શરીરમાં દોષોની જમાવટ ન થાય અને શરીરમાં દોષોનો ભરાવો ન થાય એ માટે રોજ એક ઉકાળો જરૂર પીવો. આદું, ફુદીનો, લીલી ચા, તુલસીને ઉકાળીને એમાં ગોળ અથવા ખડીસાકર નાખવી. આ પીણું સહેજ કોકરવરણું થાય એટલે એમાં લીંબુ નીચોવીને પીવું. સવારે નરણા કોઠે આ પીણું રોજ પીવું. એમાં વપરાતી તમામ ચીજો રોગપ્રતિકારક ક્ષમતા વધારનારી છે. પિત્ત અને કફજન્ય દોષ એનાથી સાફ થાય છે.
પાચનક્ષમતા બરાબર જળવાય એ માટે ખાધેલું બરાબર પચે, મળનું સારણ થાય અને ભૂખ લાગે એ ત્રણ લક્ષણો મહત્ત્વનાં છે. પાચન માટે આ સીઝનમાં જમ્યા પછી પંચકોલાસવ પાણીમાં મેળવીને લઈ શકાય. એ સિવાય ૧ લીટર પાણીમાં પાંચ ગ્રામ ત્રિકટુ નાખીને ઉકાળી લેવું. આ પાણી ઠારીને અને ગાળીને થોડું-થોડું આખા દિવસ દરમ્યાન પીધા રાખવું. એનાથી ભૂખ ઉઘડશે અને ખાધેલું
ઝટપટ પચશે.
ફુદીનો, આદું, લીંબુ, જીરું જેવી
ચીજોનો ભોજન બનાવવામાં પણ વિશેષ ઉપયોગ કરવો.
તાપમાનમાં ઇન્સ્ટન્ટ બદલાવ ન કરવો. ખૂબ તડકામાં ફરીને ડાયરેક્ટ ચિલ્ડ ઍરકન્ડિશનરમાં ન બેસવું. ઠંડો પવન અથવા તો ગરમ તડકો કશું જ
માથા-કાનમાં ન જાય એનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી બહાર ફરતી વખતે નાક-મોં અને કાનને સૉફ્ટ સુતરાઉ કપડાંથી પ્રોટેક્ટ કરી રાખવાં.
ઘરે બનાવેલું તાજું અને ગરમાગરમ ખાવાનું જ ખાઓ. ઠંડું પડી ગયેલું અથવા તો ક્યારેય ગરમ જ ન થયેલું હોય એવું ન ખાવું. જેમ કે ચટણી અને સૅલડ. સવારે રાંધેલું સાંજે અને રાતે રાંધેલું બીજા દિવસે સવારે એમ વાસી ખાવાનું ન લેવું.
રાતના સમયે પૂરતી નિદ્રા લેવી. દિવસે ઊંઘવું નહીં. મોડી રાતના ઉજાગરા કરીને મોડેથી ઊઠવાની આદત રોગપ્રતિકારક શક્તિ નબળી પાડનારી છે.
- ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદ નિષ્ણાત


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 02:29 PM IST | New Delhi | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK