લાંબા સમય પછી ઇચ્છા જાગે પણ સંભોગમાં પીડા થાય તો એ માટે શું કરવું?

Published: Sep 17, 2020, 10:21 IST | Dr.Ravi Kothari | Mumbai

પીડા થશે એની ચિંતા અથવા તો લાંબા ગૅપને કારણે કંઈક તકલીફ થશે તો એવી ઍન્ગ્ઝાયટીને કારણે તમને મન થતું હોય છતાં તમે આગળ વધતાં અચકાતાં હો એવું તો નથીને?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૬૪ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૫૯ વર્ષની છે. મને થોડાક સમય પહેલાં લિવરની સર્જરી કરાવી હતી. કૉલેસ્ટરોલ વધુ રહેતું હોવાથી સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરું છું. ઇન્સ્યુલિન ન લઉં તો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં નથી રહેતો. પત્ની સાત વર્ષ પહેલાં મેનોપૉઝમાં આવી ગઈ છે. મારી માંદગીની રિકવરીમાં લગભગ સવા વર્ષ ગયું અને એ દરમ્યાન અમે જાતીય જીવનમાં સંપૂર્ણ વિરામ લીધો હતો. હવે અમે સમાગમ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે તેને સમાગમ વખતે ખૂબ પીડા થતી હોવાથી તે સંભોગ કરવાનું ટાળતી. એને કારણે હવે બધું જ બરાબર હોવા છતાં ફિઝિકલ ઇન્ટિમસી નથી થતી. હવે થોડીક મસ્તી કરી લઈએ છીએ, પણ સમાગમ કરવાનું નથી બનતું. મહિનામાં એકાદ વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. આટલા લાંબા સમય પછી ઇચ્છા જાગે એ માટે શું કરવું?
જવાબ-કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. ઇચ્છા પરાણે પેદા નથી કરી શકાતી. હા, ઇચ્છા થાય તો સમાગમ શક્ય કઈ રીતે બનાવવો એ માટે સપોર્ટિવ ચીજો જરૂર શોધાઈ છે. તમારા કેસમાં જરાક જુદી રીતે વિચારવું જોઈએ. પીડા થશે એની ચિંતા અથવા તો લાંબા ગૅપને કારણે કંઈક તકલીફ થશે તો એવી ઍન્ગ્ઝાયટીને કારણે તમને મન થતું હોય છતાં તમે આગળ વધતાં અચકાતાં હો એવું તો નથીને?
તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો. એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે મુક્તપણે મસ્તી કરી શકશો. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. એવા સમયે કોપરેલ તેલ વાપરી શકાય. જરૂરી નથી કે તમે ફિઝિકલ ઇન્ટિમસી માણીને જ સંતુષ્ટ થાઓ, પાછલી વયમાં સહવાસની હૂંફ પણ ખૂબ જ અદ્ભુત હોય છે. એને માણશો તોય મજા આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK