કેટલી હોવી જોઈએ છોકરીઓની લગ્નની ઉંમર? ૧૮ કે ૨૧?

Published: 30th June, 2020 19:29 IST | Varsha Chitaliya | Mumbai

મૅરેજની એજ રિવાઇઝ્ડ કરવા વિશે લોકોમાં મતમતાંતર પ્રવર્તે છે ત્યારે જુદા-જુદા કાર્યક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોના અભિપ્રાયો જાણીએ

નાની ઉંમરે માતૃત્વ ધારણ કરવાનાં તબીબી જોખમો, શારીરિક અને માનસિક અપરિપક્વતા તેમ જ સાક્ષરતા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભારત સરકાર ૧૯૭૮ના શારદા ઍક્ટમાં સુધારણા લાવી લગ્ન માટેની હાલની કાયદાકીય વય અઢારમાંથી એકવીસ વર્ષ કરવાનું વિચારી રહી છે. મૅરેજની એજ રિવાઇઝ્ડ કરવા વિશે લોકોમાં મતમતાંતર પ્રવર્તે છે ત્યારે જુદા-જુદા કાર્યક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોના અભિપ્રાયો જાણીએ

વર્ષ ૨૦૨૦-૨૧ના ફેબ્રુઆરી મહિનામાં અંદાજપત્રના ભાષણ વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ છ મહિનાની અંદર ૧૯૭૮ના શારદા ઍક્ટમાં સુધારણા લાવી ભારતીય છોકરીઓની લગ્નની કાયદાકીય વય ૧૮માંથી ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં આ કાયદામાં સુધારણા લાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી ઉચ્ચ સ્તરની આ સમિતિ જુલાઈના અંત સુધી પોતાની ભલામણો રજૂ કરશે.   

સવાલ એ થાય કે ઉપરોક્ત સમિતિની રચના કરવાનો હેતુ શું? યુનિસેફના અહેવાલ અનુસાર ભારતમાં નાની વયે લગ્ન કરતી છોકરીઓમાં અનિચ્છનીય ગર્ભાવસ્થા, માતા અને બાળકમાં કુપોષણ, જાતીય રોગો અને પ્રજનનને લગતી સમસ્યાઓના કારણે વીસ વર્ષની વય પહેલાં માતા બનનારી મહિલાઓમાં મૃત્યુદર ઘણો ઊંચો છે. યુનિસેફના ડેટા પ્રમાણે આજે પણ ભારતમાં ૨૭ ટકા છોકરીઓનાં લગ્ન ૧૮ વર્ષે થઈ જાય છે. આપણો દેશ જેમ-જેમ વિકાસ કરે છે મહિલાઓ માટે પ્રગતિના માર્ગો ખૂલતા જાય છે. તેમની હેલ્થ, ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકો વિશે સમયાંતરે ચર્ચા થતી રહે છે ત્યારે કાયદાકીય સુધારણા આવશ્યક છે એવું સરકારનું માનવું છે. જોકે આ સંદર્ભે નિષ્ણાતોમાં મતમતાંતર પ્રવર્તે છે. શું છોકરીઓની લગ્નની ઉંમર વધારવાની જરૂર છે? વિવિધ કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું શું માનવું છે એ જાણીએ.

એકવીસ વર્ષ કરવાથી છોકરીઓ પર અંકુશ વધશે - સોનલ શુક્લ, લેખિકા અને સમાજસેવિકા

અઢાર વર્ષે મતાધિકારનો અધિકાર આપ્યો છે તો પરણવાની ઉંમરમાં સુધારણા કાયદો લાવવાની શું આવશ્કતા છે? તમારે છોકરીઓને હજી વધુ વર્ષ મા-બાપના કડક અંકુશમાં રાખવી છે? આવો સણસણતો સામો પ્રશ્ન કરતાં સોશ્યલ ઍક્ટિવિસ્ટ સોનલ શુક્લ કહે છે, ‘અત્યારે અઢાર વર્ષ સુધી છોકરીઓ તેમનાં મા-બાપની નજર હેઠળ રહે છે. જો લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવશે તો તેમના પર પાબંદી વધશે. અઢાર વર્ષની ઉંમરમાં છોકરીઓ મૅચ્યોર્ડ ન હોય એવી વાત કરો છો તો હું પૂછું છું કે શું રાતના બાર વાગ્યે એકવીસ વર્ષની થતાં જ તેનામાં પરિપક્વતા આવી જવાની છે? પરિપક્વતાની વ્યાખ્યા જુદી છે. ઘણી વાર પચીસ વર્ષની છોકરીઓમાં પરિપક્વતા જોવા નથી મળતી અને પંદર વર્ષની છોકરીઓ સમજદાર હોય છે. મારા મતે હાલમાં જે કાયદો છે એ જ રહેવા દો. આપણા દેશમાં સરેરાશ માતા બનવાની ઉંમર ઓગણીસ વર્ષ છે એનાં જુદાં કારણો છે. છોકરીઓને પોતાની જાતે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવતી નથી પરિણામે તેમને ભોગવવું પડે છે. કાયદામાં સુધારણા લાવવા કરતાં છોકરીઓ પોતાના જીવનનો સાચો નિર્ણય લઈ શકે એવી ટ્રેઇનિંગ આપવાની જરૂર છે. તેમને બંધનમુક્ત કરો અને સક્ષમ બનાવવાની દિશામાં કામ કરો. કઈ ઉંમરે લગ્ન કરવાં છે અને માતા બનવાનો સાચો સમય તેમને જાતે નક્કી કરવા દો. બીજું એ કે આજે છોકરીઓના શરીરમાં હૉર્મોનલ ચેન્જિસની ઉંમર ઘટી છે. અમેરિકામાં સોળ વર્ષે લગ્ન કરી શકાય છે. જો ત્યાંની સરકાર આવી પરવાનગી ન આપે તો ગેરકાયદેસર બાળકોની સંખ્યા વધી જાય. કાયદામાં સુધારણા લાવતાં પહેલાં આ બાબત વિચારવું જોઈએ.’

અર્લી એજ મૃત્યુદર ઘટાડવા એકવીસ વર્ષનો કાયદો યોગ્ય છે - ડૉ. સપના ચૌધરી જૈન, ગાઇનેકોલૉજિસ્ટ

મેડિકલ ફ્રૅટર્નિટી પહેલેથી જ મૅરેજ એજ વધારવાની તરફેણમાં છે. ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સપના ચૌધરી આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘ભારતમાં માતા બનનારી દર સો મહિલાઓમાંથી સિત્તેર મહિલાની ઉંમર વીસ વર્ષ હોય છે. નાની ઉંમરે ગર્ભ રહેતાં માતા અને બાળક બન્નેના જીવનું રિસ્ક વધી જાય છે. લગ્નની ઉંમર એકવીસ કરવામાં આવશે તો અર્લી એજ પ્રેગ્નન્સીનો મૃત્યુદર ઘટી જશે. તબીબી વિજ્ઞાન પ્રમાણે રીપ્રોડક્ટિવ સિસ્ટમ માટે છોકરીનું શરીર વીસ વર્ષે તૈયાર થાય છે. આ પહેલાં માતા બનનારી મહિલાઓમાં એનીમિયાની બીમારીનું જોખમ રહે છે. આપણા દેશમાં મહિલાઓમાં એનીમિયાનું પ્રમાણ ખૂબ ઊંચું છે. એનીમિયા, હીમોગ્લોબિનની ઊણપ, સુવાવડ સમયે મોટા પ્રમાણમાં રક્તસ્રાવ, યુરિનરી ટ્રૅક્ટ, હાઈ બ્લડ-પ્રેશર અને અન્ય કૉમ્પ્લીકેશનના લીધે માતાનું મૃત્યુ થઈ જાય છે. નાની ઉંમરે ગર્ભ રહેવાથી પ્રી-મૅચ્યોર્ડ ડિલિવરીના ચાન્સિસ વધી જાય છે જેમાં બાળકના જીવનું જોખમ રહે છે. આ સિવાય પેરન્ટિંગનો મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ. પેરન્ટિંગ ડિફિકલ્ટ જૉબ છે. અઢાર-ઓગણીસ વર્ષની છોકરીમાં બાળકને ઉછેરવાની માનસિક તૈયારી હોતી નથી. જોકે મેટ્રો સિટીમાં લેટ મૅરેજનો ટ્રેન્ડ જે રીતે વધી રહ્યો છે એ ખોટો છે. લેટ પ્રેગ્નન્સીમાં પણ એટલાં જ કૉમ્પ્લીકેશન્સ આવે છે. ૨૨થી ૩૨ વર્ષની વચ્ચે ફૅમિલી કમ્પ્લીટ થઈ જવું જોઈએ. મેડિકલ કન્ડિશન ઉપરાંત સોશ્યલ ઇશ્યુને ધ્યાનમાં રાખી લગ્નની ઉંમરમાં સુધારણા કાયદો લાવવાની તાકીદે જરૂર છે. નાની ઉંમરમાં પરણાવી દેવાથી તેઓ ઇકૉનૉમિકલી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકતી નથી. છોકરીઓ પગભર હોય તો એનો આત્મવિશ્વાસ વધે છે. મૅરેજની એજ એકવીસ વર્ષ કરવાનો વિચાર મારી દૃષ્ટિએ બધી રીતે યોગ્ય છે.’

સુધારણા કાયદાની અસરમાં સમાનતા નહીં દેખાય - નીરુ છેડા, રિલેશનશિપ કાઉન્સેલર ઍન્ડ સાઇકોલૉજિસ્ટ

સામાન્ય રીતે ભારતના મેટ્રો સિટીની છોકરીઓ એકવીસ વર્ષે પણ લગ્ન કરતી નથી. તેથી તેમને આવા કાયદાની અસર નહીં થાય એવો મત વ્યક્ત કરતાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર નીરુ છેડા કહે છે, ‘મેટ્રો સિટીમાં રહેતા પેરન્ટ્સ છોકરીઓને ગ્રૅજ્યુએશન પહેલાં પરણાવતા નથી. જોકે અહીં પણ કેટલાક કલ્ચરમાં છોકરીને પરણાવી દેવાની ઉતાવળ કરનારા પેરન્ટ્સ છે. જો એકવીસ વર્ષનો કાયદો થઈ જશે તો શહેરમાં રહીને આગળ ભણવા માગતી છોકરીઓને ઘણો લાભ થશે. હાલની અઢારની વયને એકવીસ કરવાનો વિચાર કરતાં પહેલાં ગ્રામીણ વિસ્તારની છોકરીઓ માટે તકો ઊભી કરવી પડશે. ગામડાઓમાં કૉલેજો નથી. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ પેરન્ટ્સ છોકરીઓને આગળ ભણવા શહેરમાં મોકલતા નથી. ૧૪-૧૫ વર્ષની ઉંમરથી તેઓ ઘરમાં હોય છે. મા-બાપ બીજાં ત્રણ વર્ષ દીકરીને ઘરમાં બેસાડીને શું કરશે? સુધારણા કાયદાની અસર બન્ને જગ્યાએ જુદી પડશે. સુધારો લાવતા પહેલાં સરકારે ગ્રામીણ વિસ્તારની છોકરીઓ માટે વોકેશનલ કોર્સ, હાયર એજ્યુકેશન અને રોજગારની વ્યવસ્થા કરવી પડશે. છોકરીઓને ખુલ્લું આકશ મળશે તો તેઓ આત્મર્નિભર બનશે. લગ્ન અને માતૃત્વ વિશે તેઓ પોતાની જાતે નિર્ણય લઈ શકે એ માટે અવકાશ આપો. જો આ બધું ન કરી શકો તો કાયદો સુધારવાનો અર્થ નથી. નાની વયે માતા બનવામાં જોખમ છે એ બાબત તબીબો સાચા છે. પેરન્ટિંગ અઘરું છે. ઓગણીસ-વીસ વર્ષની ઉંમરમાં તમે સંતાનને ઉછેરવા માટે સક્ષમ નથી હોતા, પરંતુ શહેર અને ગ્રામીણ વિસ્તારની છોકરીઓ વચ્ચે સરખામણી ન થાય. મારા મતે અન્ય પડકારો વિશે પહેલાં વિચારવું જોઈએ.’

વાત શારીરિક પરિપક્વતાની નહીં, મેન્ટલ મૅચ્યોરિટીની છે - ડૉ. શ્યામ મિથિયા, સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સ્યુઅલ મેડિસિન નિષ્ણાત

સોશ્યલ મીડિયા અને સ્માર્ટફોનના યુગમાં ભારતનાં મહાનગરોથી લઈ નાનાં ગામડાંમાં રહેતી છોકરીઓને નાની ઉંમરથી સેક્સનું જ્ઞાન હોય છે. ગર્ભાવસ્થા ન રહે એ માટે કેવી તકેદારી રાખવાની છે અને કયાં સાધનો વાપરવાનાં છે એની સમજણ સામાન્ય રીતે બધી છોકરીઓ ધરાવે છે તેમ છતાં લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવી જ જોઈએ એવું ભારપૂવર્ક જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સ્યુઅલ મેડિસિન એક્સપર્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘સેક્સ જેવી ઍક્ટિવિટીમાં ક્યારે ઇન્વૉલ્વ થવું છે એ પર્સનલ ચૉઇસ છે. લગ્નની ઉંમરમાં કાયદાકીય સુધારણા લાવવા પાછળનો હેતુ શારીરિક પરિપક્વતા નહીં, મેન્ટલ મૅચ્યોરિટી છે. નાની ઉંમરમાં પરણાવી દેવાથી માનસિક તૈયારી ન હોવા છતાં છોકરીઓએ ફરજિયાતપણે શારીરિક સંબંધો બાંધવા પડે છે એટલું જ નહીં, માતા પણ બનવું પડે છે. બધા કરે છે એટલે મારે કરવાનું છે આ બાબત તેમને હતાશ કરે છે. હતાશા અને સંતાનને ઉછેરવાની જવાબદારીથી સ્ટ્રેસ વધે છે. નાની વયે માતા બનનારી મહિલાઓમાં મૃત્યુદર ઉપરાંત ડિપ્રેશનનું લેવલ ઘણું હાઈ હોય છે. રુલર એરિયામાં એજ્યુકેશન માટેના વિકલ્પો નથી. પરિણામે દીકરીને ઇચ્છા ન હોય તોય પેરન્ટ્સ પરણાવી દે છે. મા-બાપને લાગે છે કે સારું માગું આવ્યું છે તો જવાબદારીમાંથી છૂટી જઈએ. ત્રણ વર્ષ ઘણો લાંબો સમય કહેવાય. આ દરમિયાન સરકારે છોકરીઓને માતૃત્વ અને બાળઉછેર વિશેની સમજણ આપવાની દિશામાં પ્રયાસો કરવા પડશે. એજ્યુકેશન અને જાગરુકતા વધતાં મોર્ટાલિટીનું પ્રમાણ ઘટી જશે. સરકારે ચાર પગલાં આગળ અને ચાર પગલાં પાછળ એમ બન્ને દિશામાં વિચારી કાયદામાં સુધારો લાવવો જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK