Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તનના ઘાની જેમ જ મનના ઘાને પણ ઓળખો અને સત્વરે ટ્રીટ કરો

તનના ઘાની જેમ જ મનના ઘાને પણ ઓળખો અને સત્વરે ટ્રીટ કરો

13 October, 2020 03:11 PM IST | Mumbai
Taru Kajaria

તનના ઘાની જેમ જ મનના ઘાને પણ ઓળખો અને સત્વરે ટ્રીટ કરો

ઇમોશનલ ઘાવ ભરવાની રીત માણસે-માણસે જુદી હોઈ શકે

ઇમોશનલ ઘાવ ભરવાની રીત માણસે-માણસે જુદી હોઈ શકે


શરીરની જેમ જ મનના સ્વાસ્થ્યમાં પણ ક્યારેક ખાડો પડે અને એને પણ જાળવવાનું હોય એ વિભાવના જ આપણામાં કેળવાઈ નથી. છેલ્લાં થોડાં વરસોથી એ અભિગમમાં ફેર પડ્યો છે અને માનસિક આરોગ્યને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા તરફની દૃષ્ટિ ખૂલી રહી છે. આમ છતાં કોઈ ડાયાબિટીઝનો દરદી જેમ નિઃસંકોચ પોતાના ડૉક્ટર પાસે જાય છે એ રીતે કોઈ માનસિક બીમારી ધરાવતો દરદી પોતાના ડૉક્ટર પાસે જઈ શકતો નથી. મનના છાને ખૂણે એ પોતાની માંદગી બાબત એક પ્રકારનું જાણે ગિલ્ટ અનુભવે છે, ક્ષોભ અનુભવે છે.

ગયા શનિવારે ‘વિશ્વ માનસિક આરોગ્ય દિન’ હતો. છેલ્લા સાત-આઠ મહિનાથી વિશ્વ અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. માનવીનાં તન-મનને એણે પીંખી નાખ્યાં છે. કેટલાય પરિવારોએ પોતાના વહાલા સ્વજનોને ગુમાવ્યા છે, પોતાના પેટ્સને ગુમાવ્યા છે, જૉબ્સ ગુમાવ્યા છે. કેટલીય આત્મવિશ્વાસથી છલકતી જિંદગીઓમાંથી સલામતીની બાદબાકી થઈ ગઈ છે. એનું સ્થાન ડર, અસલામતી અને ભવિષ્યની અંધકારમય આશંકાએ લઈ લીધું છે. અનેક-અનેક લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે અને એટલે જ માનસિક આરોગ્યની જાળવણી વિશે જાગૃતિની આજે જેટલી જરૂર છે એટલી કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી. પણ આ વિશે વાત કરતાં પહેલાં આપણે જાતને એક સવાલ પૂછવા જેવો છે : આપણે મનના આરોગ્યને કદી તન (શરીર, દેહ)ના આરોગ્ય જેટલી ગંભીરતાથી લીધું છે? ‘મને તાવ જેવું લાગે છે, શરીર દુખે છે કે ફ્લુ જણાય છે’ એમ કોઈ કહે તો આપણે તરત કહીએ કે ભાઈ (કે બહેન) ડૉક્ટરને બતાવ કે દવા કર. પણ જો કોઈ કહે કે ‘મને ક્યાંય ગમતું નથી, મને બહુ લો ફીલ થાય છે કે રડવું આવે છે’ તો આજુબાજુવાળા બધાય ‘અરે, એ બધા નકારાત્મક વિચારોને મનમાંથી કાઢી નાખ’, ‘બી પૉઝિટિવ’, ‘તને કંઈ નથી થયું’, ‘બધા ખોટા-ખોટા વિચારો ન કર’... આવી સૂંડલો ભરીને શિખામણો લઈને તેના પર તૂટી પડે. ત્યારે કોઈને એ નથી સમજાતું કે તેના મનનું સ્વાસ્થ્ય બરાબર નથી. કોઈને તેને એમ કહેવાનું નથી સૂઝતું કે તમે કોઈ સાઇકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. શરીરની જેમ જ મનના સ્વાસ્થ્યમાં પણ ક્યારેક ખાડો પડે અને એને પણ જાળવવાનું હોય એ વિભાવના જ આપણામાં કેળવાઈ નથી. વરસો સુધી આપણે ત્યાં મનની માંદગી કે માનસિક બીમારી એ તો જાણે પાગલપણ એવી વિચિત્ર વૃત્તિ પ્રવર્તતી હતી. છેલ્લાં થોડાં વરસોથી એ અભિગમમાં ફેર પડ્યો છે અને માનસિક આરોગ્યને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા તરફની દૃષ્ટિ ખૂલી રહી છે. આમ છતાં કોઈ ડાયાબિટીઝનો દરદી જેમ નિઃસંકોચ પોતાના ડૉક્ટર પાસે જાય છે એ રીતે કોઈ માનસિક બીમારી ધરાવતો દરદી પોતાના ડૉક્ટર પાસે જઈ શકતો નથી. મનના છાને ખૂણે એ પોતાની માંદગી બાબત એક પ્રકારનું જાણે ગિલ્ટ અનુભવે છે, ક્ષોભ અનુભવે છે. 



અમેરિકાની ઑરેગોન યુનિવર્સિટીની અઢાર વર્ષની વિદ્યાર્થિની હેઇલી હાર્ડકૅસલ માનસિક સ્વાસ્થ્યની હિમાયતી છે. તેના અને તેના મિત્રોના માનસિક આરોગ્ય વિશે જાગૃતિ પ્રસારવાના પ્રયાસોના પરિણામે ઑરેગોન રાજ્યમાં એક ખરડો પસાર થયો છે જે વિદ્યાર્થીઓને માનસિક આરોગ્યની જરૂરિયાત માટે સ્કૂલમાંથી અમુક દિવસ રજા લેવાની સવલત આપે છે. ‘મેન્ટલ હેલ્થ ડેઝ ઑફ’ની આ સવલતનો લાભ હેઇલી નાની હતી ત્યારથી તેની સ્કૂલમાં મળતો હતો. તે છ વર્ષની હતી ત્યારથી તેને માનસિક આરોગ્યની સમસ્યાનું નિદાન થયેલું. એ ઉંમરે તે દર સેમેસ્ટરમાં મેન્ટલ હેલ્થ ડેઝ નિમિત્તે ત્રણ રજા લઈ શકતી. હેઇલી નાની હતી ત્યારે તેને દરેક વાતની બહુ ચિંતા થતી. બીજાં બાળકોને જેમાં કંઈ જ ડર કે ચિંતા ન થાય એવી બાબતોમાં હેઇલીને ચિંતા થયા કરતી. તેના ટીચર્સ તેને ‘worrier’ કહેતા. જોકે ત્યારે કોઈને ખબર નહોતી પણ પાછળથી જાણ થયેલી કે હેઇલી આઘાતજનક ઘટનાઓમાંથી જન્મતી ચિંતા અને ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાતી હતી. હેઇલી કહે છે કે દરેક સેમેસ્ટરમાં કંઈ તેને મેન્ટલ હેલ્થ ડેઝનો ઉપયોગ કરવાની જરૂર નહોતી પડતી, પરંતુ તેને મજા નહીં હોય તો તે છુટ્ટી લઈ શકશે એ હકીકતની નિરાંત એટલી નાની ઉંમરે પણ તેણે અનુભવી હતી. કદાચ એ જાતઅનુભવે જ તેને કિશોર વયના વિદ્યાર્થીઓ સમક્ષ આવતા માનસિક પડકારોને સર્જનાત્મક રીતે હૅન્ડલ કરવાના વિકલ્પો શોધવાની પ્રેરણા આપી અને રાજ્યના વિદ્યાર્થીઓને ‘મેન્ટલ ડેઝ’ની જોગવાઈનો લાભ મળ્યો. અમેરિકાનાં અન્ય રાજ્યોમાં પણ આ જોગવાઈ કરવાની હિલચાલ થઈ છે.



બ્રહ્માકુમારી શિવાની કહે છે એમ આ માનસિક નીરોગીતાનો આધાર નીરોગી લાગણીઓ ઉપર છે. પરંતુ લાગણીઓ પણ રોગિષ્ઠ કે નીરોગી હોઈ શકે એનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. ત્રીસેક વર્ષથી અમેરિકામાં માનસચિકિત્સક તરીકે પ્રૅક્ટિસ કરી રહેલા અંગ્રેજ મનોચિકિત્સક અને જાણીતા લેખક ગાય વિન્ચ માનસિક આરોગ્ય માટે ઇમોશનલ હેલ્થ અને ઇમોશનલ હાઇજીનની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. તેમની દલીલ પણ એ જ છે કે હાથ કે પગ કે શરીરમાં ક્યાંય પણ કાપો થયો હોય કે ચીરો પડ્યો હોય તો આપણે તરત એના પર દવા લગાવીએ, બૅન્ડેજ બાંધીએ, જરૂર લાગે તો પાકે નહીં એ માટે ઍન્ટિબાયોટિક્સ પણ લઈએ છીએ. અને આમ લાગ્યું હોય છતાં કોઈ પગલાં ન લીધાં હોય તો આપણે તરત પૂછીએ કે કેમ કંઈ સારવાર નથી કરી? આવો જ ઘા મન પર થયો હોય અને એની પીડા આપણને પજવી રહી હોય ત્યારે આપણે આવી કોઈ મલમપટ્ટી કે સારવારની જરૂર કેમ નથી અનુભવતા! ત્યારે તો ‘અરે એ બધા આઘાતોમાંથી બહાર આવી જવાના પ્રયાસો આપણે જાતમેળે જ કરતા રહેવાનું હોય છે. જ્યારે હકીકતમાં શરીરમાં ચામડી પર પડેલા કાપા કે ચીરા કરતાં ઘણી વાર મન પર પડેલા સંવેદનાત્મક ઘાની પીડા અનેકગણી તીવ્ર અને ઊંડી હોય છે! એટલે જ ગાય વિન્ચ ‘ઇમોશનલ ફર્સ્ટ એઇડ’ (સંવેદનાજન્ય પ્રાથમિક સારવાર) લેવાની વાત કરે છે. ગાયનું આ જ શીર્ષક હેઠળનું પુસ્તક ખૂબ જ વખણાયું છે. આ સારવાર શું છે? ગાય કહે છે કે સૌથી પહેલાં તો તમારી લાગણીઓ ઘવાય કે એને ઠેસ પહોંચે તો એને ઓળખો અને એવું જ્યારે બને કે તરત એના પર ધ્યાન આપો, નહીંતર એ લાગણી મનમાં ઘૂંટાઈ–ઘૂંટાઈને એટલી બળવત્તર બની જશે કે તમારા પર હાવી થઈ જશે. ક્યાંકથી આપણને નકારવામાં આવ્યા હોય કે આપણો કોઈ પ્રયાસ નિષ્ફળ ગયો હોય અને આપણે નિરાશ થઈ ગયા હોઈએ એ સહજ છે. પરંતુ એ નિરાશામાંથી આપણે બહાર ન નીકળી શકીએ તો તરત સમજી લેવાનું કે આ ઇમોશનલ ઘાવ છે અને એ સારવાર માગે છે. એ જ રીતે એક નિષ્ફળતા માણસના આત્મવિશ્વાસને હચમચાવી મૂકે ત્યારે તરત પોતાની શક્તિ અને ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી દેવું, પોતાના આત્મસમ્માનનું રક્ષણ કરવું અને પોતાની જાત પ્રત્યે સહાનુભૂતિ રાખવી. નકારાત્મક વિચારો મનને ઘેરી વળે ત્યારે એવી કોઈ પ્રવૃત્તિ કરવી કે જેમાં એકધ્યાને કામ કરવું પડે. જેમ કે સુડોકુ કે કોયડા ભરવામાં લાગી પડવું. જિંદગીમાં સ્વજનોને ગુમાવવાથી થતા ઘા આકરા હોય છે અને એમાંથી બહાર આવવાનું ખરેખર ખૂબ જ કપરું હોય છે. પરંતુ આવા આઘાતોમાંથી થતા ઘા ભરાય નહીં તો આપણા માનસિક આરોગ્ય માટે એ જોખમી બની શકે છે. એટલે એ સ્થિતિમાંથી પણ ક્રમિક અર્થપૂર્ણ શોધીને એમાંથી બહાર આવવું જ રહ્યું. કેટલીક વાર આપણાથી કોઈ ભૂલ થઈ જાય કે ખોટું પગલું ભરાઈ જાય એના અપરાધભાવમાં પણ આપણે ડૂબી જઈએ છીએ. એ પણ બિલકુલ હેલ્ધી નથી. એટલે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ એ સૂત્રને યાદ કરીને એ અપરાધગ્રંથિની ચુંગાલમાં જાતને ફસાવા દેવી નહીં. અને છેલ્લે ગાય કહે છે કે આવા ઇમોશનલ ઘાવ ભરવાની રીત માણસે-માણસે જુદી હોઈ શકે. એકને કામ લાગી એ રીત બીજાને કામ લાગે એવું ન પણ હોય. એટલે જ આવા કોઈ પણ ઘાવ થાય ત્યારે પોતાના પર એની કેટલી અને કેવી અસર થાય છે અને એ સ્થિતિને હૅન્ડલ કરવામાં કઈ બાબત આપણને મદદરૂપ થાય છે એ બધાનું નિરીક્ષણ કરતા રહેવું અને શીખતા રહેવું. ગાયની આ ‘ઇમોશનલ ફર્સ્ટ એઇડ’ માનસિક આરોગ્ય જાળવવા માટે આપણને સજ્જ કરી શકે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 03:11 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK