દીકરાને ભણાવવા માટે અમે ઘણી મહેનત કરી છે, પણ તે સિન્સિયર નથી

Published: Feb 03, 2020, 16:49 IST | Sejal Patel | Mumbai

દીકરાને ભણવા માટે અમે અનુકૂળતા ઊભી કરવામાં કંઈ કસર નથી રાખી, એમ છતાં તે સિન્સિયર થતો જ નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :  હું ભણવામાં ઠીકઠાક હતી અને છતાં ભણી શકી નહોતી. મારા પતિ તો અત્યંત ગરીબાઈમાં મોટા હોવા છતાં તેઓ એન્જિનિયર બન્યા. લગ્ન પછી એક દાયકો અમે બન્નેએ ખૂબ મહેનત કરી એ પછીથી જીવનશૈલી સુધરી. અમે ઇચ્છીએ છીએ કે અમે જે વેઠ્યું એ દીકરાને ન વેઠવું પડે. તેને ભણાવવામાં કોઈ કચાશ નથી રાખવી. પરવડતું ન હોવા છતાં મોંઘા ટ્યુશન-ક્લાસિસ બંધાવ્યા છે. તેને જોઈએ એ પુસ્તકો, ગાઇડ લાવી આપ્યાં. અમે બન્ને વર્કિંગ છીએ એનો તે ખોટો લાભ ઉઠાવે છે. આખો દિવસ તેને વાંચવાનો સમય મળે પણ તે કંઈ નથી કરતો. કામે જઈને રાતે થાક્યાપાક્યા આવીએ ત્યારે મારે જ તેને વાંચવા-લખવા અને હોમવર્ક કરાવવા બેસાડવો પડે. સાથે બેસીએ તો જ કામ કરે, બાકી નહીં. મને ખબર છે કે ઑલ વર્ક નો પ્લે કરવાથી પણ કંઈ નહીં વળે એટલે અમે તેને રમવાની અને તેને ગમતું કરવાની છૂટ પણ આપતાં. તેને ડાન્સ ગમે છે એટલે મોટા ક્લાસમાં પણ મૂક્યો. જોકે ડાન્સમાં પણ તે કંઈ ઉકાળી શક્યો નથી. ઇન ફૅક્ટ, ત્યાંથી થાકીને આવે એટલે પછી ભણે પણ નહીં. આવતા વર્ષે તે દસમા ધોરણમાં આવશે. મને ચિંતા એ થાય છે કે તેની બાળકબુદ્ધિ ક્યારે જશે? તે સપનાં બહુ મોટાં જુએ છે; પણ એ માટે જરૂરી પુરુષાર્થ, ગંભીરતા અને રુચિ નથી હોતાં. તેને ન ગમતું કંઈ પણ થાય તો તરત જ તેનો મૂડ આઉટ થઈ જાય. મૂવી જોવા જવાનું હોય કે દોસ્તો સાથે ટાઇમપાસ કરવાનો હોય તો તે બહુ ઉત્સાહી હોય. બસ, વાંચતી વખતે જ તેને ઊંઘ, કંટાળો, સુસ્તી આવવા માંડે.  તેને જીવન અને ભણવા પ્રત્યે ગંભીર બનાવવા શું કરવું?

જવાબ : તમને કદાચ આઘાત લાગશે, પણ મને એવું લાગે છે કે વડીલોની ‘મેં જે વેઠ્યું એ મારાં સંતાનોને ન વેઠવું પડે’ એવી માનસિકતા જ આજની પેઢીને બગાડી રહી છે. જીવનની વાસ્તવિકતાથી અનભિજ્ઞ રાખીને તમે સાચી કેળવણી કદી ન કરી શકો. 

આજના ઘણા પેરન્ટ્સ આ મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કેમ કે સંતાન જ નહીં કોઈ પુખ્ત વ્યક્તિને પણ સિન્સિયર બનાવવાની ચોક્કસ ફૉર્મ્યુલા હજી સુધી શોધાઈ નથી. હું માનું છું કે અનુભવ જ વ્યક્તિને ગંભીર બનાવે છે. આ અનુભવ આવે છે હાડમારીઓમાંથી. જ્યારે આપણે દીકરાને પાણી માગતા દૂધ હાજર કરીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા મથીએ છીએ ત્યારે તેને દૂધની કિંમત નથી રહેતી. જીવનની વાસ્તવિકતાઓ સમજવા માટે મનને શાંત થવું પડે છે અને પોતાની આંતરિક પ્રતિભાને પારખવા માટે કપરા સંજોગોમાં મુકાવું પડે છે. જ્યાં સુધી બધું જ પોતાને ગમતું થઈ રહ્યું હોય છે ત્યારે તેને લાગે છે કે આપણી જિંદગી તો મસ્ત જ છે અને એને માટે આપણે કંઈ વિશેષ કરવાની જરૂર છે જ નહીં. મગજમાં જ્યારે આ હવા ભરાઈ જાય છે ત્યારે પતન શરૂ થઈ જાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ગરીબનો છોકરો સ્ટ્રીટલાઇટના અજવાળે વાંચીને ઊંચા માર્ક્સ લાવી શકે છે? તેની અને તેના પરિવારની પ્રતિકૂળ સ્થિતિઓને સુધારવાની અને કેમેય કરીને એમાંથી ઉપર ઊઠવાની છટપટાહટ તેને આ ગંભીરતા બક્ષે છે.

આજે આપણે સંતાનોને બધી જ કમ્ફર્ટ આપીને પોપલાં બનાવી દીધાં છે. આમ કહેવાનો મતલબ એ નથી કે તેને પરાણે હાડમારીઓનો અનુભવ કરાવવો, પણ વાસ્તવિકતાથી અવગત કરાવો એ જરૂરી છે. સંતાન માટે અતિશય કમ્ફર્ટેબલ વાતાવરણ જ તેના વિકાસનો સૌથી મોટો અવરોધ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK