Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો ડ ગામાએ શોધ્યો કે કાનજી માલમે?

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો ડ ગામાએ શોધ્યો કે કાનજી માલમે?

19 May, 2020 10:20 PM IST | Gujarat
Mavji Maheshwari

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો ડ ગામાએ શોધ્યો કે કાનજી માલમે?

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો ડ ગામાએ શોધ્યો કે કાનજી માલમે?


ઇતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો ડ ગામાને આપે છે, પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો ત્યારે કચ્છનો દરિયો ખૂંદનાર માલમો આફ્રિકા સુધી પોતાનાં વાહણો લઈને જતાં. ભારત સુધી પહોંચવામાં વાસ્કો ડ ગામાને માર્ગ બતાવનાર માંડવીના કાનજી માલમની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે. કાનજી માલમે વાસ્કો ડ ગામાને કાલીકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો, તેણે અરબ સાગરમાં વાસ્કો ડ ગામાનું વહાણ પણ હંકાર્યું હતું. જેટલો જશ વાસ્કો ડ ગામાને મળ્યો એટલો એ વખતે કાનજી માલમને મળત તો ઇતિહાસ કંઈક જુદો હોત.

એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે એમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે. માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટપટા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોળામાં રમતું બાળક. કચ્છના લોહાણા, ભાટિયા, ખોજા, મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી. પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી. એ સમયે કચ્છનાં ભદ્રેશ્વર, કોટેશ્વર, માંડવી અને મુંદ્રા જેવા બંદરીય નગરોમાં રહેતા વેપારીઓ ઈરાન, અરબસ્તાન, મોમ્બાસા, પૂર્વી આફ્રિકા ઝાંઝીબાર, જાવા, સુમાત્રા, એડન, મલિન્દી, દમાસ્કસ, મસ્કત જેવા વિદેશી બંદરો સાથે વેપાર કરતા. મીઠું, અફીણ, ઢાલ, તલવાર, ચપ્પુ, કિનખાબી કાપડ, ધાબળા, ઢાલ અને પગરખાં જેવી ચીજવસ્તુઓને લઈને જતાં અને ત્યાંથી ખજૂર, હાથીદાંત, ઘઉં, ચોખા, નારિયેળી, સૂકો મેવો, રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતાં. તે વેપારીઓનાં વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રે જ શૌર્ય અને દિશા બતાવી હતી. જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા ત્યારે કચ્છના વહાણવટાના ઇતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય તેવો કાનજી માલમ નામનો વહાણવટી પોતાની દરિયા વિશેની આગવી સૂઝ દરિયાઈ પવનો અને એના આધારે ચાલતાં વહાણોની દિશા નક્કી કરી શકતો હતો. તે કાળી દિબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાનથી વહાણને સાચી દિશા આપી શકતો. કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડુ જ્ઞાન હતું. આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છીભાષા. કાનજી માલમ કચ્છી બોલતો. ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઈને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા, મલિન્દી, મોગાદીસુ, કિલ્વા, ઝાંઝીબાર અને દારેસલામ જેવાં બંદરોની સફરે જતો, પરંતુ વિશ્વનો વહાણવટાનો ઇતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમાં છૂટાછવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્ત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમ જ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે.



વાસ્કો ડ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો, જેને પોર્ટુગીઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનના કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. કાનજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો ડ ગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયો હતો. ૧૪૪૭ની આઠમી જુલાઈએ વાસ્કો ડ ગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો. તેના કાફલામાં ૧૭૦ માણસો હતા. પોર્ટુગલના લિસ્વન બંદરથી રવાના થઈને વાસ્કો જ્યારે ૧૪૯૮ની ૧૪ એપ્રિલે મલિન્દી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિન્દુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી. તેને ભારત પહોંચાડે એવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરૂર ઊભી થઈ. જોકે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતીt. તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો. મુંઝાયેલા વાસ્કો ડ ગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી. યોગાનુયોગે કાનજી માલમ આરબ શેખનો અતિ વિશ્વાસુ માણસ હતો. ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો એટલે શેખના કહેવાથી કાનજી માલમ વાસ્કો ડ ગામાના કાફલા સાથે ૧૪૯૮ની ૧૪ એપ્રિલે મલિન્દી બંદરથી ભારત આવવા નીકળ્યો. કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતો. વાસ્કો ડ ગામા પણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે દરિયાના છોરુ કાનજીના અગાધ જ્ઞાન અને કુશળતા પર વારી ગયો. રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું. એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. ઇતિહાસનાં પાનાં પર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો. આ કચ્છી માણસની અસલિયત છે. આરબ શેખના કહેવાથી, જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો ડ ગામાને તેણે ૧૪૯૮ની ૨૦ મેએ દક્ષિણ ભારતાના કાલીકટ જે હવે કોમીકોડ તરીકે ઓળખાય છે એ બંદરે પહોંચાડ્યો. કાલીકટ બંદરમાં એ વખતે ઝામોરીન નામે રાજા હતો. તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે. તેણે કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો ડ ગામાના કાફલાને આવકાર્યો. વાસ્કો ડ ગામાએ રાજાને કીમતી ભેટસોગાદોથી રાજી કર્યો અને કાલીકટમાં રહેવાની અનુમતી માગી, પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય એ પહેલાં પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો. એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા, પરંતુ એ દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો. ૧૫૦૨ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો. ૧૫૨૪ની ૨૪ ડિસેમ્બરે કોઈ રહસ્યમય બીમારીને લીધે વાસ્કો ડ ગામાનું મૃત્યુ થઈ ગયું, પણ અધકચરા ઇતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો ડ ગામાને જે યશ મળ્યો એવો યશ તેને માર્ગ બતાવનાર કાનજી માલમને ન મળ્યો. કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભોમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


ઍલેકઝાન્ડર બર્ન્સ નામનો એક અંગ્રેજ એ વખતે કચ્છી વહાણવટીઓના પરિચયમાં આવ્યો હતો. તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને ૧૮૩૪ની સાલમાં આવું લખ્યું છે - યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારના દેશોમાં ઘૂમતા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રના વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો, આલેખનો (ચાર્ટ્સ) અને નકશાઓનો ઉપયોગ કરીને તેમનાં વહાણો આજે (૧૮૩૪) પણ હંકારે છે એના નમૂનાઓ ઉપલબ્ધ છે. તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે વાસ્કો ડ ગામાનાં વહાણો લિમ્બન બંદરથી મલિન્દી આવ્યાંના નવ દિવસ બાદ મલિન્દીમાં રહેતા માલમ ‘કાનાકવા’ (કાનજી માલમ) નામના ભારતીય સુકાનીએ તેનું વહાણ હિન્દી મહાસાગરમાં હંકાર્યું હતું. તે સહીસલામત રીતે પોર્ટુગીઝ કાફલાને મલિન્દીથી કાલિકટ લઈ આવ્યો હતો. વાસ્કો ડ ગામાની ભારત આવ્યાની ઘટનાના ૪૨૫ વર્ષ બાદ ૧૯૨૦માં અંગ્રેજી લેખક પીયર્સે લખ્યું છે કે હું ખાતરીપૂર્વક કહું છું કે કચ્છના રહેવાસી કાનજી માલમે મલિન્દી બંદરથી વહાણ હંકાર્યું હતું અને એ હિન્દી મહાસાગર તથા કૅપ ઑફ ગુડ હોપ ઓળંગતો-ઓળંગતો મલબાર કિનારાના કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો ડ ગામાને તેણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો. ઇટાલિયન ઇતિહાસકાર સિંથિયા સલ્વાડોરી પોતાના સંશોધન માટે ૧૯૮૯માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા. ત્યાં તેમણે કચ્છી વહાણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો ડ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો. અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ. દરિયો અમારો દેવ છે અને શીકોતર અમારી માતા છે. એટલું જ નહીં, કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 10:20 PM IST | Gujarat | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK