Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટીવીના શો કે યુટ્યુબ પરથી કિચનના પ્રયોગો કરવા છે? તો પહેલાં આ વાંચી જાઓ

ટીવીના શો કે યુટ્યુબ પરથી કિચનના પ્રયોગો કરવા છે? તો પહેલાં આ વાંચી જાઓ

03 April, 2020 09:44 PM IST | Mumbai Desk
Sejal Patel | sejal@mid-day.com

ટીવીના શો કે યુટ્યુબ પરથી કિચનના પ્રયોગો કરવા છે? તો પહેલાં આ વાંચી જાઓ

ટીવીના શો કે યુટ્યુબ પરથી કિચનના પ્રયોગો કરવા છે? તો પહેલાં આ વાંચી જાઓ


નવરાશના સમયમાં અત્યારે રેસિપીના વિડિયો જોઈને કિચનમાં પ્રયોગો કરવાનું તમે માનો છો એટલું સહેલું નથી. ઘણી વાર બધું જ ધ્યાન રાખ્યું હોય એમ છતાં વિડિયોમાં જે ફાઇનલ પ્રોડક્ટ દેખાડી હોય એવી બનતી નથી તો ઘણી વાર વચ્ચે એકાદ સ્ટેપમાં કંઈક ગરબડ થઈ ગઈ હોય જેને કારણે ફ્લેવર કે ટૅક્સ્ચરમાં મજા નથી આવતી. આવું ન થાય એ માટે શું કરવું, ચાલો જોઈએ

ઘરે બેઠા પરિવારજનો માટે રોજ કંઈક નવું બનાવવાની ઇચ્છા હોય તો યુટ્યુબ પરના કુકિંગના વિડિયો બહુ હાથવગા બની શકે છે, પરંતુ એમાંય જો ધ્યાન ન રાખવામાં આવે તો ભોજનનો બગાડ થવાના ચાન્સિસ હોય છે. ઘર હર્યુંભર્યું છે અને દિવસમાં ત્રણથી ચાર વાર કંઈક ને કંઈક ખાવાનું બને જ છે ત્યારે જો તમે અમે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતા હો અને એ પણ જો કુકિંગને લગતા વિડિયોઝ જોઈને એમ કરવાના હો તો ખાસ આ તમારા માટે જ છે.
કુકિંગ એ કળા છે એ સમજવું જરૂરી છે. એ માટેની આંતરિક સૂઝબૂઝ ન હોય તો જસ્ટ એમ જ કોઈકને રસોઈ બનાવતાં જોઈને જાતે આવડી જાય એટલું સરળ એ કામ હોતું નથી. એમાંય ઇન્ટરનેટ પર તો એટલા વિડિયોઝ ફરે છે કે એમાંથી કોની રેસિપી ફૉલો કરવી એ જ સમજાય નહીં. ઘણી વાર ઝારા વિના બુંદી પાડવાની રીત બતાવાય છે તો સોડા વિના મસ્ત પોચાં ભજિયાં કેવી રીતે બનાવાય એના હૅક્સ હોય. સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હો તો પણ ઇન્સ્ટન્ટ ખીચડી કે વડાં કઈ રીતે બને અથવા તો મેંદા વિના વાઇટ સૉસ કઈ રીતે બને એના રહસ્યો પણ હોય છે. આવાં રહસ્યો ખોટા દાવા કરતા હોય છે એવું નથી, પરંતુ હંમેશાં આવી ટ્રિક્સ ફૉલો કરવા માત્રથી તમને જોઈએ એવી સફળતા નથી મળતી.
પીળું એટલું સોનું નથી હોતું
તમને ઘણી વાર થતું હશે કે તમે તો વિડિયોમાં જે કહેવાયું છે એકદમ એવું જ ફૉલો કર્યું છે, પણ એમ છતાં તમારી ડિશમાં અને વિડિયોમાં બનાવાયેલી ચીજમાં ફરક રહી જ જાય છે. એવું કેમ? એનાં ઘણાં કારણો હોઈ શકે છે. એમાંનું એક છે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી. યસ, ઘણી વાર તમને જે પ્રોસેસ બતાવવામાં આવે છે એ અને એમાંથી બનતી ફાઇલ પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન એ બન્ને વચ્ચે ફરક હોય છે. એટલે માત્ર ફાઇનલ પ્રોડકટ જોઈને લલચાઈ જવું નહીં. ઇન ફૅક્ટ, તમે જોયું હશે તો ઍડવર્ટાઇઝમેન્ટ્સ અને ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાંના મેન્યૂમાં બતાવવામાં આવેલા ફોટોગ્રાફ પણ તેમની રિયલ પ્રોડક્ટ સાથે મૅચ નથી થતા.
તો પછી વિડિયો પર જોઈને નવી રેસિપી શીખવી હોય તો શું કરવાનું? આવો જાણીએ એક્સપર્ટ પાસેથી.
તમારી કાબેલિયત બરાબર અંદાજ
વિડિયો જોઈને રાંધતાં શીખવું એ એક પ્રકારનું ડિસ્ટન્સ્ડ લર્નિંગ છે. જેમ તમારે કશુંક ઑનલાઇન ડિગ્રી કોર્સ કરવાનો હોય તો એ માટે પહેલાં તમારી કાબેલિયત સાબિત કરો તો જ ઍડમિશન મળે છે એવું જ રાંધવામાં પણ હોવું જોઈએ. કુકિંગ-એક્સપર્ટ મીતા ભરવાડા કહે છે, ‘સૌથી પહેલાં તો તમારી બેસિક કુકિંગ સ્કિલ્સ શું છે એ જાણવું જરૂરી છે. જો તમને રોજિંદા જીવનમાં સરળતાથી બનતા રોટલી, દાળ, ભાત-શાક ન આવડતાં હોય અને તમે સીધા ઊંધિયું બનાવવાની રેસિપી બનાવવા તૈયાર થઈ જાઓ તો એમાં ભૂલ થવાના ચાન્સિસ વધુ છે. તમે બેકિંગ શીખવા ઇચ્છતા હો તો પણ એનાં બેસિક્સ આવડવાં જરૂરી છે. નહીંતર વિડિયો જોઈને કેક બનાવવા બેસો તો યીસ્ટ ક્યારે નાખવાની અને કેટલા ટેમ્પરેચર પર બેક કરવાનું જેવી બેસિક ચીજો ની ખબર નહીં પડે અને કંઈક નવો જ લોચો થશે. બેસિક્સ શીખવા હોય તો પહેલાં વાનગીઓના વિડિયો નહીં, જે-તે ચીજના બેસિક્સ શીખવતા વિડિયો જોઈને તૈયાર થાઓ.’
એક્સપર્ટ અને વાનગીની પસંદગી
આજકાલ દરેક વ્યક્તિ પોતપોતાની કળાને યુટ્યુબ પર તરતી મૂકવા માંડી છે. એટલે તમે કોનો વિડિયો જુઓ છો એ પણ મહત્ત્વનું છે. એમ જણાવતાં મીતા ભરવાડા કહે છે, ‘ઇન્ટરનેટ એવડો મોટો દરિયો છે કે એમાંથી તમારે કચરો અને કંચન એ બેને અલગ છાંટવા બહુ જરૂરી છે. દરેક એક્સપર્ટની પોતાની વિશેષ આવડત હોય છે એટલે શું શીખવું છે એ નક્કી કરીને એ મુજબના એક્સપર્ટની ચૅનલ પસંદ કરવી જોઈએ.’



રેસિપી લખવી બહુ જરૂરી
વિડિયો જોઈને કોઈ નવી વાનગીની ટ્રાય કરતા હો તો બેથી ત્રણ વાર એ વિડિયો જોવો જરૂરી છે. મીતા ભરવાડા કહે છે, ‘ઘણા લોકો વિડિયો ચાલુ રાખે અને પછી પૉઝ કરતા જાય અને ચીજો બનાવતા જાય. આ ભૂલ તમારી ડિશને પણ બગાડશે અને તમારા કિચનને પણ. સૌથી પહેલાં તો વિડિયોને બેથી ત્રણ વાર જુઓ. એમાં જણાવેલી રેસિપીને કાગળ પણ લખો. લખવાથી એ ફાયદો થશે કે તમને એમાં જરૂરી તમામ ઇન્ગ્રિડિયન્ટ્સની જરૂરિયાત ખબર પડશે. પહેલી વાર બનાવી રહ્યા હો તો બને ત્યાં સુધી રેસિપીમાં જણાવ્યા મુજબ તમામ સામગ્રી પણ અલગ તારવીને તૈયાર રાખવી જરૂરી છે. જો એમ પ્રેપરેશન કરેલી હશે તો વઘાર મૂક્યો હોય અને છેલ્લી ઘડીએ તજ અને લવિંગ શોધવા નીકળો એવું નહીં થાય. સામગ્રી શોધવામાં કશુંક બળી જાય, વધુપડતું ચડી જાય કે દાઝી જાય એવું ન થાય એ માટે પર આવી તૈયારી જરૂરી છે. લખેલી રેસિપી હશે તો તમને એ યાદ રાખવામાં પણ સરળતા રહેશે.’
પ્રયોગ નાના પાયે કરવો
પહેલી વાર બનાવતા હો તો કદી આખા પરિવારના ભોજન માટેની સામગ્રી લઈને ન કરવું. સ્મૉલ પૉર્શનમાં કરશો તો બહેતર રહેશે. મીતા ભરવાડા કહે છે, ‘તમે જે રોજ બનાવો છો એમાં જ કંઈક ચેન્જ કરીને બનતી રેસિપી હોય તો તમે આખા પરિવારને ચાલે એટલી ક્વૉન્ટિટી લો તો ચાલે, પણ સાવ જ કંઈક નવું ટ્રાય કરવાના હો તો સ્મૉલ ઇઝ બૅટર. સારું બનશે તો બીજી વાર બનાવવામાં વાંધો નથી જ, પણ જો કંઈક ગરબડ થઈ તો આખા પરિવારે તમારી ભૂલનો ભોગ ન બનવું પડે. ઘણી વાર તમે ડિનરમાં અખતરો કરવાનું વિચાર્યું હોય અને માત્ર એ જ વાનગી બનાવવાના હો અને ન કરે નારાયણ કંઈક ગરબડ થઈ તો શું? ભૂલ પછી પણ વાનગી ખાઈ શકાય એવી હોય તો વાંધો નથી, પણ જો ન ખાઈ શકાય એવી હશે તો? કાં તો નવેસરથી ડિનર બનાવવું પડે કાં ભૂખ્યા રહેવું પડે. અત્યારે તો રેસ્ટોરાં પણ બંધ છે એટલે કંઈક ગોટાળો થશે તો બહારથી મગાવી લેશું એવો ઑપ્શન પણ નથી. એટલે અત્યારે નવા પ્રયોગો નાના જ રહે એ જરૂરી છે. ચીજોનો બગાડ ન થાય એ માટે પણ અને તમારો કૉન્ફિડન્સ વધે એ માટે પણ.’


ઑબ્ઝર્વેશન ઇઝ મસ્ટ
રાંધવાની કળા શીખવા માટે રાંધતી વ્ય્કિતને તમે બરાબર ઑબ્ઝર્વ કરો એ જરૂરી છે. ઘરમાં મમ્મી-દાદી રાંધતાં હોય ત્યારે તેઓ શું કરે છે એનું બારીક અવલોકન કરશો તો પણ રસોઈના બેસિક્સ સમજાવા લાગશે.
પ્રશ્ન પૂછો
કોઈ પણ રેસિપીમાં અમુક સ્ટેપ પછી જ બીજું કે ત્રીજું સ્ટેપ કરવાનું હોય. આવાં સ્ટેપ્સને ગોખવાને બદલે આવું કેમ કરવાનું એ સમજો. કેમ પહેલાં કાંદા જ સાંતળવા નંખાય અને એ સંતળાય પછી જ ટમેટાં નંખાય એની પાછળનું કારણ સમજો. આ માટે તમારે મમ્મી, દાદી કે એક્સપર્ટને પૂછી-પૂછીને જાણવું જોઈએ. એમ કરવાથી કુકિંગની દૃષ્ટિ ખીલશે.
ભૂલો વિના નૈયા પાર નહીં થાય
માત્ર જોઈ લેવાથી તમને આવડી જશે એવું નથી. જોયા પછી જાતે કરવું પણ એટલું જ મહત્ત્વનું છે. જાતે બનાવશો નહીં ત્યાં સુધી આવડશે જ નહીં. શરૂઆતમાં ભૂલો થશે , પણ એ ભૂલો વિના કશું શીખવા નહીં મળે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 09:44 PM IST | Mumbai Desk | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK