Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ચાલવાનો કંટાળો નહીં આવે

હવે ચાલવાનો કંટાળો નહીં આવે

01 November, 2011 06:37 PM IST |

હવે ચાલવાનો કંટાળો નહીં આવે

હવે ચાલવાનો કંટાળો નહીં આવે




(સેજલ પટેલ)





વૉકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એવું સૌ જાણે છે, પણ રોજેરોજ ચાલવા જવાનું બોરિંગ બની જાય છે. વૉકિંગ અને જૉગિંગ એ ઉત્તમ પ્રકારની કાર્ડિયોવૅસ્ક્યુલર એક્સરસાઇઝ છે અને એનાથી શરીરમાં મુખ્ય અને લાંબા સ્નાયુઓને કસરત પૂરી પડે છે અને એટલે કૉલેસ્ટરોલ ઘટાડવા, બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવા, વજન ઘટાડવા તેમ જ એનર્જી અને સ્ટૅમિના વધારવા માટે ચાલવાનો વ્યાયામ ખૂબ જ સારો છે.

આટલુંબધું સમજવા છતાં આપણે નિયમિત ચાલવા જવાનું રૂટીન જાળવી નથી શકતા  એની પાછળનું કારણ છે એક પ્રકારની મૉનોટોની. નજીકમાં ગાર્ડન હોય તો શરૂઆતમાં ચાલવા જવું સારું લાગે, પણ થોડા જ દિવસમાં એ ગાર્ડન પણ રૂટીન લાગવા માંડે. થોડા દિવસમાં કાં તો વૉકિંગ અને જૉગિંગ બંધ થઈ જાય, કાં પછી એમાંય વેઠ ઊતરવા લાગે. જો વૉકિંગ અને જૉગિંગમાં થોડીક વિવિધતા ઉમેરીને થોડીક ડિફરન્ટ એક્સરસાઇઝનું મિશ્રણ પણ સાથે કરવામાં આવે તો આપણે વધુ સારી રીતે વૉકિંગનો ફાયદો ઉઠાવી શકીએ અને એમાં રસ પણ જાળવી શકીએ. રોજ એકની એક રીતે ચાલવાને બદલે રોજ કંઈક નવી સ્ટાઇલથી ચાલવાના વિકલ્પો શું છે એ જોઈએ.



લિઝર વૉકિંગ

સામાન્યત: શરૂઆત કરતી વખતે જાણે તમે લટાર મારવા નીકળ્યા હો એ રીતે રિલૅક્સ્ડ શરૂઆત કરવી જોઈએ. થોડાક દિવસમાં જ તમે લટાર મારવાથી કંટાળી જશો અને નિયમિત વૉકિંગને કારણે મસલ્સ સ્ટ્રૉન્ગ થયા હોવાથી તમે વધુ ઇન્ટેન્સ એક્સરસાઇઝ માટે પણ તૈયાર હશો એટલે એ પછીથી તમે નવા પ્રયોગો કરી શકો છો. જોકે એ પછી પણ પહેલી પાંચેક મિનિટ તો તમે રિલૅક્સિંગ મૂડમાં ચાલવાથી શરૂ કરી શકો છો.

પાવર વૉકિંગ

આમાં તમારે ચાલવાની ગતિ વધારવી. ઑલમોસ્ટ તમે દોડી રહ્યા હો એ ગતિએ ચાલવું. આ ગતિએ ચાલવા માટે જાણે દોડતા હો એ મુજબ હાથ હલાવવા. એને કારણે ચાલવામાં સ્પીડ પણ મળશે અને હાર્ટ, હાથ અને પગના સ્નાયુઓને વધુ હાર્ડ કસરત મળશે. જોકે આ પ્રકારનું વૉકિંગ હાર્ટ ડિસીઝના દરદીઓએ ન અજમાવવું.

પાવર વૉકિંગ સળંગ પંદર-વીસ મિનિટ કરવાને બદલે ત્રણ-ચાર મિનિટથી શરૂઆત કરીને તમે દસેક મિનિટ સુધી પહોંચી શકો છો.

હિલ વૉકિંગ

સમતળ જગ્યાએ ચાલ્યા કરવાને બદલે ઢોળાવ પર ચાલવું. મધ્યમ અને એકસરખી ગતિએ સ્લોપ પર દસથી પંદર મિનિટ ચાલવું અને પછી ઊતરતી વખતે બ્રિસ્ક વૉકિંગ કરવું. આમ બેથી ત્રણ વાર કરવાથી એક દિવસની એક્સરસાઇઝ પૂરી થઈ જશે. દાદરા ચડવાથી ઘૂંટણને વધુ ઇન્જરી થઈ શકે છે, પરંતુ સ્લોપ પર ચડવાથી ઘૂંટણ પર ઓછું પ્રેશર આવે છે અને હાર્ટ મસલ્સને વધુ એક્સરસાઇઝ મળે છે.

ઇન્ટરવલ ટ્રેઇનિંગ

પ્રથમ પાંચથી સાત મિનિટ વૉર્મ-અપ વૉકિંગ કરવું. એ પછી વીસ સેકન્ડ માટે તમે ચાલી શકો એટલી મૅક્સિમમ ઝડપથી દોડવું. એ પછીની ચાળીસ સેકન્ડ મધ્યમ ગતિએ ચાલવું. ફરી વીસ સેકન્ડ માટે મૅક્સિમમ સ્પીડથી દોડવું અને પછી ચાળીસ સેકન્ડ મધ્યમ ગતિએ. આ રિપીટેશનમાં પાંચ મિનિટ થાય એટલે વચ્ચે એક મિનિટ હળવું વૉકિંગ કરવું. એ પછી ફરીથી રિપીટેશન સાઇકલ શરૂ કરવી. જે લોકો થોડીક કસરતમાં વધુ બેનિફિટ મેળવવા માગે છે તેવા લોકો આ પ્રકારનું ઇન્ટરવલ વૉકિંગ અપનાવે છે. જોકે આ પ્રકારની કસરત શરૂ કરતાં પહેલાં એક્સપર્ટ વ્યક્તિનું ગાઇડન્સ લેવું જરૂરી છે. 

ચિ-વૉકિંગ

ચીનમાં ચાલવાની એક્સરસાઇઝમાં ખાસ એલિમેન્ટ્સ ઉમેરીને એને ચિ વૉકિંગ ટાઇપની સ્ટાઇલ વિકસાવવામાં આવી છે. એમાં માત્ર ચાલવાનું નથી, પરંતુ ચાલતી વખતે મગજને પણ એક રિધમમાં રાખવાનું છે. પગની પાનીથી લઈને સહેજ આગળ તરફ ઝૂકીને બેઉ હાથને એક જ રિધમમાં હલાવીને તમને અનુકૂળ આવે એવી ગતિએ ચાલવાનું છે, પરંતુ ખભા સ્ટિફ અને એ સાથે જ શ્વાસોચ્છ્વાસની ગતિ પણ સરખી જ રાખવાની છે. શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે મગજ વિચારોમાં ભટકતું અટકે છે અને વૉકિંગમાં એકધ્યાન થઈ શકો છો. આનાથી કસરત અને પ્રાણાયામ બન્નેનો ફાયદો મળે છે.

નૉર્ડિક વૉકિંગ

આ માટે ખાસ નૉર્ડિક વૉકિંગ પોલ્સ આવે છે એ લઈને ચાલવામાં આવે છે. આપણી દાદાજીની લાકડી જેવા જ, પરંતુ હાઇટમાં નાનામોટા થઈ શકે એવા અને હથેળીમાં રબરના બૅન્ડ સાથે લગાવી શકાય એવા બે પોલ્સ રાખીને ચાલવામાં આવે છે. આમાં સ્ટિક પર બધું જ વજન નથી લાદવાનું, પરંતુ જસ્ટ અપર બૉડીને સપોર્ટ મળી રહે છે. સાંભળવામાં એકદમ સાદું લાગે છે, પરંતુ બે સ્ટિક લઈને ચાલવાનું શરૂ કરશો તો ડિફરન્સ સમજાશે ને મજા પણ આવશે. Whatsapp-channel Whatsapp-channel

01 November, 2011 06:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK