રાજકોટ-ભાવનગર હાઇવે પર ફૂલવડીની સુગંધ આવવા લાગે અને હારબંધ દુકાનો દેખાવા લાગે એટલે સમજી જવાનું કે રંઘોળા ગામ આવી ગયું છે. બહારથી કરકરી અને અંદરથી સૉફ્ટ એવી આ વડીઓ ૧૫-૨૦ દિવસ પડી રહે એ પછી એનો સ્વાદ વધુ મજાનો બને છે
જૂના સમયમાં જ્યારે શુકનવંતા પ્રસંગમાં પીરસાતા જમણવારમાં ફરસાણના વિકલ્પો મર્યાદિત હતા ત્યારે ફૂલવડીનો દબદબો હતો. ફૂલવડી બનાવો એટલે સૌને ભાવે જ અને સૌની પ્રિય. ભોજનમાં લાડવા, ફૂલવડી અને દાળ-ભાત હોય તો લોકો હોંશે-હોંશે ઝાપટે. વર્તમાન સમયમાં ફરસાણ તરીકે ભોજન સાથે અથવા ચા સાથે નાસ્તા તરીકે ફૂલવડીનો નાસ્તો કરવામાં આવે છે. વળી પ્રવાસ-મુસાફરી વેળા સાથે લઈ જવાના સૂકા નાસ્તા તરીકે ફૂલવડીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
જૈનોમાં પ્રિય
જૈન સમુદાયમાં ફૂલવડીને ખાસ સ્થાન છે. પર્યુષણ અને ચોમાસામાં જ્યારે લીલી શાકભાજી આરોગવાનું વર્જ્ય હોય ત્યારે કડક ફૂલવડી લગભગ દરેક જૈનના ઘરમાં હોય જ. ફૂલવડી એ ચણાના લોટની એક જાતની વડી જે તેલમાં તળીને બનતી ચણાના લોટનું મસાલાદાર ભજિયું છે. સામાન્ય રીતે ભજિયાં કોઈ શાક આદિ વસ્તુ પર ખીરું લપેટીને તળીને બનાવવામાં આવતી વાનગી છે, પણ જ્યારે કોઈ શાકભાજી ઉમેર્યા સિવાય માત્ર લોટમાં મરચું, જીરું, ખાંડ, આખા કે ખાંડેલા ધાણા, વરિયાળી કે મરી-મસાલા ઉમેરી ઝારા વડે અંગૂઠા જેટલી લાંબી જાડી સેવ જેવા આકારમાં ભજિયાં પાડવામાં આવે છે ત્યારે એ ફૂલવડી તરીકે ઓળખાય છે.
ફૂલવડી માટે ફેમસ
આમ તો ગુજરાતમાં અનેક પ્રકારની ફૂલવડીઓ મળે છે. દરેક પ્રાંતની પોતાની વિશેષતા છે, પરંતુ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામનો મહિમા કંઈક અનોખો છે. ઘણા લોકોએ આ ગામનું નામ પણ નથી સાંભળ્યું, જ્યારે ભાગસાગર ડૅમ જે રંઘોળા ગામની નદીથી ઓળખાય છે એ આ ગામની ઓળખ છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ગામમાં હરોળબંધ દુકાનોમાં ચારે બાજુ ફૂલવડી દેખાય એટલે ખબર પડી જાય કે રંઘોળા આવી ગયું છે. સ્વાદરસિયા માટે તો આ ગામની પ્રસિદ્ધિ જ ફૂલવડીથી જોડાયેલી છે. હા, તમે સાચું વાંચ્યું. આ ગામમાં પગ મૂકતાં જ ઠેર-ઠેર તમને ફૂલવડીની સોડમ આવવા લાગશે એટલે સમજી લેજો રંઘોળા પહોંચી ગયા અને અહીંની ક્રિસ્પી અને કરકરી ફૂલવડી સૌને પ્રિય છે. ચારે બાજુ બસ ફૂલવડી જ ફૂલવડી દેખાય. ઓછામાં ઓછી ૫૦ દુકાનો હાઇવે પર છે, પરંતુ સૌથી જૂની એક જ દુકાન છે અને એનો એકધારો સ્વાદ વર્ષોથી લોકોને આકર્ષે છે.
લોટ બાંધવાની વિશેષતા
રંઘોળા ગામમાં આવેલી શ્રી મહાવીર ફરસાણ માર્ટ તરીકે ઓળખાતી દુકાન જેની શરૂઆત ૬૦ વર્ષ પહેલાં થઈ હતી. આજે ત્રીજી પેઢી આ ફરસાણની દુકાન ચલાવી રહી છે અને તેમની બીજી શાખા સુરતમાં પણ છે. આ દુકાનના સંચાલક રસિકલાલ કાન્તિલાલ રાણપુરા (ભાવસાર)એ આ ગામમાં સૌપ્રથમ ફૂલવડી બનાવવાનું શરૂ કર્યું હતું અને તેમની જ રેસિપીથી આજે આખા ગામમાં ઠેર-ઠેર દુકાનો ફૂલવડી વેચતી થઈ ગઈ છે. રસિકભાઈ સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે ‘અમારી ફૂલવડીની ખાસિયત એ છે કે એ ખાવામાં પોચી હોય છે, જેથી બાળકથી લઈ વૃદ્ધ વડીલો એને ચાવી શકે છે અને એ સ્વાદમાં ગળચટી લાગે છે, જેથી બાળકોને તીખાશના લીધે વાંધો ન આવે. અમે અમારી દુકાનની શરૂઆત વિવિધ પ્રકારના નાયલૉન ગાંઠિયાથી કરી હતી અને એમાં અમારી અનોખી માસ્ટરી છે. આ જોઈને અમારા એક સંતે અમને સલાહ આપી હતી કે આ જ રીતે અનોખી સ્ટાઇલમાં ફૂલવડી બનાવો અને અમે ૧૯૭૨માં ફૂલવડી બનાવવાનું શરૂ કર્યું, જે આજે એટલી બધી લોકપ્રિય બની ગઈ છે કે આ ગામ અમારી ફૂલવડીથી ઓળખાય છે. આજે ગામમાં ઠેર-ઠેર લોકો અમારી રેસિપીથી ફૂલવડી બનાવી ધંધો કરે છે એનો અમને ગર્વ છે. આ ફૂલવડી બેથી ત્રણ ઇંચ મોટી એટલે કે હાથના અંગૂઠા જેવડી હોય છે જેમાં ચણાના લોટમાં ખાંડ, મરચું, લીંબુનાં ફૂલ, હિંગ, ખાવાનો સોડા, મરી, ગરમ મસાલો, ધાણા, જીરું, નમક અને તલ ઉમેરી નરમ લોટ બાંધવામાં આવે છે. આ લોટ બાંધવાની પદ્ધતિ જ અનોખી છે. લોટમાં ચીકાશ નથી રહેતી, જેથી એ કરકરી થાય છે. લગભગ પાંચ કિલો લોટ બાંધતાં અમને અડધો કલાક થાય છે. પછી જથ્થાબંધ લોટને ઝારા અથવા મશીન વડે દબાવીને ફૂલવડી પાડવામાં આવે છે અને આછા ગરમ તેલમાં ફૂલવડી તળીએ છીએ જેથી એ બહારથી કરકરી અને અંદરથી પોચી બને છે. બીજી ખાસિયત એ છે કે બન્યા પછી એનો સ્વાદ ૨૦ દિવસ પછી વધુ સારો આવે છે અને એ સ્વાદ ૬૦ દિવસ સુધી અકબંધ રહે છે. આમ તો અમારી દુકાનનો સમય સવારે ૬થી રાત્રે ૧૦નો છે, પણ જો કોઈને બહારગામ અર્જન્ટ સાથે લઈ જવી હોઈ તો અમને ઍડ્વાન્સમાં ફોન પર કહી દે તો અમે બનાવી આપીએ છીએ. એટલે કહી શકાય કે અમે ૨૪ કલાક સર્વિસ આપીએ છીએ.’
૯૦ દિવસ સુધી તાજી રહે છે
રાજકોટમાં રહેતા સૂરજ ધ્રુવ કહે છે કે ‘હું જ્યારે પણ ભાવનગર જવા નીકળું ત્યારે રસ્તામાં રંઘોળા ગામની શરૂઆતથી અનોખી જાણીતી સોડમ આવવા લાગે છે એટલે મારા પગ મને શ્રી મહાવીર ફરસાણ માર્ટ તરફ દોરી જાય છે. હું દર વખતે ફૂલવડી પૅક કરાવીને સાથે લઈ જાઉં છું. આ દુકાન રંઘોળાની ટૉપ ફેમસ દુકાનમાં આવે છે. ઓરિજિનલ ફૂલવડીનો ટેસ્ટ મને અહીં મળી રહે છે. મુસાફરીના સમયે ચા સાથે માણવામાં ખૂબ મજા આવે છે. મારા ઘરના તમામ સભ્યને આ ફૂલવડી અતિ પ્રિય છે. મુખ્ય કારણ એ છે કે ૯૦ દિવસ સુધી આ ઍરટાઇટ ડબ્બામાં તાજી રહે છે અને જલદી ખોરી થતી નથી. બીજી ઘણી જગ્યાની ફૂલવડી અમે ખાધી છે, પણ રંઘોળા જેવો અનોખો સ્વાદ બધે નથી મળતો. અહીંની ફૂલવડી ગરમ અને નરમ સાથે કરકરી અને ચટપટી હોય છે, જે ખાવામાં જલસો કરાવી દે છે. સાંજે પાંચ વાગ્યાના સમયે અહીં લાઇવ ગરમ-ગરમ ફૂલવડી બનતી જોવા મળે છે.’
જેઠાલાલ જેવી ફાંદ ન જોઈતી હોય તો આટલું ચોક્કસ કરજો
18th January, 2021 12:51 ISTશિસ્ત વિના સિદ્ધિ નહીં
18th January, 2021 12:46 ISTસમજદાર કો ઇશારા કાફી હૈ
18th January, 2021 12:43 ISTતુ મુઝસે મેરે ગુનાહોં કા હિસાબ ન માંગ મેરે ખુદા! મેરી તકદીર લિખને મેં કલમ તેરી હી ચલી થી...!!
18th January, 2021 11:54 IST