ટૉપ ટુ બૉટમ બ્યુટિફુલ દેખાવું છેને?

Published: Oct 23, 2019, 16:10 IST | વર્ષા ચિતલિયા | મુંબઈ

આ રહ્યા કેટલાક દિવાળી સ્પેશ્યલ ફન્ડા : ફેસ્ટિવ સીઝનમાં સ્ટાઇલિશ લુક મેળવવા આ લેખ વાંચી જાઓ ફટાફટ

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

દિવાળીમાં દરેક મહિલામાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે. ઘરની સાફ-સફાઈ, એની સજાવટ, જાતજાતના નાસ્તા, શોપિંગ અને બ્યુટી પાર્લરની મુલાકાત. ફેસ્ટિવ સિઝનમાં ઘરની શોભા વધારવા અને મહેમાનોની સરભરા માટે તેઓ જેટલી ઉત્સાહિત હોય છે, એટલી જ કાળજી પોતાના સૌંદર્યને નિખારવા માટે કરે છે. ઇનફેક્ટ દિવાળીમાં તો ખૂબસૂરત દેખાવાની ચાહત વધી જાય છે. ટૉપ ટુ બૉટમ સ્ટાઇલિશ અને ખૂબસૂરત દેખાવા તેઓ ઇનોવેટિવ અને ફેન્સી તરીકા અપનાવે છે. આ સિઝનમાં હટકે લુક માટે શું કરવું જોઈએ, જાણી લો.

બૉડી મસાજ

દિવાળીની તૈયારીમાં મહિલાઓ જોશમાં આવીને એટલાંબધાં કામો કરી નાખે છે કે ટાંકણે જ થાકી જાય છે. ગમે એટલા મેકઅપના થપેડા કરો કે ડિઝાઇનર વસ્ત્રો પહેરો પણ થાકેલા હશો તો તહેવારને માણી નહીં શકો. દિવાળીમાં સુંદર દેખાવું જેટલું અનિવાર્ય છે એટલું જ જરૂરી છે કે તમે ફ્રેશ દેખાઓ. સઘળાં કામ પૂરાં થઈ જાય પછી સૌથી પહેલાં રિલેક્સ એન્ડ રિફ્રેશ થઈ જાઓ. શરીરને હળવુંફૂલ બનાવવા બૉડી સ્પા અને મસાજ થેરપી કારગત નીવડશે. મસાજનો કન્સેપ્ટ જ શરીરને આરામ આપવાનો છે.

આ સમયે સ્પામાં ભીડ બહુ હોય છે. તેથી પહેલેથી અપોઇન્ટમેન્ટ લઈ લેવામાં સમજદારી છે. સ્કીન ટેનિંગ દૂર કરાવવા બૉડી પોલિશિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. એનાથી ત્વચા સ્વચ્છ થાય છે અને ગ્લો કરે છે. જો થોડા વધુ પૈસા ચૂકવતાં બ્યુટીશિયન ઘરે આવવા તૈયાર હોય તો બેસ્ટ ડિલ કહેવાય. બૉડી સ્પાની સાથે હેર મસાજ અને હેર સ્પા કરાવવાનું ન ભૂલતાં.

Try it : બૉડી મસાજ માટે ઘરમાં જ અંજીર અને અન્ય ડ્રાયફ્રૂટ્સના પલ્પમાં કોકોનટ ઓઇલ ભેળવી આખા શરીર પર હ‍ળવે હાથે સ્ક્રબિંગ કરાવી લો. સ્ટીમિંગ આપ્યા બાદ કેળાં, પપૈયાં અને અન્ય લીસા વેજિટેબલના પલ્પમાંથી બનાવેલી પેસ્ટ વડે મસાજ કરાવો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી શાવર લો. શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી જશે અને મન ખુશ થઈ જશે.  

બ્યુટી ટ્રીટમેન્ટ

ચહેરાને નીખારવા ફેશિયલ ટ્રિટમેન્ટ લો ત્યારે ફ્રેશ ફ્રૂટ્સ અથવા વેજિટેબલ ફેશિયલ કરાવો. ઉંમરના કારણે ચહેરા પર કરચલી દેખાતી હોય તો ફેશિયલ કરાવતાં પહેલાં એક્યુપ્રેશર ટ્રિટમેન્ટ લઈ શકાય. તહેવારોમાં ઇન્સટન્ટ ગ્લો માટે બ્યુટીશિયન બ્લીચને વધુ વખત ચહેરા પર રાખી મૂકે છે. આમ કરવાની ચોખ્ખી ના પાડો. બ્લીચની આડઅસર થઈ તો તહેવારની મજા બગડી જશે. ઘણી વાર ડાર્ક બ્લીચના કારણે ચહેરો ગોલ્ડન અને આર્ટિફિશિયલ લાગે છે.

સ્ત્રીના સૌંદર્યમાં શરીરનાં તમામ અંગોની કાળજી મહત્ત્વની છે. દિવાળીની સફાઈ દરમ્યાન હાથ-પગની ત્વચા બરછટ થઈ જાય છે. ગરદન પર ગંદકી અને મેલના કારણે કાળાશ જોવા મળે છે. બ્યુટી પાર્લરમાં જઈને સૌંદર્ય નીખારવાની વાત આવે ત્યારે સામાન્ય રીતે સ્ત્રીઓ એક સીમામાં બંધાઈને રહે છે અને આ અંગોની ઉપેક્ષા કરતી હોય છે. ગરદન અને હાથ-પગના સૌંદર્યને બિલકુલ નજરઅંદાજ ન કરવા. સુરાહીદાર ગરદન અને સુંવાળા હાથ-પગ તમારી બ્યુટીમાં વધારો કરશે. ઇન્સટન્ટ રિઝલ્ટ માટે એક્સફોલિએટર વાપરી શકાય.

Try it : એક્સ્ટ્રા કૅર માટે કેસર, હળદર અને ગુલાબજળના મિશ્રણથી ચહેરો થપથપાવીને ધોવાથી બ્યુટી ટ્રિટમેન્ટની અસર લાંબો સમય સુધી રહેશે.

જ્વેલરી

જ્વેલરીની ખરીદી કરતી વખતે માત્ર મેચિંગ પર ધ્યાન ન આપતાં થોડી સ્માર્ટનેસ વાપરો. દિવાળીની જ્વેલરી તમારા ડ્રેસને તેમ જ ચહેરાના આકારને અનુરૂપ હોવી જોઈએ. ઓવલ શેપના ચહેરા પર તમામ પ્રકારની ડિઝાઇન સારી લાગે છે. ગોળ ચહેરો ધરાવતી મહિલાઓ લાંબો હાર અને લાંબા ઇયરિંગ્સ (હેંગિંગ ઇયરિંગ્સ) પહેરવાં જોઈએ. આવી જ્વેલરીમાં ચહેરો અને ગરદન લાંબી દેખાય છે. સ્ક્વેર ચહેરાવાળી મહિલા પર ગોળ ટોપ્સ અથવા ગોળ લટકણિયાં સુંદર દેખાશે. જ્વેલરીમાં ચહેરાના આકારની જેમ શરીરના બાંધાને પણ ધ્યાનમાં રાખવો. પાતળી મહિલાઓ પર ભારે વજનવાળી, જડાઉ અને કુંદનની જ્વેલરી સૂટ નથી કરતી. નાક પહોળું હોય એવી મહિલાઓએ નોસ રિંગ ન પહેરવાની સલાહ છે.

Try it : સિલ્કની સાડી પર સાધારણ નેકલેસ અને ઇયરિંગ્સ પહેરવાં. સાડી સિમ્પલ અને બ્લાઉઝમાં ભારે વર્ક હોય તો ઇયરિંગ્સ અને મોટી સાઇઝની ફિંગર રિંગ બ્યુટીફૂલ લાગશે. ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સમાં ડાયમન્ડ અથવા મોતીની ઇયરિંગ્સ ટ્રેન્ડમાં છે.

મેકઅપ

સામાન્ય રીતે ગુજરાતી મહિલાઓના ચહેરાનો આકાર ગોળ હોય છે. બ્યુટી એક્સપર્ટ્સના મતે ઓવલ શેપનો ચહેરો પર્ફેક્ટ કહેવાય. ચહેરો આકર્ષક દેખાય એ માટે કોન્ટૂર મેકઅપની સહાયથી તમારા ચહેરાને ઓવલ શેપમાં કન્વર્ટ કરી દો. મેકઅપ કરતાં પહેલાં મનમાં ઓવલ શેપની આકૃતિ બનાવો. શેપ પ્રમાણે ચહેરાના ખૂણાના ભાગમાં ડાર્ક શેડનો મેકઅપ લગાવી દો. આમ કરવાથી ચહેરો બે ભાગમાં વિભાજિત થઈ જશે. કોન્ટૂર મેકઅપ માટે ચહેરાના ઓરિજિનલ કલર કરતાં બે શેડ લાઇટ અને બે શેડ ડાર્ક કલરનો મેકઅપ કરવાથી તમને જોઈએ એવો શેપ મળી જશે. શેપ આપ્યા બાદ ચહેરાને અંગ્રેજી અક્ષર Tમાં કન્વર્ટ કરો. T ઝોન એરિયામાં કપાળથી ગળાનો ભાગ આવી જાય. ત્યાર બાદ કન્સીલર, કોમ્પેકટ અને ફાઉન્ડેશનથી તમારા ફીચર્સને ઍન્હેન્સ કરો. ગાલને ઉપસાવવા બ્લશરનો ઉપયોગ કરો. લિપસ્ટિકમાં વધુ ઘેરો રંગ ન હોવો જોઈએ. કોન્ટૂર મેકઅપની એક ખાસિયત છે. તમે ચાહો એ ભાગને હાઇલાઇટ કરી શકો તેમ જ ચહેરાના ડાઘ-ધબ્બા પણ છુપાવી શકો છો. આજકાલ કોન્ટૂર મેકઅપ માટેની કિટ બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે એક કિટમાં ૧૦થી ૧૫ જાતના શેડ્સ આવે છે, તેથી જાતે મેકઅપ કરવું અઘરું નથી. લેટેસ્ટમાં લિપ આર્ટની ફૅશન પોપ્યુલર છે. વધુ સ્ટાઇલિસ્ટ દેખાવા ચાહો તો દિવાળીની પાર્ટીમાં હોઠને આર્ટિસ્ટિક લુક આપી શકો છો.

Try it : તમારા સ્કીન ટૉન સાથે મેચ થાય એવા શેડ્સ વડે મેકઅપ કરશો તો ચહેરો ઝગમગી ઊઠશે. આ વર્ષે સિમ્પલ, સોફ્ટ અને મોનોક્રોમ લુક ટ્રેન્ડમાં છે.

સ્ટાઇલિશ હેર

વાળની ખૂબસૂરતી મહિલાના ઓવરઑલ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે. વાળને લઈને પણ મહિલાઓ ઘણી પઝેસિવ હોય છે. દિવાળીમાં હેરસ્ટાઇલને લઈને તેઓ કન્ફ્યુઝ કહે છે. હૅર એક્સટેન્શન તમારી આ ચિંતા હળવી કરી દેશે. ડ્રેસમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ પસંદ કરી હોય તો હૅર એક્સટેન્શન વડે નવી હેરસ્ટાઇલ અપનાવી શકો છો. વિવિધ કલર્સ અને લેન્થમાં મળતાં હૅર એક્સટેન્શન તમારા ચહેરાને પર્ફેક્ટ લુક આપવામાં સહાય કરશે. જોકે, હૅર સ્ટ્રેઇટનિંગ પણ પૉપ્યુલર છે. ઘરમાં મશીન વડે અથવા પાર્લરમાં જઈને વાળ સ્ટ્રેઇટ કરાવી લેવા. જો સ્ટાઇલ ચૅન્જ કરવી હોય તો કર્લી અને વેવીના ઑપ્શન પણ અવેલેબલ છે. તમારા ચહેરા પર કેવા પ્રકારની હેરસ્ટાઇલ સૂટ થશે એ બાબત બ્યુટિશિયનની સલાહ પહેલાં જ લઈ લેવી, જેથી છેલ્લી ઘડીએ મૂડ ખરાબ ન થાય.

સૅન્ડલ ઍન્ડ ક્લચ

સાડીમાં જૂતાં ક્યાં દેખાવાના છે, એવું વિચારી કેટલીક મહિલાઓ કોઈ પણ સેન્ડલ પહેરી લે છે. આવું કદાપિ ન કરો. સાડી સાથે હંમેશા કમ્ફર્ટેબલ સેન્ડલ જ પહેરવા જોઈએ. જો તમને ઊંચી હિલ્સની ટેવ ન હોય તો ખોટા ઉધામા ન કરો. ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં વર્કવાળી મોજડી પહેરી શકાય. સાડી પહેરીને ચાલવાની કે દાદરા ચડવાની જરૂર પડે એમ હોય તો પૅન્સિલ હિલ્સના સેન્ડલ ન પહેરાવા. જૂતાંની ખોટી પસંદગી તમારા ઓવરઑલ લુકને બગાડી શકે છે. એ જ રીતે કેટલીક મહિલાઓ ઑફિસમાં વાપરતી હોય એવી હેન્ડબૅગ લઈને નીકળી પડે છે. સાડી અથવા ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે હંમેશા ક્લચ (હેન્ડી પર્સ) જ શોભે છે. પાર્ટીમાં બટવો પણ સ્ટાઇલિશ લુક આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK