એક સમય હતો જ્યારે પરણવાલાયક યુવાનો પણ સેક્સ વિશે વાત કરતાં અચકાતા હતા. લગ્નની મહોર ન લાગે ત્યાં સુધી શારીરિક સંબંધ બાંધવાનો વિચાર સુધ્ધાં તેમને નહોતો આવતો. આજે દૃશ્ય બદલાઈ ગયું છે. જેટ યુગના જમાનામાં ઊછરી રહેલી યુવાપેઢીને તમામ પ્રકારની મસ્તી જોઈએ છે. સેક્સ માણવાનો એકેય મોકો તેઓ ગુમાવવા માગતા નથી. સેક્સ માટેની અધીરાઈ વધતાં કાચી ઉંમરે કૌમાર્ય ગુમાવનારા ટીનેજરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરમાં શારીરિક સંબંધો પ્રત્યે આકર્ષણનાં કારણો સંદર્ભે નિષ્ણાતો સાથે ચર્ચા થઈ હતી એ વિશે જાણીએ.
પૉર્ન સાઇટ્સ
કાચી વયે શારીરિક સંબંધો પ્રત્યે આકર્ષણનું કારણ ઇન્ટરનેટનો અતિરેક છે એમ જણાવતાં સાઇકોથેરપિસ્ટ ઍન્ડ સ્પેશ્યલ એજ્યુકેટર તનુજા પ્રેમ કહે છે, ‘આજે અગિયારથી પંદર વર્ષની ઉંમરનાં બાળકોને સેક્સ બાબતની લગભગ તમામ જાણકારી હોય છે. નેટફ્લિક્સ જેવી સાઇટ્સ તેમને ગેરમાર્ગે દોરે છે. પૉર્ન ફિલ્મ તેમની ઉત્સુકતામાં વધારો કરે છે. જોકે આ ઉંમરમાં તેઓ સેક્સ્યુઅલ ઇન્ટરર્કોસમાં નથી જોડાતાં, પણ ઓરલ સેક્સ અને ફોરપ્લેમાં રસ લેતાં થઈ જાય છે. કૉલેજમાં પગ મૂકતાં જ તેમનામાં એક ડગલું આગળ વધવાની હિંમત આવી જાય છે. મારું નિરીક્ષણ અને અનુભવ કહે છે કે મુંબઈ જેવા શહેરમાં સોળથી ઓગણીસની વચ્ચેની વયના મોટા ભાગના ટીનેજરોને સેક્સનો અનુભવ છે.’
ટીનેજરોમાં સેક્સનો અનુભવ લેવાની તાલાવેલી વધી છે એમાં પૉર્ન સાઇટ્સનો રોલ મહkવનો છે એમ જણાવતાં વરસોવા અને ઘાટકોપર ખાતે ક્લિનિક ધરાવતા સાઇકિયાટ્રિસ્ટ ઍન્ડ સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘ઇન્ટરનેટ પર આપત્તિજનક પૉર્ન સાઇટ્સ જોવાનો ચસકો ટીનેજરોમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે. સમયાંતરે કન્ટેન્ટમાં બદલાવ લાવી આવી સાઇટ્સ યંગ યુઝર્સને ટાર્ગેટ કરે છે. પંદરથી સત્તર વર્ષની ઉંમરે તેઓ શારીરિક સંબંધો બાંધતા થયા છે એનું મુખ્ય કારણ આ જ છે. બીજું કારણ છે પ્યુબર્ટીની એજ. આજે સરેરાશ ૧૧ વર્ષની વયે છોકરીઓમાં મેન્સ્ટ%એશન સાઇકલ શરૂ થઈ જાય છે. એ જ રીતે છોકરાઓની પ્યુબર્ટીની એજ ઘટીને ૧૩ વર્ષ થઈ ગઈ છે. આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ હોય તેમ જ બૉડીમાં હૉર્મોનલ ચેન્જિસ થાય એટલે ઉત્તેજના વધે. એક વાર અનુભવ લીધા પછી તેઓ પોતાની જાત પર કન્ટ્રોલ કરી શકતા નથી.
સેક્સ ઇઝ નૉટ બૅડ
આજની પેઢી સેક્સને ખરાબ નથી માનતી એવો અભિપ્રાય આપતાં તનુજા કહે છે, પેરેન્ટ્સને તેમના કારનામાની ખબર પડે તો પણ તેમને ડર નથી લાગતો. ઘણાં બાળકો પેરેન્ટ્સને કહેતાં હોય છે કે બિના સેક્સ કે મૈં પૈદા કૈસે હોતા? હકીકત એ છે કે શારીરિક સંબંધમાં કેટલા આગળ વધવાનું છે તેમ જ કેવી સાવચેતી રાખવી જોઈએ એનું તેમને જ્ઞાન નથી. બે-ત્રણ મહિને એકાદ વાર મોકો શોધી સેક્સનો આનંદ ઉઠાવે છે. કૉન્ડોમ વાપરવાની કે ગર્ભનિરોધક ગોળી લેવાની તેઓ દરકાર કરતાં નથી. સલામતીનાં સાધનો વિશે તેમનું જ્ઞાન અધૂરું છે, પરંતુ ૭૨ કલાકની અંદર ગોળી લેવામાં આવે તો ગર્ભ ન રહે એ બાબતથી તેઓ સારી રીતે પરિચિત છે. આ બાબત દર્શાવે છે કે તેઓ ખોટી દિશામાં જઈ રહ્યાં છે.’
પિઅર-પ્રેશર
કિશોરાવસ્થામાં વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે. ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ હોવું એ સ્ટેટસ સિમ્બૉલ બની ગયું છે એમ જણાવતાં ડૉ. શ્યામ કહે છે, ‘મિત્રો વચ્ચે વટ પડે એ માટે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ એવો માહોલ બની ગયો છે. જોકે છોકરીઓ પણ કંઈ ગાંજી જાય એવી નથી. સોશ્યલ મીડિયા પર રિલેશનશિપ જાહેર કરી તેઓ પોરસાય છે. જો કોઈ ટીનેજરને ગર્લફ્રેન્ડ ન હોય તો હતાશ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં એકલતા અને મિત્રોની કમેન્ટ્સના કારણે ટીનેજર ડિપ્રેશનમાં આવી જાય છે. તેને લાગે છે મને જ કેમ કોઈ પસંદ નથી કરતું? આ ઉપરાંત ક્લબિંગ અને પાર્ટી કલ્ચરની અસર પણ જોવા મળે છે. બીજું એ કે આ ઉંમરના લવ અર્ફેસ લાંબા ટકતા નથી. મલ્ટિપલ પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી તેઓ મુસીબતમાં ફસાઈ જાય છે. કાચી વયે લવ અર્ફેસ અને સેક્સ વચ્ચેની બૉર્ડર પાર કરી જાય છે. પરિણામે સ્ટડી પર ફોકસ રાખી શકતા નથી. અસલામત શારીરિક સંબંધના કારણે પ્રેગ્નન્સી અને સેક્સ્યુઅલ ટ્રાન્ઝિસ્ટ ડિસીઝની શક્યતા પણ વધી જાય છે.’
ઇમોશનલ અટૅક
પ્રેમ અને સેક્સ વચ્ચેની પાતળી રેખાને ટીનેજરો સમજી શકતા નથી એટલું જ નહીં, પેરેન્ટ્સ પર ઇમોશનલ અટૅક કરતાં પણ અચકાતા નથી. એક કેસ સ્ટડી વિશે વાત કરતાં તનુજા કહે છે, ‘નવમા ધોરણમાં અભ્યાસ કરતી ટીનેજરને તેની સાથે ભણતા છોકરા સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ છોકરીના પપ્પાએ બન્નેને રસ્તા પર હાથ પકડીને ચાલતાં જોઈ લીધાં. ઘરે આવીને તેને ખખડાવી, મોબાઇલ ઝૂંટવી લીધો અને રૂમમાં પૂરી દીધી. ટીનેજરે ત્રાગડા રચ્યા. જમવા ન બેસે. પેરેન્ટ્સ સાથે વાત ન કરે. ધમપછાડા કર્યા. બે-ત્રણ દિવસે જેમતેમ કરી પોતાના બૉયફ્રેન્ડને મેસેજ પાસ કર્યો. પછી સમજ્યા-વિચાર્યા વગર બ્લેડથી હાથ પર કાપો મૂક્યો એટલે પેરેન્ટ્સ ગભરાઈ ગયા અને ફોન પાછો આપી દીધો. ટીનેજરો પેરેન્ટ્સને બ્લૅકમેલ કરવા આવા અખતરા કરે છે. એવા કિસ્સા પણ બન્યા છે જેમાં પેરેન્ટ્સ પર ઇમોશનલ અટૅક કરવા જતાં ટીનેજરે આવેશમાં બ્લેડ થોડી જોરથી મારી હોય અને અજાણતાં પોતાનો જીવ ગુમાવ્યો હોય.’
એજ્યુકેશનનો અભાવ
ટીનેજરોમાં વર્જિનિટી ગુમાવવાનો હવે છોછ રહ્યો નથી. પોતાની બૉડી માટે સેન્સ ઑફ રિસ્પેક્ટ હોવી જોઈએ એ નથી રહી. તેઓ પેરેન્ટ્સને બધી વાતની ખબર પડવા દેતા નથી. સ્કૂલ લેવલ પર સેક્સ એજ્યુકેશનમાં જોઈએ એવું કામ થયું નથી. આ સંદર્ભે પોતાનો અનુભવ જણાવતાં તનુજા કહે છે, ‘એક સ્કૂલમાં ગર્લ્સને સૅનિટરી નૅપ્કિન વિશે સમજાવવામાં આવ્યું અને તેમને વાપરવા માટે આપ્યા. હવે બૉય્ઝને ખબર પડી તો કેટલાક સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી કે અમને પણ પ્યુબિક હેર રિમૂવ કરવા કંઈક તો આપો. આપણે સેક્સ-એજ્યુકેશન શરૂ કર્યું છે, પણ એ ગર્લ્સ સુધી સીમિત છે. એમાં પરિવર્તન લાવવાની જરૂર છે. યુવા પેઢીને ગેરમાર્ગે દોરાતી અટકાવવા પેરેન્ટ્સ અને ટીચર્સે મળીને આ દિશામાં વધારે કામ કરવું પડશે.’
પેરેન્ટ્સે શું કરવું જોઈએ?
એક્સપર્ટનું કહેવું છે કે સૌથી પહેલાં તો પેરેન્ટ્સે પોતાનાં સંતાનોને વિશ્વાસમાં લેતાં શીખવું જોઈએ. તમારું બાળક કંઈ છુપાવે, તમારાથી ડરે એવું વાતાવરણ ન હોવું જોઈએ. તમે બધી જ સુવિધા આપો એમાં વાંધો નથી, પરંતુ અતિરેક ન હોવો જોઈએ. આજે વર્કિંગ મધર્સની સંખ્યા વધી રહી છે. ઘરે આવ્યા બાદ પેરેન્ટ્સ પણ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાયેલા રહે છે. બાળકના મનમાં અનેક એવા સવાલો ચાલતા હોય છે જેના જવાબ તેને ઘરમાંથી મળતા નથી એટલે ગૂગલ પર શોધી લે છે. તેમના સવાલોના સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન પેરેન્ટ્સે જ કરવો જોઈએ.
આ પણ વાંચો: કેટલુ હાઇજીનિક છે તમારું બ્યુટી-પાર્લર?
તમારું સંતાન કોઈના પ્રેમમાં છે એની જાણ થયા બાદ તાત્કાલિક કડક હાથે કામ લેવાથી વાત વધારે બગડે છે. તેમને વઢો નહીં. આવા કેસમાં સામાન્ય રીતે પેરેન્ટ્સનું રીઍક્શન યોગ્ય નથી હોતું. સંતાનો પૈસાનું સેટિંગ કરે છે એવી જાણ થાય તો સાવધ થઈ જાઓ. તેના અભ્યાસ બાબત પૂછપરછ કરો અને એમાં મદદ કરો.