બાળકો ખાવામાં બહુ નખરાં કરે છે? તો અજમાવો આ ટિપ્સ

Published: Nov 14, 2019, 12:22 IST | Meeta Bharwada | Mumbai

કિડ્સ સ્પેશ્યલ: આજે ચિલ્ડ્રન્સ ડે છે ત્યારે જાણીએ કે સાદીસીધી વાનગીઓમાં સ્મૉલ ચેન્જિસ કરીને અને પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવીને કઈ રીતે બાળકોને હેલ્ધી ફૂડ ખાતાં કરી દેવાં

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજકાલનાં કિડ્સને તો જન્ક-ફૂડ સિવાય કંઈ ભાવતું જ નથી એવું ઘણા પેરન્ટ્સ કહેતા હોય છે. જાહેરાતો અને જન્ક-ફૂડનો ઍડિક્ટિવ ટેસ્ટ ભલે બાળકોને વધુ અટ્રૅક્ટ કરતા હોય, પણ હવે મમ્મીઓએ જાગવાની જરૂર છે. આજે ચિલ્ડ્રન્સ ડે છે ત્યારે જાણીએ કે સાદીસીધી વાનગીઓમાં સ્મૉલ ચેન્જિસ કરીને અને પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવીને કઈ રીતે બાળકોને હેલ્ધી ફૂડ ખાતાં કરી દેવાં.

મારો બિટ્ટુ તો પાલકનું શાક ખાય જ નહીં. તેના માટે મારે ખાસ બટાટાનું શાક બનાવવું જ પડે.

મારી ડૉલીને તો પીત્ઝા, પાસ્તા, મૅગી અને ચીઝ સિવાય કંઈ ભાવતું જ નથી. હેલ્ધી ચીજો તો તેને ધમકાવીને ખવડાવવી પડે.

આ કંઈ એક-બે મમ્મીઓની સમસ્યા નથી, દરેક ઘરની આ રામાયણ છે. સંતાનોને હેલ્ધી વેજિટેબલ્સ ખાવામાં તો તેને બહુ જોર પડે છે એવું કહેતી મમ્મીઓએ જાગવાની જરૂર છે. બાળકોને તમે હેલ્ધી ચીજ આપો કે અનહેલ્ધી, તેમને તો માત્ર ટેસ્ટમાં જ સમજણ પડે છે. આપણાં બાળકો જ આપણું ભવિષ્ય છે અને તેઓ હેલ્ધી બને એ આપણી જ જવાબદારી છે. જોકે આજનાં કિડ્સ બહુ સ્માર્ટ છે. તમે ધાર્યા પણ ન હોય એટલા સ્માર્ટ. તેઓ બહુ સ્પષ્ટ હોય છે કે તેમને શું જોઈએ છે અને શું નહીં. આ ચિલ્ડ્રન્સ ડેના દિવસે કંઈક એવું કરીએ કે જેથી બાળકો વધુ હેલ્ધી બની શકે, તેમને ઘરનું ખાવાનું એટલું ભાવે કે બહારની ચીજો ખાવાની તેમની તલબ ઘટી જાય.

ચાલો જોઈએ બાળકને કેવી ટ્રિક્સથી હેલ્ધી ખાતાં કરી શકાય. હા, આ આદતો માત્ર બાળકો માટે જ નથી, આખા પરિવાર માટે છે.

ફૂડને કલરફુલ બનાવો

બાળકોને રંગો બહુ ગમતા હોય છે. ખાસ કરીને બ્રાઇટ કલર્સ. તેમના ખાવામાં ગાજર, લાલ-પીળા-લીલા કૅપ્સિકમ, પાલક, બીટ જેવી ચીજો વાપરીને તેમની ડિશને રંગીન બનાવો. હજી વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો અઠવાડિયાના ચોક્કસ દિવસે ચોક્કસ રંગ નક્કી કરો. જેમ કે ગ્રીન મન્ડે, યલો ટ્યુઝડે... એ દિવસે તમે ભોજનમાં જે-તે રંગની ચીજોનું પ્રાધાન્ય રાખો. એ દિવસે લીલાં શાકભાજી વધુ વાપરવાનાં અને ખાસ ભોજનને જે-તે રંગની થીમવાળું બનાવવાનું.

લોકલ ફૂડનો નાસ્તો

હેલ્ધી રહેવા માટે બહુ મોટો રૂલ એ કહેવાય છે કે તમારા વિસ્તારમાં જે ચીજો વધુ ઊગતી હોય એનો વધુ વપરાશ કરો. આ જ નિયમ બાળકોના ફૂડમાં વણવો હોય તો તમારે દેશી ચીજોને જરાક ટ્વિસ્ટ સાથે રજૂ કરવી પડશે. વિદેશી ચીજોને બદલે બાળકો સિંગદાણા, કાકડી જેવી દેશી ચીજો પસંદ કરે એ માટે એને સહેજ અલગ રીતે પ્રેઝન્ટેશન કરીને આપો. સિંગદાણાને બૉઇલ કરીને એમાં સહેજ બટર અને ચપટીક સંચળ કે સૉલ્ટ નાખેલું હોય અને મસ્ત બાઉલમાં સર્વ કરો તો તેને જરૂર ભાવશે. કાકડી જેવી ચીજને એમ જ ગોળાકાર પતીકાં પાડીને પીરસી દેવાને બદલે એને જરાક હટકે શેપમાં કાપીને ચાટ મસાલો ભભરાવીને આપો તોય ચાલે. તમે પહેલી વાર જે ચીજ ઇન્ટ્રોડ્યુસ કરો છો એ કેટલી અપીલિંગ છે એ બાળકો માટે બહુ મહત્ત્વનું હોય છે. કેળા પર સહેજ ચૉકલેટ સૉસ નાખી દો. ઘઉં કે નાચણીના પફ્સ કે મખાનાને રોસ્ટ કરીને માત્ર સૉલ્ટ નાખીને આપશો તોય બાળકોને ભાવશે. અને હા, ઘરમાં આ બધી ચીજો તમારે પારદર્શક બરણીઓમાં ભરવી અને બાળકો તરત જ લઈ શકે એવી જગ્યાએ મૂકવી.

બાળકોને કૂકિંગમાં ઇન્વૉલ્વ કરો

સૌથી પહેલાં તો વીકલી મેન્યૂ તૈયાર કરો. એમાં બાળકને પણ ઇન્વૉલ્વ કરો. વેજિટેબલ માર્કેટમાંથી ખરીદી કરવાની હોય કે કિચનમાં કંઈક નાની-મોટી મદદ કરવાની હોય તો બાળકોને એમાં જોતરો. જેટલી નાની ઉંમરથી તેઓ આ બધામાં ઇન્વૉલ્વ થશે એમ-એમ તેમને ડિફરન્ટ ટેસ્ટ્સ, ટૅક્સ્ચરની સમજણ પડશે અને તેમની થાળીમાં પીરસાતા ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે તેઓ વધુ સભાન થશે.

ફૂડ સર્વિંગ વિથ ફન

બાળકોને બધી ચીજો ભાવે એવું ઇચ્છતા હો તો તેમને જે સર્વ કરવામાં આવે છે એમાં ડિફરન્સ લાવો. બાળકોને ડાઇનિંગ ટેબલ પર જ્યારે ડિશ સામે મુકાય છે ત્યારે એ કેવી લાગે છે એનો બહુ જ ફરક પડે છે. બાળકોને ખાવામાં મજા પડે એ રીતે ફૂડ પીરસશો તો ગમ્મત કરતાં-કરતાં એ ઓછી ભાવતી ચીજ પણ ખાઈ જશે. આખું ઍપલ ધોઈને ડિશમાં મૂકી દેવાને બદલે એને ફ્રેન્ચ-ફ્રાઇઝની સ્ટાઇલમાં કાપીને મૂકો. પહેલાં તેમને સ્કિનવાળું ઍપલ ન ભાવે તો છાલ કાઢી લો. એક વાર છાલ વિનાનું સફરજન ખાતા થઈ જાય એ પછી ધીમે-ધીમે છાલ સાથે રાખવા લાગો. પેનકૅક બનાવો તો એમાં ચટણી કે કેચઅપ ફન ફેસ ધરાવતા હોય એમ પીરસો. દાળ-રાઇસને પણ અલગ-અલગ મૂકી દેવાને બદલે કંઈક ડિફરન્ટ રીતે પીરસો. મિક્સ-ફ્રૂટ્સની રંગોળી બનાવીને પ્લેટ સજાવો.

સ્માર્ટ કૂકિંગ

તમે જાણો જ છો કે બાળકો બહુ જ સ્માર્ટ હોય છે, પણ આપણે તેના પેરન્ટ્સ છીએ તો તેનાથી એક ડગલું આગળ રહેવું જ જોઈએ. હેલ્ધી ચીજોનો ભોજનમાં વપરાશ વધારવો હોય તો તેમને જે વાનગીઓ ભાવતી હોય એમાં એ ચીજોને ભેળવવાનું શરૂ કરો. જ્યારે બાળકો નાચોઝ ખાવાની ડિમાન્ડ કરે ત્યારે તેમને બહારથી તૈયાર લાવી દેવાને બદલે ઘરે બનાવી જ શકો છો. મેંદાને બદલે ઘઉં અને મકાઈનો લોટ વાપરીને ઝટપટ નાચોઝ બની શકે છે. મગ કે મગની દાળ બાળકોને ન ભાવતાં હોય તો એને પલાળીને પેસ્ટ બનાવી દો. એમાં તેમને મનગમતાં વેજિટેબલ્સ નાખીને એમાંથી ઢોસા કે પૂડલા બનાવી દો. એની પર કેચઅપ, ચીઝ, મેયોનીઝ કે ચટણીથી સજાવટ કરશો તો મજા પડશે.

સ્ટફ પરોઠા કે વેજિટેબલ કટલેટ્સ બનાવતી વખતે સોયા ગ્રૅન્યુઅલ્સ નાખી દેશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને તેમના પેટમાં હેલ્ધી ચીજો જશે.

પ્રિઝર્વેટિવ્સ અને કલર ટાળો

બાળકોને પસંદ આવે એ માટે ફૂડને રંગબેરંગી બનાવવું હોય તો બને ત્યાં સુધી નૅચરલી કલરફુલ હોય એવાં શાકભાજી અને ફળો પસંદ કરો, પરંતુ એમાં આર્ટિફિશ્યલ કલર કે એક્સ્ટ્રા શુગર વાપરવાનું બને ત્યાં સુધી ટાળો. પાર્ટી માટે કેક ઑર્ડર કરતા હો ત્યારે ફૉન્ડન્ટ અને વધુપડતા ફૂડ કલર્સવાળી ચીજો અવૉઇડ કરો. કૅન પૅક્ડ કે બૉક્સ પૅક્ડ જૂસીઝને બદલે આપણા સાદા લીંબુપાણી કે કૉકોનટ વૉટરને ફૅન્સી સ્ટ્રો સાથે રજૂ કરશો તોય અપીલિંગ લાગશે. ચૉકલેટ્સ કે કૅન્ડીઝને બદલે સીડલેસ ખજૂરમાં કાજુ નાખીને બનાવેલા બૉલ્સ કે અલગ શેપના પીસ કરીને મૂકશો તો જુદું પણ લાગશે અને હેલ્ધી પણ હશે.

પીનટ ચાટ

પ્રોટીન-રિચ સ્નૅક્સ : બાળકોને રમતાં-રમતાં કંઈક ચગળવા જોઈતું હોય તો અનહેલ્ધી ચિપ્સ કે ફ્રાઇસ આપો એના બદલે બાફેલા સિંગદાણા આપી શકાય.

સહેજ બટર, સૉલ્ટ કે સંચળ અને ચાટ મસાલો સિંગદાણાને સ્વાદિષ્ટ બનાવી દેશે.


સોયા કટલેટ્સ

જો તમે બાળકોને સોયાબીન ખાવાં જોઈએ અને એ તો હેલ્ધી છે એવું કહેશો તો એ જરાય નહીં ખાય. પણ જો તેમને મનભાવતી વેજિટેબલ કટલેટ્સ કે સ્ટફ પરોઠામાં સોયા ગ્રૅન્યુઅલ્સ નાખી દીધા હશે તો તેમને ખબર પણ નહીં પડે. ઓછા તેલવાળી, વધુ વેજિટેબલ્સથી ભરપૂર અને સોયા ગ્રૅન્યુઅલ્સને કારણે પ્રોટીન-રિચ કટલેટ્સ બાળકોને બહુ જ ભાવશે એની ગૅરન્ટી.

 

હોમમેડ નાચોઝ

જેમ આપણે ત્યાં ફરસીપૂરી કે કડક મસાલા પૂરીનો નાસ્તો રખાતો એનું સ્થાન નાચોઝ પણ લઈ શકે છે. બહારના રેડીમેડ નાચોઝને બદલે ઘરે મેંદાને બદલે ઘઉંનો ઉપયોગ કરીને નાચોઝ બનાવો. એ પૂરી કરતાં બનાવવામાં સહેલું પણ છે, ટેસ્ટી પણ છે અને બાળકોને ભાવે પણ છે.

 

કકુમ્બર બોટ્સ

કાકડીનાં જો પતીકાં કે ટુકડા કરેલા હશે તો બાળકોને એ જરાય નહીં ગમે. કદાચ મોં પણ બગાડે. જોકે બાળકો રમવામાં મશગૂલ હોય ત્યારે સાથે તેમને બોટ શેપમાં કાપેલી કાકડી પર ચાટ મસાલો કે મરચું-મીઠું ભભરાવીને ટેબલ પર મૂકી દો. વચ્ચે ટૂથ-પિક લગાવેલી હશે તો બાળકો રમતાં-રમતાં કાકડી ઍન્જોય કરશે. એમ કરીને તમે જમતાં પહેલાંનું સૅલડ પણ બાળકને ખવડાવી દઈ શકશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK