મજબૂત મનોબળ અને પરિવારનો જો હોય સાથ તો કૅન્સર એટલે કૅન્સલ તો નહીં જ

Published: Feb 04, 2020, 15:10 IST | Varsha Chitaliya | Mumbai

વાસ્તવિકતાને સ્વીકારી લો તો કૅન્સર જેવા ભયાનક રોગને પણ પરાસ્ત કરી શકાય છે એમાં શંકાને સ્થાન નથી. આજે વર્લ્ડ કૅન્સર ડેએ મળીએ એવા ખમીરવંતા લડવૈયાઓને જેમણે મક્કમ મનોબળ અને હકારાત્મક અભિગમથી આ રોગ પર વિજય મેળવવાનો સંકલ્પ કર્યો અને એમાં તેઓ જીતી ગયા.

વર્લ્ડ કૅન્સર ડે
વર્લ્ડ કૅન્સર ડે

એવા અનેક રોગ છે જ્યાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી પણ હાંફી જાય છે. કૅન્સરના રોગથી દરદીઓને સંપૂર્ણપણે સાજા કરવામાં હજી સાયન્સને સફળતા મળી નથી એટલે મોટા ભાગના કેસમાં કૅન્સરનું નામ પડે એટલે વ્યક્તિ ભાંગી પડે છે. હવે ગણતરીના દિવસો જ જીવવાનું છે એવું તેઓ મનોમન માની લેતા હોય છે. તેની પીડા, સારવારની પ્રક્રિયા અને ખર્ચ મારી નાખે છે એ હકીકત છે, પરંતુ સાજા ન જ થવાય સાવ એવુંય નથી. કૅન્સર એટલે કૅન્સલ એવું માનવાની ભૂલ ન કરવી. વિશ્વ કૅન્સર દિવસની સાર્થકતા એટલે આ જીવલેણ રોગ પર વિજય મેળવવાનો સંકલ્પ. આજે આપણે એવા દરદીઓને મળીએ જેમણે હકારાત્મક અભિગમ, મજબૂત મનોબળ, પરિવારના સાથ અને ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધાથી કૅન્સર સામેનો જંગ જીતી લીધો છે.

કૅન્સરને સામાન્ય બીમારીની જેમ જ ટ્રીટ કરો, એને હાવી ન થવા દો : નીતિન શેઠ, કાંદિવલી

કૅન્સર શબ્દને તમારા મગજ પર હાવી થવા ન દો. જો તમે એના વિશે વિચાર્યા કરશો તો શારીરિક પીડા કરતાં માનસિક પીડા વધી જશે. ઇન્ડિયન ઍરફોર્સમાં ટેક્નિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂકેલા કાંદિવલીના ૬૦ વર્ષના નીતિન શેઠ કિડની કૅન્સર સર્વાઇવર છે. તેઓ કહે છે, ‘મને નથી ક્યારેય કોઈ પીડા થઈ કે નથી રિબાવું પડ્યું. કૅન્સરને સામાન્ય બીમારીની જેમ જ ટ્રીટ કરી છે અને એટલે જ હું આજ સુધી ફિટ રહી શક્યો છું.’

કૅન્સરનું નિદાન ક્યારે થયું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૧૯૯૪માં ઍરફોર્સની નોકરી છોડીને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એક્સાઇઝ વિભાગમાં જોડાયો. ૨૦૧૪માં ઇલેક્શન ડ્યુટી વખતે યુરિનમાં રેડ અને બ્રાઉન કલર પાસ થતો હતો. ચૂંટણી વખતે કામના ભારને લીધે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. આમેય ક્યારેય માંદો પડતો નથી એથી કલ્પના પણ ક્યાંથી હોય કે આ કૅન્સરનાં લક્ષણો છે. ચૂંટણી બાદ જનરલ ફિઝિશ્યન પાસેથી દવા લીધી. જોકે તેમણે સોનોગ્રાફીની સલાહ આપી હતી. સોનોગ્રાફીમાં કિડની પાસે પૅચ જેવું દેખાયું એટલે મોટા ડૉક્ટર પાસે ગયો. આ દરમ્યાન મારા દીકરાની કૅટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં તેને દેશની પ્રતિષ્ઠિત આઇઆઇએમ કૉલેજમાંથી ઇન્ટરવ્યુ માટે કૉલ આવવા લાગ્યા. દીકરાના કરીઅરનો પ્રશ્ન હતો એથી ચુપકીદી સાધી લીધી. વાઇફને પણ નહોતું કહ્યું. તમામ જવાબદારી પૂરી કરવામાં સારવાર ત્રણેક મહિના લંબાઈ ગઈ. ત્યાર બાદ ડૉક્ટર પાસે જવું, જુદા-જુદા રિપોર્ટ કઢાવવાના અને છેલ્લે તાતા હૉસ્પિટલ. આ બધું એકલપંડે કર્યું. અહીં તમને એક મજાની વાત કહું છું. કૅન્સરનું નિદાન થયું એ પહેલાં મારું વજન ઘટવા લાગ્યું તો હું હરખાઈ ગયો હતો. આજકાલ લોકો વજન ઘટાડવા મહેનત કરે છે અને મારું વજન એની મેળે ઘટ્યું એટલે ખુશી થઈ. બધી દોડાદોડ પછી છેલ્લે તાતા હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે એક કિડની કાઢી નાખવી પડશે. અત્યારે અમારી પાસે ખાટલો ખાલી નથી એથી દોઢ મહિના બાદ ઑપરેશન કરીશું અને ઉતાવળ હોય તો તમે બીજી હૉસ્પિટલમાં કરાવી લો. હવે સમય આવ્યો મારી વાઇફ પલ્લવીને કહેવાનો. જોકે તેને મારી ફાઇટિંગ સ્પિરિટ પર એટલો ભરોસો હતો કે તે જરાય અપસેટ નહોતી થઈ.’

નીતિનભાઈ ખરેખર ફાઇટર છે. દેશના દુશ્મનોનો જે રીતે ખાતમો બોલાવવો જોઈએ એવી જ હિંમતથી તેમણે કૅન્સર સામે ફાઇટ કરી છે. ઑપરેશનને સાડાપાંચ વર્ષ થયાં તેમને કોઈ તકલીફ નથી. આજે તેઓ એક કિડની સાથે નિવૃત્ત અને સ્વસ્થ જીવન વિતાવે છે. તેમનું કહેવું છે કે કૅન્સર શબ્દને ઇમૅજિન કરવાનું છોડી દો તો એ તમારું કંઈ બગાડી શકશે નહીં.

સંકલ્પ કરો કે ડરવાનું નથી, હેમખેમ બહાર નીકળવાનું છે : બિંદુ શાહ, કિંગ્સ સર્કલ

માસિકચક્ર બંધ થયાને એક દાયકાથી વધુ સમય વીત્યા બાદ કિંગ્સ સર્કલનાં ૬૭ વર્ષનાં બિંદુ શાહને ગર્ભાશયનું કૅન્સર છે એવું નિદાન થયું. હાઇપો થાઇરૉઇડ, હાર્ટની તકલીફ,  OSA (ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ)ની સમસ્યા, ભારે શરીર, આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક અને ઉપરથી વૃદ્ધાવસ્થા. આટઆટલી વ્યાધિ-ઉપાધિઓ સાથે તેમણે કૅન્સરનો સામનો કર્યો હતો. તેઓ કહે છે, ‘ચાર વર્ષ પહેલાં અચાનક એક દિવસ થોડું અમસ્તું લોહી પડ્યું. ૫૦ વર્ષની આસપાસની ઉંમરે મારું માસિક બંધ થઈ ગયું હતું એટલે થોડું અજુગતું લાગ્યું, પરંતુ ધ્યાન ન આપ્યું. થોડા દિવસ પછી ફરી આમ થયું. આ વખતે લોહી પડવાની માત્રા સહેજ વધી હતી. જોકે મને થયું કે હશે, આટલા રોગ છે તો દવાની આડઅસરને લીધે આમ થતું હશે. લોહી પડવાનું પ્રમાણ એટલું ઓછું હતું કે સૅનેટરી નૅપ્કિન વાપરવાની જરૂર ન પડે. લગભગ બે વર્ષ સુધી આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. સમસ્યા વધી એટલે ગાયનેકોલૉજિસ્ટ પાસે જવું પડ્યું.’

સીટી સ્કૅન, હિસ્ટરોસ્કોપી અને અન્ય પરીક્ષણ બાદ ગર્ભાશયનું કૅન્સર છે એવું સામે આવ્યું. જોકે તેમનાં નસીબ બળવાન હતાં. ડૉક્ટરે કહ્યું કૅન્સર શરૂઆતના તબક્કામાં છે એથી યુટ્રસ કઢાવી લો. બધું સારું થઈ જશે. આગળ વાત કરતાં તેઓ કહે છે, ‘કૅન્સરનું નામ પડે એટલે ચિંતા તો થાય જને. ઑપરેશન માટે એનેસ્થેસિયા આપવું પડે અને મને એટલાં કૉમ્પ્લિકેશન્સ હતાં કે એનેસ્થેસિયા આપી ન શકાય. બીજું, અમારા ઘરમાં બધા જ સિનિયર સિટિઝન્સ છે. મેં લગ્ન કર્યાં નથી.

ભાઈ-ભાભી મોટી ઉંમરનાં. ભાઈનું સંતાન દિવ્યાંગ. આવી ઉપાધિ આવે તો દોડાદોડ કોણ કરે? કૅન્સરના ઇલાજ માટે પૈસા પણ ખૂબ જોઈએ. આપણે રહ્યા મધ્યમ વર્ગના માણસો. એ પણ વિચાર માગી લે. બે-ત્રણ ડૉક્ટરનાં ઓપિનિયન બાદ ગ્લોબલ હૉસ્પિટલમાં બધું યોગ્ય લાગ્યું એથી અહીંના ડૉક્ટરોની દેખરેખ હેઠળ યુટ્રસ કઢાવી નાખવાનો નિર્ણય લીધો. હું નવકારમંત્ર બોલતી અને ભગવાનને એટલું કહેતી કે મારા પરિવારને દોડાદોડ ન કરવી પડે એવું કરજો.’

ગર્ભાશય કઢાવ્યા બાદ હવે બિંદુબહેન નૉર્મલ લાઇફ જીવે છે. ૬ મહિને ફૉલોઅપ માટે જવું પડે. આ સિવાય કોઈ સમસ્યા નથી. જોકે અન્ય દરદીઓને પીડાતા જોઈને તેમને ખૂબ દુ:ખ થાય. આર્થિક રીતે સહાયરૂપ થઈ શકે એવી તેમની સ્થિતિ નથી, પરંતુ મોરલ સપોર્ટ અને માર્ગદર્શન આપ્યા કરે. તેઓ એક જ વાત કહે છે કે કૅન્સરથી ડરવાનું નહીં, હેમખેમ બહાર નીકળવાનું છે.’

કૅન્સર સાથે બાવીસ વર્ષથી મારો ઝઘડો ચાલે છે અને હું હારવાનો નથી : ધર્મેન્દ્ર શાહ, ગ્રાન્ટ રોડ

ત્રણ-ત્રણ વખત કૅન્સરે શરીરમાં ઊથલો માર્યો છે અને દર વખતે એ હાર્યો છે, હું નથી હાર્યો. ગ્રાન્ટ રોડના પંચાવન વર્ષના બિઝનેસમૅન ધર્મેન્દ્ર શાહને પોતાના ફાઇટિંગ-સ્પિરિટ પર પૂરેપૂરો ભરોસો છે. આત્મવિશ્વાસ સાથે તેઓ કહે છે, ‘કર્મના ફળ પ્રમાણે બધાએ કંઈક ને કંઈક ભોગવવું પડે છે. મારે કૅન્સર આવ્યું. નિદાન થયું એ દિવસથી જ એક ગીત ગણગણું છું, ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા...’ મેં કૅન્સર નામના ઝેરને હસતાં-હસતાં પચાવી લીધું છે. મૃત્યુનો ડર ક્યારેય લાગ્યો નથી એટલે જ હજી સુધી જીવું છું.’

૧૯૯૮માં ધર્મેન્દ્રભાઈને શરદી-ખાંસી થઈ હતી. પંદરેક દિવસ તેમણે દવા લીધી, પણ સારું ન થયું એટલે કેટલાંક પરીક્ષણ કરાવ્યાં. રિપોર્ટમાં ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાનું નિદાન થયું. બ્રિધિંગ પ્રૉબ્લેમ સાથે અચાનક ૧૪ કિલો વજન ઘટી ગયું. પહેલાં તો ડૉક્ટરને લાગ્યું કે ટીબી હોવો જોઈએ. ત્યાર બાદ તાતામાં જવાની સલાહ આપી. શોલ્ડર અને ગળામાંથી ગ્લેન કાઢી બાયોપ્સી કરતાં નિદાન થયું કે તેમને

નૉન-હોજકિન લિમ્ફોમા નામનું કૅન્સર છે. આ કૅન્સરમાં શરીરના જૉઇન્ટ્સમાં ઝીણી-ઝીણી કૅન્સરની ગાંઠ બને છે. કૅન્સરનું નામ પડતાં જ ઘરમાં જાણે કે બૉમ્બ ફૂટ્યો હોય એમ બધા સ્તબ્ધ થઈ ગયા. ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘મારી વાઇફ અને  પેરન્ટ્સ રડવા લાગ્યાં હતાં. તેઓ આખી રાત સૂઈ ન શક્યાં, પણ હું નિરાંતે સૂઈ ગયો. બસ એક જ વિચાર આવ્યો કે હવે મારે જીવવા માટે ફાઇટ આપવાની છે.’

કીમો થેરપીથી સારું તો થઈ ગયું, પણ બે જ વર્ષમાં કૅન્સરે ફરી પાછો ઊથલો માર્યો. ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘કૅન્સરનું નામ પડે એટલે મગજમાં હંમેશાં એક વાત રહે કે પાછું તો નહીં થાયને? પહેલી વારની કીમો થેરપીથી બે વર્ષ નીકળી ગયાં. બીજી વારની સાઇકલ બાદ ચાર વર્ષ બીજાં નીકળી ગયાં. ૨૦૦૪માં ફરીથી કૅન્સરે મને ભરડામાં લીધો. આ વખતે વૉઇસ બૉક્સને પણ અસર થઈ હતી. રેડિયેશનની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. એ વખતે ક્યારેક ગુસ્સો આવી જતો કે બસ થયું હવે. ફૅમિલી પણ હેરાન થઈ રહી છે. જોકે રેડિયેશન બાદ બધું પાર ઊતર્યું.’

લાઇફસ્ટાઇલમાં બદલાવ અને ડાયટ પર ફોકસ રાખવાને કારણે આજે તેઓ એકદમ સ્વસ્થ છે. કૅન્સરના દરદીએ આહાર પર ખાસ ધ્યાન આપવું પડે. ધર્મેન્દ્રભાઈને ઘણી વાર લિક્વિડ પર રહેવું પડ્યું છે છતાં તેઓ હિંમત હાર્યા નહોતા. તેમનું કહેવું છે કે રોગને મારવો હોય તો જીવવાની પ્રબળ ઇચ્છાને વળગી રહો.

મને જ કેમ? મારા હાથે સારું કાર્ય થાય એ માટેનો સંકેત હતો એમ માનું છું : પૂર્વી શાહ, વિલે પાર્લે

કૅન્સર છે કે નથી એનું નિદાન થતું નહોતું. મેમોગ્રાફનો રિપોર્ટ નૉર્મલ, FNACનો રિપોર્ટ નૉર્મલ. અરે બાયોપ્સીના રિપોર્ટમાં પણ કંઈ ન આવ્યું. તો પછી બ્રેસ્ટમાં ગાંઠ શેની છે? આ ચિંતામાં ને ચિંતામાં રડીને દિવસો કાઢતી હતી. જુદા-જુદા રિપોર્ટનું રિઝલ્ટ સામે આવતાં પાંચ-છ દિવસ લાગે અને મારો જીવ અધ્ધર થઈ જાય કે શું આવશે? સાસુ-સસરા ભગવાનનું નામ લેવડાવે, હસબન્ડ હોટેલમાં જમવા લઈ જાય. દીકરી હાથ ખેંચીને પરાણે ડાન્સ કરાવે. દેરાણી આખો દિવસ મારી પાસે બેસે. ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં આખો પરિવાર મળીને મને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો. ત્રણેક મહિનાના ટેન્શન બાદ આખરે નિદાન થયું કે તેમને બ્રેસ્ટ કૅન્સર છે. વિલે પાર્લેનાં ૪૩ વર્ષનાં કૅન્સર સર્વાઇવર પૂર્વી શાહ આગળ વાત કરતાં કહે છે, ‘વાસ્તવિક કૅન્સરની પીડા કરતાં એની કલ્પના ભયાનક હોય છે. ફ્રોઝન સેક્શન બાદ કૅન્સર છે એ ફાઇનલ થઈ ગયું. રોગનું નિદાન થયા બાદ એક વાર પણ ઈશ્વરને કે મારી જાતને એમ નથી પૂછ્યું કે મને જ કેમ આ બીમારી થઈ? કીમો થેરપી અને રેડિયેશનમાંથી પસાર થયા પછી આજે મને લાગે છે કે એની પાછળ છૂપો સંકેત હતો.’

નસીબ કહો કે સંકેત, એ વખતે પૂર્વીબહેન સાથે તેમની એક ફ્રેન્ડને પણ બ્રેસ્ટ કૅન્સર નિદાન થયું હતું. પરિવાર તો ખડેપગે હતો જ, બન્ને બહેનપણીઓ એકમેકને આશ્વાસન આપતી રહી. સારવાર દરમ્યાન તેમની મુલાકાત કૅન્સર પેશન્ટ માટે કામ કરતી સંસ્થા સાથે થઈ. પૂર્વી કહે છે, ‘એનજીઓમાં જોડાયા બાદ મને ખબર પડી કે રિબાવું, પીડાવું અને સારવાર માટેના પૈસાની લાચારી શું હોય છે. પૈસા હોય તો અડધો જંગ તમે ત્યાં જ જીતી જાઓ છો. મારા કેસમાં આ ફૅક્ટર ખૂબ સ્ટ્રૉન્ગ હતું. જો મને કૅન્સર ન થયું હોત તો મારી જિંદગીમાં હું મસ્ત રહેતી હોત. મારા હાથે સારું કામ થાય એવા હેતુથી આ બીમારી આવી હતી એવું હું દૃઢપણે માનવા લાગી છું.’

દેશનાં નાનાં-નાનાં ગામડાંમાંથી કૅન્સરની સારવાર અર્થે મુંબઈ આવતા પેશન્ટના રહેવા માટે ચેમ્બુરમાં શેલ્ટરની વ્યવસ્થા છે. પૂર્વીબહેન અહીંની નિયમિત મુલાકાત લે છે. ક્રિસમસ પાર્ટી હોય કે દીકરીનો બર્થ-ડે, પેશન્ટ સાથે સેલિબ્રેટ કરવામાં તેમને મજા આવે છે. તેઓ પોતાનાં સંતાનોને બતાવે છે કે જુઓ પૈસા સિવાયની આવી પણ એક દુનિયા છે. RACE TO REIN IN CANCER નામની સંસ્થા સાથે મળીને તેઓ કૅન્સરના દરદીઓ માટે ફન્ડ એકત્ર કરવા જુદી-જુદી ઇવેન્ટ કરે છે. તેમનું કહેવું છે કે દરદીઓની સંખ્યા અને પરિસ્થિતિ જોતાં વધુમાં વધુ લોકોએ સહાય કરવા આગળ આવવું જોઈએ.

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK