હલવો અને શીરા વચ્ચે શું ભેદ?

Published: Feb 03, 2020, 17:26 IST | Pooja Sangani | Mumbai

આમ તો તમે છાશવારે આ બે ચીજો ઘરે પણ બનાવતા હશો, પણ ભારતીય મીઠાઈઓમાં આ બન્ને ચીજોની એટએટલી વરાયટી ઉપલબ્ધ છે કે ન પૂછો વાત. ચાલો, આજે જાણીએ ક્યાંનો અને કેવો હલવો બહુ ફેમસ છે

હલવો
હલવો

કેમ છો મારા ફૂડી મિત્રો? સૌ ખાઈ પીને મોજ કરતા હશોને? આજે આપણે ‘હલવા’ વિશે વાત કરવી છે. હો, તમે યાદ કરો કે તમને કેટલી જાતના હલવા યાદ છે. દા. ત. ગાજરનો હલવો, બીટનો હલવો, દૂધીનો હલવો, દૂધનો હલવો, મગની દાળનો શીરો, અડદની દાળનો હલવો વગેરે વગેરે. તો ચાલો આજે આપણે હલવો અને શીરા વિશે અવનવી વાતો કરીશું.

મિત્રો સૌપહેલાં તો તમને જણાવી દઉં કે હલવો અને શીરા વચ્ચે શું ભેદ છે? ખાસ કરીને શીરો આપણો ગુજરાતી શબ્દ છે અને ગુજરાત બહારના લોકો કોઈ પણ મીઠી વાનગી હોય એને હલવો નામ આપતા હોય છે. ધારો કે આપણે સત્યનારાયણની કથા કરીએ ત્યારે રવાનો શીરો બનાવીએ છીએ. આ શીરો તો કોણ ભૂલે? મસ્ત સફેદ શીરો પડિયામાં પડ્યો હોય, એના પર ડ્રાયફ્રૂટ, કિસમિસ, દાડમ અને જાતજાતનાં ફળ પડ્યાં હોય અને વળી ભગવાનનો પ્રસાદ હોવાથી એનો અનોખો ટેસ્ટ આવે. એની મીઠાશ જ કાંઈક અલગ હોય છે. મેં તો જોયું છે કે જેના ઘરે સત્યનારાયણદેવની કથા હોય તેને ત્યાં આ રવાનો શીરો બને છે. રવો એકદમ પાઉડર પ્રકારનો હોય છે, જ્યારે સોજી ખસખસની જેમ સહેજ દાણાદાર હોય છે. બાકી એના સ્વાદમાં કોઈ ફરક નથી પડતો. તમે ગુજરાત બહાર જાઓ તો આજ રવાના શીરાને સોજીનો શીરો કહેવામાં આવે છે. દૂધની અંદર શેકીને બનાવાયેલા આ શીરાનો અદ્ભુત ટેસ્ટ આવે છે.

દિલ્હીમાં ચાંદની ચોક  વિસ્તાર સ્ટ્રીટ-ફૂડ માટે ખૂબ જાણીતો છે. ત્યાં ચાવરી બજારમાં શ્યામ સ્વીટ માર્ટ નામની ૧૧૦ વર્ષ જૂની દુકાન છે અને ત્યાં હલવા-પૂરી મળે છે. લોકો રોજ સવારે ત્યાં નાસ્તામાં ખાય છે. બેડમી પૂરી, આલુ કી સબ્ઝી, રવાનો હલવો અને કડક પૂરી જેને નાગોરીના નાસ્તાનો આખો કૉમ્બો અથવા તો અલગ-અલગ આપવામાં આવે છે. આ હલવો રવા કે સોજીનો જ હોય છે. પાણીપૂરી કરતાં સહેજ મોટી સાઇઝની કડક નાગોરી પૂરીની અંદર હલવો ભરીને ખવાય છે. એ જ રીતે દિલ્હીની જામા મસ્જિદ આસપાસ ખાણીપીણી બજાર આવેલું છે અને ત્યાં હલવા-પૂરી ખૂબ ખવાય છે. મોટા તવામાં હલવો મૂકેલો હોય છે અને એને રંગબેરંગી ટૂટી-ફ્રૂટી, સૂકો મેવો, કિસમિસ અને ખસખસથી સજાવેલો હોય છે. એની સાથે ખાસ પ્રકારનાં મેંદાનાં સહેજ મીઠાં પરોઠાં હોય છે જેને તળી લેવામાં આવે છે એ આપવામાં આવે છે. નાસ્તામાં અને સાંજે ભૂખ લાગે હોય ત્યારે ખવાય છે, પરંતુ શિયાળાની સવારમાં ખૂબ ખાવાની મજા આવે છે. બપોર થાય ત્યાં સુધી ભૂખ ન લાગે. શીરા અને હલવાનો તફાવત કહું તો એ બહુ સરળ છે. દૂધના આધારે બનતી મીઠાઈ એ હલવો છે; જ્યારે રાજગરાનો લોટ, સોજી, રવો કે ચણાના લોટમાંથી જે લચકો મીઠાઈ બને એ શીરો છે. શક્કરિયાનો શીરો બને, બટાટાનો શીરો બને, સફરજનનો શીરો બને, સોજીના શીરામાં પાઇનૅપલના ટુકડા અને સિરપ નાખી દો એટલે પાઇનૅપલનો શીરો બને જે ખૂબ જ ટેસ્ટી લાગે. ગરમાગરમ ખાઓ તો ઓર મજા આવે.  

halwa-01

દૂધી અને ગાજરના હલવાનો તો પરિચય આપવાની જરૂર જ નથી. લોકો વર્ષોથી ઘરે-ઘરે બનાવતા હોય છે અને હલવો બની જાય ત્યારે એને અવન કે તવી પર મૂકીને સહેજ ગરમ કરવામાં આવે અને એનું ઘી છૂટે એ પછી ખાવાની ખૂબ મોજ પડે છે. દૂધી આખું વર્ષ મળે છે અને એની અંદર ભરપૂર ડ્રાયફ્રૂટ નાખવામાં  આવે તો એ ડ્રાયફ્રૂટ હલવો બની જાય છે. ગાજરના હલવાની પદ્ધતિથી જ બીટનો હલવો બને છે અને બન્યા પછી ઘેરા રાતા રંગનો હલવો જોતાં જ ખાવાનું મન થઈ જાય એમ છે. મુંબઈનો હલવો પણ બહુ વખણાય છે. સામાન્ય રીતે દરેક હલવો ઍલ્યુમિનિયમની ચોકીમાં ઢાળીને ચોસલાં પાડેલો હોય છે, જ્યારે મુંબઈનો હલવો ચોક્કસ આકારનો અને પાતળો હોય છે. ઉપર એલચીના દાણા નાખેલા હોય છે. જામ જેવો ટેસ્ટ આપતો સૅન્ડવિચ હલવો પણ ખૂબ ટેસ્ટી લાગે છે.

હલવો પણ જાતજાતનો આવે છે, પરંતુ દૂધનો હલવો સૌથી શ્રેષ્ઠ અને એને મિલ્ક કેક કહેવામાં આવે છે. દૂધને ખૂબ ઉકાળીને દાણાદાર માવો બને ત્યાં સુધી ઘટ કરવામાં આવે છે. પછી એની અંદર ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ નાખીને ચોકીમાં ઢાળીને ચોસલાં પાડીને ખાઓ. વાહ વાહ થઈ જાય. અમદાવાદને તો દૂધના હલવાની રાજધાની કહી શકાય. હેરિટેજ સિટીના માણેકચોકમાં પાનાચંદનો હલવો ખૂબ જ ઑથેન્ટિક, દિવસમાં માંડ પાંચ કિલો હલવો જ બનાવે અને વેચાઈ જાય એટલે બીજી વાર નહીં બનાવવાનો. પછી બીજા દિવસે જ મળે. એવી જ રીતે આસ્ટોડિયા રોડ પર આવેલા બંસીલાલ નગીનદાસ પેંડાવાળાનો હલવો, નારણપુરામાં ચંદ્રિકા ડેરીનો હલવો, પટેલ ડેરીનો હલવો ખૂબ વખણાય. દૂધના હલવાનું બજાર એકમાત્ર તમને અમદાવાદમાં જોવા મળશે. આશ્રર્ય ન પામશો, સાચી વાત છે. અમદાવાદના દિલ્હી દરવાજાની અંદર મિરઝાપુર તરફ જાઓ તો રસ્તાની બન્ને બાજુ દૂધના હલવાની છથી સાત દુકાનો જોવા મળશે. મૂળ દૂધિયા સમાજના લોકોની આ દુકાનો છે. નીચે દુકાન અને ઉપર રહેઠાણ અને એકદમ ઓરિજિનલ દૂધનો હલવો ખાવા મળે. કાળુપુર ટંકશાળ પાસે રાજા મહેતાની પોળના નાકે પણ હલવો અને મીઠાઈની ચારથી પાંચ દુકાનો છે.

seera

અમદાવાદમાં જ ભદ્રકાળી માતાજીના મંદિર સામે ખાસ  બજારની ગલીના ખૂણામાં મનસૂરીનો હલવો મળે છે. ખૂબ જ ઉત્તમ સ્વાદ હોય છે. પાઇનૅપલનો હલવો, પ્યૉર ડ્રાયફ્રૂટ હલવો, મગસથળીનો હલવો, હબસી હલવો જે કાળો હોય છે. બ્લૅક કરંટ હલવો વગેરે જાતજાતની ફ્લેવરનો હલવો મળે છે. મોટા ભાગે હલવો દુકાનમાંથી પાર્સલ થતો હોય છે અને  ઘરે જઈને ખવાતો હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ચ થશે કે અહીં લોકો ઊભાં-ઊભાં ૫૦ ગ્રામ કે ૧૦૦ ગ્રામ કે તમે માગો એટલો હલવો ડિશ અને ચમચી સાથે સર્વ થાય છે. ગુજરાતમાં આણંદ જિલ્લામાં ખંભાતની સુતરફેણી અને હલવાસન ખૂબ ખવાય છે. હલવાસન ગોળાકાર પેંડાના, પરંતુ ચપટા આકારમાં હોય છે અને ઉપર મગસથળીથી શોભતાં હોય છે એ પણ હલવાનો જ એક પ્રકાર છે.

અમદાવાદમાં  રિલીફ રોડ ખાતે આવેલી આઝાદ સ્વીટ માર્ટ નામની દુકાનમાં માજુન એટલે કે અડદની દાળનો ઘીથી લથબથ હલવો ખૂબ વખણાય છે. એ તમને ભોજન સાથે અથવા તો દુકાનમાં એક નાની વાટકીમાં સર્વ કરવામાં આવે છે. મૂળ સિંધી વાનગી છે. અમદાવાદમાં જ સરદારનગર વિસ્તાર આવેલો છે ત્યાં શિકારપુરી હલવાઈના નામે સિંધી મીઠાઈ અને ફરસાણ વેચતી દુકાનમાં પણ અડદનો હલવો એટલે કે માજુન ખૂબ ટેસ્ટી આવે છે. લગ્નપ્રસંગોમાં તવા હલવો રાખવાની પ્રથા થોડા સમય પહેલાં ખૂબ ચાલી હતી જેમાં પાંચ કે સાત જાતના હલવાનો ઢગલો કરીને લોખંડની તવી પર ગરમ થતો હોય. પછી મહેમાન માગે એટલે પાંચેય હલવા ભેગા કરીને ડિશમાં સર્વ કરવામાં આવે છે. આજકાલ મગની દાળનો શીરો જેને મુંગદાલ કા હલવા કહેવામાં આવે છે એનો પણ ખાસ્સો ટ્રેન્ડ છે. મગની દાળનો હલવો ગરમાગરમ લચકો કરીને ખાવાની મોજ પડે છે.

લાઇવ ટોપરાપાકનો ટ્રેન્ડ પણ જામ્યો છે. બદામ, અખરોટ અને અંજીર હલવો પણ અજાણ્યો નથી. જો તમે જૂનાગઢ તરફ જતા હો તો માંગરોળનો પ્રખ્યાત અને ટેસ્ટી લીલા નારિયેળનો હલવો ખાવાનું ન ભૂલતા. લીલા નારિયલની છીણ, સૂકા મેવા અને માવાનો હલવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. રાજકોટથી જૂનાગઢ રોડ પર હાઇવેના કિનારે લીલા નારિયેળના ખૂમચા જોવા મળે ત્યાંથી જ આ હલવો મળી રહે. બહારગામ લઈ જવાય, કારણ કે એ ૧૦ દિવસ સુધી બગડતો નથી.

કેરળમાં તો વળી હલવો તદ્દન અલગ પ્રકારનો જ હોય છે, ત્યાં એને ‘અલવા’ અથવા ‘અલુવા’ કહેવામાં આવે છે. આરાલોટના લચકા જેવો હલવો હોય છે, પરંતુ એનો ટેસ્ટ તમામને અનુકૂળ ન આવે અને જેમને ભાવે છે એનો એક અનોખો ચાહકવર્ગ હોય છે.

તો મિત્રો, આ હતી જાતજાતના હલવાની વાત અને જો તમને પણ હલવો ભાવતો હોય અને આ લેખમાં વાંચ્યું એ સિવાયના પણ હલવા વિશે માહિતી હોય તો ચોક્કસ મને ઈ-મેઇલ કરીને માહિતી આપજો.

જાણો છો?

હલવો પણ મૂળ તો ભારતીય વાનગી નથી એવું કહેવાય છે અને મધ્ય પૂર્વના દેશોમાંથી ૧૩મી સદીમાં વેપારીઓના આગમન સાથે એનો પ્રવેશ થયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK