Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગરમીમાં વારેઘડીએ માંદા પડી જાઓ છો? તો ખાવા-પીવાની આદત સુધારો

ગરમીમાં વારેઘડીએ માંદા પડી જાઓ છો? તો ખાવા-પીવાની આદત સુધારો

22 April, 2019 10:41 AM IST |
સેજલ પટેલ

ગરમીમાં વારેઘડીએ માંદા પડી જાઓ છો? તો ખાવા-પીવાની આદત સુધારો

ગરમીમાં વારેઘડીએ માંદા પડી જાઓ છો? તો ખાવા-પીવાની આદત સુધારો


ઉનાળામાં પસીનાને કારણે થતા ડીહાઇડ્રેશનથી બચવા ખૂબ પાણી પીવું જોઈએ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ સીઝન મુજબ ખાવાની આદતોમાં બદલાવ ન કરવામાં આવે તો સતત નાની-મોટી સ્વાસ્થ્યલક્ષી ફરિયાદો રહ્યા જ કરે છે. મોટા ભાગે આપણે એને ગરમી સાથે સાંકળીને સ્વીકારી લઈએ છીએ. ગરમી છે એટલે માથું દુખે છે, ગરમી છે એટલે ખાવાનું મન જ નથી થતું, ગરમી છે એટલે ઍસિડિટી બહુ થઈ જાય છે, ગરમી છે એટલે થાક બહુ લાગે છે... આ ફરિયાદોનું લિસ્ટ એન્ડલેસ છે અને બધા માટે જવાબદાર માત્ર ગરમી જ છે. હવે સમજવાની વાત એ છે કે ગરમી છે એ તો આપણને સૌને ખબર છે જ, એને તમે ઘટાડી શકવાના નથી. જે આપણા હાથમાં છે એ આપણી જીવનશૈલી. આપણા શરીરને બહારના વાતાવરણ સાથે કમ્ફર્ટેબલ રાખવા માટે એની અંદર શું નાખવું એ બહુ મહkવનું થઈ જાય છે. ખાણીપીણીની સાચીખોટી આદતોમાં સીઝન મુજબના બદલાવ કરવા જરૂરી છે એવું માનતાં ખારનાં ન્યુટ્રિશનિસ્ટ સોનિયા કનાલ સમજાવે છે કે આપણે ગરમીમાં કઈ પાંચ ખોટી આદતોથી શરીરને માંદું પાડીએ છીએ અને ડાયટમાં કેવી કાળજી રાખવાથી ઉનાળો પણ તાજામાજા રહીને જીવી શકીએ.

પાંચ ખોટી આદતો



૧. ખોટા સમયે પાણી પીવું : ઉનાળામાં પૂરતું પાણી પીવું અત્યંત અનિવાર્ય છે, પરંતુ ક્યારે પાણી પીવું એ પણ બહુ મહત્વનું છે. બહારથી ઘરમાં પ્રવેશતાં જ અડધો લીટર પાણી ગટગટાવી જવું અને પછી ૧૦ મિનિટમાં જમવા બેસવું એ ખોટી આદત છે. એમ કરવાથી ફૂડને પચાવવા માટે જે ઍસિડ જઠરમાં પેદા થયો હતો એ માઇલ્ડ થઈ જાય છે. બીજી ખોટી આદત છે તીખુંતમતમતું ખાવું અને સાથે પાણી ગટગટાવવું.


૨. કૅફીન, સોડા અને ગળ્યાં પીણાં: આ સીઝનમાં ઠંડાં અને શુગરવાળાં પીણાંનું ક્રેવિંગ બહુ થાય છે. ચિલ્ડ ડ્રિન્ક્સ પીધા પછી તરત સારું લાગે છે અને થોડી વાર પછી ડબલ ગરમી લાગવા માંડે છે. ધોમધખતા તાપમાં ફરતા હો એ વખતે તમે ચિલ્ડ ડ્રિન્ક્સ પીઓ તો એનાથી માથું દુખવાની અને ઍસિડિટી થવાની સમસ્યા વકરી શકે છે. કૅફીનયુક્ત પીણાં ડાઇયુરેટિક ગણાય છે એટલે ચા-કૉફી જેટલી વધુ લેશો એટલું વધુ યુરિન થશે અને શરીરમાંથી પાણીની કમી થતી વર્તાશે. ગળ્યાં પીણાંમાં પણ ભરપૂર કૅલરી હોય છે એ યાદ રાખવું, નહીંતર એ ખાલી કૅલરી શરીરમાં ચરબીના થર વધારી દઈ શકે એમ છે.

૩. જન્ક અને રોડસાઇડ ફૂડ : ઘરના ભોજનની ખરી કિંમત ઉનાળામાં થાય છે. વડાપાંઉ, ભજિયાં, સમોસાં, મિસળપાંઉ, બ્રેડવડાં જેવું તળેલું અને તીખુંતમતમતું જન્ક ફૂડ હોય કે પછી મૅગી, પાસ્તા, પીત્ઝા, નૂડલ્સ જેવી વિદેશી વાનગીઓ પાચન બગાડે છે. ઉનાળામાં પાચનશક્તિ મંદ હોય છે ત્યારે આ બધી ચીજો પચવામાં ભારે પડે છે.


૪. બપોરનું ભોજન સ્કિપ કરવું : બપોરે ગરમી લાગતી હોવાથી મોટા ભાગે લોકો ઓછું ખાય છે. વર્કિંગ પ્રોફેશનલ્સ બપોરે ખાવાનું સ્કિપ કરી દે છે. તેમને લાગે છે કે ખાધા પછી ગરમી વધુ લાગે છે. જોકે બપોરે ભૂખ્યા રહેવાથી વધુ ઍસિડિટી થાય છે. ગરમી માથે ચડી જાય છે. જ્યારે સૂરજ માથે ચડ્યો હોય અને પેટમાં પણ ડાયજેસ્ટિવ જૂસીસ સારીએવી માત્રામાં હોય ત્યારે ફૂડ ન લેવાથી અન્નળી અને જઠરમાં એ બળતરા કરે છે.

૫. બપોરે ખૂબ ભારે એક્સરસાઇઝ : કોઈ પણ સીઝનમાં શરીરને પૂરતી એક્સરસાઇઝ મળે એ જરૂરી છે. જોકે ઉનાળામાં કસરત હંમેશાં ઠંડક હોય ત્યારે જ કરવી જોઈએ. બપોરે હેવી એક્સરસાઇઝ કરવાથી શરીર વધુ થાકી જાય છે. પસીનો પડે એવી અને બૉડીની સહનશક્તિની કસોટી કરે એવો વર્કઆઉટ કરવો હોય તો એ પણ સવારની ઠંડકમાં જ કરવો બહેતર છે. બપોરે ઍર-કન્ડિશન્ડ જિમમાં કસરત કર્યા પછી તડકામાં ફરો તો એનાથી શરીર વધુ ડીહાઇડ્રેટ થઈ જાય છે અને કસરત કર્યાનો જે બેનિફિટ મળવો જોઈએ એ નથી મળતો. ગરમીને કારણે પસીનો પડતો હોય એમાં ચરબી બર્ન થઈ રહી છે એવું માનવાની ભૂલ ન કરવી. હેવી એક્સરસાઇઝ કરતા હો તો બ્રેકફાસ્ટ પહેલાં કરી લેવી. સાંજે કસરત કરતા હો તો જમ્યાના ત્રણ કલાક પછી જ કરવી.

આ પણ વાંચોઃ પર્સનલ, પ્રોફેશનલ લાઇફમાં રિજેક્શન મળ્યું, ત્યારથી કૉન્ફિડન્સ નથી રહ્યો

ડાયટમાં ચેન્જ શું?

૧. ભોજન ડ્રાય નહીં, રસાળ હોવું જોઈએ : તમારી થાળી બૅલૅન્સ્ડ ડાયટવાળી હોય એ દરેક સીઝનની જરૂરિયાત છે, જ્યારે ઉનાળામાં એ થાળીમાં વધુ રસાળ ત્વોવો હોય એ મહત્વનું છે. તમે નોંધ્યું હોય તો ઉનાળામાં જમતી વખતે વચ્ચે પાણી પીવાની જરૂર વધી જાય છે. સાદું પાણી પીવું એને બદલે ભોજનમાં જ ફ્લુઇડવાળી ચીજો ઉમેરો. ડ્રાય અને પાણીની તરસ વધારે એવી ચીજોને બદલે લીલોતરીનું પ્રમાણ વધુ રાખો. દહીં, છાશ, કચુંબર, દાળ જેવી ચીજો રોજની ડિશમાં અવશ્ય હોવી જોઈએ. પાપડ, અથાણાં, ચણાના લોટની ચીજોથી વધુ તરસ લાગે છે એટલે બને ત્યાં સુધી એને અવૉઇડ કરવાં.

૨. રાતનું ભોજન હલકું અને વહેલું : જેમ લંચ સ્કિપ ન કરવું જરૂરી છે એમ ડિનર પણ હલકું હોવું આવશ્યક છે. સાંજે ઠંડક થયા પછી આખા દિવસની ભૂખ મિટાવવા માટે અકરાંતિયાની જેમ ખાવાથી ફૂડ બરાબર પચતું નથી. મોડી સાંજે ભરપેટ ખાવાને કારણે ઊંઘ આવવામાં પણ મુશ્કેલી પડે છે. જો મોડી રાત સુધી જાગવાનું હોય તો પણ રાતે ૧૦ વાગ્યા પછી ન ખાવાનો નિયમ ઉનાળામાં બેસ્ટ છે.

૩. ચિલ્ડ નહીં, નૉર્મલ પાણી પીવું : સમરમાં ડાયજેશનની ક્રિયા નબળી હોય છે. એવામાં ચિલ્ડ વૉટર કે ચિલ્ડ પીણાં પીવાથી એ વધુ નબળી પડે છે. બરફવાળું કે ફ્રિજમાંથી બાટલો કાઢીને તરત જ મોઢે માંડવાની આદતો જે-તે ક્ષણે ટાઢક આપે છે, પણ એ ઓવરઑલ મેટાબૉલિઝમ મંદ પાડે છે.

૪. ડ્રાયફ્રૂટ્સ નહીં, ફ્રેશ ફ્રૂટ્સ વધુ : સામાન્ય રીતે બપોરના સ્નૅક્સમાં મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાઈ લેવાનું હેલ્ધી ગણાય છે, પણ ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સ કમ અને ફ્રેશ ફ્રૂટ્સ વધુ ખાવાં જોઈએ. એનું કારણ છે તાજાં ફળોની રસાળતા. સીઝનલ ફ્રેશ ફળોમાં વિટામિન્સ અને મિનરલ્સનું સંતુલન સારું હોય છે જે પરસેવા વાટે નીકળી જતા માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની પૂર્તિ કરે છે. ડ્રાયફ્રૂટ્સ પચવામાં ભારે અને ડ્રાય હોય છે જેને કારણે વધુ તરસ લાગી શકે છે.

આ પણ વાંચોઃ 17 વર્ષના લગ્નજીવનમાં ધીમે-ધીમે તિરાડ વધતી ચાલી છે, હવે મને પતિ પર જરાય વિશ્વાસ રહ્યો નથી

૫. સૅલડમાં પાચક દ્રવ્યોનો ઉમેરો : ઘણા લોકોનું ડાયજેશન એટલું નબળું હોય છે કે તેમને ફળો અને શાકભાજી પચવામાં તકલીફ પડે છે. એવામાં સૅલડ ખાવાથી પણ પેટ ભારે થઈ જાય અને ગૅસ થાય એવું પણ બની શકે છે. ઉનાળામાં સૅલડની સજાવટમાં ડ્રેસિંગ મટીરિયલ તરીકે ઑઇલ અને ઑઇલમાંથી બનતાં સૉસ ન જ વાપરવાં જોઈએ. રેડીમેડ સૅલડ માટેનાં ડ્રેસિંગ્સમાં ખૂબ ઊંચી માત્રામાં સોડિયમ હોય છે. સોડિયમથી ખૂબ તરસ લાગે છે અને પરસેવો પણ પુષ્કળ થાય છે. આ સીઝનમાં સૅલડને સ્વાદિષ્ટ બનાવવા માટે એના પર લીંબુ, ધાણાજીરું, સંચળ, પાર્સલી કે અન્ય હબ્ર્સનો ઉપયોગ કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 10:41 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK