Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમય આવી ગયો છે હવે ઘરે જ બનાવો મિની બ્યુટીપાર્લર

સમય આવી ગયો છે હવે ઘરે જ બનાવો મિની બ્યુટીપાર્લર

08 December, 2020 06:06 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સમય આવી ગયો છે હવે ઘરે જ બનાવો મિની બ્યુટીપાર્લર

સમય આવી ગયો છે હવે ઘરે જ બનાવો મિની બ્યુટીપાર્લર


ઘણા મહિનાઓ સુધી બ્યુટી પાર્લર બંધ રહેતાં મહિલાઓમાં અંદરખાને નિરાશા જોવા મળી હતી, પરંતુ સુંદરતા સાથે કૉમ્પ્રોમાઇઝ કરવામાં તેઓ માનતી નથી એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. એક અહેવાલ અનુસાર કોરોનાકાળમાં હેર સ્ટ્રેટનિંગથી લઈને આઇબ્રો એપિલેટર જેવાં આધુનિક બ્યુટી ઉપકરણોના વેચાણમાં ખાસ્સો ઉછાળો નોંધાયો છે. તમારી બ્યુટીને નિખારવા માટે બેસિક કહેવાય એવા કેવાં સાધનો તમારા ડ્રેસિંગ ટેબલ પર હોવાં જોઈએ એ અને એને વાપરવાની ટેક્નિક પણ સમજી લો

કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા આજકાલ મોટા ભાગની મહિલાઓ ઘરમાં રહીને સુંદરતા નિખારવાનું પ્રિફર કરી રહી છે. પરિણામે હેર સ્ટ્રેટનિંગથી લઈને આઇબ્રો એપિલેટર જેવાં આધુનિક બ્યુટી ઉપકરણોના વેચાણમાં ખાસ્સો વધારો થયો છે. ગ્લોબલ બ્યુટી ડિવાઇસના અહેવાલ અનુસાર આગામી પાંચ વર્ષમાં આ બિઝનેસમાં ૨૦થી ૨૫ ટકા જેટલો ઉછાળો જોવા મળી શકે છે. માર્કેટમાં રોજ નવા મોબાઇલ લૉન્ચ થાય છે એટલી જ ઝડપથી બ્યુટી ડિવાઇસ ઠલવાઈ રહ્યાં છે ત્યારે કેવાં સાધનો તમારા ડ્રેસિંગ ટેબલ પર હોવાં જોઈએ અને એને વાપરવાની ટેક્નિક વિશે વાત કરીએ.



આઇબ્રો એપિલેટર


ચહેરાની સુંદરતામાં આઇબ્રોનો શેપ મુખ્ય છે. બીજી કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ ન કરાવવી હોય તોય વીસ-ત્રીસ દિવસે આઇબ્રો કરાવવા માટે બ્યુટી પાર્લરની મુલાકાત અવશ્ય લેવી પડે. નાની પણ મહત્ત્વની આ ટ્રીટમેન્ટ જાતે કરવી અત્યાર સુધી મુશ્કેલ લાગતી હતી. આઇબ્રો એપિલેટર નામના સાધનની શોધે મહિલાઓની આ સમસ્યાને ચુટકી વગાડતાં સૉલ્વ કરી આપી છે. આ સાધન થ્રેડિંગ જેવું કામ કરે છે. આઇબ્રોની નીચે એક્સ્ટ્રા વાળ દેખાય કે એપિલેટરની મદદથી તરત કાઢી નાખો. જોકે પશ્ચિમના દેશોમાં ઘણા સમયથી આ પૉપ્યુલર છે અને હવે ઇન્ડિયામાં પણ એનું સારુંએવું વેચાણ થઈ રહ્યું છે. પૉકેટ-ફ્રેન્ડ્લી અને દેખાવમાં પેન જેવું સિમ્પલ ડિવાઇસ હોવાથી એને કૅરી કરવું સરળ છે. વર્કિંગ વુમન માટે આ પ્રોડક્ટ બેસ્ટ છે.

રોલ ઑન વૅક્સ


મૉડર્ન સ્ટાઇલના ડ્રેસિસ પહેરવા માટે શરીર પરથી અણછાજતા વાળ દૂર કરવા હેર રિમૂવર ક્રીમ અને બ્લેડ જેવા શૉટકર્ટ છે, પરંતુ વૅક્સિંગ બેસ્ટ છે. વૅક્સિંગ કર્યા બાદ લાંબા સમય સુધી હેર આવતાં નથી અને ડેડ સ્કીન દૂર થઈ જાય છે. લેટેસ્ટ ટેક્નૉલૉજી ધરાવતા રોલ ઑન વૅક્સ અથવા કાર્ટિજ વૅક્સનો ઉપયોગ કરી તમે જાતે સરળતાથી હાથ-પગના હેર રિમૂવ કરી શકો છે. રોલ ઑન વૅક્સિંગ પદ્ધતિમાં સોલ્યુશનને વીસ મિનિટ ગરમ કરી જે ભાગમાંથી હેર દૂર કરવાના હોય ત્યાં રોલની મદદથી ફેરવવામાં આવે છે. પાર્લરમાં સામાન્ય રીતે હીટરમાં વૅક્સને ગરમ કરી બટર નાઇફની મદદથી શરીર પર વૅક્સ લગાવવામાં આવે છે. આ મેથડમાં વૅક્સના ડ્રૉપ પડવાથી ત્વચા દાઝી જવાની શક્યતા રહેલી છે. બીજું એ કે હીટરમાં બચી ગયેલા વૅક્સનો અન્ય મહિલાના શરીર પર ઉપયોગ કરવામાં આવતાં ઇન્ફેક્શનના ચાન્સિસ પણ રહે છે. પેન્સિલ બૉક્સ જેવા આકારના આ મશીનની મદદથી વૅક્સિંગ બાદ કાર્ટિજ બદલી નાખવાનું હોય છે. સિંગલ ટાઇમ ઍપ્લિકેશન હોવાથી પોસ્ટ-વૅક્સિંગ હીટર પૉટને ધોઈને સ્વચ્છ કરવા જેવી માથાઝીંક કરવી પડતી નથી. ત્વચાની સુરક્ષા અને હાઇજીનની દૃષ્ટિએ બેસ્ટ પ્રોડક્ટ છે.

ફેસ સોના સ્પા

અત્યાર સુધી ફેશ્યલ ક્લેન્ઝિંગના પર્પઝથી યુઝ થતું આ મશીન કોરોના બાદ ઘર-ઘરમાં જાણીતું નામ છે. એને વાપરવાની રીત સાવ સરળ છે. ચહેરાની ત્વચાની સ્વચ્છતા માટે ઉપયોગી ફેશ્યલ સ્ટીમર દોઢસો રૂપિયાથી લઈ બે હજારની રેન્જમાં મળે છે. પ્લાસ્ટિક ઉપરાંત સ્ટીલનાં સ્ટીમર પણ ખાસ્સાં પૉપ્યુલર છે. દેખાવમાં આકર્ષક ફેસ સોના સ્પા તરીકે ઓળખાતી આ પ્રોડક્ટમાં વાપરવામાં આવેલી માઇક્રો સ્ટીમ ટેક્નૉલૉજી તમારી ત્વચાને ડિટૉક્સિફાઇડ કરી એને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. વાપર્યા બાદ ક્લીન કરવું ઈઝી છે અને જગ્યા પણ ઓછી રોકે છે. પોર્ટેબલ ફેશ્યલ મશીનની સહાયથી તમે ઘરમાં જ હેર સ્પાનો આનંદ પણ લઈ શકો છો.

પ્રોડક્ટ્સ ફૉર હેર

મોટા ભાગની મહિલાઓ વાળને લઈને બહુ પઝેસિવ હોય છે, કારણ કે વાળની ખૂબસૂરતી તમારા ઓવરઑલ લુકને બદલી નાખે છે. છેલ્લા ઘણા સમયથી સીધા વાળની ફૅશન ચાલે છે. તમારા વાળને નવો લુક આપવા માટે સ્ટ્રેટનિંગ મશીન હોવું જોઈએ. દેખાવમાં ચીપિયા જેવું આ ઇલેક્ટ્રૉનિક સાધન ટેમ્પરરી સ્ટ્રેટનિંગ માટે ઉપયોગી છે. જોકે ચહેરાની સુંદરતામાં વાળનું વૉલ્યુમ મહત્ત્વનો ભાગ ભજવે છે. દર વખતે સ્ટ્રેટનિંગ ન કરતાં કર્લ્સ પણ કરી શકાય. હેર ટ્રીટમેન્ટ માટે તમારી પાસે એક કરતાં વધુ પ્રોડક્ટ્સ હોવી જોઈએ. ઓરિજિનલ હેરસ્ટાઇલને જુદો લુક આપતાં સાધનો ઉપરાંત હેર એક્સટેન્શન પણ વસાવી શકાય. તમારા ચહેરાને અનુરૂપ તેમ જ હેરના કલર સાથે મૅચ થાય એવા હેર એક્સટેન્શન ઑર્ડર કરી વસાવી લેવાથી વારંવાર બ્યુટી પાર્લરની મુલાકાત લેવાની જરૂર નહીં પડે.

ઉપરોક્ત સાધનો વિશે બ્યુટિશ્યન શું કહે છે?

આઇબ્રો એવી વસ્તુ છે જે તમારા ચહેરાને બેસ્ટ લુક આપે છે તો જરા સરખી ચૂક આખો ચહેરો બગાડી પણ શકે છે. આ ડિવાઇસનો સર્ફેસ એરિયા વધુ હોવાથી આઇબ્રોની આસપાસના વધારાના હેરને દૂર કરવામાં યોગ્ય રીતે કામ કરતું નથી. આઇબ્રોની આસપાસની સંવેદનશીલ ત્વચા પર વાપરવું જોખમી છે. બ્યુટિશ્યન પ્રીતિ ભાયાણી કહે છે, ‘આઇબ્રો એપિલેટર વર્કિંગ વિમેન માટે સારી પ્રોડક્ટ છે. ઇમર્જન્સીમાં ક્યાંક જવાનું હોય અને આઇબ્રો કરાવવા જવાનો સમય ન મળે ત્યારે કામ આવી શકે છે, પરંતુ ફિનિશિંગમાં ઘણો તફાવત જોવા મળે છે અને હેર પણ જલદી આવી જાય છે. કોરોનાકાળમાં વસાવી લીધું હોય તો એકાદ એક્સ્ટ્રા હેરને દૂર કરવા માટે વાપરી શકાય. આ સાધન બ્યુટિશ્યન જેવું કામ નહીં આપી શકે.’

રોલ ઑન વૅક્સ મશીન નવી પ્રોડક્ટ નથી. આજથી એક દાયકા પહેલાં લૉન્ચ કરવામાં આવેલી આ પ્રોડક્ટને કોરોનાકાળમાં રીલૉન્ચ કરવામાં આવી છે અથવા હવે પ્રચલિત થઈ એમ કહી શકાય. તેઓ કહે છે, ‘રોલ ઑન વૅક્સિંગ મશીનને લઈને મહિલાઓમાં ગેરસમજણ પ્રવર્તે છે. બ્યુટી પાર્લરમાં વુડન સ્ટેપ્યુલા વડે સ્કિન પર વૅક્સ સ્પ્રેડ કરતી વખતે બ્યુટિશ્યન ટેમ્પરેચરનું ધ્યાન રાખે છે. જરૂર જણાય ત્યારે મશીનને વચ્ચે-વચ્ચે બંધ કરી દે અને ફૂંક મારીને વૅક્સ લગાવે છે. મશીનમાં ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવું મુશ્કેલ છે. બીજું, મશીનને ડાયરેક્ટ સ્કિન પર વાપરવાથી ત્વચા દાઝી જવાના ચાન્સિસ વધી જાય છે. મારા મતે ત્વચાને હીટથી સુરક્ષિત રાખવા પાર્લરમાં ઉપયોગમાં લેવાતી જૂની અને પૉપ્યુલર પદ્ધતિ જ બેસ્ટ છે. હા, હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.’

ફેશ્યલ સ્ટીમરમાં જોખમ ઓછું છે. એને વાપરી શકાય. હવે તો મહિલાઓ જ નહીં, ઘરના તમામ સભ્યો વાપરતાં શીખી ગયા છે. ફેસ સોના સ્પા માટેનાં સાધનો માટે વધુ પૈસા ખર્ચવાની આવશ્યકતા નથી. એમાં ટેક્નૉલૉજીની વાતોથી ભરમાઈ ન જવું. બધી રેન્જની પ્રોડક્ટ સેમ ટ્રીટમેન્ટ આપે છે. સ્ટીમ લેતી વખતે ત્વચાનાં છિદ્રો ખૂલી જાય છે. આફ્ટર સ્ટીમ એને બંધ કરવામાં ન આવે તો ડસ્ટ ભરાઈ જાય અને ત્વચા કાળી પડી જાય. તેથી સ્ટીમ લીધા બાદ મૉઇશ્ચરાઇઝર ક્રીમ અથવા કોકોનટ ઑઇલનાં બે ડ્રૉપ લઈ ચહેરા પર લગાવી દેવું. વાળ પર બને એટલા અખતરા ઓછા કરવાની સલાહ આપતાં પ્રીતિ કહે છે, ‘હેર સ્ટ્રેટનિંગની ફૅશન છે પણ વારંવાર મશીન ન વાપરવું. વર્કિંગ મહિલાઓ અને કૉલેજ ગોઇંગ ગર્લ્સ જે રીતે એનો ઉપયોગ કરે છે એનાથી વાળને નુકસાન પહોંચે છે. ૨૫૦-૩૦૦ ડિગ્રી ટેમ્પરેચર ધરાવતા સ્ટ્રેટનિંગ મશીનને જાતે વાપરવામાં તકેદારી રાખવામાં ન આવે તો કાનની પાછળની સ્કિન, કાનની બૂટ અને ગાલની ત્વચા દાઝી જવાનો ભય છે. બ્યુટિફુલ દેખાવા મશીન વસાવતાં પહેલાં તમારા સ્કિન અને હેરને એની કેટલી જરૂર છે એ સમજી લેવું. ઘરમાં છે એટલે વાપર્યે રાખો તો નુકસાન થશે. યાદ રાખો, સાધન ક્યારેય હ્યુમન ટચનું સ્થાન લઈ ન શકે. બ્યુટિશ્યન જેવી કાળજી અને ફિનિશિંગ કોઈ પણ સાધન આપી નહીં શકે.’

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 06:06 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK