Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ નાનકડું ડિવાઇસ અત્યારે બહુ કામનું છે

આ નાનકડું ડિવાઇસ અત્યારે બહુ કામનું છે

06 July, 2020 05:04 PM IST | Mumbai
Varsha Chitalia

આ નાનકડું ડિવાઇસ અત્યારે બહુ કામનું છે

આ નાનકડું ડિવાઇસ અત્યારે બહુ કામનું છે


માનવ શરીરમાં ઑક્સિજન પુરવઠો અને પલ્સ રેટ્સનું સચોટ નિદાન કરી આપતું પલ્સ ઑક્સિમીટર કોરોના-સંક્રમણના દરદીઓના જીવ બચાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. અનેક લોકો આ સાધનને હવે ઘરમાં રાખવા લાગ્યા છે ત્યારે પલ્સ ઑક્સિમીટરની ઉપયોજગતા તેમ જ વાપરવાની રીત સમજી લો

વર્ષા ચિતલિયા
કોરાના-સંક્રમણના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. રોજના હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. દેશ-વિદેશના તબીબો ખડેપગે સેવા આપી રહ્યા છે, પરંતુ મૃત્યુદર કન્ટ્રોલમાં આવતો નથી. આ રોગની રસી ઉપલબ્ધ ન હોવાથી પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. એવામાં પલ્સ ઑક્સિમીટર નામનું નાનકડું ઉપકરણ અગત્યનું સાબિત થયું છે. કોરોના સામેના જંગમાં દરદીઓના જીવ બચાવવામાં આ ઉપકરણની ભૂમિકા મહત્ત્વની હોવાનું મનાય છે. પલ્સ ઑક્સિમીટર દરદીના શરીરમાં ઑક્સિજનના પુરવઠાની સચોટ માહિતી આપી એને ગંભીર સ્થિતિમાં જતાં અટકાવી શકે છે.
કોરોના-સંક્રમણના દરદીઓની સારવારમાં કાર્યરત ન્યુ યૉર્કના ડૉક્ટર રિચર્ડ લેવિતાના કહેવા પ્રમાણે રોગનાં લક્ષણોની પ્રાથમિક તપાસ માટે પલ્સ ઑક્સિમીટર અને થર્મલ સ્કૅનર ખૂબ જ ઉપયોગી સાધન છે. ન્યુ યૉર્કની હૉસ્પિટલમાં એવા અનેક દરદીઓ હતા જેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. એક સાધારણ ડિવાઇસથી અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી હતી. હૉસ્પિટલમાં જગ્યાના અભાવે કયા દરદીને હોમ ક્વૉરન્ટીન માટે મોકલી શકાય એમ છે એનો નિર્ણય લેતી વખતે પલ્સ ઑક્સિમીટર સહાયક બન્યું હતું. અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ ઍન્ડ કૅરના નિષ્ણાતોએ ઘરમાં પલ્સ ઑક્સિમીટર વસાવી લેવાની ભલામણ કરી છે. ભારતમાં પણ કોરોના-સંક્રમણના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. એમાંય મુંબઈ તો ટૉપ પર છે. હાલમાં અનેક લોકો ઘરમાં પલ્સ ઑક્સિમીટર રાખવા લાગ્યા છે ત્યારે આ સાધનની ઉપયોગિતા અને કામગીરી વિશે ઠાકુરદ્વાર, મુંબઈનાં જનરલ ફિઝિશ્યન ડૉ. સીમા પારેખ પાસેથી સમજીએ.
સાધનની આવશ્યકતા
પલ્સ ઑક્સિમીટર શું છે એ વિશે માહિતી આપતાં ડૉ. સીમા કહે છે, ‘કદમાં નાનું અને હૅન્ડી ઉપકરણ એના નામથી જ ઓળખી શકાય છે. માનવ શરીરમાં પલ્સ અને ઑક્સિજન સૅચ્યુરેશનને મૉનિટર કરવા માટે એનો ઉપયોગ થાય છે. તબીબી જગતમાં પલ્સ ઑક્સિમીટર નવું નથી. ડૉક્ટરો દ્વારા એનો ઉપયોગ થાય છે, પરંતુ સૅનિટાઇઝરની જેમ હવે એની અગત્ય વધી છે. આપણા શરીરમાં ઑક્સિજનનો પુરવઠો સામાન્ય રીતે ૯૭થી ૧૦૦ ટકાની વચ્ચે રહેતો હોય છે. વાઇરસનો જ્યારે શરીરમાં પ્રવેશ થાય છે ત્યારે ઑક્સિજનનો સ્તર ઘટી જાય છે. ફેફસાંમાં ઑક્સિજન બનવાની પ્રક્રિયા ધીમી પડતાં મગજ સુધી પહોંચતો નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પલ્સ ઑક્સિમીટર વડે ઑક્સિજનનો સ્તર માપી શકાય છે. તમે સાંભળ્યું હશે, હૉસ્પિટલમાં દરદીને દાખલ કરતી વખતે ડૉક્ટર સૌથી પહેલાં એમ બોલે છે કે પેશન્ટ કા સૅચ્યુરેશન લેવલ ચેક કરો. સૅચ્યુરેશન લેવલ એટલે શ્વાસ લેવામાં તકલીફ છે કે નહીં એ જોવું. શરીરમાં ઑક્સિજનનો પુરવઠો ખોરવાઈ જાય તો દરદીને બચાવવો અઘરું થઈ જાય છે. તેને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. કટોકટીના સમયને ટાળવા માટે પલ્સ ઑક્સિમીટર ઉપયોગી સાધન છે.’
ઘરમાં રાખી શકાય?
ઘણા લોકોએ પલ્સ ઑક્સિમીટર વસાવી લીધું છે. ઘરમાં રાખવાની જરૂર ખરી? નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના સંકટમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ છે. પલ્સ ઑક્સિમીટરનો ઘરમાં ઉપયોગ કરવાથી હૉસ્પિટલનો ભાર હળવો થઈ જશે અને ખરેખર જેમને જરૂર છે એવા દરદીને મદદ મળી રહેશે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. સીમા કહે છે, ‘લક્ષણો અને પલ્સ ઑક્સિમીટર પરીક્ષણના આધારે અસંખ્ય દરદીઓને હોમ ક્વૉરન્ટીન કરી અમે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા દરદીને ફર્સ્ટ પ્રાયોરિટી આપી શક્યા છીએ. હોમ ક્વૉરન્ટીનમાં પલ્સ ઑક્સિમીટર વરદાન બન્યું છે. ઘરમાં રહીને પરીક્ષણ શક્ય હોવાથી તેમને હૉસ્પિટલમાં જવાની જરૂર પડી નથી. હાલમાં દર સો વ્યક્તિમાંથી સિત્તેર લોકો કોરોનાના કૅરિયર છે. હવે તમને થશે કે આટલા આંકડા તો નથી. વાસ્તવમાં આપણે ત્યાં કોરોના-સંક્રમણના ચોક્કસ આંકડા મેળવી શકાય એટલાં સ્ક્રીનિંગ થયાં નથી. તમને ખબર નથી કે કોણ આ રોગને લઈને ફરી રહ્યું છે. કોરોનાનો ભય પણ એટલો જ વ્યાપક છે. વર્તમાન માહોલ અને સાઇકોલૉજિકલ પૅરામીટરને જોતાં દરેક ઘરની અંદર આ સાધન
હોવું જ જોઈએ.’
ઘરમાં પલ્સ ઑક્સિમીટરનો ઉપયોગ કરવાથી છેલ્લી ઘડીની દોડધામને ટાળી શકાય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘અમારી સામે એવા ઘણા કેસ આવ્યા છે જેમાં હૉસ્પિટલમાં લાવવામાં આવેલા દરદીમાં ઑક્સિજનનો સ્તર એંસીથી પણ નીચે ઊતરી ગયો હોય. પલ્સ ઑક્સિમીટર તમને આવી કટોકટીમાંથી ઉગારવાનું કામ કરે છે. સામાન્ય વ્યક્તિએ સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર પલ્સ ઑક્સિમીટરની સહાયથી ઑક્સિજનનો સ્તર માપવો જોઈએ. ડાયાબેટિક પેશન્ટ, હૃદય સંબંધિત રોગના દરદીઓ તેમ જ સિનિયર સિટિઝને દિવસમાં ત્રણ વાર પરીક્ષણ કરવું. ઑક્સિજન લેવલ ૯૫ની નીચે દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. રેગ્યુલર મૉનિટરિંગથી આગળ શું સારવાર કરવાની આવશ્યકતા છે એ સમજવામાં ડૉક્ટરને હેલ્પ થશે. અચાનક હૉસ્પિટલમાં દોડી જવાની કે ઑક્સિજન સિલિન્ડરની જરૂર નહીં પડે. આ ઉપરાંત બીજા પણ ફાયદા છે. ઑક્સિજન માપવા માટે બહાર જવું નહીં પડે. અત્યારે ક્લિનિક અને હૉસ્પિટલોની વારંવાર વિઝિટ કરવામાં જોખમ છે. જોકે પલ્સ ઑક્સિમીટરનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. તમે બહારથી દાદરા ચડીને આવ્યા હો તો પહેલાં બૉડીને રિલૅક્સ થવા દો. ત્યાર બાદ પરીક્ષણ કરો. ઘરમાં કોરોનાના દરદીની સારવાર ચાલતી હોય તો જુદું સાધન રાખી શકાય અથવા દરેક મેમ્બરે સાધન વાપરતાં પહેલાં આંગળીઓને સૅનિટાઇઝ કરવી જેથી અન્યને ચેપ લાગે નહીં. બીપી અને શુગર માપવાના સાધનની જેમ જ પલ્સ ઑક્સિમીટર આપણને સૌને સાવધ રાખવાનું કામ કરે છે. આ એવું સાધન છે જે કોરોના-સંક્રમણ બાદ પણ ઉપયોગી નીવડશે. શ્વાસની તકલીફ કોઈને પણ થઈ શકે છે. ઘરમાં વડીલો હોય, બ્લડ-પ્રેશરની તકલીફ રહેતી કે હાર્ટ-પેશન્ટ હોય તો કાયમી ધોરણે પલ્સ ઑક્સિમીટર નામના આ સાધનને વસાવી લેવું જોઈએ.’



માનવશરીરમાં લોહીમાં ઑક્સિજનનો સ્તર માપવામાં ઉપયોગી પલ્સ ઑક્સિમીટર અત્યંત અગત્યનું સાધન છે. એનો ઉપયોગ કરવાથી છેલ્લી ઘડીની દોડધામને ટાળી શકાય છે. કોરોના-સંક્રમણમાં હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલા અસંખ્ય દરદીઓ માટે આ સાધન વરદાન સાબિત થયું છે. સામાન્ય વ્યક્તિએ દિવસમાં બે વાર પલ્સ ઑક્સિમીટરની સહાયથી ઑક્સિજનનો સ્તર માપવો જોઈએ. ડાયાબેટિક પેશન્ટ, હૃદય સંબંધિત રોગના દરદીઓ તેમ જ સિનિયર સિટિઝને દિવસમાં ત્રણ વાર પરીક્ષણ કરવું. ઑક્સિજન લેવલ ૯૫ની નીચે દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો.
- ડૉ. સીમા પારેખ, જનરલ ફિઝિશ્યન


કેવી રીતે વાપરવું?
પલ્સ ઑક્સિમીટર દેખાવમાં કપડા પર લગાવવાની ક્લિપ કે ચિપ જેવું દેખાય છે. જેમ તમે ભીના કપડા પર ક્લિપ મારો છે એવી જ રીતે આ ઉપકરણને તમારી પહેલી આંગળી પર લગાવો. આંગળીમાં ભરાવવામાં આવ્યા બાદ ઉપકરણમાં બેસાડવામાં આવેલું સેન્સર લોહીમાં ઑક્સિજનનો પુરવઠો અને હૃદયના ધબકારાને નોંધી સ્ક્રીન પર દર્શાવે છે. સ્ક્રીન પર ઑક્સિજન-રીડિંગમાં ૯૭-૧૦૦ વચ્ચેનો આંકડો દેખાય એનો અર્થ તમે સુરક્ષિત છો. ૯૪થી નીચેનો અંક દેખાય તો ચેતવણી સમજવી અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. સામાન્ય વ્યક્તિના હાર્ટબીટનું રીડિંગ પ્રતિ મિનિટ સિત્તેરથી સો સુધી હોવું જોઈએ. પલ્સ ઑક્સિમીટરની ચકાસણી સમયે પરિવારના સભ્યની હાજરી હોવી જોઈએ. સિનિયર સિટિઝન અથવા નબળી આંખોવાળી વ્યક્તિએ રીડિંગ ખોટું કર્યું હોય અને કટોકટી સર્જાઈ હોય એવા પણ કેટલાક કેસ સામે આવ્યા છે. વાસ્તવમાં આ કામ જાતે ન કરતાં રીડિંગની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપવી જોઈએ જેથી જરૂર જણાય તો તાબડતોબ ઍક્શનમાં આવી શકાય.

અગત્યના છે આ ચાર ડિવાઇસ
આજથી થોડાં વર્ષ પહેલાં સુધી ફર્સ્ટએઇડ બૉક્સમાં આપણે પાટાપિંડી માટેનાં સાધનો, દાઝ્યા પર લગાવવાની ટ્યુબ, માથાના દુખાવાની ગોળી, તાવ માપવા માટેનું થર્મોમીટર વગેરે પરચૂરણ વસ્તુઓ રાખતા હતા. આધુનિક યુગમાં ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવા રોગ સામાન્ય થતાં એમાં નવા ઉપકરણોનો સમાવેશ થયો. ડૉ. સીમા પારેખના કહેવા અનુસાર વર્તમાન સમયમાં પલ્સ ઑક્સિમીટર, બ્લડ-પ્રેશર, શુગર અને બૉડી-ટેમ્પરેચર માપવાનું મશીન દરેકના ઘરમાં ફરજિયાત હોવું જોઈએ. બૉડી-ટેમ્પરેચર માટે જૂના જમાનાના થર્મોમીટરને રવાના કરી થર્મલ ડિવાઇસ રાખવું જોઈએ. આ ચારેય ઉપકરણ વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. તમારો અને તમારા સ્વજનના જીવ બચાવવા એમાં કૉમ્પ્રોમાઇઝ ન કરવાની સલાહ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 05:04 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK