Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બહેનોએ બાજી મારી

બહેનોએ બાજી મારી

09 June, 2020 05:56 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બહેનોએ બાજી મારી

મમ્મી પાસેથી શીખેલાં અથાણાં લૉકડાઉનમાં કામ આવ્યાં: હેમા ગાંધી

મમ્મી પાસેથી શીખેલાં અથાણાં લૉકડાઉનમાં કામ આવ્યાં: હેમા ગાંધી


લૉકડાઉને સારાએવા લોકોની દુકાને તાળાં મારી દીધાં છે પરંતુ મહિલાઓના મગજને કોઈ તાળાં નથી લાગ્યાં અને એટલે જ તેમણે લૉકડાઉનમાં પણ પોતાની આવડતને એન્કૅશ કરવાના આઇડિયાઝ લગાવ્યા અને એ કારગત પણ નીવડ્યા. મળીએ કેટલીક એવી માનુનીઓને જેમણે પોતાની અક્કલ અને આવડતથી લૉકડાઉનમાં પણ ખિસ્સાખર્ચની વ્યવસ્થા કરી લીધી હોય

ઘરની લક્ષ્મી, અર્ધાંગિની, હોમ-મિનિસ્ટર જો ધારે તો ખરેખર ઘરને દરેક સંજોગમાં ચલાવવાની તાકાત ધરાવે છે. લૉકડાઉનમાં ઘણા પરિવારમાં ઘરના અર્નિંગ મેમ્બરો ગણાતા પુરુષો ઘરે હતા ત્યારે ઘરનું કામ કરવાની સાથે ઘર ચલાવવાની જવાબદારી પણ ઘણાં ઘરોની ગૃહિણીએ ઉપાડી લીધી. નારી કદીયે ન હારીવાળી ઉક્તિને ઘણી મહિલાઓએ આ લૉકડાઉનમાં સાર્થક કરી દેખાડી. ઘરની હોમ-મિનિસ્ટરે જરૂર પડ્યે ફાઇનૅન્સ મિનિસ્ટર તરીકેની ફરજ પણ બજાવી અને એમાં કૅબિનેટના તમામ સભ્યોએ એટલે કે પરિવારના બધા જ મેમ્બરોએ સપોર્ટ પણ કર્યો. ‘મિડ-ડે’એ એવી જ કેટલીક સન્નારીઓ સાથે ગુફ્તગો કરી અને જાણ્યું કે લૉકડાઉનમાં તેમને પહેલી વાર અર્થોપાર્જનનો વિચાર કેવી રીતે આવ્યો અને એ કેવી રીતે તેમણે પાર પાડ્યો.



અત્યાર સુધી ઘરના લોકોને નિતનવી વાનગી બનાવીને ખવડાવતાં આ બહેને લોકોને કચ્છી દાબેલીનો સ્વાદ કેવી રીતે લગાવ્યો?


ગોરેગામમાં રહેતાં ભાવના વીરાના હાથના નાસ્તાના તેમના પરિવારના સભ્યો મોટા ફૅન હતા. જોકે અત્યાર સુધી તેમણે ઘરના સભ્યોના જ ટેસ્ટ બડ્સનું ધ્યાન રાખ્યું હતું. જોકે લૉકડાઉનમાં તેમની આ આવડતનો ઉપયોગ થાય અને બહારના લોકોને પણ ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓની મજા માણવા મળે એ માટે તેમણે પ્રોફેશનલ લેવલ પર લોકોના દાબેલી, સેવખમણી, બટાટાવડા વગેરેના ઑર્ડર લેવાના શરૂ કર્યા. ભાવનાબહેન કહે છે, ‘આ પહેલાં મને ક્યારેય એવું રિયલાઇઝ પણ નહોતું થયું કે હું મારી આ આવડતથી પૈસા કમાઈ શકું છું. લૉકડાઉનમાં જ્યારે બહારનું ખાવાનું મળવાનું બંધ થઈ ગયું છે ત્યારે લોકોને ઘરના બનાવેલા તાજા અને શુદ્ધ નાસ્તાઓમાં આટલો રસ પડશે એની મેં કલ્પના પણ નહોતી કરી. ઘરે રહીને કંઈક અખતરો કરીએ એ વિચાર આવ્યો. ઘરમાં બધા ફ્રી હતા એટલે તેમણે પણ સપોર્ટ કરવાની હા પાડી એટલે કામ પણ વહેંચાઈ ગયું. હું નાસ્તા બનાવું, દીકરો પૅકિંગનું કામ કરે અને હસબન્ડ ડિલિવરી સંભાળી લે. મોટે ભાગે ગોરેગામમાં નજીકમાં રહેતા હોય એવા જ લોકોના પ્રી-ઑર્ડર લેવાના અને તાજી વસ્તુ બનાવીને પહોંચાડવાની. બહુ મોટી આવક થઈ ગઈ એવું તો નહીં કહું, પણ હુંયે આવું કંઈક કરી શકું છું અને લોકોને મારી આઇટમ પૈસા આપીને પણ ખાવી ગમે છે એ વાતથી મારા કૉન્ફિડન્સમાં ઘણો વધારો થયો છે. ઍક્ચ્યુઅલી હાઉસવાઇફને એમ હોય છે કે તેમની આવડતનું અત્યારના સમયમાં કોઈ કામ નથી. પરંતુ આ અનુભવે મને સમજાવી દીધું કે તમારામાં રહેલી નાનામાં નાની આવડતનો પણ તમે ઇચ્છો તો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકો છો. એ રીતે મારા માટે લૉકડાઉન લાઇફ-ચેન્જિંગ રહ્યું છે.’

મમ્મી પાસેથી શીખેલાં અથાણાં લૉકડાઉનમાં કામ આવ્યાં


કાંદિવલીમાં રહેતાં સિંગલ મધર હેમા ગાંધી આમ તો કપડાના મૅન્યુફૅક્ચરિંગનું કામ કરે છે. તેમની પુત્રવધૂ પણ તેમની સાથે આ કાર્યમાં સંકળાયેલી છે અને તેઓ સાથે મળીને કપડાનાં એક્ઝિબિશન કરતાં હતાં, પણ લૉકડાઉનમાં તો એ શક્ય નહોતું. હેમાબહેન કહે છે, ‘લૉકડાઉન પછી કપડાનું કામ પાછું ક્યારે ચાલુ થશે એની અમને ખબર નહોતી. એ દરમ્યાન હું મારા મિત્રો અને રિલેટિવ્સ માટે દર વર્ષની જેમ અથાણાં બનાવતી હતી. ઇન ફૅક્ટ ઘણાં વર્ષોથી હું મારા શોખથી મારા નજીકના સર્કલના લોકો માટે અથાણાઓ બનાવતી હતી. તો મારા દીકરાને થયું કે મમ્મી, અત્યારે બીજું તો કરી શકીએ એમ નથી તો અથાણાને જ શું કામ લાર્જર સ્કેલ પર ન કરીએ. મને વિચાર ગમ્યો, કારણ કે મારી મમ્મીની મેથડથી જ હું પાંચ-છ પ્રકારનાં અથાણાં બનાવતી હતી એટલે તેમણે ‘નાની કી બરણી’ નામનું બ્રૅન્ડનેમ બનાવીને ‘અથાણાં જોઈએ છે?’વાળી પોસ્ટ તમામ સોશ્યલ મીડિયા અને નજીકના સર્કલમાં નાખી અને અમને અકલ્પનીય રિસ્પૉન્સ મળ્યો. કપોળના ઘરે આમ પણ પાંચ પ્રકારનાં અથાણાં ન હોય તો તેમનું ભોજન અધૂરું ગણાય એટલે નજીકમાંથી પણ ઘણા ઑર્ડર મળ્યા. લૉકડાઉનમાં ઘરનો ખર્ચ કેમ કાઢીશું એની ચિંતા હતી ત્યારે આ અથાણાંએ બાજી સંભાળી લીધી. જીવનમાં ક્યારેય કોઈ તબક્કે હું અથાણાં બનાવવાનું કામ પ્રોફેશનલી કરીશ એવું વિચાર્યું નહોતું, જે આજે થઈ રહ્યું છે.’

એકસાથે મોટી ક્વૉન્ટિટીમાં અથાણાં બનાવવાનું કામ સરળ નથી. હેમાબહેનને પણ તકલીફોનો સામનો તો કરવો પડ્યો. તેઓ કહે છે, ‘મસાલા બનાવવા, ગુંદા ભરવા વગેરે માટે ખૂબ મોટાં-મોટાં વાસણો જોઈએ. મારી દીકરી અને પુત્રવધૂના ઘરેથી મોટી-મોટી ટાંકીઓ લાવ્યાં, કારણ કે ઘરે તો આટલાં વાસણ હોય નહીં. કાચી કેરી માટે એક હોલસેલવાળાનો સંપર્ક કર્યો અને સવારે પાંચ વાગ્યે સો કિલો કેરી એકસામટી તેની પાસે મારો દીકરો લેવા જતો. સોસાયટીમાં પણ ઘડી-ઘડી બહાર જવા ન દે એટલે જે પણ ક્વૉન્ટિટીમાં સામાન લાવવાનો હોય એ એકસાથે લાવી દેતાં. બધી જ બાબતોમાં પૂરતા સૅનિટાઇઝેશનનું પણ ધ્યાન રાખતાં. જે કામ કરવાનું હોય એમાં અમે ત્રણેય જણ મંડી પડીએ. એકસામટા વીસ કિલો ગુંદા ભરવાના અને એની પાછળ પછી જે વાસણો થાય એ પણ બધાં સાફ કરવાનાં. ખૂબ મહેનતનું કામ છે. હવે જોકે આવનારા સમયમાં માણસો રાખીને પણ આ કામ કરાવીશું. લૉકડાઉને અમને એક નવી લાઇન સુઝાડી છે તો એને હવે અમે છોડીશું નહીં.’

થેપલાં અને રોટલીથી પણ આવકનું સાધન બની ગયું આ સિનિયર સિટિઝન માટે

ઘાટકોપરમાં રહેતાં ૬૫ વર્ષનાં અલ્પના વડગામાએ સામાન્ય શાક, રોટલીઓ અને થેપલાથી લૉકડાઉનમાં પોતાની જાતને રીઇન્વેન્ટ કર્યાં છે. તેમની સબ્જી-રોટી નજીકમાં આવેલી બૅન્કમાં કામ કરતા કર્મચારીઓ માટે લહાણી સમાન હતાં. અલ્પનાબહેન કહે છે, ‘અત્યાર સુધી માત્ર સગાંસંબંધીઓને ત્યાં કંઈક કામ હોય તો હું મદદ કરતી, પરંતુ આ વખતે સામેથી જ એવા ઘણા લોકો આવ્યા જેમણે ખાવાપીવાની બેઝિક વસ્તુની જરૂરિયાત દર્શાવી. તેમની પાસે પૈસા હતા, પરંતુ આ બનાવી શકે એવી વ્યવસ્થા નહોતી. અમારા બિલ્ડિંગમાં રહેતા સિનિયર સિટિઝન કે જેમના ઘરે પહેલાં કુક આવતી હતી તેમને ત્યાં ભોજન પહોંચાડ્યું, ઘણા લોકોને રોટલી અથવા થેપલાં જોઈતાં હતાં તો એ તેમને પહોંચતાં કર્યાં. હકીકતમાં હસબન્ડ ઘરે છે, દીકરો ઘરે છે અને પુત્રવધૂને ડિલિવરી આવી છે એવા સમયે આ રીતે થનારી થોડીક આવક પણ બહુ મોટો રોલ ભજવતી હોય છે. આ રીતે પણ ઘરને મદદ મળી શકે તો એનાથી વિશેષ શું જોઈએ?’

અલ્પનાબહેને આજ સુધી કોઈ માર્કેટિંગ કર્યું નથી. તેમને જે ઑર્ડર મળે છે એ માઉથ પબ્લિસિટીથી. તેમના હસબન્ડ અને દીકરાએ પૅકિંગ અને ડિલિવરીનું કામ સંભાળી લીધું છે. નાની આવક પણ લૉકડાઉનમાં ઘણી કામ લાગી છે તેમને.

નવા ઘરમાં રહેવા આવ્યા અને લૉકડાઉન આવ્યું પછી શરૂ થયું જાતજાતનું કામ

ઘાટકોપરમાં રહેતાં જેલમ હરેશ મહેતાને સપનામાં પણ નહોતું કે પોતે અનાજ, નાસ્તા અને ખાખરાના કામમાં આવશે. જો લૉકડાઉન ન આવ્યું હોત તો હું પણ આવું કંઈક કરી શકું છું એવો અહેસાસ ક્યારેય ન થયો હોત. સ્પષ્ટતા કરતાં જેલમબહેન કહે છે, ‘નવા ભાડાના ઘરમાં આવ્યાં અને લૉકડાઉન આવી ગયું. ઘરમાં દીકરા અને હસબન્ડનું કામકાજ બંધ થયું. ઘરખર્ચ કેમ નીકળશે, મેઇન્ટેનન્સ, લાઇટબિલ કેમ ભરાશે એ સમજાતું નહોતું. ડોમ્બિવલીનું ઘર છોડી દીધું હતું. નવી જગ્યાએ સેટલ થવાનો પણ સમય ન મળ્યો. એ દરમ્યાન આજુબાજુવાળાને કોઈ કામકાજ હોય તો હું મદદ કરાવતી. નાસ્તા અને ખાખરાની આવડત હતી. એ લોકોએ જ ‘તું પોતાનું ચાલુ કર’ એમ કહી એન્કરેજ કરી. મેં નાસ્તા અને ખાખરાથી શરૂઆત કરી. મારી બહેન પણ ઘાટકોપરમાં રહે છે. તેણે તેના સર્કલમાં શૅર કર્યું. અમારા ભાડાના ફ્લૅટના ઓનરે પણ તેના સર્કલમાં મારા કાર્ય વિશે લોકોને જણાવ્યું. એક વાર લોકોએ ઑર્ડર આપ્યો એટલે આપમેળે વધુ લોકો સુધી વાત વહેતી થઈ. પછી તો અનાજ અને મસાલા વેચવાનું પણ શરૂ કર્યું. અત્યારે ખૂબ જ સરસ રીતે મારું કામ શરૂ થઈ ગયું છે. લોકોના ઑર્ડર આવે એ પ્રમાણે વસ્તુ બનાવું છું. દીકરી અને સાસુ ઘરના કામમાં સપોર્ટ કરે છે. દીકરો અને હસબન્ડ માલ લેવામાં અને ડિલિવરી કરવામાં મદદ કરે છે. લૉકડાઉન એક પડકાર લઈને આવ્યું તો એને કારણે કંઈક નવું હાંસલ કરી શકું છું એ વાત પણ મને સમજાઈ ગઈ.’

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 05:56 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK