મીઠાઈની મીઠાઈ અને કેકની કેક એટલે રસમલાઈ કેક

Published: 28th September, 2020 12:27 IST | Puja Sangani | Mumbai

વૅનિલા ફ્લેવરની સ્પન્જ કેક તેમ જ વિપ્ડ ક્રીમમાં રસમલાઈનું મિશ્રણ કરીને તૈયાર થતું આ અનોખું ફ્યુઝન ડીઝર્ટ આજકાલ ટ્રેન્ડમાં છે

વૅનિલા ફ્લેવરની સ્પન્જ કેક તેમ જ વિપ્ડ ક્રીમમાં રસમલાઈનું મિશ્રણ કરીને તૈયાર થતું આ અનોખું ફ્યુઝન ડીઝર્ટ આજકાલ ટ્રેન્ડમાં છે
વૅનિલા ફ્લેવરની સ્પન્જ કેક તેમ જ વિપ્ડ ક્રીમમાં રસમલાઈનું મિશ્રણ કરીને તૈયાર થતું આ અનોખું ફ્યુઝન ડીઝર્ટ આજકાલ ટ્રેન્ડમાં છે

‘બોલો, કઈ વાત ક્યાં સુધી પહોંચી ગઈ!’ જેવા ઉદ્ગારો અવારનવાર નીકળી જતા હોય છે. એવી જ રીતે ફૂડની વાત આવે ત્યારે એમાં પણ ઘણી વાર મોંમાંથી બોલાઈ જાય કે ‘જુઓ તો ખરા કયું ફૂડ ક્યાનું ક્યાં પહોંચી ગયું!’ જરાક જુઓ કે રસગુલ્લા એક બંગાળી વાનગી છે. રસગુલ્લાને થોડા થાબડીને દૂધમાં ડુબાડીને બનતી વાનગી એટલે રસમલાઈ બને. આજકાલ રસમલાઈમાંથી પણ વાત હવે આગળ વધી ગઈ છે એ છે રસમલાઈ કેક. યસ, આજકાલ આ રસમલાઈ કેક બહુ ટ્રેન્ડિંગ છે. જ્યાં જુઓ ત્યાં રસમલાઈ કેકની બોલબાલા છે. મીઠાઈની મીઠાઈ અને કેકની કેક...
આ રસમલાઈ કેક પણ આ ફ્યુઝન (કે કન્ફ્યુઝન) ફૂડની શ્રેણીનો આગળ વધતો જ એક ભાગ છે અને આજકાલ ગૃહિણીઓ અને યુવાનોને ખૂબ આકર્ષે છે.

રસમલાઈ કેક શું છે વળી?
એના નામમાં જ બધું આવી ગયું છે. ઠંડી અને નરમ રસમલાઈ અને સાથે ચિલ્ડ દૂધના સબડકા ભરવાની મજા તો તમે લીધી જ હશે. સાદી ભાષામાં સમજાવું તો કેક બનાવવા માટેના વૅનિલા ફ્લેવરના સ્પન્જમાં એલચી અને રસમલાઈ ભેળવીને બનાવવામાં આવતી કેક. એના વિપ ક્રીમમાં પણ રસમલાઈ નાખીને તૈયાર કરવામાં આવે છે. દરેકની બનાવવાની પદ્ધતિ અલગ હોય છે. ત્યાર બાદ આ વૅનિલાના સ્પન્જના પડની વચ્ચે રસમલાઈનું જાડું દૂધ, પછી વિપ ક્રીમ અને એની ઉપર દાબેલા રસગુલ્લા મૂકીને એક પછી એક પડ બનાવીને ઉપર દુલ્હનની જેમ સજાવાય છે. કેક ઉપર ભરપૂર પ્રમાણમાં બદામ, પિસ્તાં, ગુલાબની
પાંખડી, પીળો ખાદ્ય રંગ અને ચાંદીનું વરખ લગાવો ત્યારે એમ થાય કે એના ઉપર ક્યારે તૂટી પડવું! આ વળી રસમલાઈ કેકમાં પણ વરાઇટીઝ આવી ગઈ છે અને એના ઘણા પ્રકાર હોય છે જેમ કે સ્પન્જ કેક, મિની કેક, લોફ કેક, બંટ કેક, કપ કેક, જાર કેક, ટાર્ટ, 
ચીઝ કેક વગેરે. બધા પ્રકાર અલગ છે પણ એમાં વપરાતી સામગ્રી કૉમન છે, રસમલાઈ. બજારમાં મળતી કેક કરતાં લોકો આ કેક આજકાલ વધુ પ્રિફર કરે છે અને લગભગ ૫૦૦થી ૭૦૦ રૂપિયામાં ૫૦૦ ગ્રામની કેક વેચાય છે. અત્યાર સુધી લોકોની એવી માન્યતા હતી કે આ ફ્યુઝન કેક માત્ર ફાઇવ સ્ટાર હોટેલ કે પછી મોટી બેકરીમાં જ મળતી હોય છે, પણ ના, હવે એવું નથી રહ્યું. સમય બદલાતાં હવે તો હોમબેકર્સ પણ ખૂબ જ સામાન્ય દરે પોતાની ઘરેલુ રસોડાની કળા વાપરીને અવનવી નવીનતા રજૂ કરતા દેખાઈ રહ્યા છે. 

મીઠાઈના સ્વાદમાં કેકનો લુત્ફ મળે છે

મૂળ વતન રાજસ્થાનના પણ છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદના શાહીબાગમાં હોમ બેકરી ચલાવતાં શ્વેતા અગ્રવાલ કહે છે, ‘ફ્યુઝન કેકનો ટ્રેન્ડ ગુજરાતમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી જોવા મળ્યો છે. એમાં રસમલાઈ કેક હમણાં લૉકડાઉન પછીથી એકદમ પિક પર આવી ગઈ છે. મારા મતે અત્યારે ઘણા ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન ઑનલાઇન ક્લાસિસ પણ વેબિનાર પર શરૂ થયા છે. મીઠાઈની વાત કરું તો ગુજરાતમાં તહેવારો દરમિયાન એ ખૂબ જ મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ જેમ-જેમ સ્વાદ વૈશ્વિક થઈ રહ્યા છે ત્યારે અન્ય સંસ્કૃતિના લોકો અને તેમના શોખમાં વિવિધતા જોવા મળે છે, જેના કારણે લોકોને મીઠાઈના સ્વાદમાં કેકનો લુત્ફ ઉઠાવવાનો મોકો મળી જાય છે.’
આ કન્સેપ્ટ પાછળના હેતુ વિશે તેઓ વધુમાં જણાવે છે કે ‘આજકાલનાં બાળકો ભારતીય મીઠાઈ જલદી નથી ખાતાં એટલા માટે માતાપિતા બાળકોને ધ્યાનમાં રાખીને આવી ફ્યુઝન કેક તરફ વળ્યાં હોય એવું લાગે છે. એના કારણે આ રસમલાઈ કેકનો ટ્રેન્ડ હાલમાં એટલો હાઈ પીક પર છે જેથી મહિનામાં લગભગ પાંચથી છ ઑર્ડર આ ફ્લેવરમાં અલગ-અલગ પ્રકારમાં જેમ કે રસમલાઈ લોફ કેક, મિની રસમલાઈ કેક, રસમલાઈ ચીઝ કેક, બંટ રસમલાઈ કેક, રસમલાઈ જાર કેક, રસમલાઈ કપ કેક વગેરેના આવતા હોય છે.’

વેસ્ટર્ન સંસ્કૃતિને દેશી ટચ આપતી વાનગી હોવાથી યંગસ્ટર્સને ગમે છે

food
અમદાવાદમાં જ નવરંગપુરા ખાતે રહેતાં મીના શાહ ૩૭ વર્ષથી બેકિંગ કરે છે અને હોમ બેકરી ચલાવે છે. તેઓ કહે છે, ‘આપણી પ્રજા મીઠાઈ ખાવાની ખૂબ જ શોખીન છે. લગભગ બધાં જ ઘરોમાં જમ્યા પછી કંઈક ગળપણ ખાવાનો વણલખ્યો રિવાજ હોય છે. મને બેકિંગની સામગ્રી સાથે પ્રયોગ કરવા ખૂબ ગમે છે. આટલાં વર્ષના અનુભવમાં મેં ઘણા ફ્યુઝન ટ્રાય કર્યા છે. પરંતુ તાજેતરના દિવસોમાં એક વસ્તુએ મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે આ ફ્યુઝન કેકનું ચલણ ખૂબ ચાલી રહ્યું છે. એમાં રસમલાઈ ફ્લેવરની પસંદગી લોકોમાં વધારે જોવા મળી રહી છે. આ ટ્રેન્ડની પાછળનું કારણ વેસ્ટર્ન સંસ્કૃતિના પ્રભાવને દેશી ટચ સાથે જોડી યુવા પેઢીને આકર્ષિત કરવાનું હોઈ શકે છે જેથી પરંપરાગત મીઠાઈને નવો અવતાર આપી એને રીક્રીએટ કરી શકાય. જોકે કેટલીક વખત આ ફ્યુઝન મૂંઝવણ તરફ દોરી શકે છે. જો તમે સામગ્રીમાં બૅલૅન્સ ન કરી શકો તો. એટલે હું રસમલાઈ પણ ઘરે જ બનાવું છું જેથી કેકની મીઠાશ અને રસમલાઈની મીઠાશ માપસર બની રહે. ઘણા લોકો બહારથી રસમલાઈ લાવીને કેકમાં નાખતા
હોય છે ત્યારે યોગ્ય સ્વાદ આવતો નથી.’  

લોકો ચૉકલેટ કે ફ્રૂટ બેઝની એકને એક પ્રકારની કેક ખાઈને કંટાળી ગયા છે

વડોદરાનાં હોમ બેકર જાગૃતિ શાહ કહે છે, ‘દેશી સ્વીટ્સમાં ટ્વિસ્ટનો ટ્રેન્ડ આ ફ્યુઝન કેક દ્વારા છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહ્યો છે. એમાં પણ રસમલાઈ કેક વિથ રબડી ફ્રોસ્ટિંગ, એક ભારતીય મીઠાઈ ફ્યુઝન કેકનું ચલણ આજકાલ વધારે ચાલી રહ્યું છે. ગુજરાતના લોકોને પરંપરાગત મીઠાઈઓ ખાવાનો ઘણો શોખ છે પરંતુ તેઓ આવા પ્રયોગોને અપનાવતા અને આવકારતા હોય છે એનું આ વધુ એક ઉદાહરણ છે. મારા ખ્યાલ મુજબ આ કેકનો ટ્રેન્ડ એટલા માટે જામ્યો છે, કારણ કે લોકો ચૉકલેટ કે ફ્રૂટ બેઝની એકને એક પ્રકારની કેક ખાઈને કંટાળી ગયા છે. વળી ઘણાં ઘરમાં સેલિબ્રેશનમાં કોઈ સભ્ય મીઠાઈ તો કોઈ કેકનો આગ્રહ રાખતા હોય ત્યારે મીઠાઈ-કમ-કેક હોવાથી બન્નેની પસંદગી સચવાઈ જાય અને ઘરમાં ખુશીનો માહોલ રહે છે.’

ચિત્રવિચિત્ર ફ્યુઝન

રસમલાઈ કેક એ કંઈ નવું ફ્યુઝન નથી. આપણે ત્યાં એવી બીજી ઘણી વાનગીઓ છે જે એકમાં બીજી ભેળવીને બનાવાઈ છે. જેમ કે ગુલાબજાંબુનું શાક. ગુલાબજાંબુ એક મીઠાઈ છે પરંતુ રાજસ્થાનના જોધપુરમાં ગુલાબજાંબુના માવાના જાંબુને ચાસણીમાં નહીં ડુબાડીને તીખી ગ્રેવીમાં ડુબાડી દેવાય છે. બની ગયું ગુલાબજાંબુનું શાક. એવી જ રીતે પેંડા અને બરફીની વાત કરીએ તો ઘણી વખત ઘરમાં કોઈ પ્રસંગ કે તહેવાર હોય ત્યારે મીઠાઈનો સ્ટૉક થઈ જતો હોય છે. તો આટલી બધી મીઠાઈઓનું કરવું શું? તો લો એમાં શું? દૂધને ઉકાળીને એની અંદર પેંડા અને બરફીનો ભૂકો નાખીને બનાવી દો માવા-બદામ કે માવા-મલાઈ આઇસક્રીમ. વળી ચૉકલેટ પીત્ઝા, ચૉકલેટ મલાઈ ચીઝ ઢોસો, ચૉકલેટ પાણીપૂરી અને આઇસક્રીમ સૅન્ડવિચ વિશે તો સાંભળ્યું જ હશે અને ખાધાં જ હશે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK