Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડિપ્રેશન જેવો શબ્દ અમારા શબ્દકોશમાં નથી

ડિપ્રેશન જેવો શબ્દ અમારા શબ્દકોશમાં નથી

08 July, 2020 10:14 PM IST | Mumbai
Varsha Chitalia

ડિપ્રેશન જેવો શબ્દ અમારા શબ્દકોશમાં નથી

ડિપ્રેશન શબ્દ આજની પેઢીને ભરખી રહ્યો છે જ્યારે જીવનની સમી સંધ્યાએ પહોંચેલા વડીલોમાં આજે પણ જીવવાની પ્રબળ જિજીવિષા જોવા મળે છે.

ડિપ્રેશન શબ્દ આજની પેઢીને ભરખી રહ્યો છે જ્યારે જીવનની સમી સંધ્યાએ પહોંચેલા વડીલોમાં આજે પણ જીવવાની પ્રબળ જિજીવિષા જોવા મળે છે.


સ્ટડી પ્રેશર, કરીઅર, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, બેરોજગારી જેવાં અઢળક ટેન્શનોને માથે લઈ ફરનારી યુવા પેઢી જલદી ડિપ્રેસ્ડ થઈ જાય છે અને કેટલાક કેસમાં આત્મહત્યા જેવું પગલું ભરી જીવન ટૂંકાવી દે છે. છાશવારે આવી ઘટનાઓ અખબારોમાં ચમકતી રહે છે. ડિપ્રેશન શબ્દ આજની પેઢીને ભરખી રહ્યો છે જ્યારે જીવનની સમી સંધ્યાએ પહોંચેલા વડીલોમાં આજે પણ જીવવાની પ્રબળ જિજીવિષા જોવા મળે છે. બહારના માહોલની તેમના મગજ પર વિપરીત અસર થતી નથી. તો શું આપણાં દાદા-દાદીઓએ ક્યારેય સ્ટ્રેસ અનુભવ્યું નહીં હોય? જીવનના અનેક ચડાવ-ઉતાર અને તડકા-છાંયડા જોઈ ચૂકેલા વડીલો યુવાનોને ઠપકો આપવાની સાથે દિલ ખોલીને કરે છે તેમના સંઘર્ષ તેમ જ આજપર્યંત પૉઝિટિવ રહી શકવાનાં કારણોની વાત

જીવનની સદીની નજીક પહોંચ્યા બાદ થયું હવે ઘણું જીવી લીધું - નિર્મલા મર્ચન્ટ, મલાડ



માત્ર ૧૪ વર્ષની વયે પરણીને સાસરે આવેલાં મલાડનાં ૯૬ વર્ષનાં દાદીમા નિર્મલા અરવિંદ મર્ચન્ટનું સમસ્ત જીવન પોતાનાં છ સંતાનો ઉપરાંત નણંદ તેમ જ માસીજીનાં બાળકોને ઉછેરવામાં વીતી ગયું. એમ સમજો કે ઘરમાં બાળકોની ફોજ હતી. આખો દિવસ રાંધવામાં જતો. પારકાનાં બાળકોને પણ એટલાં જ પ્રેમથી ઉછેર્યાં. તેમના પતિ અરવિંદભાઈની જોગેશ્વરીમાં ટ્યુબલાઇટ બનાવવાની ફૅક્ટરી હતી. આર્થિક તકલીફો આવ-જા કરતી. કોઈ પણ સંજોગોમાં સંયમ અને ધીરજ રાખી તેમણે પોતાની જાતને સંભાળીને રાખી. જીવનસંસારની ગાડી ઠિચૂક-ઠિચૂક ચાલતી હતી ત્યાં પંદરેક વર્ષના યુવાન પુત્રનું મૃત્યુ થયું. આ પહેલો આઘાત હતો. સાસુ-સસરા, સાથે રહેતી નણંદ અને પછી હસબન્ડ એમ એક પછી એક બધાં જતાં રહ્યાં. જીવનની ઘણી તડકી-છાંયડી જોઈ ચૂકેલાં નિર્મલાબહેન કુટુંબની કરોડરજ્જુ બનીને જીવ્યાં. ગળગળા સ્વરમાં વાત કરતાં તેઓ કહે છે, ‘તેમનો (પતિનો) મારામાં જીવ હતો. તેમના અવસાન પછી અંદરથી કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. તેમ છતાં સહન કરી લીધું. મોટી માંદગી હજી સુધી આવી નથી, પણ સુવાવડમાં જાતે
કપડાં-વાસણ કર્યાં હતાં એમાં શરીર ધોવાઈ ગયું. હમણાં સુધી તમામ કામો જાતે કરતી હતી. છેલ્લા છ-આઠ મહિનાથી શરીર જવાબ આપવા લાગ્યું હોવાથી એમ થાય છે કે ઘણું જીવી લીધું, હવે ભગવાન બોલાવી લે તો સારું. જીવનની સદીની નજીક પહોંચ્યા બાદ આવો વિચાર આવે એમાં કશું ખોટું નથી, પરંતુ આજની પેઢી જે રીતે જીવન ટૂંકાવી દે છે એ અસહ્ય છે. તેઓ જેને સ્ટ્રગલ કહે છે વાસ્તવમાં સંઘર્ષની આ પરિભાષા નથી. તેઓ જલદી થાકી જાય છે એ જોઈને નવાઈ લાગે છે. નવી પેઢીને એટલું જ કહેવાનું કે સૌથી પહેલાં તમારી અંદરના ગુસ્સા અને આક્રમકતાને દબાવતાં શીખો. આટલું કરી શકશો તો મનમાં ખોટા વિચારો નહીં આવે.’


સંન્યાસી બનવાનો વિચાર આવ્યો, પણ મમ્મીનું
મોઢું જોઈ માંડી વાળ્યું - ચંદ્રકાન્ત દોશી, ભાયંદર

કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પંદરમા વર્ષે ભણવાનું છોડી કમાવા નીકળી જવું પડ્યું. ત્રીસ વર્ષની ઉંમર સુધી નોકરી અને નાના-મોટા ધંધામાં હાથ આજમાવી જોયો તોય કંઈ વળ્યું નહીં. એ જમાનામાં સામાન્ય રીતે લગ્ન જલદી થઈ જતાં, પણ બે પાંદડે થવામાં મહેનત બહુ કરવી પડી એમાં તેમનાં લગ્ન ઘણાં મોડાં થયાં. નસીબમાં સાંસારિક જીવનનું સુખ લખાયું જ નહોતું એમ જણાવતાં ૭૭ વર્ષના ચંદ્રકાન્ત દોશી કહે છે, ‘આજની જનરેશન પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી જે રીતે ડિપ્રેશનમાં આવી જાય છે એવું જ મારી સાથે બન્યું હતું. ફૅક્ટરીમાં સાથે કામ કરતી એક મરાઠી છોકરી સાથે પ્રેમ થઈ ગયો. એક તો જ્ઞાતિ જુદી ને ઉંમરમાં ખાસ્સો તફાવત. જમાના પ્રમાણે બન્નેના કુટુંબને વાંધો પડ્યો એટલે સાથ છૂટી ગયો. પ્રેમભગ્ન થયા બાદ સતત સંન્યાસ લેવાનો વિચાર આવતો હતો. મમ્મીનું મોઢું જોઈ આખરે બે વર્ષ બાદ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાં. નસીબ જુઓ કે પાંચ વર્ષ સુધી સંતાનસુખ પ્રાપ્ત ન થયું. ત્યાર બાદ બે બાળકો થયાં ત્યાં છ વર્ષની દીકરી ને ત્રણ વર્ષના દીકરાને ઉછેરવાની જવાબદારી મારા માથે મૂકી પત્ની અવસાન પામી. ઘર અને ધંધા વચ્ચે જીવન અથડાયા કર્યું. પરિવારના દબાણને વશ થઈ બીજી વાર લગ્ન કરવા પડ્યાં. જોકે પત્ની સારી મળી. બન્ને સંતાનોને સારા સંસ્કારો સાથે ઉછેરી તે પણ ભગવાનના ઘરે ચાલી ગઈ. આ સમય દરમ્યાન નાના ભાઈ જિતુનો ખૂબ સાથ મળ્યો. એમ સમજો કે તેણે મને જિવાડી દીધો. પછી તો દીકરીને પરણાવી એટલું જ નહીં, તેની સુવાવડ પણ જાતે કરી. આજના યુવાનોને જો આટલું સહન કરવાનું આવે તો શું થાય? નિરાશા અને દેખાદેખીમાં તેઓ વ્યસનના રવાડે ચડી રહ્યા છે. તેમને એટલું જ કહેવાનું કે ખોટો નિર્ણય લેતાં પહેલાં પેરન્ટ્સનો વિચાર કરજો. સંઘર્ષ વિના જીવન શક્ય નથી અને વ્યસન કોઈ સમસ્યાનો ઉકેલ નથી.’


ભાઈબંધોની હૂંફ અને વાંચનની ટેવના લીધે મગજમાં ખોટા વિચારો નથી આવ્યા - જમનાદાસ વેદ, ઘાટકોપર

નેવું વર્ષની ઉંમરે હું લાકડીના ટેકે બગીચામાં આંટો મારવા જઈ શકું તો તમે ઊબડખાબડ રસ્તા પર કેમ ન ચાલી શકો? યુવાનોને ઠપકારતાં જમનાદાસ વેદ કહે છે, ‘ઠ્ઠઠામશ્કરી કરવા મિત્રો બનાવવામાં આજની પેઢી જબરી છે, પણ સાચા મિત્રો કેટલા? જેમની પાસે હૈયું ઠાલવી શકો એવા મિત્રોનો સંગાથ હોય તો સંઘર્ષ સરળ થઈ જાય. જો ન બનાવી શકો તો પુસ્તક સાથે મિત્રતા કરો. એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે. વાંચનના લીધે મગજમાં આડાઆવળા વિચારો આવતા નથી. આ મારો સ્વઅનુભવ છે. જીવનમાં સંકટો તો આવે ને જાય. ક્યારેક માર્ગ સીધો હોય તો ક્યારેક ઠોકર પણ વાગે. આપણે ઊભા થવાનું છે, હારવાનું નથી. હું ક્યારેય મારી જાતને માંદો માનતો નથી. દરેક પરિસ્થિતિમાં મારી જીવવાની જિજીવિષા પ્રબળ રહી છે. આવી સલાહ આપું છું તો એમ ન સમજતા કે મારું જીવન સરળ હતું. ૫૩ વર્ષની વયે હૃદયનો હુમલો આવ્યો હતો. એ વખતે વિજ્ઞાન આટલું આગળ વધ્યું નહોતું. ઘરમાં બધા ગભરાઈ ગયા. બન્ને દીકરા અને પત્નીની ઇચ્છાને માન આપી નિવૃત્તિ લઈ લીધી. જોકે શરીર અને મગજ પાસેથી કામ ન લઈએ તો કાટ ખાઈ જાય એટલે નજીકમાં જ નામું (અંગ્રેજીમાં અકાઉન્ટ્સ) લખવા જતો. આ દરમ્યાન પત્નીને કૅન્સર આવ્યું. તેને બચાવવા સંઘર્ષ કર્યો. પત્નીના અવસાન બાદ ખાલીપો ભરવા બગીચામાં ચાલવા જતો. ત્યાં અણીના સમયે સાંકળ જેવા ભાઈબંધ મળ્યા. માતા-પિતા અને પત્નીની સેવા ફરજનો એક ભાગ છે. એને હું સંઘર્ષ નથી માનતો, પણ પોતાનાથી નાના હોય તેમનું અવસાન જોવું પડે ત્યારે ચોક્કસ ભાંગી પડાય. અમે સાત ભાઈ-બહેનમાં હું સૌથી મોટો. મારાં ત્રણ નાનાં ભાઈ અને એક બહેનને ગુમાવીને સ્વસ્થ રહેવાનો પ્રયાસ કર્યો છે. નસીબજોગે આર્થિક સંઘર્ષ ઓછો કરવો પડ્યો છે.’

ધંધામાં ખોટ જાય ત્યારે મરવા કરતાં દુશ્મન
સાથે વાત કરો - અશ્વિન કોઠારી, ઘાટકોપર

વ્યવસાયમાં હતાશ થઈ ગયેલા અનેક યુવાનો આત્મહત્યાનો માર્ગ અપનાવે છે એ જોઈ ઘાટકોપરના ૭૨ વર્ષના અશ્વિન કોઠારી અસ્વસ્થ થઈ જાય છે. પોતાની આપવીતી અને વ્યવસાયમાં આવેલી મુસીબતો સામે કઈ રીતે ટક્કર લીધી હતી એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ બિઝનેસમાં રસ પડ્યો. એ વખતે પૈસાની ખૂબ ખેંચ હતી. અંધેરીથી મુંબઈ જવા માટે ખિસ્સામાં પાંચ રૂપિયા લઈને નીકળતો. રાત્રે ઘરે પાછા ફરો ત્યારે પણ આ પાંચ રૂપિયા અકબંધ રહેવા જોઈએ જેથી બીજા દિવસે ફરી એ નોટ લઈને નીકળી શકાય. આ ચૅલેન્જિંગ હતું. પૈસા બચાવવા બધે ચાલીને જતો. બિઝનેસ સેટ કર્યો, પરંતુ ખોટ થઈ. માથા પર દેવું થઈ ગયું. પૈસાની ચુકવણી કરવાની ચિંતામાં રાતની ઊંઘ ઊડી ગઈ. એક દિવસ હિંમત કરી લેણદારો સામે બેસી ગયો. તેમને કહ્યું, જો હું મરી જઈશ તો તમારા પૈસા આમેય ડૂબી જવાના છે એના કરતાં મને સમય આપો. મારા સંઘર્ષના એ દિવસોમાં ફૅમિલી મેમ્બરોની સાથે દુશ્મનોએ પણ જીવવાની મકસદ આપી હતી. સામાજિક જવાબદારીનો સંઘર્ષમય સમય મોટાભાઈના મૃત્યુ બાદ શરૂ થયો. શરૂઆતથી પૈસા કમાવા સિવાય કોઈ બાબતમાં રસ નહીં એટલે કંઈ ગતાગમ પડે નહીં. આર્થિક સ્થિતિ હજી થાળે પડી નહોતી. સોશ્યલી ઍક્ટિવ ન હોવું એ પણ ખરાબ કહેવાય એનો અહેસાસ થયો. બધી બાજુથી ઘેરાયેલા હોઈએ એટલે નેગેટિવ થૉટ્સ આવ્યા વિના ન રહે. મારી પત્નીએ પોતાના દાગીના ધરી દીધા. તેનું આ ઋણ તો હું સાત જન્મમાં ચૂકવી નહીં શકું. ગમે તેટલા કપરા સમયમાં એક બારી ખુલ્લી હોય છે એવો દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા હશે તો જ ટકી જવાય છે. યુવાપેઢીએ મેન્ટલ ટફનેસ પર ફોકસ કરવાની જરૂર છે. જીવનમાં માત્ર બે વ્યક્તિ એવી રાખો જે તમને વિપરીત સંજોગોમાં માનસિક રીતે ટકાવી શકે.’

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 10:14 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK