Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘરકામમાં કદમથી કદમ મિલાવ્યા છે આ પુરુષોએ

ઘરકામમાં કદમથી કદમ મિલાવ્યા છે આ પુરુષોએ

02 November, 2020 10:40 PM IST |
Bhakti Desai

ઘરકામમાં કદમથી કદમ મિલાવ્યા છે આ પુરુષોએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. રાધર, ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે...

સમય જેમ-જેમ આગળ વધે છે
તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે. આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે ૭૦-૮૦ વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે ‍જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે. લૉકડાઉનમાં તો વખાના માર્યા ઘરનું કામ ઘણા પુરુષોએ કર્યું હશે, પણ આજે એવા પુરુષોને મળીએ જેમણે પહેલેથી જ ઘરનાં કામની કેટલીક જવાબદારીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ઉપાડી લીધી છે. ઘરનાં અમુક કામો માટે પરિવારમાં તેમને જ યાદ કરવામાં આવે છે અને સૌથી મહત્ત્વની વાત આ કામોથી તેમને સંતોષ અનુભવાય છે.



દર શનિ-રવિ સવારની ચાથી લઈ રસોઈ મારે જ બનાવવાની : રાજેશ કાપડિયા, રામવાડી


વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજેશ કાપડિયાનો વીકએન્ડ એક્સક્લુઝિવલી પરિવાર માટે હોય છે. તેઓ કહે છે, ‘પાંચ વર્ષ પહેલાં મારું ભારતની બહાર જવાનું નક્કી થયું હતું અને ત્યારે હું રસોઈ બનાવતાં શીખેલો. પછી તો મને એવી મજા આવી કે આ મારો શોખ બની ગયો. હું દરરોજ ચા અને નાસ્તો તો બનાવી જ લઉં છું. આ અરસા દરમ્યાન ઘણાં વ્યંજનો બનાવતાં શીખ્યો અને ત્યારથી જ દર શનિવાર અને રવિવારે હું સવારની ચાથી લઈ રસોઈ પણ બનાવું છું. હું વિવિધ વાનગીઓ બનાવું છું અને ખાસ તો મારી બિરયાની પણ સરસ બને છે. રસોઈ બનાવવા માટે જે પણ સામાન જોઈએ એ હું પોતે જ બજારમાંથી લઈને આવું છું. હવે મારો દીકરો પણ મને જોઈને બધાં કામ કરતાં શીખી રહ્યો છે અને મને ખુશી છે કે આવનારી પેઢી કોઈ પણ કામ કરવા માટે ના નહીં પાડે. હું જ્યારથી આ બધાં કામ કરું છું ત્યારથી મને પણ દરરોજના મારા વ્યાવસાયિક કામથી થોડોક બ્રેક મળે છે અને મારો તનાવ દૂર થાય છે સાથે જ પત્નીને પણ ઘરના રોજના કામમાંથી છુટકારો મળે છે. પુરુષોએ ઘરનાં કામની આદત રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ કામની ઓળખ સ્ત્રીના કામ અને પુરુષના કામ એવી નથી હોતી; કામ તો કામ જ હોય છે.’

બધાં બપોરે આરામ કરતાં હોય તો તેમને માટે ચા બનાવીને જગાડું : નયેશ શેઠ, બોરીવલી


બોરીવલીમાં રહેતાં નયેશ શેઠ પૅકેજિંગનું કામ કરે છે. તેઓ ઘરનાં કામમાં નિયમિત રીતે મદદ કરે છે. તેઓ કહે છે, ‘મારાં માતા-પિતા સાવરકુંડલા રહેતાં અને લગ્ન પહેલાં હું એકલો મુંબઈમાં રહેતો ત્યારથી જ મને કામ કરવાની આદત છે અને મેં હજી પણ એ રાખી છે. એક ગૃહિણી માટે ઘરનાં કામ એટલાં બધાં હોય છે કે એ ક્યારેય પૂરાં થતાં નથી. એવામાં બહારથી અઠવાડિયાનો સામાન લાવવો અથવા અન્ય કોઈ રસોડાનું નાનું-મોટું કામ કરવું આમાં તેમને મદદ કરું છું. મને ચા પીવાની આદત નથી, પણ પરિવારમાં બધાં બપોરે આરામ કરતાં હોય તો તેમને ક્યારેક ચા બનાવીને ચાથી ભરેલો કપ તેમની સામે મૂકીને જગાડું છું. ઘણી વાર આવી નાની બાબતથી પણ પત્ની અને બાળકોને ખૂબ આનંદ મળતો હોય છે અને પત્નીને એવું લાગે છે જાણે આખા દિવસનો તેનો બધો થાક ઊતરી ગયો. હું પાંઉભાજી અને અન્ય વ્યંજનો બનાવું છું. અલબત્ત, આ કામ દરરોજ નથી કરતો, પણ ક્યારેક જરૂર કરું છું. સ્ત્રીઓ માટે માનસિક રીતે ઘરની જવાબદારીથી મુક્ત રહેવું અથવા ઘરનાં કામનું દબાણ ઓછું થવું ખૂબ જરૂરી હોય છે. બસ, હું પણ એમાં જ મારું યોગદાન આપું છું.’

ઘરકામની બાબતમાં હું ખરા અર્થમાં સ્વાવલંબી છું : પંકજ શાહ, મલાડ

મને પહેલેથી જ ઘરનાં કામ કરવાના સંસ્કાર મારાં માતા-પિતાએ આપ્યા છે અને મેં ઘરના દરેક કામ કરવાની આદત પાડી છે એમ જણાવતાં અકાઉન્ટન્ટ પંકજ શાહ કહે છે, ‘હવેનો જમાનો ખૂબ અલગ છે. હું માટલું ભરવાથી લઈને દૂધ લાવવું, દૂધ ગરમ કરવું, ચા બનાવવી જેવા દરેક કામની જવાબદારી લઉં છું. મારા ઘરમાં મોટી ઉંમરનાં મારા માતા-પિતા પણ છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ પણ ઘરના કામનો જ એક હિસ્સો છે. હું દિવાળીમાં અમારું બે બેડરૂમ-હૉલ-કિચનનું ઘર પણ સાફ કરું છું. આપણે જે ઘરમાં રહીએ છીએ એમાં કામ કરવું એ ઘરના દરેક સભ્યની ફરજ છે. એક પુરુષ તરીકે મને આ વાતનો ગર્વ છે કે હું ખરા અર્થમાં સ્વાવલંબી છું. પુરુષોને ઘણી વાર એવી આદત હોય છે કે તેમને દરેક વસ્તુ હાથમાં મળે, પણ વાસ્તવમાં પોતાનાં કામ પોતે કરવાની મજા અને ઘરના સભ્યોને કામમાં મદદ કરવાનો સંતોષ અલગ જ હોય છે.’

શાકભાજી, કરિયાણું અને કંઈ પણ લાવવા-મૂકવાનું કામ તો મારું જ : પીયૂષ જોબલિયા, મીરા રોડ

મીરા રોડમાં રહેતા પીયૂષ જોબલિયા અહીં પુરુષોની ભૂમિકા વિશે કહે છે, ‘હું એક વેપારી છું અને રોજિંદા જીવનમાં મને એટલો સમય નથી મળતો કે હું મારી પત્નીને રસોડામાં મદદ કરું, પણ લૉકડાઉન દરમ્યાન મેં અમુક વ્યંજનો શીખ્યા છે. આ સિવાય છેલ્લાં અનેક વર્ષોથી બહારથી સામાન લાવવો જેમાં શાકભાજી, કરિયાણાનો સામાન, ઘરમાં ક્યારેક કંઈક ખૂટતું હોય અને અચાનક લાવવાની જરૂર પડે તો આ બધું ખરીદવું અને મારાં બાળકો માટેની કોઈ ખરીદી કરવી આ બધું જ હું સંભાળું છું. મને બે બાળકો છે અને મારો નિયમ છે કે રાત્રે સૂતાં પહેલાં તેમની સાથે અડધો કલાક વાતચીત કરું અને તેમની કૉલેજમાં, મિત્રવર્તુળમાં, તેમના શૈક્ષણિક જીવનમાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મેળવું. તેમના જીવનની કોઈ સમસ્યા હોય તો એને શાંતિથી સાંભળી તેમનું માર્ગદર્શન કરું. હું માનું છું કે માત્ર પૈસા કમાઈને ઘરમાં આપવા એ કંઈ દામ્પત્યજીવનની ફરજ નથી, એમાં જીવનની મજા નથી. એક પિતા અને પતિ તરીકે પરિવારની દરરોજની પ્રવૃત્તિઓમાં રસ લઈએ તો જ પરિવાર સાથે રહ્યાની ખુશી અનુભવાય.’

પત્નીને પડખે ઊભા રહીને ઘરની જવાબદારીમાં મદદ કરવી એ આ સમયની માગ છે : સંદીપ શાહ, કાંદિવલી

મહાવીરનગરમાં રહેતા ફાર્માસ્યુટિકલના વેપારી સંદીપ શાહ કહે છે, ‘મારા ઘરમાં મારાં માતા-પિતા, પત્ની અને દીકરો છે. બહારથી કોઈ સામાન લાવવો હોય તો એ કામ મારું. મારાં મમ્મી-પપ્પાની ઉંમર મોટી છે તેથી તેમનું કોઈ પણ કામ કરવાની જવાબદારી હું સંભાળું છું. મારો દીકરો કૉલેજમાં છે અને આજ સુધી તેના જીવનમાં શું ચાલી રહ્યું છે અને તેના ભણતર વિશે ધ્યાન રાખવાનું કામ હું કરી રહ્યો છું. હું ઘરનો મોટો દીકરો છું તેથી દરેક પ્રસંગમાં વહેવાર સાચવવાની જવાબદારી પણ સમય માગી લે એવી હોય છે, જે હું સંભાળું છું. મને એવું લાગે છે કે ગૃહસંસારની જવાબદારી મોટી હોય છે અને ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 10:40 PM IST | | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK