Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ આઠ વિમેન શેફને મળી અનોખી તક

આ આઠ વિમેન શેફને મળી અનોખી તક

26 October, 2020 08:35 PM IST | Mumbai
Pooja Sangani

આ આઠ વિમેન શેફને મળી અનોખી તક

આ ફેસ્ટિવલમાં અમદાવાદની આઠ વિમેન હોમ શેફને ચાન્સ આપવામાં આવ્યો છે જે ભારતના અલગ-અલગ રાજ્યની વાનગી પીરસી રહ્યા છે.

આ ફેસ્ટિવલમાં અમદાવાદની આઠ વિમેન હોમ શેફને ચાન્સ આપવામાં આવ્યો છે જે ભારતના અલગ-અલગ રાજ્યની વાનગી પીરસી રહ્યા છે.


અમદાવાદની એક રેસ્ટોરાંમાં વિવિધ રાજ્યની ખાસિયત પીરસવા માટે આઠ હોમ શેફને વીકએન્ડ માટે રેસ્ટોરાંના શેફ બનવાનો મોકો આપવામાં આવ્યો છે. ગુજરાતી ફૂડ તો બધા ખાતા જ હોય છે, પણ આ નવા કન્સેપ્ટ થકી ફૂડરસિયાઓને બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્રિયન, પંજાબી, માલવા/ઇન્દોરી, સિંધી, મારવાડી, આસામી એમ ભાતભાતની પરંપરાગત વાનગીઓનો લુત્ફ ઉઠાવવા મળશે..

food



અમદાવાદમાં એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે કે જ્યાં હોમ શેફ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ લોકોને આરોગવા મળશે. આ લૉકડાઉનમાં ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા છે અને લોકો બેરોજગાર થઈ ગયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટવાળાઓને ખાસ્સી નુકસાની વેઠવી પડી છે. એટલે હોમ શેફને આ ફેસ્ટિવલથી આર્થિક મદદ થાય, તેમને ઘરના રસોડેથી નીકળીને રેસ્ટોરન્ટના રસોડામાં વાનગી બનાવવાનો અનુભવ થાય, આત્મવિશ્વાસ વધે, કસ્ટમર મળે એ હેતુથી એક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેનું નામ છે ધ વીકએન્ડ વિથ હોમ શેફ. શહેરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હેરિટેજ હોટેલ ‘ધ હાઉસ ઑફ એમજી’ની રેસ્ટોરાં ‘ધ ગ્રીન હાઉસ’માં હોમ શેફને પોતાની કળા નિખારવાની તક આપતી સંસ્થા ફૂડ ઑન્ટ્રપ્રનર્સ અલાયન્સ દ્વારા સંયુક્ત રીતે આ ફૂડ-ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ ઑક્ટોબરે શરૂ થયેલા અને ૨૭ નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં આઠ વિમેન હોમ શેફને તક આપવામાં આવી છે.


food
આ ફેસ્ટિવલમાં અમદાવાદની આઠ વિમેન હોમ શેફને ચાન્સ આપવામાં આવ્યો છે જે ભારતના અલગ-અલગ રાજ્યની વાનગી પીરસી રહ્યા છે. આ હોમ શેફ અલગ-અલગ રાજ્યોના ઑથેન્ટિક ફૂડ રેસ્ટોરન્ટમાં જઈને દર શનિવારે અને રવિવારે બનાવે છે અને પછી આખા વીક દરમિયાન તેમણે બનાવેલી વાનગી તેમની પદ્ધતિ પ્રમાણે જ રેસ્ટોરન્ટના શેફ બનાવે છે અને લોકોને પીરસે છે. આવી રીતે આઠ સપ્તાહમાં આઠ રાજ્યોની વાનગીઓ આવશે. 

મોનાલી મહેતા
તેમણે બંગાળ અને ઓડિશાનાં અલગ-અલગ ગામ અને જગન્નાથ મંદિરમાં પીરસાતા છપ્પનભોગના પ્રસાદ થાળમાંથી વાનગીઓ સિલેક્ટ કરીને લસણ-કાંદાના ઉપયોગ વગરની થાળી બનાવી છે જેમાં વેજિટેબલ ચોપ સાથે કશુંદી (એક પ્રકારની વેજિટેબલ કટલેટ) + શિંગાડા (સમોસું) સાથે ચટણી, લુચી એટલે કે પૂરી, અલુર દમ (દમ આલૂ), ઘોકાર દાળના (ચોળાની દાળથી બનતી વાનગી), મીઠા દાલી (જગન્નાથ મંદિરમાં બનતી મીઠી દાળ),  બેસરા (ઓડિશામાં સરસિયાની પેસ્ટમાં બનતી મિક્સ શાકભાજી), સાદા ભાત, બસંતી પુલાવ (બંગાળનો સાંસ્કૃતિક પીળો ભાત), છેનાપોડા (ઓડિશાની સ્વીટ ડિશ), કોમોલા પાયેશ (બંગાળનું સંતરા ને દૂધથી બનતું પૂડિંગ), બેગૂંન ભાજા (રીંગણના ભુટામાંથી બનતી વાનગી),  ચાનર દાળના (પનીરમાંથી બનતી વાનગી) અને એની સાથે વિવિધ પાંચ પ્રકારના નાસ્તાના અને મિની મીલના કૉમ્બો તૈયાર કર્યા હતા.
એક ખાસ પ્રકારનો અનુભવ રહ્યો અને મને મજા આવી.


અંતરા બરુઆ 
આસામના ધીમજી ગામમાં જન્મેલાં, આઇઆઇટી મુંબઈમાંથી જિયોલૉજીમાં માસ્ટર્સ થયેલાં અંતરા બરુઆ હાલમાં અમદાવાદમાં ફૂડ ફોટોગ્રાફી અને ફૂડ સ્ટાઇલિંગનો બિઝનેસ કરે છે. તેઓ આસામ રાજ્યના વિવધ ખૂણાઓની પ્રખ્યાત વાનગીઓ જેમ કે સબંસીરીની માટી દાળ તડકા, બુકઘાટની આલૂ તરકારી, કોટન કૉલેજની સરસ્વતી પૂજાની ખીચડી, લાબરા ભાજી જેને આસામી લોકો લાબદા (મિક્સ વેજિટેબલ) કહે છે, બિલાહી તક (ટમેટાની ખાટી-મીઠી વાનગી) વગેરે વાનગીઓ રાજ્યની થાળીમાં પીરસશે.  તેઓ કહે છે, ‘હું લોકોને મારી ઓળખની સાથે મારા રાજ્ય (આસામ)ની વાનગીઓની ઓળખ આપવા સફળ બની શકીશ.’

શિવાંગી ખન્ના  
પંજાબી થાળીને નવરાત્રિના ઉપવાસ માટે સમૃદ્ધ સ્વાદ અને સ્વાદિષ્ટ વાનગીઓથી ક્યુરેટ કરી હતી. આ થાળીમાં કાકડી-ફુદીનાનું વેલકમ ડ્રિન્ક, ફરાળી ભેળ, ફ્રૂટ સ્ટિક, કાચા કેળાની કટલેટ, આલૂ ચાટ વિથ ગ્રીન અને આમલીની ચટણી, દહીંવાલે આલૂ, ફરાળી કઢી, મલાઈ પનીર, ફરાળી પૂરી, અરબી ભજિયા, મોરૈયા ફિરની, કોપરા લાડુ, પાન ઠંડાઈનો સમાવેશ થાય છે. આ સાથે બે મિની કૉમ્બો અને જૈન થાળી પીરસવામાં આવ્યા હતા.
કેવો રહ્યો અનુભવ?ઃ આજ સુધી ઘરના લોકો અને માતાજી માટે નવરાત્રિનો થાળ બનાવ્યો હતો. એથી ઘર કરતાં રેસ્ટોરન્ટનું રસોડું મને ખૂબ મોટું અને આકર્ષક લાગ્યું હતું. આ વાતાવરણમાં મને સ્વાદિષ્ટ અને વધુ ક્વૉન્ટિટીમાં વાનગીઓ બનાવવામાં ખૂબ મજા આવી.

ગીતિકા ખન્ના દુગ્ગલ
તેમણે માલવા/ઇન્દોરી ભોજનની થાળી જેમાં દાળ બાફલા, કચુંબર, ચોખા, ચટણી, મૂંગ ભજિયા, રતલામી સેવ, આલૂ-ટમાટર, લાડુ અને ઇન્દોરી આઇટમ્સમાં શાહી શિકંજી વેલકમ ડ્રિન્ક, સરાફા બજાર સે - ખોપરા પૅટીસ, ભુટ્ટોં કી કીસ, દહીં વડાં, ઇન્દોરી કચોરી ચાટ, ધૂધ જલેબી દશેરા સ્પેશ્યલ પ્રસ્તુત કર્યાં હતાં. ગીતિકા કહે છે, ‘રેસ્ટોરાંના મોટા રસોડામાં કામ કરવું એ સંપૂર્ણપણે ડિફરન્ટ હતું. બીજું, ટીમમાં કઈ રીતે કામ કરવું અને વધારે વૉલ્યુમમાં રસોઈ બનાવવાની ટેક્નિક જાણવા મળી.

સોનલ માહુરકર
મૂળ મહારાષ્ટ્રનાં વતની અને ઇન્ટીરિયર ડિઝાઇનર એવાં સોનલ માહુરકર મહારાષ્ટ્રિયન થાળી અને કૉમ્બો પ્લૅટર લાવી રહ્યાં છે જેના મેનુમાં સોલ કઢી વેલકમ ડ્રિન્ક, પ્લૅટર્સમાં ઝુણકા / પીઠલ ભાખરી, ઠેચા, લસૂન નાળિયેર ચટણી, ડુંગળી થાલીપીઠ અને દહીં, ચટણી, મિસલ પાંઉ, સાબુદાણા ખીચડી અને દહીં છે. મહારાષ્ટ્રિયન થાળીમાં કોથંબીર વડી, શાક: મિસલ, બેસન, પાતળ ભાજી, મસાલા ભાત, મીઠાઈમાં પૂરણપોલી, કેસર ચોખા અને રોટલીમાં ભાખરી,  ચપાતી, પાપડનો સમાવેશ થાય છે. તેઓ કહે છે, ‘મને મહારાષ્ટ્રની વાનગી બનાવવાનો ખૂબ શોખ છે અને આશા છે કે આ ફેસ્ટિવલ થકી લોકોને ઑથેન્ટિક વાનગીઓનો અનુભવ કરાવી શકીશ.’

રીના મોહનોત
આ ફેસ્ટિવલમાં રીના મોહનોત મારવાડી વાનગીઓ પીરસશે જેમાં હળદરનું શાક, રસગુલ્લાની સબ્ઝી, ગુલાબજામુનની સબ્ઝી, ચોકી કી સબ્ઝી, ખોબા રોટી, રબરી કે ઘેવર, રબડી લાડુ, માવા કચોરી જેવી ભિન્ન વાનગીઓ સાથે થાળી અને કૉમ્બોમાં દાળબાટી અને મિની મિલ બનાવશે. રીનાબહેન જોધપુર રાજસ્થાનનાં છે. રીના કહે છે, ‘મારે નવા કસ્ટમરને મારો ઑથેન્ટિક રાજસ્થાની સ્વાદ ચાખડવો છે અને આ ફેસ્ટિવલથી મને આવી ઘણી તક મળશે એવી આશા છે.’

સપના દલવાણી
સપના દલવાણીના મેનુમાં સિંધી વાનગીઓ જેવી કે દાળ-પકવાન, દહીં-કોકી, રગડા પૅટીસ ડબલ (સિંધીમાં એને ચાપ છોલે ડબલ કહે છે), ફુદીનાની ચટણી અને આમલીની ચટણી સાથે કમળની દાંડીની ટિક્કી, કાળા ચાવલ, પનીર સબ્ઝી, મીઠી બુંદી, સિંધી પાપડનો સમાવેશ થાય છે. આ મેનુમાંથી બે મિની કૉમ્બો બનાવવામાં આવશે.
તેઓ કહે છે કે ‘મને ગુરુનાનક જયંતીના દિવસે એના અઠવાડિયા પહેલાં કડા પ્રસાદ બનવાનો લહાવો પણ સોંપવામાં આવ્યો છે. હું નાનપણથી રસોઈ શીખવા અને બનાવવા માટે ખૂબ આતુર રહેતી. મારાં ત્રણ બાળકો તેમની જિંદગીમાં સેટલ થઈ ગયાં છે. એટલે હવે રિટાયર્ડ જિંદગીમાં મારો રસોઈનો શોખ પૂરો કરું છું. આ ફેસ્ટિવલમાં ભાગ લઈ મને ઘણું શીખવા મળશે.’

મ્રિદુ પરીખ
એક સમયે ટીચર તરીકે કામ કરી ચૂકેલાં મ્રિદુ પરીખને કપડાં અને દાગીનાની ઇન્ડસ્ટ્રીનો અનુભવ પણ છે અને હાલમાં વીકએન્ડ દરમ્યાન સ્પેશ્યલ વાનગીઓનું કેટરિંગ પણ કરે છે. મૂળભૂત રીતે એક પંજાબી જૈન, માતાપિતા ગુજરાતમાં સ્થળાંતર થયા પછી ગુજરાતમાં ઉછેર થયો. તેઓ પંજાબના અમૃતસર અને લુધિયાણાની વાનગી પીરસશે જેમાં કોકોનટ ઠંડાઈ, કલામી વડે વિથ સૅલડ, આલૂ વડી, ભેં (કમળ કાકડી) કે કોફતે, મટર પનીર, આમળા વરિયાળી કઢી, દાળ કી રોટી, લછ્છા પરાઠા, ટિકી ટોસ્ટ અને પૅટીસ, કડા પ્રસાદ, શાહી ટુકડા વિથ મખાને કી રબડી, ખીચડી/અમૃતસરી પાપડનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 08:35 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK